હરિવર્મા (મૌખરિ) : કનોજ(કાન્યકુબ્જ)ના મૌખરિ વંશનો સ્થાપક. ગુપ્ત સામ્રાજ્યના વિઘટન પછી ઉત્તર ભારતમાં જે કેટલાંક સ્વતંત્ર રાજ્યો સ્થપાયાં એમાં મૌખરિઓનું કનોજ રાજ્ય પણ હતું. મૌખરિઓનું કુળ ઘણું પ્રાચીન હતું. તેઓનો મૂળ પ્રદેશ મધ્ય પંજાબ હતો; પરંતુ સમય જતાં તેઓ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આગળ વધ્યા. ઈસુની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં યજ્ઞવર્મા, શાર્દૂલવર્મા અને અનંતવર્મા નામના રાજાઓ ગુપ્ત સમ્રાટોના સામંત હતા એવી માહિતી બિહારના ગયા જિલ્લામાંથી મળેલા ત્રણ અભિલેખોમાંથી મળે છે.
એ સમયે મૌખરિઓનું એક બીજું રાજ્ય કનોજમાં હતું એવી માહિતી કેટલીક પ્રાચીન રાજમુદ્રાઓ અને અભિલેખોમાંથી મળે છે. આ સાધનોમાં આ મૌખરિ વંશના પ્રથમ ત્રણ રાજાઓ અનુક્રમે હરિવર્મા, આદિત્યવર્મા અને ઈશ્વરવર્માનો ‘મહારાજ’ તરીકે; જ્યારે એમની પછીના રાજાઓ અનુક્રમે ઈશાનવર્મા, સર્વવર્મા અને અવન્તિવર્માનો ‘મહારાજાધિરાજ’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પરથી એમ કહી શકાય કે પ્રથમ ત્રણ રાજાઓનું રાજ્ય નાનું હશે અને ઈશાનવર્માએ પોતાના વિજયો દ્વારા આ રાજ્યને સામ્રાજ્યમાં ફેરવ્યું હશે. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આ જ મૌખરિ વંશનો પ્રતાપી રાજા ગ્રહવર્મા કનોજમાં રાજ્ય કરતો હતો.
આમ, હરિવર્મા કનોજના મૌખરિ રાજવંશનો સ્થાપક અને પ્રથમ રાજા હતો. તે શક્તિશાળી હોવાથી તેણે ગુપ્ત સામ્રાજ્યથી અલગ થઈને સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. હરિવર્માનો ચોક્કસ રાજ્યકાલ જાણવા મળતો નથી; પરંતુ ઈસુની પાંચમી સદીના અંતમાં અથવા છઠ્ઠી સદીની શરૂઆતમાં કનોજમાં રહીને એણે રાજ્ય કર્યું હશે એમ ઉપલબ્ધ ઐતિહાસિક સાધનોના આધારે માનવામાં આવે છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી