હરિકૃષ્ણ રાય ગુરુ

February, 2009

હરિકૃષ્ણ રાય, ગુરુ (જ. 7 જુલાઈ 1656, કિરાતપુર; અ. 30 માર્ચ 1664, દિલ્હી) : શીખ ધર્મના આઠમા ગુરુ. પિતાનું નામ ગુરુ હરિરાય, જેઓ શીખોના સાતમા ગુરુ હતા. માતાનું નામ કિશનકૌર. તેઓ વિક્રમ સંવત 1718(ઈ. સ. 1776)ના રોજ ગાદી પર બેઠા હતા; પરંતુ માત્ર પાંચ વર્ષની ટૂંકી મુદત બાદ તેમનું અવસાન થયું હતું. તેમના ગુરુપદ દરમિયાન ભારત પર ઔરંગઝેબનું શાસન હતું.

ગુરુ હરિકૃષ્ણ રાય

તેમના ગુરુપદ દરમિયાન શીતળા નામના રોગથી સમાજ દુ:ખી થયેલો તે વખતે ગુરુ હરિકૃષ્ણ રાયે સમાજની નિ:સ્વાર્થ સેવા કરી હતી. કમનસીબે તેઓ પણ આ રોગથી પીડાયેલા અને તેમણે જે અંતિમ શબ્દો ઉચ્ચાર્યા હતા તે હતા : ‘બાબા બકાલા’, જેનો નિર્દેશ એ હતો કે ગુરુ ગાદીના ઉત્તરાધિકારી બાબા બકાલા મુકામે છે, જ્યાં શીખોનું તીર્થસ્થાન આવેલું છે. આ નિર્દેશનો ગર્ભિતાર્થ એ હતો કે હવે નવમા ગુરુ તરીકે તેગબહાદુર સાહેબ રહેશે, જે બાબા બકાલા મુકામે નિવાસ કરતા હતા.

દિલ્હી ખાતે હરિકૃષ્ણ રાયે ગુરુદ્વારા બંગલા સાહેબનું નિર્માણ કર્યું હતું.

હરપાલસિંગ ચન્નનસિંગ સરદાર