હરિભદ્રસૂરિ (વિરહાંક) : જૈન સાહિત્યના ટીકાલેખક, મહાન કવિ અને દાર્શનિક. તેઓ શ્વેતાંબર સંપ્રદાયના વિદ્યાધર ગચ્છના હતા. ગચ્છપતિ આચાર્યનું નામ જિનભદ્ર, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધર્મજનની સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. તેઓ ચિત્રકૂટ(ચિતોડ)ના સમર્થ બ્રાહ્મણ વિદ્વાન અને રાજપુરોહિત હતા. તેઓ ઈ. સ. 705થી 775ના સમયગાળામાં થયા હોવાનું મનાય છે.

તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ધર્મવિચાર અને દાર્શનિક વિષયના અનેક ઉત્તમોત્તમ અને ગંભીર તત્વપ્રતિપાદક ગ્રંથો રચ્યા છે. આ ગ્રંથોમાં જૈન, બૌદ્ધ, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અદ્વૈત, ચાર્વાક આદિ સર્વદર્શનો અને મતોની આલોચના-પ્રત્યાલોચના કરી છે. ભિન્ન ભિન્ન મતોના સિદ્ધાન્તોની વિવેચના કરતી વખતે પોતાના વિરોધી મતવાળા વિચારકોનો પણ ગૌરવપૂર્વક નામોલ્લેખ કર્યો છે. તેમને નામે જાણીતા 70થી વધુ ગ્રંથો છે.

હરિભદ્રે શ્વેતાંબર જૈન સાહિત્યને પૂર્ણતાની ઊંચી ટોચે પહોંચાડ્યું. એમના ગ્રંથોમાંના કેટલાક પ્રાકૃતમાં છે, પણ ઘણાખરા સંસ્કૃતમાં જ છે. હંસ અને પરમહંસ નામે પોતાના ભાણેજ શિષ્યોનો અકાળે વિરહ થવાથી તેમણે પોતાના ગ્રંથોને ‘વિરહ’ શબ્દથી અંકિત કર્યા છે. હરિભદ્રસૂરિએ 1440 કે 1444 બૌદ્ધોનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો હતો. તેના પ્રાયશ્ચિત્ત તરીકે ગુરુએ તેમને 1444 ગ્રંથો લખવા જણાવ્યું હતું. તેથી તેમણે 1444 કે 1400 પ્રકરણગ્રંથો લખ્યાનું કહેવાય છે, પણ તે તેમની કૃતિઓનાં જુદાં જુદાં પ્રકરણોનો સરવાળો હોય એમ લાગે છે. વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથોમાં વિશેષ પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અને પ્રૌઢ ગ્રંથો આ પ્રમાણે છે :

આગમો પરના પ્રાચીન ટીકાકારોમાં તેમની ગણના થાય છે. તેમની પહેલાં આગમો પરની ટીકાઓ પ્રાકૃતમાં હતી. હરિભદ્રસૂરિએ ‘આવશ્યક’, ‘દશવૈકાલિક’, ‘જીવાભિગમ’, ‘પ્રજ્ઞાપના’, ‘નન્દી’ અને ‘અનુયોગદ્વાર’ (અપૂર્ણ) પર સંસ્કૃતમાં, ટીકાઓ લખી છે. તેમાં કથાનકો અને ચૂર્ણિના અમુક ઉતારાઓને પ્રાકૃતમાં રહેવા દીધેલ છે.

‘એકાન્તવાદપ્રવેશ’, સ્વોપજ્ઞવૃત્તિસહિત ‘અનેકાન્તજયપતાકા’, ‘ષડ્દર્શનસમુચ્ચય’, ‘ધર્મબિંદુપ્રકરણ’ અને ‘ધર્મસંગ્રહણી’ એ હરિભદ્રસૂરિના દાર્શનિક ગ્રંથો છે. ‘વિંશતિવિંશિકા’, ‘શ્રાવકધર્મવિધિ’, ‘સમ્યક્ત્વસપ્તતિ’, ‘ષોડશકપ્રકરણ’, ‘પંચાશક’, ‘પંચવસ્તુ’, ‘સંબોધીપ્રકરણ’, ‘લગ્નશુદ્ધિ’, ‘લગ્નકુંડલિકા’ આદિ તેમના અન્ય ગ્રંથો છે.

‘ષડ્દર્શનસમુચ્ચય’ એ એમનો એક વિખ્યાત ગ્રંથ છે, જેમાં પ્રસિદ્ધ ભારતીય આસ્તિક દર્શનોની તટસ્થ મીમાંસા, રાગદ્વેષ વિના કર્યા પછી તેઓ સર્વ સમસ્યાઓનો ઉકેલ લાવનાર વાદ તરીકે અનેકાન્તવાદની પ્રસ્થાપના કરે છે. આ ઉપરાંત એમની પ્રાકૃત આગમ ગ્રંથો પરની સંસ્કૃત ટીકાઓ – અનુયોગદ્વારસૂત્ર, આવશ્યકસૂત્ર, દશવૈકાલિકસૂત્ર, નંદિસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર ઇત્યાદિ નોંધપાત્ર છે. ઉપરાંત ઉપદેશપદ, ધર્મબિન્દુ, ધર્મસંગ્રહણી, લઘુક્ષેત્ર-સમાસ, સંબોધપ્રકરણ જેવા અનેકાનેક પ્રકરણ-ગ્રંથો પ્રાકૃતમાં લખ્યા છે. એ પૈકી ‘સંબોધપ્રકરણ’માં તત્કાલીન જૈન સંઘની વાસ્તવિક સારીનરસી સ્થિતિનું સુરેખ પ્રતિબિંબ પાડેલું છે.

પ્રમાણની બાબતમાં જૈન સિદ્ધાન્તની સ્થાપનાને બદલે દિઙ્નાગકૃત ‘ન્યાયપ્રવેશસૂત્ર’ પર ટીકા લખીને જૈનોને બૌદ્ધ પ્રમાણશાસ્ત્રીઓના ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રેરણા કરી છે. ‘યોગબિન્દુ’, ‘યોગદૃષ્ટિસમુચ્ચય’, ‘યોગવિંશિકા’, ‘યોગશતક’ અને ‘ષોડશક’માં જૈન યોગસાહિત્યમાં તેમણે એક નવીન દિશા બતાવી છે.

હરિભદ્રસૂરિ મહાન સિદ્ધાન્તકાર અને દાર્શનિક વિચારક તો હતા જ; પણ તે ઉપરાંત તે મહાન કવિ પણ હતા. ‘ધૂર્તાખ્યાન’ અને ‘સમરાદિત્યકથા’માં તેમની કવિત્વશક્તિનો પરિચય મળે છે. કથાસાહિત્યના અનુપમ ભંડાર સમા ઉપદેશાત્મક ગ્રંથ ‘ઉપદેશપદ’માં જૈન ધર્મના ઉપદેશોને સરળ લૌકિક કથાઓ દ્વારા રજૂ કર્યા છે. ઉપરાંત ‘કથાકોષ’, ‘મણિપતિચરિત’, ‘યશોધરચરિત્ર’, ‘વીરાંગદકથા’ આદિ કેટલાક તેમના અનુપલબ્ધ ગ્રંથો છે.

હરિભદ્રસૂરિએ રચેલા આધ્યાત્મિક અને તાત્વિક ગ્રંથોનો સ્વાધ્યાય કરવાથી માલૂમ પડે છે કે તેઓ પ્રકૃતિથી અતિ સરળ, આકૃતિથી અતિ સૌમ્ય અને વૃત્તિથી અતિ ઉદાર હતા. તેમનો સ્વભાવ સર્વથા ગુણાનુરાગી હતો. જૈન ધર્મ ઉપર અનન્ય શ્રદ્ધા હોવા છતાં તથા તે ધર્મના પોતે મહાસમર્થક હોવા છતાં તેમનું હૃદય નિષ્પક્ષ હતું. સત્યનો આદર કરવા સદૈવ તત્પર રહેતા. હરિભદ્રસૂરિ જૈન શ્વેતાંબર સાહિત્યમાં એક યુગકાર ગણાયા છે. તેમની બહુશ્રુતતા, સર્વતોમુખી પ્રતિભા, મધ્યસ્થતા અને સમન્વયશક્તિનો પરિચય તેમના ગ્રંથોમાંથી યથાર્થ રીતે મળે છે. ભારતના સમુચિત ધર્માચાર્યોના પુણ્યશ્લોક ઇતિહાસમાં તેઓ એક ઉચ્ચ શ્રેણીમાં વિરાજમાન થવા યોગ્ય સંવિજ્ઞહૃદયી જૈનાચાર્ય હતા.

કાનજીભાઈ પટેલ

રામજીભાઈ ઠા. સાવલિયા