હરિભદ્રસૂરિ (બારમો સૈકો) : આચાર્ય શ્રી ચંદ્રસૂરિના શિષ્ય અને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વિશારદ કવિ. તેમણે મંત્રીશ્વર પૃથ્વીપાલની વિનંતિથી ચોવીસે તીર્થંકરોનાં ચરિત્રોની રચના દ્વારા જૈન વાઙમયની વિશિષ્ટ સેવા કરી છે. તેમણે પ્રાકૃતમાં રચેલાં ચરિત્રો પૈકી ‘ચંદપ્પહચરિય’, ‘મલ્લિનાહચરિય’ અને ‘નેમિનાહચરિય’ મળી આવે છે. એ ત્રણેયનું શ્લોક-પ્રમાણ 24,000 થાય છે. ‘નેમિનાહચરિય’ અણહિલવાડ પાટણમાં ઈ. સ. 1160માં રચ્યું છે. તેમાં ‘સણંકુમાર-ચરિઉ’નો ભાગ છે તે અપભ્રંશ ભાષામાં છે. કવિએ ચોવીસે તીર્થંકરોનાં ચરિત્ર કુમારપાલના અમલ દરમિયાન લખવાની શરૂઆત કરી હશે; પરંતુ ઉપર્યુક્ત ત્રણ ચરિત્રો સિવાય બાકીનાં ચરિત્ર અપ્રાપ્ય છે. ‘નેમિનાહચરિય’ના અંતે 19 ગાથાવાળી પ્રશસ્તિ આપી છે. આચાર્યે મંત્રી પૃથ્વીપાલની પ્રાર્થનાથી ગ્રંથની રચના કરી હતી. તેથી પોતાની ગુરુપરંપરાની સાથે પ્રેરક પૃથ્વીપાલના પૂર્વજોનો આછો પરિચય પણ તેમાં આપ્યો છે. મંત્રી પૃથ્વીપાલ જાણીતા દંડનાયક વિમલશાહ પોરવાડના વંશજ હતા. તેમાં આવેલો વનરાજનો ઉલ્લેખ તથા વિમલ મંત્રીની હકીકત સાહિત્યમાં સૌપ્રથમ ગણી શકાય. ઇતિહાસની દૃષ્ટિએ આ મંત્રી-વંશાવલીને ઘણી ઉપયોગી સામગ્રી માની શકાય.

જયકુમાર ર. શુક્લ