હરિહરિહરિવાહન : બોધિસત્વ અવલોકિતેશ્વરનું વિશિષ્ટ મૂર્તિ સ્વરૂપ. શ્વેતવર્ણનું આ સ્વરૂપ ષડ્ભુજ છે. તેમના વાહનમાં સિંહ, ગરુડ અને વિષ્ણુને દર્શાવ્યા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેમના મસ્તકે જટામુકુટ અને શરીરે સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરેલાં હોય છે. જમણી બાજુના એક હાથમાં તથાગતનું સ્વરૂપ, બીજા હાથમાં અક્ષમાલા અને ત્રીજો હાથ વ્યાખ્યાન મુદ્રામાં હોય છે. ડાબી બાજુના હાથમાં દંડ, બીજા હાથમાં મૃગચર્મ અને ત્રીજા હાથમાં કમંડલ ધારણ કરેલ હોય છે. આ સ્વરૂપમાં સહુથી નીચે સિંહ, એના ઉપર ગરુડ અને એના ઉપર વિષ્ણુ અને એમના ઉપર અવલોકિતેશ્વરને બેઠેલા દર્શાવાયા છે. ભારતમાંથી આવા સ્વરૂપની કોઈ પ્રતિમા મળી નથી. આ મૂર્તિ સ્વરૂપ સ્પષ્ટતઃ હિંદુ ધર્મના રક્ષક દેવ વિષ્ણુ કરતાં અવલોકિતેશ્વર મહાન છે અને તે જગતનું રક્ષણ અને ધારણ-પોષણ કરે છે એવું બતાવવાનો આશય સ્પષ્ટ કરતું જણાય છે.

તિબેટમાંથી અવલોકિતેશ્વરની કેટલીક ધાતુપ્રતિમાઓ મળી છે. એમાં એકમાં ઉપરાઉપરી ત્રણ મુખ અને તેની ઉપર અમિતાભ ધ્યાની બુદ્ધને દર્શાવ્યા છે. એમાં મૂર્તિને સોળ હાથ છે. ચૌદ હાથમાં ઘંટા, વજ્ર જેવાં વિવિધ આયુધો છે. છેલ્લા બે હાથ પ્રમાણમાં ઘણા લાંબા છે, તેનાથી ધ્યાની બુદ્ધ અમિતાભને ધારણ કરેલા છે. બીજા એક સ્વરૂપમાં વીસ હાથ છે અને એક ઉપર બીજું મસ્તક અને તેના પર ધ્યાની બુદ્ધ અમિતાભને બેસાડેલા છે. આવાં સ્વરૂપો ધાર્મિક સર્વોપરિતા અથવા બ્રાહ્મણ ધર્મના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું કાર્ય. આ એક જ સ્વરૂપ કરે છે એમ સૂચવવાનું હોય એમ જણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ