હરિશ્ચન્દ્ર  : ઇક્ષ્વાકુ વંશનો પૌરાણિક રાજા. એ રાજા ત્રિશંકુ કે રાજા સત્યવ્રતનો પુત્ર હોવાનું કહેવાય છે. પહેલાં એના પુરોહિત તરીકે વિશ્વામિત્ર હતા. પછી એણે વશિષ્ઠને પોતાના પુરોહિત બનાવ્યા. આથી અપમાનિત થયેલા વિશ્વામિત્રે અનેક રીતે બદલો લેવા અંગેની કથાઓ પ્રચલિત છે. વિશ્વામિત્રને પ્રસન્ન કરવા હરિશ્ચન્દ્રે પોતાની સઘળી સંપત્તિ વિશ્વામિત્રને અર્પણ કરી દીધી છતાં વિશ્વામિત્ર સંતુષ્ટ થયા નહિ ત્યારે હરિશ્ચન્દ્રે પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતને એક વૃદ્ધ બ્રાહ્મણને વેચી દીધાં અને સ્વયં પણ સ્મશાનના ચાંડાલને હાથે વેચાયા. તેમ છતાં વિશ્વામિત્ર પ્રસન્ન થયા નહિ. એમણે માયા રચી રોહિતને સાપ કરડાવી મરણ પમાડ્યો. તારામતી પુત્રનું શબ લઈ સ્મશાન ગઈ ત્યાં રાજા હરિશ્ચન્દ્ર શબ દાહ પહેલાં કર વસૂલ કરતા હતા. હરિશ્ચંદ્રના આગ્રહથી જ્યારે તારામતી પોતે પહેરેલી સાડીનો અડધો ભાગ ફાડીને કર રૂપે કફન આફવા તૈયાર થઈ ત્યારે કથામાં જણાવ્યા મુજબ વિશ્વામિત્રે એ વખતે પ્રગટ થઈ પ્રસન્નતા વ્યક્ત કરી અને રોહિત પણ જીવિત થયો. બીજી એક કથા અનુસાર હરિશ્ચન્દ્રની દાનશીલતાની કસોટી કરવા ઇન્દ્રે વિશ્વામિત્રને પ્રેરિત કર્યા હતા, જેમાં રાજા હરિશ્ચન્દ્ર સત્યવાદી દાનશીલ રાજા તરીકે પુરવાર થયા.

પ્રવીણચંદ્ર પરીખ