હરિભદ્રસૂરિ (બારમી સદી) : બૃહદગચ્છના માનદેવસૂરિ અને એમના શિષ્ય જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઈ. સ. 1116(સંવત 1172)માં પાટણમાં સિદ્ધરાજના રાજ્યમાં આશાવર સોનીની વસતિમાં રહીને ‘બંધસ્વામિત્વ’ નામના ગ્રંથ પર 650 શ્લોક પ્રમાણે વૃત્તિ રચી છે. એ જ વર્ષમાં પાટણની આશાપુર વસતિમાં રહીને જિનવલ્લભસૂરિના ‘આગમિક વસ્તુવિચારસાર’ ગ્રંથ પર 850 શ્લોક-પ્રમાણ વૃત્તિ રચી છે. એ વર્ષમાં ‘મુનિપતિચરિત’ 652 ગાથામાં રચ્યું છે. તેમણે પ્રાકૃતમાં ‘શ્રેયાંસનાથચરિત’ 6584 ગાથામાં સિદ્ધરાજના અમલ દરમિયાન લખ્યું છે. તેમણે ઉમાસ્વાતિએ રચેલા ‘પ્રશમરતિપ્રકરણ ઉપર 1500 શ્લોક-પ્રમાણ વિવરણ પાટણમાં ભણશાળી ધવલના દીકરા યશોગાનના ઉપાશ્રયમાં રહીને ઈ. સ. 1129માં રચ્યું છે. વળી એ જ વર્ષમાં 500 શ્લોક-પ્રમાણ ‘ક્ષેત્રસમાસ-વૃત્તિ’ તથા ‘જંબૂદ્વીપસંગ્રહણી-વૃત્તિ’ની રચના પણ કરી છે.
જયકુમાર ર. શુક્લ