હરિહર-2 (જ. 13મી સદીનો મધ્ય ભાગ) : શિવભક્તોનાં કાવ્યમય ચરિત્રો લખનાર મહાન કન્નડ સંતકવિ. તેમની માતાનું નામ શરવણી અને પિતાનું નામ મહાદેવ હતું. તેમની બહેન રુદ્રાણીનાં લગ્ન હમ્પીના મહાદેવ ભટ્ટ સાથે થયેલાં અને તેમનો પુત્ર રાઘવાંક હરિહર જેટલો જ પરમ ભક્ત કવિ અને તેમનો પટ્ટશિષ્ય હતો. આ સિવાય તેમના વિશે બીજી કોઈ અંગત હકીકત મળતી નથી.

જોકે હરિહર હમ્પીના શંકરદેવથી શરૂ થતી ગુરુપરંપરાના અનુયાયી મૈયાદેવના શિષ્ય હતા. તમામ શૈવ આગમો અને શાસ્ત્રોનું પરંપરાગત જ્ઞાન તેમને સંપૂર્ણપણે પ્રાપ્ત થયું હતું.

‘સંસાર વ્યામોહ નિરસન રગળે’, ‘પુષ્પ હગળે’, ‘પમ્પાશતક’ અને ‘રક્ષાશતક’ જેવી તેમની કૃતિઓમાં તેમના વિશેની અલ્પ માહિતી મળે છે. પદ્મરાજપુરાણ, ચેન્ના-બસવપુરાણ, ભૈરવેશ્વર કામદાકથાસૂત્ર રત્નાકરમાં પણ અમુક વિગત મળે છે.

ભગવાન પમ્પા વિરૂપાક્ષ તેમના અંગત દેવ હતા. બાળપણથી જ તે તેમના પરમ ભક્ત હતા. તેમની બુદ્ધિપ્રતિભાથી તેઓ હળેબીડના રાજા નરસિંહ બલ્લાળના દરબારી કવિ બનેલા; પરંતુ તેમણે રાજાની સ્તુતિ ગાવાને બદલે ભગવાન વિરૂપાક્ષનાં પદો રચ્યાં હતાં. તેમની ભક્તિની ઉત્કટતાથી પ્રભાવિત થઈને રાજાએ તેમને હમ્પીમાં અર્થાત્ વિજયનગરના વિરૂપાક્ષ મંદિરમાં રહી ભક્તિ કરવાની વ્યવસ્થા કરી આપી હતી, જ્યાં રહી તેમણે જીવનપર્યંત પ્રભુભક્તિ કરી હતી.

હરિહરને બસવેશ્વર આદિ શિવશરણો અને વચનસાહિત્યના સમૃદ્ધ વારસામાંથી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. તેમણે પોતાની રીતે એનો ઉપયોગ કર્યો. એમનામાંથી કન્નડ ભાષામાં ઉપનિષદ તરીકે ઓળખાતાં વચનો અને કાવ્યગ્રંથો રચ્યાં. નવા નવા વિષયો અને છંદોમાં રચનાઓ કરીને અનુગામી કવિઓ માટે છંદ અને શૈલીના નવા ચીલા પાડ્યા.

હરિહર ઊંચા પ્રકારના શિવભક્ત હતા. એમની બધી કૃતિઓમાં ભક્તિપૂર્ણ ઉત્સાહ અને એમનું જીવંત વ્યક્તિત્વ પ્રત્યક્ષ થાય છે. એમની રચનાઓ છે : ‘પમ્પાશતક’, ‘રક્ષાશતક’, ‘મુડિગેય અષ્ટક’, ‘ગિરિજાકલ્યાણ’ અને ‘શિવગણડ રગળેગળુ’. આમાંની પ્રથમ બે નાની કૃતિઓ છે, જેમાં તેમનાં આત્મકથનાત્મક શૈલીનાં સો સો પદ્ય છે. તે સૂચવે છે કે સંસારના ભારથી મુક્ત બનીને પરમભક્ત થવા તેમણે જીવન અર્પણ કર્યું હતું. તેમાં તેમણે પોતાના સાહિત્યના ધ્યેય અને વિષયો વિશેના પોતાના ખ્યાલો સ્પષ્ટપણે જાહેર કર્યા છે. પ્રથમ ત્રણ કૃતિઓ મુખ્યત્વે ભક્તિગીતો છે. તેમણે કન્નડ કવિતામાં નવી પરંપરા સ્થાપીને નવી અભિમુખતા જગાડી. પરિણામ સ્વરૂપ કેટલાક અનુગામી વીરશૈવ કવિઓ માટે તેમણે પાડેલો ચીલો એક આદર્શ બની રહ્યો.

‘ગિરિજાકલ્યાણ’ તેમની વિશિષ્ટતા ધરાવતી કૃતિ છે. તેમાં શિવપુરાણ અને સંસ્કૃત કાવ્યોમાં વર્ણવાયેલ શિવ-પાર્વતીનાં લગ્ન અને પૂર્વભૂમિકાની કથા મુખ્ય વિષયવસ્તુ બની છે. કન્નડમાં, ગિરિજાનો અર્થ ‘લગ્ન’ થતો હોવાથી શિવ સાથે ગિરજાનાં લગ્ન સાથે ‘ગિરિજાકલ્યાણ’ સમાપ્ત થાય છે અને શીર્ષક સૂચક બને છે. આમાં કવિએ પોતાની આગવી ગતિસ્ફૂર્તિ અને કાન્તિ દાખવી છે. પોતાની અસાધારણ પ્રતિભા સાથે ગિરિજાના ચિત્રણમાં કલ્પનાવલી અને પદાવલીની આગવી અભિવ્યક્તિ દ્વારા તેમણે માધુર્ય પ્રગટાવ્યું છે.

‘શિવગણડ રગળેગળુ’ શૈવસંતોનાં જીવનચરિત્રોનો ગ્રંથ છે. તે ‘રગળા’ સંખ્યામાં 120 હોવાનું મનાય છે. એ કદ અને કક્ષામાં ભારે ભિન્નતા ધરાવે છે. રગળે એક લયબદ્ધ છંદ છે. હરિહર પહેલા કવિ હતા, જેમણે તેમનાં કવિચરિત્રોમાં તેનો વ્યાપક ઉપયોગ કર્યો છે. એક ચરણ સંપૂર્ણ રગળે છંદમાં અને બીજું સંપૂર્ણ ગદ્યમાં લખીને એમણે ચંપૂલેખનની એક નવી રચના-રીતિને જન્મ આપ્યો. ‘બસવરાજ રગળે’ તેમના રગળાઓમાં શ્રેષ્ઠ કૃતિ છે. કન્નડ કવિતામાં તેમણે ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ કૃતિમાં તેમણે વીરશિવ સંત બસવેશ્વરના જીવન અને વ્યક્તિત્વની ઊંડી છાપ વિકસાવી છે.

અલ્લમપ્રભુનું ચરિત્ર પહેલી વાર આપનાર હરિહર હતા. તેમાં તેમનું રગળે સ્વરૂપ ધસમસતા પૂરની જેમ અત્યંત વેગથી ગતિ કરે છે. આમ તેમણે હિંમતપૂર્વક માત્ર વિદ્વાનો અને રાજદરબાર માટે ‘ચંપૂ’ શૈલીમાં રચાતાં કાવ્યોની જૂની પરંપરા તોડીને નવી પરંપરામાં જનસામાન્યને સ્વીકાર્ય એવી દેશી શૈલી અપનાવી. ‘રગળે’ તરીકે ઓળખાતી શૈલીમાં નિરંતર વહેતા નવા પ્રકાર સાથે લોકભાષામાં ભક્તિગીતો રચીને તેમણે કન્નડ ભક્તિગીતોમાં ક્રાંતિ આણી છે.

જયન્ત પ્રે. ઠાકર

બળદેવભાઈ કનીજિયા