હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ)

February, 2009

હરિતસ્રોત સરિતા (સ્રોતહરણ) : એક નદીનું બીજી નદી દ્વારા હરણ થઈ જવાની ક્રિયા. આ ઘટનાને સ્રોતહરણ (river capture or river piracy) પણ કહે છે. એક જળપરિવાહ થાળાનો જળપ્રવાહ બીજા કોઈ નજીકના જળપરિવાહ થાળામાં ભળી જાય ત્યારે જે નદીનાં પાણીનું હરણ થયું હોય તે નદીને હરિતસ્રોત સરિતા તરીકે ઓળખાવાય છે. આમાં નદીપટની વધુ પડતી ઉપરવાસતરફી ખોતરાતા જવાની ક્રિયા અને/અથવા વધુ પડતો જળજથ્થો કારણભૂત બની રહે છે. જ્યારે નદીનો ઉપરવાસનો પટ વધુ પડતા ઘસારાની અસર હેઠળ આવતો જાય ત્યારે જ સ્રોતહરણની ક્રિયા શક્ય બને છે.

હરિતસ્રોત સરિતાની કક્ષાઓ

કોઈ પણ વિસ્તારમાં બે નદીઓ લગભગ સમાંતર વહેતી હોય, તે પૈકીની કોઈ પણ એક નદીને વચ્ચેના જળવિભાજક(water-divide)માંથી શાખાનદી મળતી હોય, તે શાખાનદી ઉપરવાસ તરફ વધુ ને વધુ ખોતરાતી જાય અને છેવટે બીજી નદીને મળે તો તે બીજી નદીનાં પાણી શાખાનદીમાં વળી જાય છે અને પહેલી મુખ્ય નદીમાં વહેવા લાગે છે. આ સ્થિતિ આકૃતિ પરથી સ્પષ્ટ બની રહે છે.

હિમાલયની ઘણી નદીઓમાં તેમના ઉપરવાસમાં સ્રોતહરણની ઘટના બનતી રહે છે. હિમાલયના ઉત્તર ઢોળાવો પરની તિબેટ વિસ્તારની જળપરિવાહ રચનાની બાજુઓ પર વહેતાં નાનાં ઝરણાંઓનાં પાણીની સ્રોતહરણક્રિયા મુખ્ય નદીઓના શિરોઘર્ષણ (headward erosion) કાર્ય દ્વારા ઘણી વખત થયેલી છે. ભાગીરથી અને ગંગાની અન્ય શાખાઓ, એવરેસ્ટ વિસ્તારમાં આવેલી અરુણ, સિક્કિમની તિસ્તા અને કાશ્મીરમાં આવેલી સિંધુ નદી સ્રોતહરણનાં ઉત્તમ ઉદાહરણો છે.

ગિરીશભાઈ પંડ્યા