હરિજનપત્રો : અસ્પૃશ્યતાના પ્રચાર-પ્રસાર માટે શરૂ કરેલ પત્રો-સામયિકો. 1933ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીના ‘નવજીવન’ પત્રનો છેલ્લો અંક પ્રગટ થયો એ પછી ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ બંધ થતાં 11મી ફેબ્રુઆરીએ અસ્પૃશ્યતાનિવારણને ધ્યાનમાં રાખી ‘હરિજન’ નામનું અંગ્રેજી સાપ્તાહિક પુણેથી દર શનિવારે પ્રગટ કરવાનું શરૂ કર્યું. એના સંપાદક હતા શ્રી આર. વી. શાસ્ત્રી અને પ્રથમ પાને જ પત્રના નામ નીચે લખાતું ‘અંડર ધી ઑસ્પિસિઝ ઑવ્ અનટચેબલ્સ સોસાયટી’. એમાં અનુક્રમણિકા છેલ્લે પાને આપવામાં આવતી. 21મી ઑક્ટોબર સુધી એ પુણેથી પ્રસિદ્ધ થતું રહ્યું. પછી 27 ઑક્ટોબરથી દર શુક્રવારે મદ્રાસ(ચેન્નાઈ)થી નીકળવા માંડ્યું. તા. 29 ડિસેમ્બરથી પ્રથમ પાને ‘હરિજનસેવક સંઘ’ છાપવાનું શરૂ થયું; આમ પ્રથમ વર્ષમાં જ પ્રકાશનસ્થળ, પ્રકાશક સંસ્થા અને પ્રકાશન વાર (દિવસ) બદલાયાં; પણ મુખ્યત્વે ગાંધીજીની હરિજનપ્રવૃત્તિ અને અસ્પૃશ્યતાનિવારણ અંગે એમાં લેખો અને નોંધો આવતાં રહ્યાં. વળી તા. 13–4–1935થી પાછું આ પત્ર પુણે ગયું અને હવે એના સંપાદક ગાંધીજીના રહસ્યમંત્રી શ્રી મહાદેવ દેસાઈ થયા અને પહેલાંની જેમ શનિવારે જ પ્રગટ થવા માંડ્યું. વાર્ષિક લવાજમ વગેરે પહેલે પાને છપાતું હતું, તે પણ છેલ્લે પાને આવી ગયું. વર્ષ 4થી વર્ષ દરમિયાન લેખોની લેખકસૂચિ અને વિષયસૂચિ પણ વર્ષને અંતે અપાવા લાગી. વર્ષ દરમિયાન લગભગ 20 વિષયો પર આ સાપ્તાહિકમાં લેખો લખાયા છે. વર્ષ 8ના પ્રારંભથી જ ‘હરિજનસેવક સંઘ’નું નામ પણ નીકળી ગયું. 27 જુલાઈ, 1940થી દર શનિવારને બદલે દર રવિવારે તે પ્રકાશિત થવા લાગ્યું, પણ 18મી નવેમ્બરે છેલ્લો બે પાનાંનો અંક 37 નીકળ્યો તે પછી પુણેથી નીકળવાનું બંધ થયું.
1942ના જાન્યુઆરીથી એ અમદાવાદથી નવજીવન પ્રકાશન મંદિર તરફથી પ્રકાશિત થવા માંડ્યું. એના તંત્રી તરીકે તો શ્રી મહાદેવ દેસાઈ જ હતા. એમનું અવસાન થતાં એના સંપાદક શ્રી કિશોરલાલ મશરૂવાળા થયા, પણ 1942ની લડતને કારણે તા. 23 ઑગસ્ટના અંક પછી તે બંધ થયું. 1946ના ફેબ્રુઆરીથી સંપાદક પ્યારેલાલ થયા અને ત્યારથી પાછું ‘હરિજન’ પત્ર શરૂ થયું, પણ 1948ની 30મી જાન્યુઆરીએ દિલ્હીમાં ગાંધીજીની હત્યા થતાં 22 ફેબ્રુઆરી સુધી અંકો નીકળ્યા ને માર્ચ માસમાં પ્રકાશિત ન થયું. એપ્રિલથી એના સંપાદક કિશોરલાલ મશરૂવાળા થયા. 9મીથી ‘ફાઉન્ડેડ બાય મહાત્મા ગાંધી’ એવું લખાવા માંડ્યું. 6 મે, 1950થી રવિવારને બદલે શનિવારે પ્રકાશિત થવા લાગ્યું. 9 સપ્ટેમ્બર 1952ના રોજ કિશોરલાલભાઈનું અવસાન થતાં તા. 20 સપ્ટેમ્બરથી શ્રી મગનભાઈ દેસાઈ એના સંપાદક બન્યા ને આમ 1956 સુધી ચાલ્યું. 25 ફેબ્રુઆરીએ 19 વર્ષ પૂરાં થતાં નવજીવન સંસ્થાએ આ પત્ર બંધ કર્યું. દરમિયાન 19 વર્ષ આ પત્ર ચાલ્યું. આ પત્રે પ્રજાજીવનમાં જાગૃતિ લાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
હિંદી ‘હરિજનસેવક’ 1933ની 23મી ફેબ્રુઆરી ને ગુરુવારે દિલ્હીથી શરૂ થયું. સંપાદક તરીકે વિયોગી હરિ અને કૌંસમાં લખાતું ‘હરિજન-સેવક સંઘ કે સંરક્ષણ મેં’. હિંદી પત્રનું લવાજમ તે સમયે રૂ. 3.50 રખાયેલું, જ્યારે અંગ્રેજી પત્રનું લવાજમ રૂ. 4 હતું. ચોથા અંકથી રજિસ્ટર્ડ નં. છપાયો છે. 10મી માર્ચથી તે ગુરુવારને બદલે શુક્રવારે પ્રગટ થવા માંડ્યું. એ જ વર્ષની 10મી નવેમ્બરથી પ્રથમ પાને ‘હરિજનસેવક, બિડલા લાઇન્સ, દિલ્લી’ એવું પણ છપાવા માંડ્યું. પ્રથમ અંકથી સૌથી ઉપર ‘आत्मवत् सर्वभतेषु’ એ સંસ્કૃત વાક્ય, 1942માં એ પત્ર અમદાવાદથી શરૂ થયું, એ પહેલાં સુધી લખાતું હતું. પ્રથમ અંકથી ‘હરિજનસેવક’ ઉપર ‘સાપ્તાહિક’ એવો શબ્દ લખાતો, 1933થી તે કાઢી નાખ્યો અને ઉપર સંસ્કૃત વાક્ય લઈ ગયા.
5 ઑક્ટોબર, 1935થી દર શનિવારે તે પ્રગટ થવા માંડ્યું. દિલ્હીમાં એ ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ પ્રેસમાં છપાતું અને હરિજનસેવક સંઘ દ્વારા પ્રકાશિત થતું હતું. વર્ષ 8 એટલે 1940થી એનું વાર્ષિક લવાજમ રૂ. 4 થયું અને બીજા અંકથી આ ફેરફાર સાથે ‘હરિજનસેવક સંઘ કી સંરક્ષણ મેં’ શબ્દો રદ કરવામાં આવ્યા. એ જ વર્ષે તા. 7 સપ્ટેમ્બરથી આ પત્ર દિલ્હીથી પુણે લાવવામાં આવ્યું. નવમી નવેમ્બરનો છેલ્લો અંક બે પાનાંનો નીકળ્યો અને પછી પુણેથી આ પત્ર બંધ થયું. એ પહેલાં 14મી સપ્ટેમ્બરથી એના સંપાદક તરીકે પ્યારેલાલનું નામ શરૂ થઈ ગયું હતું.
1942માં આ પત્ર અમદાવાદથી પ્રકાશિત થવા માંડ્યું. 16 ઑગસ્ટથી એનું લવાજમ રૂ. 5 કરાયું; પણ 1942ની લડતને કારણે પછીથી બંધ પડ્યું, તે છેક 1946માં શરૂ થયું. તે પછી બાપુના અવસાન પછી માર્ચ મહિનામાં પત્ર બંધ રહ્યું અને એપ્રિલમાં સંપાદક તરીકે કિશોરલાલ મશરૂવાળાના નામથી શરૂ થયું. 3 માર્ચ 1951ના અંક પર સહસંપાદક તરીકે મગનભાઈ દેસાઈનું નામ શરૂ થયું. કિશોરલાલભાઈનું અવસાન થતાં 20મી સપ્ટેમ્બરથી સંપાદક તરીકે મગનભાઈ દેસાઈનું નામ છપાવા લાગ્યું. 1956માં 19 વર્ષ પૂરાં થતાં આ પત્ર નવજીવન સંસ્થાએ બંધ કર્યું.
ગુજરાતી સાપ્તાહિક પત્ર ‘હરિજનબંધુ’ પુણેથી 1933માં 12મી માર્ચે દાંડીકૂચ દિવસથી દર રવિવારે શરૂ થયું. એનું વાર્ષિક લવાજમ રૂ. 4 રખાયું અને એના તંત્રી તરીકે ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ રહ્યા. આર્યભૂષણ મુદ્રણાલયમાં આ પત્ર છપાતું અને એના મુદ્રક ને પ્રકાશક અનંત વિનાયક પટવર્ધન હતા. આ પત્ર ઉપર ‘હરિજનસેવા સંઘ, મુંબઈ શાખા વતી’ એમ છપાતું. 31 ડિસેમ્બરથી ‘હરિજનસેવા સંઘ’ને બદલે ‘હરિજનસેવક સંઘ’ છપાવા લાગ્યું.
તા. 17–3–1935થી માત્ર ‘હરિજનસેવક સંઘ વતી’ એ શબ્દો રખાયા હતા. વર્ષ 4થી વર્ષને અંતે લેખકસૂચિ અને વિષયસૂચિ છાપવાનાં શરૂ થયાં. આ વર્ષમાં 20 વિષયો પર લેખો લખાયા છે. તેમાં મુખ્યત્વે અસ્પૃશ્યતાનિવારણ અને હરિજન સેવા અંગેના છે. આ ઉપરાંત ગ્રામોદ્યોગ અને ગામડાનું અર્થશાસ્ત્ર, ભાષા, સાહિત્ય અને તત્વચર્ચા વગેરે અંગે પણ સારા પ્રમાણમાં લેખો આવ્યા છે.
તા. 19–2–1939થી મુદ્રક-પ્રકાશકનું નામ વિઠ્ઠલ હરિ બર્વે છપાયું છે. તા. 18–2–1940થી ‘હરિજન સેવક સંઘ વતી’ છાપવાનું પણ બંધ થયું છે. વર્ષ 8થી વિષયસૂચિ પ્રથમ પાનને બદલે છેલ્લે પાને છાપવામાં આવી છે. તા. 9મી નવેમ્બરે છેલ્લો અંક બે પાનાંનો નીકળ્યો છે ને પછી પુણેથી આ પત્ર બંધ થયું.
1942થી આ પત્ર અમદાવાદ આવ્યું. નવજીવન સંસ્થા તેને પ્રગટ કરવા માંડી અને એના તંત્રી મહાદેવભાઈ દેસાઈ થયા. વાર્ષિક લવાજમ રૂ. 5 થયું. મહાદેવભાઈનું અવસાન થતાં 23 ઑગસ્ટનો અંક કિશોરલાલ મશરૂવાળાના તંત્રીપદે નીકળ્યો. તે પહેલાં જ ‘નવજીવન’ પણ જપ્ત થયું અને કિશોરલાલભાઈની ધરપકડ થઈ હતી. 1946ના ફેબ્રુઆરીમાં પત્ર શરૂ થતાં એના તંત્રી તરીકે પ્યારેલાલ અને વાર્ષિક લવાજમ રૂ. 6 થયું. બાપુના અવસાન પછી એપ્રિલ 1948થી તંત્રી કિશોરલાલ મશરૂવાળા હતા. 9 મે 1948થી ‘સ્થાપક : મહાત્મા ગાંધી’ એમ પ્રથમ પાન પર છપાવા માંડ્યું. હિન્દી-અંગ્રેજી પત્રોમાં પણ આમ જ છાપવાનું શરૂ થયું.
1951થી સહતંત્રી તરીકે શ્રી મગનભાઈ દેસાઈનું નામ છપાવા લાગ્યું. 1952ની 7મી જૂનથી ‘સ્થાપક’ને બદલે ‘સંસ્થાપક’ શબ્દ ‘મહાત્મા ગાંધી’ પહેલાં લખાવા માંડ્યો. કિશોરલાલભાઈના અવસાન પછી 20 સપ્ટેમ્બર 1952થી તંત્રી તરીકે મગનભાઈ દેસાઈનું નામ લખાવા માંડ્યું. 1956ની 25મી ફેબ્રુઆરીએ વર્ષ 19 પૂરાં થતાં આ પત્ર પણ બંધ થયું.
આ પત્રોના લેખકોમાં મુખ્યત્વે ગાંધીજી હતા અને સાપ્તાહિક પત્ર 1942 સુધી મહાદેવભાઈ દેસાઈ પણ એમાં લખતા. વિષયોમાં ખાદી, અહિંસા, ગ્રામોદ્ધાર, દારૂબંધી, ખેતી, ઉદ્યોગો, મજૂરી, વિજ્ઞાન, સત્યાગ્રહ, હિંદુસ્તાની, હરિજનો, સ્ત્રીઓ વગેરે રહ્યાં હતાં. ગુજરાતી પત્રમાં પણ નામને અનુરૂપ હરિજનો અને અસ્પૃશ્યતાનિવારણ અંગેના જ વિશેષ લેખો રહેતા હતા.
આ પત્રો 19 વર્ષ ચાલ્યાં. એમાં આઝાદી પહેલાં લગભગ 10 વર્ષ અને આઝાદી પછી લગભગ 9 વર્ષ દરમિયાન દેશ અને દુનિયામાં અનેક ઘટનાઓ ઘટી. તેમાં ખાસ કરીને ગાંધીજી, મહાદેવભાઈ અને કિશોરલાલ મશરૂવાળાના અવસાન અંગે તથા 1942ની લડત દરમિયાનની આ પત્રોની નોંધો જે બહાર પડી, તેમજ આઝાદી પછી ભારતનું બંધારણ, પ્રથમ પંચવર્ષીય યોજના, ભૂદાન યજ્ઞ, દેશી રાજ્યોનું વિલીનીકરણ અને પ્રથમ દેશવ્યાપી ચૂંટણીઓ જેવી મહત્વની ઘટનાઓ વિશે આ પત્રોમાં ગાંધીવિચારની રીતે માર્ગદર્શક નોંધો મળે છે.
‘ઇન્ડિયન ઓપિનિયન’, ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયિ’ પત્રોની જેમ ગાંધીજીએ આ ત્રણેય પત્રોમાં હૃદય રેડ્યું હતું, એટલે તે વખતનાં તેમનાં લખાણો લોકશિક્ષણનો બહુ મહત્વનો ભાગ છે. મહાદેવભાઈ અને પ્યારેલાલ તો ગાંધીજીના મંત્રીઓ તરીકે રહી ચૂક્યા હતા, પણ ગાંધીજીના અવસાન પછી કિશોરલાલભાઈએ ચાર વર્ષ આ ‘હરિજન’ પત્રો ત્રણેય ભાષામાં ચલાવ્યાં, તે વિશે સ્વામી આનંદે કહેલું, ‘‘જ્યારે જ્યારે ‘હરિજન’માં K. G. M.ના લેખ વાંચતા, ત્યારે હંમેશાં M. K. G. જ લખતા હોય, એમ અમને લાગતું.’’ આવી એકરૂપતા કિશોરલાલભાઈની બાપુ સાથે હતી. એમણે દિલ રેડીને આ પત્રોની જવાબદારી લગભગ ચાર વર્ષ બરાબર સંભાળી. આમ આ ત્રણેય પત્રોએ સમાજજીવન અને લોકજીવનને ઘડવામાં અત્યંત મહત્વનો ફાળો આપ્યો છે એમ કહી શકાય. બાપુના શરૂઆતના પત્રોની જેમ આ ત્રણેય પત્રો પણ ગાંધીવિચારનાં સામયિકોમાં ચિરંતન સ્થાનને પાત્ર છે.
દશરથલાલ શાહ