હરિકેન : આશરે 320 કિમી.થી માંડીને 480 કિમી.નો વ્યાસ ધરાવતું, ઘૂમરાતું પ્રચંડ વાવાઝોડું. આ પ્રકારનાં વાવાઝોડાં સામાન્ય રીતે ઍટલૅન્ટિક અને પૅસિફિક મહાસાગરમાં અવારનવાર ઉદભવતાં રહે છે. તેમના ફૂંકાવાનો વેગ તેમના કેન્દ્ર ભાગ નજીક 120 કિમી./કલાકનો હોય છે. ક્યારેક ક્યારેક આ વિસ્તારોમાં ઉત્પન્ન થતાં હરિકેનથી જાનમાલને મોટા પાયા પર નુકસાન થતું હોય છે, તેનાથી ઊછળતાં મોજાંથી તેમજ કાંઠાના ભૂમિભાગોમાં પ્રવેશતાં વેગીલાં પૂરથી 90 % મૃત્યુ થાય છે.

અયનવૃત્તો વચ્ચેના પટ્ટામાં હલકું દબાણ તૈયાર થાય ત્યારે પૂર્વ તરફથી આવતાં મોજાં દ્વારા હરિકેનનો ઉદભવ થાય છે. પ્રથમ તબક્કામાં પવનનો વેગ કલાકે 50 કિમી. જેટલો રહે છે; બીજા તબક્કામાં તે કલાકે 120 કિમી.નો થાય છે. છેલ્લા તબક્કામાં હરિકેન પુષ્કળ વેગ સહિત ઘૂમરીઓના સ્વરૂપમાં ફૂંકાય છે.

આકૃતિ 1 : હરિકેનના વિસ્તારો : હૂંફાળા મહાસાગર જળ પર ઉદભવતાં હરિકેન. તે જ્યારે ભૂમિ પર પ્રસરે ત્યારે તેમનો વેગ મંદ પડે છે. હરિકેનના વિસ્તારો આછી-ગાઢી છાયાથી દર્શાવેલા છે.

ઘૂમરાતા અને ફૂંકાતા રહેતા વાવાઝોડાનો કેન્દ્રભાગ હરિકેનની ‘આંખ’ કહેવાય છે. આ આંખનો વિસ્તાર લગભગ 32 કિમી.ના વ્યાસનો હોય છે. તે પ્રમાણમાં શાંત, સ્થિર રહે છે. તેમાં ભાગ્યે જ પવનો ફૂંકાતા હોય છે. તે ભાગમાં વાદળો પણ ભાગ્યે જ બનતાં હોય છે; ત્યાં જો વાદળો રચાય અને વાવાઝોડાની પરિસ્થિતિ નિર્માણ પામે તો તેને વાદળ-દીવાલ (wall-clouds) કહે છે. આંખના ભાગમાં કિનારી પર તેની ઊંચી ધાર તૈયાર થાય છે. વાદળ-દીવાલવાળા આવા ભાગમાં પવનોનો મારો રહે છે અને પુષ્કળ વરસાદ વરસે છે.

હરિકેન એ એક એવા લઘુભારપટનો વિસ્તાર બની રહે છે, જે ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગર કે પૂર્વ તરફના ઉત્તર પૅસિફિક મહાસાગરના અયનવૃત્તીય ભાગ પર રચાય છે. જો તે પશ્ચિમ પૅસિફિક પર તૈયાર થાય તો તેને ‘ટાઇફૂન’ અને હિન્દી મહાસાગર પર રચાય તો તેને ‘ચક્રવાત’ (cyclone) કહે છે; અર્થાત્ હરિકેન, ટાઇફૂન, ટૉર્નેડો અને ચક્રવાત સ્થાનભેદે અપાયેલાં વાવાઝોડાનાં નામ છે.

હરિકેન ઉત્તર ઍટલૅન્ટિક કે ઉત્તર પૅસિફિક મહાસાગરમાં સામાન્યત: જૂનથી નવેમ્બરના ગાળા દરમિયાન, વિશેષે કરીને સપ્ટેમ્બરમાં ઉદભવતાં હોય છે. વાર્ષિક સરેરાશ આશરે 6થી 8 હરિકેનની રહે છે.

સંચરણ : હરિકેનમાં ફૂંકાતા પવનોની દિશા ઉત્તર ગોળાર્ધમાં વામાવર્તી (ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં) જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તે દક્ષિણાવર્તી હોય છે. હરિકેનની આંખ કલાકે 16થી 24 કિમી.ના વેગથી પવનોની દિશામાં આગળ વધે છે. જેમ જેમ તે પશ્ચિમ તરફ આગળ વધતું જાય છે, તેમ તેમ તે વધુ વિસ્તૃત, વધુ વેગવાળું અને જોશવાળું બનતું જાય છે. વિષુવવૃત્ત આવતાં તે પાછાં વળે છે અને વેગ વધી જાય છે; સમશીતોષ્ણ અક્ષાંશો પર પહોંચે તો તે પૂર્વ તરફ ફંટાય છે, ત્યાં તેને બાહ્ય અયનવૃત્તીય વાવાઝોડું (extra tropical storm) કહે છે. આ જ હરિકેન જો ઠંડા મહાસાગર પર પસાર થાય તો તેની શક્તિ નબળી પડી જાય છે.

આકૃતિ 2 : હરિકેનના ઘૂમરાતા પવનો તેની આંખની આજુબાજુ ભ્રમણ કરતા રહે છે; તેનો શાંત ભાગ વાવાઝોડાની મધ્યમાં હોય છે.

વિનાશાત્મક શક્તિ : કેટલાંક હરિકેનમાં આંખની દીવાલ પરનાં વાદળો કલાકે 210થી 240 કિમી.ના વેગથી ફૂંકાતાં રહીને આગળ ધપે છે, તે દરમિયાન પવન સાથે વરસાદ પણ પડે છે; સાથે સાથે દરિયાઈ મોજાં પણ ઊર્ધ્વ સ્થિતિમાં વેગ સાથે ધસતાં રહે છે. આવાં મોજાંને તોફાની ઉછાળો (storm surge) કહે છે. તે ઊંચાં ઊછળે છે અને ભૂમિ તરફ પૂરની સ્થિતિ લાવી મૂકે છે. મોટી ભરતીના દિવસોમાં જો આવું પૂર આવે તો ઘણું નુકસાન થઈ શકે છે. હરિકેનનાં વાદળોમાંથી ટૉર્નેડો પણ ઉદભવી શકે છે.

હરિકેન જ્યારે મહાસાગરનો પટ છોડીને ભૂમિભાગ પર પહોંચે છે ત્યારે જોશબંધ પવનો ફૂંકાય છે અને કલાકો સુધી ભારે વરસાદ વરસે છે. જો ત્યાં આંખનો ભાગ પહોંચે તો વરસાદ અટકી જાય છે અને હવા શાંત પડી જાય છે, આંખનો ભાગ પસાર થઈ જતાં વળી પાછો વરસાદ અને વાવાઝોડું શરૂ થાય છે; તેમ છતાં ભૂમિભાગો પરથી પસાર થતાં વાવાઝોડાની વિનાશાત્મક અસર ધીમે ધીમે શાંત પડતી જાય છે, કારણ કે અહીં સમુદ્ર પરની બાષ્પીભવનની સ્થિતિ પ્રવર્તતી હોતી નથી; વળી ભૂમિ પરના અસમતળ ભૂપૃષ્ઠને કારણે ઘર્ષણ ઊભું થાય છે, આ કારણે પણ તેનો વેગ ધીમો પડતો જાય છે, જોકે પવનો ધીમા પડવા છતાં કેટલાંક હરિકેનમાં થોડો વખત ભારે વરસાદ ચાલુ રહેતો હોય છે.

આગાહી : હરિકેનની સંભવિત મોસમ (જૂનથી નવેમ્બર) દરમિયાન હવામાનશાસ્ત્રીઓ મહાસાગરની સ્થિતિ પર ચાંપતી નજર રાખે છે, વિશેષે કરીને કૅરિબિયન સમુદ્ર અને મેક્સિકોના અખાત માટે સૅટેલાઇટ (ઉપગ્રહ) દ્વારા લેવાતી તસવીરોનું બારીક નિરીક્ષણ કરી, અર્થઘટન તારવી, હળવા દબાણની સ્થિતિના વરતારા બહાર પાડે છે અને હરિકેન ક્યાં, ક્યારે, કેટલા વેગથી ત્રાટકશે તેની આગાહી કરે છે.

સારણી : વીસમી સદીમાં ઉદભવેલાં હરિકેન

1900 : યુ.એસ.-ટેક્સાસના ગૅલ્વેસ્ટનમાં ઉદભવેલા હરિકેનના તોફાની જળઉછાળથી 6000 લોકો મૃત્યુ પામેલા.
1928 : યુ.એસ.ના ફ્લોરિડાના ઓકીચોબી સરોવરમાં ઉદભવેલાં હરિકેન અને પૂરથી આશરે 1800 લોકો મૃત્યુ પામેલા – પ્યુર્ટોરિકો ખાતે પણ તોફાનથી 300 લોકો મૃત્યુ પામેલા.
1935 : યુ.એસ.-ફ્લોરિડા-ટૅમ્પા ખાતે ઉદભવેલા હરિકેન દરમિયાન બૅરોમિટરનો પારો 66.93 સેમી. સુધી ઊતરી ગયેલો. પશ્ચિમ ગોળાર્ધમાં આ વિક્રમ માપ નોંધાયેલું છે. 400 લોકોનાં મરણ નીપજેલાં.
1938 : યુ.એસ.ના લૉંગ આઇલૅન્ડ અને ન્યૂ ઇંગ્લૅન્ડમાં હરિકેન પસાર થયેલું. 600 લોકો મરણ પામેલા તથા 40 કરોડ ડૉલરનું નુકસાન થયેલું.
1955 : યુ.એસ.ના ઉત્તર કૅરોલિનાથી ન્યૂ ઇંગ્લૅન્ડ સુધી હરિકેનની અસર થવા પામેલી. 1H અબજ ડૉલરનું નુકસાન, 184 લોકો મૃત્યુ પામેલા.
1957 : યુ.એસ.ના લુઇઝિયાના, મિસિસિપી અને ટેક્સાસમાં હરિકેનની અસર થયેલી. 550 લોકો મૃત્યુ પામેલા.
1960 : હરિકેનથી ઉદભવેલા તોફાની પવનોથી ફ્લોરિડા, મધ્ય આટલાન્ટિક રાજ્યો અને ન્યૂ ઇંગ્લૅન્ડમાં માઠી અસર થયેલી.
1963 : હરિકેનથી હૈતીમાં 5000, ક્યુબામાં 1700 તથા ડોમિનિકન રિપબ્લિકમાં 400 લોકોનાં મોત થયેલાં.
1965 : યુ.એસ.ના બહામા, દક્ષિણ ફ્લોરિડા તથા લુઇઝિયાનામાં 76 લોકોનાં મોત થયેલાં. 1 અબજ ડૉલરનું નુકસાન થવા પામેલું.
1967 : હરિકેનથી કૅરિબિયન ટાપુઓ, મેક્સિકો તથા ટેક્સાસમાં અસર થયેલી. 58 લોકોનાં મૃત્યુ તથા 1 અબજ ડૉલરનું નુકસાન થયેલું.
1969 : યુ.એસ.નાં લુઇઝિયાનાથી વર્જિનિયા સુધીનાં સાત રાજ્યોમાં 250થી વધુ લોકોનાં મોત થયેલાં. 11 અબજ ડૉલરનું નુકસાન થવા પામેલું.
1972 : યુ.એસ.ના ફ્લોરિડાથી ન્યૂયૉર્ક સુધીના વિસ્તારને અસર. 122 લોકોનાં મૃત્યુ. 3 અબજ ડૉલરનું નુકસાન.
1974 : હરિકેનથી હૉન્ડુરાસને અસર. અંદાજે 8000 માણસોનાં મૃત્યુ. 1 અબજ ડૉલરનું નુકસાન.
1979 : હરિકેનથી ડોમિનિકન રિપબ્લિકમાં અસર. 1200 લોકોનાં મૃત્યુ. 1 અબજ ડૉલરનું નુકસાન. એ જ વર્ષે થયેલા હરિકેનથી આલાબામા અને મિસિસિપીમાં 8 માણસોનાં મૃત્યુ, 11 અબજ ડૉલરનું નુકસાન.
1983 : ટેક્સાસમાં 21 લોકોનાં મૃત્યુ. 2 અબજ ડૉલરનું નુકસાન.
1988 : પશ્ચિમ ગોળાર્ધમાં ક્યારેય ન થયું હોય એવું પ્રચંડ હરિકેન. વેસ્ટ ઇન્ડીઝ અને મેક્સિકોમાં 300 લોકોનાં મૃત્યુ થયાં.
1989 : વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ-પૂર્વનાં રાજ્યોમાં હરિકેનની અસર. 60 લોકોનાં મૃત્યુ. 7 અબજ ડૉલરનું નુકસાન.

ગિરીશભાઈ પંડ્યા