હરિવંશપુરાણ (ધવલકૃત) : અપભ્રંશ ભાષામાં લખાયેલો ગ્રંથ. અપભ્રંશ ભાષામાં ‘હરિવંશપુરાણ’ અનેક છે. દિગમ્બર જૈન કવિ ધવલે પણ ‘હરિવંશપુરાણ’ રચ્યું છે. તેમાં મહાભારતની કથાની સાથે સાથે મહાવીર તથા નેમિનાથ એ બે તીર્થંકરોનાં ચરિત્રો આલેખેલાં છે. કવિના પિતાનું નામ સૂર હતું, જ્યારે માતાનું નામ કેસુલ્લ હતું. અંબસેન તેમના ગુરુ હતા. કવિ મૂળ બ્રાહ્મણ હતા. પછીથી દિગંબર જૈન થયેલા. તે એક પ્રતિભાશાળી કવિ હતા. તેમના આ ગ્રંથમાં તેમણે રવિષેણના પદ્મચરિત્ર સાથે મહાસેનની સુલોચનાકથાનો ઉલ્લેખ કર્યો છે.
ગ્રંથના પ્રારંભમાં અનેક કવિઓ અને તેમનાં કાવ્યોનો ઉલ્લેખ કરેલો છે. તેમાં અસગ સિવાયના બધા 9મા શતકમાં કે તે પહેલાં થઈ ગયા છે. કવિ અસગે પોતાનું ‘વીરચરિત’ શક 910(ઈ. સ. 988)માં રચેલું. આથી આ પુરાણ 10મા–11મા શતકનું ગણાય. તે 122 સંધિઓમાં વહેંચાયેલું છે અને તેમાં કુલ 18,000 પદ્યો આવેલાં છે. સંધિઓમાં કડવકોની સંખ્યા ઓછી-વધતી રહી છે. 7મી સંધિમાં 21 કડવકો છે જ્યારે 111મી સંધિમાં માત્ર 4 જ કડવકો છે. દરેક સંધિના અન્તિમ ધત્તામાં ‘ધવલ’ શબ્દ યોજ્યો છે. પ્રાય: દરેક સંધિના અન્તમાં ‘ભાષાવર્ણ્ણ:’, ‘પંચમવર્ણ્ણ:’, ‘માલવેસિકાવર્ણ્ણ:’, ‘કૌહવર્ણ્ણ:’ ઇત્યાદિ શબ્દોનો પ્રયોગ કર્યો છે. આવા શબ્દોમાં ‘મંગલપંચ’, ‘ટકાર’, ‘પંચમ’, ‘હિન્દોલિકા’, ‘વકાર’, ‘કોલાહ’ આદિનો પ્રયોગ પણ મળે છે.
કથા તો સ્વયંભૂ આદિમાં છે તેવી જ છે. સુન્દર અલંકૃત ભાષામાં અનેક કાવ્યમય વર્ણનો આપ્યાં છે. ભૌગોલિક વર્ણનો સામાન્ય કોટિનાં લાગે છે, છતાં તેમાં નવીનતા પણ સ્પષ્ટ જણાય છે. પ્રકૃતિવર્ણનો પણ ઠેર ઠેર છે. શૃંગાર, વીર, કરુણ અને શાન્ત રસની નિષ્પત્તિ સરસ રીતે થઈ છે. યુદ્ધવર્ણનો સજીવ છે. એવે સ્થળે છન્દપરિવર્તન દ્વારા શસ્ત્રો અને સૈનિકોનાં ગતિપરિવર્તન વ્યંજિત થાય છે. અનુરણનાત્મક શબ્દો પણ ઠીક પ્રમાણમાં પ્રયોજાયા છે. કંસવધ પ્રસંગે કરુણ રસની અભિવ્યંજના સરસ થઈ છે; કંસવધ પછીનો પરિજનોનો કરુણ વિલાપ અસરકારક બની શક્યો છે. પ્રસંગ આવ્યે સંસારની નશ્વરતાનું આલેખન પણ સુંદર શબ્દોમાં કરાયું છે. સામાન્ય છન્દો ઉપરાંત નાગિની, સોમરાજિ, જાતિ અને વિલાસિની જેવા છન્દો પણ પ્રયોજાયા છે. ચોપાઈ પણ મળે છે. કડવકોના અન્તે મૂકેલ ધત્તામાં સામાન્ય રીતે દોહાછન્દ નથી મૂક્યો, છતાં કોઈક વાર દોહામાં ધત્તા જણાય છે. આમ આ અપભ્રંશ પુરાણ મહત્વપૂર્ણ બની ગયું છે.
જયન્ત પ્રે. ઠાકર