હરિત લીલ : લીલનો એક પ્રકાર. અર્વાચીન મત પ્રમાણે હરિત લીલને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) ક્લૉરોફાઇટા (ક્લૉરોફાઇકોફાઇટા) અને (2) કારોફાઇટા (કારોફાઇકોફાઇટા). ક્લૉરોફાઇટામાં લગભગ 20,000 જેટલી અને કારોફાઇટામાં 294 જાતિઓ નોંધાઈ છે.

નિવાસસ્થાન : મોટા ભાગની લીલ જલજ હોય છે, છતાં કેટલીક જાતિઓ ઉપહવાઈ (subaerial) છે. ઉપહવાઈ સ્વરૂપો સામાન્યત: ભેજવાળી પરિસ્થિતિમાં થાય છે અને મૃદા-વનસ્પતિસમૂહ(soil-flora)નું મહત્વનું ઘટક બનાવે છે. તે ભેજવાળા ખડકો, ભેખડો અને કાષ્ઠ ઉપર થાય છે. દરિયાઈ અપતૃણ (seaweed) જેવી ઘણી મોટી લીલ ઉપર અથવા પ્રોટોકૉકસ વૃક્ષની છાલ ઉપર અને કૉલીઓકીટી કમળ જેવી જલજ વનસ્પતિઓ પર પરરોહી (epiphytic) તરીકે થાય છે. જલજ સ્વરૂપો મુખ્યત્વે મીઠા પાણી(સ્થાયી કે વહેતા)માં થાય છે. તેઓ જોડાયેલી કે પ્લવકીય (planktonic) હોય છે. ગોત્ર – અલ્વેલ્સ અને કૉલેર્પેલ્સ(સાઇફાનેલ્સ)ની કેટલીક જાતિઓ દરિયાકિનારે ખડકો સાથે સામાન્ય રીતે ચોંટેલી હોય છે (દા. ત., અલ્વા, કૉલેર્પા). ક્લૉરેલાની કેટલીક જાતો ઉષ્મારાગી (thermophilic) હોય છે. તેઓ ગરમ પાણીમાં થાય છે. ક્લેમિડોમોનાસની જાતિઓ અને ક્લૉરોકૉકેલ્સની કેટલીક લીલ બરફમાં થાય છે. કૉલીઓકીટી નિટેલેરમ જેવી થોડીક જાતિઓ અંત:જીવી (endophytic) હોય છે. સિફેલ્યોરોસ(ગોત્ર – કીટોફોરેલ્સ, કુળ – ટ્રેન્ટેમોહલીએસી)ની જાતિઓ પરોપજીવી હોય છે. સિફેલ્યોરોસ વિરેસ્કેન્સ ઉત્તર ભારત અને આસામમાં ચાનાં પર્ણો ઉપર પરોપજીવી છે અને ‘રાતો ગેરુ’ નામનો રોગ લાગુ પાડી ચાના બગીચાઓને ગંભીર નુકસાન પહોંચાડે છે. સિ. પૅરેસાઇટિકા ચાને ‘નારંગી ગેરુ’નો અને દ્રાક્ષને ‘બદામી ગેરુ’નો રોગ લાગુ પાડે છે. સિ. કૉફીઈ કૉફીને ઘણું નુકસાન કરે છે. તે નીચલી કક્ષાનાં પ્રાણીઓના શરીર પર કે શરીરમાં અધિજંતુક્ત: (epizoic) કે અંતજંતુક્ત: (endozoic) સ્વરૂપે થાય છે. ક્લૉરેલા હાઇડ્રામાં થાય છે. કારેસિયમ મચ્છરના સ્પર્શકો પર થાય છે. હરિત લીલની થોડીક જાતિઓ ફૂગ સાથે સહજીવી (symbiont) તરીકે લાઇકેનનો સુકાય (thallus) રચે છે.

સુકાયનું સંગઠન : હરિત લીલ એકકોષી અથવા બહુકોષી હોય છે. ચલિત કશાધારી (flagellate) એકકોષી સુકાય ક્લેમિડોમોનાસમાં અને અચલિત કશાવિહીન એકકોષી સુકાય ક્લૉરેલામાં તથા બહુકોષી ચલિત કશાધારી વસાહતી સ્વરૂપ વૉલ્વોકસમાં અને અચલિત કશાવિહીન વસાહતી સ્વરૂપ પૅડિયેસ્ટ્રમ તથા હાઇડ્રૉડિક્ટિયોનમાં જોવા મળે છે. હરિત લીલ કેટલીક વાર નલિકામય (siphonaceous) કે સંકોષી (coenocytic) સુકાય ધરાવે છે; દા. ત., કારેસિયમ, ઍસિટેબ્યુલારિયા પ્રોટોસાઇફોન અને કૉર્લેપા. સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ અને ઇડોગોનિયમનો સુકાય બહુકોષી, અશાખિત અને તંતુમય હોય છે. શાખિત તંતુમય સુકાય બલ્બોકીટી અને ક્લૅડોફોરામાં જોવા મળે છે. કેટલીક હરિત લીલ વિષમસૂત્રી (heterotrichous) સુકાય ધરાવે છે. દા. ત., કૉલીઓકીટી, ડ્રૅપર્નાલ્ડીઆ. અલ્વાનો સુકાય પૃષ્ઠવક્ષીય (dorso-ventral) ચપટા પર્ણ જેવો હોય છે. કારા અને નાઇટેલાના સુકાય ઇક્વિસેટમ(ત્રિઅંગી વનસ્પતિ)ની જેમ ગાંઠ-આંતરગાંઠ ધરાવતા બહુ-અક્ષીય હોય છે અને ગાંઠના ભાગેથી પાર્શ્વશાખાઓ ઉદભવે છે.

કોષીય સંરચના : હરિત લીલનો કોષ સૌથી બહારની બાજુ કોષદીવાલ ધરાવે છે; જે જીવરસના સૂક્ષ્મ જથ્થાને ઘેરે છે. કોષીય સંરચના સુકોષકેન્દ્રી (eukaryotic) પ્રકારની હોય છે. કોષમાં આવેલું કોષકેન્દ્ર કોષકેન્દ્રપટલ, રંગતત્વજાલ, કોષકેન્દ્રિકા અને કોષકેન્દ્રરસ ધરાવે છે. કોષરસમાં વિવિધ પટલ-આવરિત (membrane bound) અંગિકાઓ જેવી કે કણાભસૂત્રો, હરિતકણો, અંત:રસજાલ, ડિક્ટિયોઝોમ વગેરે હોય છે.

આકૃતિ 1 : હરિત લીલમાં સુકાયનું સંગઠન : (અ) ક્લેમિડોમોનાસ; (આ) ક્લૉરેલા; (ઇ) વૉલ્વૉક્ષ; (ઈ) પૅડિયેસ્ટ્રમ; (ઉ) ઍસિટેબ્યુલારિયા, પ્રોટોસાઇફોન અને કૉર્લેપા; (ઊ) સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ અને ઇડોગોનિયમ; (ઋ) બલ્બોકીટી; (એ) અલ્વા; (ઐ) કૉલીઓકીટી અને ડ્રૅપર્નાલ્ડીઆ; (ઓ) કારા.

કોષદીવાલ : તે મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે. અપવાદ રૂપે સાઇફોનેલીસ ગોત્રમાં કૅલોઝ અને પૅક્ટિનની બનેલી હોય છે. કોષદીવાલનું બાહ્ય પડ પૅક્ટોઝનું બનેલું હોય છે; જેનો સ્રાવ જીવરસ દ્વારા થાય છે.

જીવરસ : જીવરસની ફરતે જીવંત અત્યંત પાતળો ચૂંટેલો પારગમ્ય પટલ (selectively permeable membrane) આવેલો હોય છે; જેને રસસ્તર (plasmamembrane) કહે છે. તે લિયોપ્રોટીનનું બનેલું હોય છે. રસસ્તરની અંદરની તરફ ઘટ્ટ અને કણિકામય કોષરસ આવેલો હોય છે. ઉચ્ચકક્ષાની હરિત લીલમાં કોષરસ મધ્યસ્થ મોટી કોષરસધાની(vacuole)ને આવરે છે. મધ્યસ્થ કોષરસધાનીને ફરતે રસધાનીપટલ (tonoplast) આવેલો હોય છે. વૉલ્વૉકેલીસ અને ક્લૉરોકોકેલીસ જેવાં વધારે સરળ સ્વરૂપોમાં કેટલીક નાની કોષરસધાનીઓ આવેલી હોય છે. તેઓમાં મધ્યસ્થ કોષરસધાની હોતી નથી. કેટલાકમાં આકુંચક રસધાની (contractile vacuole) જોવા મળે છે. તેઓ આસૃતિનિયમન (osmoregulation) દ્વારા વધારાના પાણીનું ઉત્સર્જન કરે છે.

આકૃતિ 2 : હરિતકણના વિવિધ આકારો : (અ) વૉલ્વૉકેલીસમાં પ્યાલાકાર હરિતકણ, (આ) યુલોથ્રિક્સમાં મેખલા (girdle) આકારનું હરિતકણ, (ઇ) સાઇફોનેલીસમાં બિંબાકાર હરિતકણ, (ઈ) ઇડોગોનિયમમાં જાલાકાર હરિતકણ, (ઉ) ડિબેર્યામાં પટ્ટી આકારનું હરિતકણ, (ઊ) સ્પાયરોગાયરામાં કુંતલાકાર હરિતકણ, (ઋ) ઝિગ્નિમામાં તારાકાર હરિતકણ, (એ) મૉગેશિયામાં અક્ષીય તકતી (axial plate) આકારનું હરિતકણ.

કોષરસમાં કણાભસૂત્રો, ડિક્ટિયોઝોમ, અંત:રસજાલ, રીબોઝોમ અને હરિતકણો જેવી પટલ-આવરિત અંગિકાઓ આવેલી હોય છે. હરિતકણોની સંખ્યા અને આકાર જુદા જુદા ગોત્રમાં વિભિન્નતાઓ દર્શાવે છે. તેઓ પ્યાલાકાર, બિંબાકાર, કુંતલાકાર, તારાકાર, જાલાકાર, ભિત્તીય (parietal) – એમ વિવિધ આકારના હોય છે. હરિતકણમાં ક્લૉરોફિલ a, b, ઝૅન્થોફિલ, b-કૅરોટિન ધરાવે છે. ઝૅન્થોફિલમાં વાયોલઝૅન્થિન, લ્યુટિન, નીઓઝૅન્થિન અને ઍસ્ટાઝૅન્થિન આવેલાં હોય છે. હરિતકણમાં ક્લૉરોફિલનું પ્રમાણ વધારે હોય છે. તેથી આ લીલનો રંગ ઘેરો લીલો હોય છે. સંગૃહીત ખોરાક પ્રોભૂજક (pyrenoid) નામની રચનામાં થાય છે. તેના મધ્યભાગમાં પ્રોટીન અને તેની ફરતે આવેલાં વર્તુળાકાર આવરણો સ્ટાર્ચનાં બનેલાં હોય છે.

હરિત લીલમાં ચલિત સ્વરૂપો કશા ધરાવે છે. તે સાદા ચાબુક (whiplach) જેવી હોય છે. કશા અને હરિતકણ સાથે ચળકતી લાલ કે બદામી રંગની રચના સંકળાયેલી હોય છે; જેને નેત્રબિંદુ (eye spot) કહે છે. તે કોષમાં પ્રકાશની તીવ્રતા પર નિયમન રાખે છે.

પ્રજનન : હરિત લીલમાં ત્રણ પદ્ધતિઓ દ્વારા પ્રજનન થાય છે : (1) વાનસ્પતિક (vegetative), (2) અલિંગી (asexual) અને (3) લિંગી (sexual).

1. વાનસ્પતિક પ્રજનન : આ પ્રકારનું પ્રજનન (1) કોષવિભાજન–દ્વિભાજન (fission), (2) અપખંડન (fragmentation) અને (3) નિશ્ચેષ્ટ બીજાણુ (akinete) દ્વારા થાય છે.

આકૃતિ 3 : ક્લેમિડોમોનાસના કોષની વીજાણુસૂક્ષ્મદર્શી રચના

દ્વિભાજન પ્રકારનું પ્રજનન પ્લુરોકૉકસ જેવી એકકોષી હરિત લીલમાં થાય છે. અપખંડનમાં બહુકોષી તંતુમય સુકાય ધરાવતી સ્પાયરોગાયરા જેવી લીલના એકકોષી કે બહુકોષી ખંડોમાં ટુકડાઓ થાય છે. તે ખંડો વૃદ્ધિ પામી પુખ્ત તંતુઓમાં પરિણમે છે. દ્વિભાજન અને અપખંડન પ્રકારનું વાનસ્પતિક પ્રજનન અનુકૂળ પરિસ્થિતિમાં થાય છે.

આકૃતિ 4 : હરિત લીલમાં વાનસ્પતિક પ્રજનન : (અ) પ્લુરોકૉકસમાં દ્વિભાજન, (આ) પિથોફોરામાં નિશ્ચેષ્ટ બીજાણુસર્જન.

નિશ્ચેષ્ટ બીજાણુસર્જન પ્રતિકૂળ સંજોગોમાં થાય છે; જે દરમિયાન એક કે તેથી વધારે કોષો પાણી ગુમાવી ગોળાકાર કે અંડાકાર બને છે. તેઓ વિપુલ પ્રમાણમાં ખોરાક સંચય કરે છે. પિતૃકોષદીવાલ અત્યંત જાડી અને અવરોધક બને છે. તે વિશિષ્ટ રીતે રૂપાંતરિત વાનસ્પતિક કોષો છે. તે ઘણી વાર તંતુમાં નિશ્ચેષ્ટ બીજાણુઓની શૃંખલા બનાવે છે અને પ્રતિકૂળ સંજોગો પસાર કરી અનુકૂળ પરિસ્થિતિ શરૂ થતાં અંકુરણ પામીને નવો તંતુ બનાવે છે, અથવા અલિંગી બીજાણુઓનું સર્જન કરે છે; જેઓ મુક્ત થતાં અંકુરણ પામી નવા તંતુઓનું નિર્માણ કરે છે.

આકૃતિ 5 : હરિત લીલમાં અલિંગી પ્રજનન : (અ, આ, ઇ) ચલ બીજાણુસર્જન અને તેમની મુક્તિ, (ઈ) માઇક્રોસ્પોરામાં અચલ બીજાણુઓ

2. અલિંગી પ્રજનન : જીવનની અનુકૂળ પરિસ્થિતિમાં આ પ્રકારનું પ્રજનન ઘણું સામાન્ય હોય છે અને તે દરમિયાન થતા અલિંગી બીજાણુઓના સર્જનને બીજાણુજનન (sporulation) કહે છે. એક જ ઋતુમાં બીજાણુજનનની ક્રિયા અનેક વાર થાય છે. પ્રત્યેક અલિંગી બીજાણુ એકલું અંકુરણ પામી નવી લીલ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તેનું સર્જન સામાન્યત: અંતર્જાતપણે (endogenously) વિશિષ્ટ કોષમાં થાય છે; તેને બીજાણુધાની (sporangium) કહે છે. વિભાજનના પ્રકારની દૃષ્ટિએ બીજાણુઓના સમસૂત્રી બીજાણુઓ (mitospores) અને અર્ધસૂત્રી બીજાણુઓ (meiospores) – એમ બે પ્રકાર પડે છે. સમસૂત્રી બીજાણુઓ અલિંગી બીજાણુઓ છે અને સમવિભાજન (mitosis) દ્વારા ઉત્પન્ન થાય છે. હરિત લીલમાં સામાન્યત: તે એકગુણિત (haploid) હોય છે. અર્ધસૂત્રી બીજાણુઓ લિંગી બીજાણુઓ છે અને અર્ધીકરણ (meiosis) દ્વારા ઉદભવે છે. તે કોષકેન્દ્રમાં પિતૃકોષ કરતાં અર્ધાં રંગસૂત્રો ધરાવે છે. બીજાણુઓ નગ્ન, કશાધારી અને ચલિત અથવા કોષદીવાલયુક્ત, કશાવિહીન અને અચલિત હોય છે. પ્રથમ પ્રકારને ચલબીજાણુઓ (zoospores) અને બીજા પ્રકારને અચલ બીજાણુઓ (aplanospores) કહે છે.

ચલબીજાણુઓ દ્વિકશાધારી કે ચતુષ્કશાધારી (દા. ત., યુલોથ્રિક્સ) અથવા બહુકશાધારી (દા. ત., ઇડોગોનિયમ) હોય છે. અચલ બીજાણુની ફરતે કોષદીવાલનો સ્રાવ થાય છે (દા. ત., માઇક્રોસ્પોરા). અચલ બીજાણુઓનું કદ અને સ્વરૂપ પિતૃકોષ જેવું જ હોય તો તેને સ્વબીજાણુઓ (autospores) કહે છે; દા. ત., ક્લૉરેલા. કેટલાક સંજોગોમાં અચલ બીજાણુઓ તેમની ફરતે જાડી દીવાલ બનાવી વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંચય કરે છે. આવાં જાડી દીવાલ ધરાવતાં અચલ બીજાણુઓને સુપ્તબીજાણુઓ (hypnospores) કહે છે.

આકૃતિ 6 : લિંગી પ્રજનન : (અ) ક્લેમિડોમોનાસમાં સમયુગ્મનના વિવિધ તબક્કાઓ (1, 2, 3, 4, 5, 6); (આ) ઍન્ટરોમોર્ફામાં અસમયુગ્મનના વિવિધ તબક્કાઓ (1, 2, 3, 4, 5); (ઇ) ઇડોગોનિયમમાં અંડયુગ્મનના વિવિધ તબક્કાઓ (1, 2, 3, 4, 5, 6); (ઈ) હરિત લીલ(સ્પાયરોગાયરા)માં યુગ્મકીય અર્ધીકરણ અને યુગ્મબીજાણુ(zygospore)નું અંકુરણ (1, 2, 3, 4, 5).

3. લિંગી પ્રજનન : આ પ્રકારના પ્રજનનમાં બે વિશિષ્ટ પ્રજનનકોષોનો સંયોગ થાય છે. આ કોષોને જન્યુઓ (gametes) કહે છે. જીવરસસંયોગ(plasmogamy)માં જન્યુઓનો સંયોગ થાય છે અને કોષકેન્દ્રસંયોગ (karyogamy) કે ફલન(fertilization)માં બે જન્યુઓનાં કોષકેન્દ્રોનો સંયોગ થાય છે; પરિણામે ઉદભવતા સંયોજિત કોષને યુગ્મનજ (zygote) કહે છે. તે દ્વિગુણિત કોષકેન્દ્ર ધરાવે છે. આ પ્રકારનું પ્રજનન જીવનના નિશ્ચિત તબક્કે થાય છે. કેટલીક લીલમાં સંયોગ પામતા જન્યુઓ એક જ સુકાય દ્વારા ઉત્પન્ન થાય છે, અથવા તેઓ જુદા જુદા સુકાય પરથી ઉત્પન્ન થતા હોય છે. પ્રથમ પ્રકારના સુકાયને એકગૃહી (monoecious) કે સમસુકાયક (homothallic) કહે છે; જ્યારે બીજા પ્રકારના સુકાયને દ્વિગૃહી (dioecious) કે વિષમસુકાયક (heterothallic) કહે છે. લિંગી પ્રજનનના ત્રણ પ્રકાર છે : સમયુગ્મન (isogamy), અસમયુગ્મન (anisogamy) અને અંડયુગ્મન (oogamy).

(1) સમયુગ્મન : સંયોગ પામતા જન્યુઓ કદ, આકાર, રચના અને વર્તણૂકમાં સમાન હોય તો તેવા જન્યુઓને સમજન્યુઓ (isogametes) કહે છે. સમજન્યુઓનો સંયોગ સંકળાયેલો હોય તેવા લિંગી પ્રજનનને સમયુગ્મન કહે છે. દા. ત., ક્લેમિડોમોનાસ.

(2) અસમયુગ્મન : કેટલીક જાતિઓમાં સંયોગ પામતા જન્યુઓ બાહ્યાકારવિદ્યા(morphology)ની દૃષ્ટિએ સમાન હોવા છતાં તેમની વર્તણૂકની દૃષ્ટિએ અસમાન હોય છે. બે પૈકી એક જન્યુ વધારે સક્રિય હોય છે; દા. ત., સ્પાયરોગાયરાના જન્યુઓમાં પ્રચલનની માત્રામાં તફાવત હોય છે. વર્તણૂકમાં રહેલો આ તફાવત સમયુગ્મન તરફનું પ્રથમ સોપાન છે. તેને દેહધાર્મિક અસમયુગ્મન કહે છે. સંયોગ પામતા જન્યુઓનાં કદ જુદાં જુદાં હોય તેવા જન્યુઓને અસમજન્યુઓ (anisogametes) અને પ્રજનનને અસમયુગ્મન કહે છે. નાના અને સક્રિય જન્યુને પુંજન્યુ અને મોટા અને નિષ્ક્રિય જન્યુને સ્ત્રીજન્યુ કહે છે. આ પ્રકારનું અસમયુગ્મન વધારે ઉદ્વિકસિત ગણાય છે અને અંડયુગ્મન તરફનું સોપાન છે. જે કોષોમાં જન્યુઓનું સર્જન થાય છે. તેમને જન્યુધાનીઓ (gametangia) કહે છે; દા. ત., ઍન્ટરોમોર્ફા.

(3) અંડયુગ્મન : ઉચ્ચ કક્ષાની હરિત લીલમાં સ્પષ્ટ લિંગી અંગો જોવા મળે છે; જેઓ રૂપાંતરિત વાનસ્પતિક કોષો છે. નરલિંગી અંગને પુંજન્યુધાની (antheridium) અને માદા લિંગી અંગને અંડધાની (oogonium) કહે છે. અત્યંત નાના, સક્રિય કશાધારી જન્યુઓ પુંજન્યુધાનીમાં મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય છે, તેમને ચલપુંજન્યુઓ (antherozoids or sperms) કહે છે. પરિપક્વતાએ ચલપુંજન્યુઓ પાણીમાં મુક્ત થાય છે. માદા જન્યુ ગોળ કે લંબગોળ મોટો અને અચલિત હોય છે અને અંડધાનીમાં એક જ ઉત્પન્ન થાય છે; તેને અંડકોષ (egg or oosphere) કહે છે. આવા જન્યુઓને વિષમજન્યુઓ (heterogametes) કહે છે. તેમના ફલનથી ઉદભવતા દ્વિગુણિત કોષને યુગ્મનજ કહે છે. અંડયુગ્મન સૌથી વધારે ઉદવિકસિત લિંગી પ્રજનન છે.

યુગ્મબીજાણુનું અંકુરણ : યુગ્મનજ હરિત લીલના જીવનનો અગ્રણી (pioneer) અને દ્વિગુણિત કોષ છે. તે હંમેશાં સુષુપ્ત અવસ્થામાંથી પસાર થાય છે. તેને યુગ્મબીજાણુ કે અંડબીજાણુ (oospore) કહે છે. સ્પાયરોગાયરા અને ઝિગ્નિમામાં દ્વિગુણિત યુગ્મબીજાણુ અંકુરણપૂર્વે અર્ધીકરણથી વિભાજાય છે, તેને યુગ્મનજ અર્ધીકરણ કહે છે. ઉત્પન્ન થયેલાં ચાર નવજાત કોષકેન્દ્રી પૈકી ત્રણ વિઘટિત થાય છે. યુગ્મનજનો જીવરસ અને જીવંત રહેલું એકગુણિત કોષકેન્દ્ર સીધેસીધો નવો જન્યુજનકીય (gametophytic) તંતુ ઉત્પન્ન કરે છે. આ પ્રકારના જીવનચક્રને એકવિધજીવી એકગુણિત (haplobiontic haploid) જીવનચક્ર કહે છે.

યુલોથ્રિક્સ અને ઇડોગોનિયમ જેવી લીલમાં અંકુરણપૂર્વે અર્ધીકરણને પરિણામે ચારેય કોષકેન્દ્રો જીવંત અને કાર્યશીલ રહી અર્ધસૂત્રી બીજાણુઓમાં પરિણમે છે. ચાર અર્ધસૂત્રી બીજાણુઓ ધરાવતો યુગ્મબીજાણુ દ્વિગુણિત અવસ્થા કે બીજાણુજનક(sporo-phyte)ના ઉદવિકાસનું એક પ્રગતિશીલ સોપાન છે. તેને પ્રારંભિક કે પ્રાથમિક બીજાણુજનક ગણવામાં આવે છે. પ્રત્યેક અર્ધસૂત્રી બીજાણુ મુક્ત થતાં નવો જન્યુજનકીય તંતુ ઉત્પન્ન કરે છે. આ પ્રકારનું જીવનચક્ર પણ એકવિધજીવી એકગુણિત છે.

ક્લૅડોફોરા જેવી લીલ યુગ્મનજનું અર્ધીકરણથી વિભાજન થતું નથી. યુગ્મનજ દ્વિગુણિત તંતુ કે બીજાણુજનક ઉત્પન્ન કરે છે; જેના પર આવેલી દ્વિગુણિત બીજાણુધાનીઓમાં અર્ધીકરણ દ્વારા અર્ધસૂત્રી બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ પ્રકારના અર્ધીકરણને મધ્યવર્તી (intermediate) અર્ધીકરણ કહે છે. અર્ધસૂત્રી બીજાણુઓ અંકુરણ પામી જન્યુજનકીય તંતુઓનું સર્જન કરે છે. આમ, ક્લૅડોફોરા જેવાં સ્વરૂપો સ્પષ્ટ સમરૂપી (isomorphic) એકાંતરજનન (alternation of generation) દર્શાવે છે; કેમ કે, બીજાણુજનક અને જન્યુજનક અવસ્થા બાહ્યાકારવિદ્યાની દૃષ્ટિએ સમાન હોય છે. આ પ્રકારના જીવનચક્રને દ્વિવિધજીવી (diplobiontic) જીવનચક્ર કહે છે.

કૉલેર્પામાં જન્યુઓના નિર્માણ સમયે અર્ધીકરણ થાય છે. તેને જન્યુધાનીય (gametangial) અર્ધીકરણ કહે છે. જન્યુઓના ફલનથી ઉદભવતો યુગ્મનજ દ્વિગુણિત હોય છે અને સમવિભાજનોથી વિભાજાઈ બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. આ પ્રકારના જીવનચક્રને દ્વિસૂત્રી (diplontic) કે એકવિધજીવી દ્વિગુણિત (haplobiontic diploid) કહે છે.

હરિત લીલનું વર્ગીકરણ : ફ્રિસ્ચે (1935) બધી હરિત લીલને વર્ગ – ક્લૉરોફાઇસીમાં મૂકી હતી. જોકે પાસ્કરે સ્ટોનવર્ટ(કારેલ્સ)ને અન્ય હરિત લીલ કરતાં સ્પષ્ટપણે અલગ ગણી તેને અલગ વિભાગ –કારોફાઇટા(કારોફાઇકોફાઇટા)માં અને અન્ય હરિત લીલને વિભાગ – ક્લૉરોફાઇટામાં મૂકી છે. સ્મિથે (1958) બધી જ હરિત લીલને વિભાગ – ક્લૉરોફાઇટામાં સમાવિષ્ટ કરી તેને ક્લૉરોફાઇસી અને કારોફાઇસી, એમ બે વર્ગમાં વર્ગીકૃત કરી છે.

અર્વાચીન લીલવિજ્ઞાનીઓએ ઇક્વિસેટમ જેવું સ્વરૂપ અને લિંગી અંગોની ફરતે વંધ્ય આવરણની હાજરીના આધારે સ્ટોનવર્ટને સ્વતંત્ર વિભાગ – કારોફાઇટાનો દરજ્જો આપ્યો. ફ્રિસ્ચ ક્લૉરોફાઇસી વર્ગને વૉલ્વૉકેલીસ, ક્લૉરોકૉકેલીસ, યુલોટ્રાઇકેલીસ, ઇડોગોનિયેલીસ, ક્લૅડોફોરેલીસ, કીટોફોરેલીસ, કૉન્જયુગેલીસ, સાઇફોનેલીસ અને કારેલીસ એમ 9 ગોત્રમાં વર્ગીકૃત કરે છે. સ્મિથ તેને વૉલ્વૉકેલીસ, ટેટ્રાસ્પોરેલીસ, યુલોટ્રાઇકેલીસ, અલ્વેલીસ, સાઇઝોગોનિયેલીસ, ક્લૅડોફોરેલીસ, ઇડોગોનિયેલીસ, ઝિગ્નિમિટેલીસ, ક્લૉરોકૉકેલીસ, સાઇફોનેલીસ, સાઇફોનોક્લેડેલીસ અને ડેસિક્લેડેલીસ એમ 12 ગોત્રમાં વર્ગીકૃત કરે છે.

સ્ટુઅર્ટ અને મૅટોક્સ (1975) તથા પિકેટ્ટ–હિપ્સે (1975, 76) કોષકેન્દ્રીય અને કોષવિભાજન, ચલબીજાણુઓ અથવા જન્યુઓનું સંગઠન અને તુલનાત્મક જૈવરસાયણને આધારે હરિત લીલને વિભાગ  ક્લૉરોફાઇટામાં સ્થાન આપ્યું અને તેને ક્લૉરોફાઇસી અને કારોફાઇસી વર્ગમાં વર્ગીકૃત કર્યો.

1. ક્લૉરોફાઇસી : આ વર્ગની લીલમાં ભાજનાન્તિમ (telophase) કોષકેન્દ્રો અત્યંત નિકટ હોય છે અને ત્રાક(spindle)નો અભાવ હોય છે. ફાઇકોપ્લાસ્ટ [phycoplast, ત્રાકના અક્ષને કાટખૂણે સૂક્ષ્મનલિકાઓ (microtubules) ધરાવતી રચના] કોષરસવિભાજન(cytokinesis)ના સ્થાને સંગઠિત થાય છે. કોષરસવિભાજન ખાંચ દ્વારા કે કોષીય તકતી (cell plate) દ્વારા થાય છે. ચલિતકોષો કશાના તલપ્રદેશે આવેલાં ચાર કશીય મૂળ સ્વસ્તિકાકારે ગોઠવાયેલાં હોય છે. કશીય અગ્ર દ્વારા ગ્લાયકોલેટ ઑક્સિડેઝ ઉત્પન્ન થતો નથી. આ વર્ગમાં વૉલ્વૉકેલીસ, માઇક્રોસ્પોરેલીસ, અલ્વેલીસ, કીટોફોરેલીસ અને ઇડોગોનિયેલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આકૃતિ 7 : હરિત લીલમાં જીવનચક્ર : (અ) સ્પાયરોગાયરાનું જીવનચક્ર, (આ) યુલોથ્રિક્સનું જીવનચક્ર, (ઇ) ક્લૅડોફોરાનું જીવનચક્ર, (ઈ) કૉલેર્પાનું જીવનચક્ર.

2. કારોફાઇસી : આ વર્ગમાં ભાજનાન્તિમ કોષકેન્દ્રો પ્રમાણમાં એકબીજાથી દૂર હોય છે. ત્રાક દીર્ઘસ્થાયી હોય છે. ભૌમિક વનસ્પતિઓની જેમ કોષરસવિભાજન દરમિયાન ખાંચ આગળ ધપે ત્યારે કોષીય તકતી ફ્રૅગ્મોપ્લાસ્ટ(phragmoplast)માંથી બને છે. ચલિત કોષોમાં કશાતલ પાસે સૂક્ષ્મનલિકાઓનો ચપટો પટ્ટો હોય છે. કશીય પ્રવેશ સહેજ પાર્શ્વીય હોય છે. કશાઅગ્ર દ્વારા ગ્લાયકોલેટ ઑક્સિડેઝ ઉત્પન્ન થાય છે. આ વર્ગમાં ક્લૅબ્સોર્મિડિયેલીસ, ઝિગ્નિમિટેલીસ, કૉલીઓકીટેલીસ અને કારેલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આર્થિક અગત્ય : કેટલીક હરિત લીલનો જલજ પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ક્લૉરેલા નામની લીલ ઉપર અત્યંત વિસ્તારથી દેહધાર્મિક સંશોધનો થયાં છે. તે મનુષ્ય માટે ખોરાક તરીકે ઉપયોગી છે. હજુ પણ કેટલીક લીલ પર મનુષ્યના ખોરાક માટે કૃત્રિમ સંવર્ધનના પ્રયાસો થઈ રહ્યા છે. કેટલીક લીલ જેવી કે અલ્વા લેક્ટયુકા (સી લૅટ્યુસ), સ્પાયરોગાયરા અને ઇડોગોનિયમ કેટલાક લોકો દ્વારા સીધેસીધી ખવાય છે. ઍન્ટરોમોર્ફા અને અલ્વામાંથી કચુંબર અને સૂપ તથા ક્લૉરેલામાંથી ક્લોરેલિન નામનું પ્રતિજૈવિક (antibiotic) બનાવવામાં આવે છે. કેટલીક તંતુમય લીલ શર્કરાના શુદ્ધીકરણમાં વપરાય છે. હરિત લીલ પર ઈંધણ માટેના ગૅસ પર સંશોધનો થઈ રહ્યાં છે. મૃદામાં વસવાટ ધરાવતી લીલ મૃદામાં કાર્બનિક દ્રવ્ય ઉમેરી તેની ફળદ્રૂપતામાં વધારો કરે છે.

જૈમિન જોશી

બળદેવભાઈ પટેલ