હરિગુપ્ત : ગુપ્ત વંશના સભ્ય અને હૂણ લોકોના રાજા તોરમાણના આધ્યાત્મિક ગુરુ. જૈન આચાર્ય ઉદ્યોતનસૂરિએ ઈ. સ. 779માં રચેલા પ્રસિદ્ધ ગ્રંથ ‘કુવલયમાલાકહા’માં જણાવ્યું છે કે ભારતના ઉત્તર ભાગમાં ચંદ્રભાગા નદીના કિનારે આવેલું પવૈયા નામનું ગામ રાજા તોરમાણનું પાટનગર હતું. એના સિક્કાઓનું ચલણ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હતું. એટલે એ પ્રદેશ પર એની સત્તા હશે એમ માની શકાય. કદાચ હરિગુપ્તના ઉપદેશથી પ્રભાવિત થઈને તોરમાણે જૈન ધર્મ સ્વીકાર્યો હોય એમ બની શકે. તોરમાણનો રાજ્યકાલ લગભગ ઈ. સ. 500થી 515 સુધી હતો. એટલે હરિગુપ્ત પણ એ સમયમાં થયા હશે એમ માની શકાય.

રાજા તોરમાણના ગુરુ હરિગુપ્તને એક દેવગુપ્ત નામના શિષ્ય હતા. તેના શિષ્ય શિવચંદ્રને ‘મહત્તર’ની પદવી મળી હતી. શિવચંદ્ર વિહાર કરતા કરતા રાજસ્થાનના ‘ભિન્નમાલ’ નામના નગરમાં આવ્યા, જેનું પ્રાચીન નામ ‘શ્રીમાલ’ હતું. શિવચંદ્રને યક્ષદત્ત નામનો શિષ્ય હતો. શિવચંદ્રના અનેક શિષ્યોએ ગુજરાતના વિવિધ ભાગોમાં ફરીને સમગ્ર ગુજરાતમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો. શિવચંદ્રના એક શિષ્ય વટેશ્વરે આકાશવપ્ર નામના શહેરમાં ભવ્ય જૈન મંદિર બંધાવ્યું હતું. વટેશ્વરને તત્વાચાર્ય નામના એક શિષ્ય હતા, જેમની પાસેથી ઉદ્યોતનસૂરિએ ધાર્મિક જ્ઞાન મેળવ્યું હતું. ઉદ્યોતનસૂરિએ ધાર્મિક શાસ્ત્રોનું જ્ઞાન આચાર્ય વીરભદ્રસૂરિ પાસેથી અને તર્કવિદ્યા તથા અન્ય શાસ્ત્રોનું જ્ઞાન આચાર્ય હરિભદ્રસૂરિ પાસેથી મેળવ્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી