હરમો બાવળ : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia leucophloea willd. syn. A. alba willd. (સં. અરિમેદ, શ્વેત બુરબુર; બં. સફેદ બબુલ; હિં. સફેદ કીકર, સફેદ બબુલ; મ. હીવર, નીમ્બરી, પાન્ઢરી બબુલ; ગુ. હરમો બાવળ, પીળો બાવળ, હરી બાવળ; ક. બીલીજાલી; ત. વેલ્વાયાલમ; તે. તેલ્લા તુમ્મા; અં. ડિસ્ટિલર્સ અકેશિયા) છે. તે મધ્યમ કદનું 5થી 7 મી. ઊંચું વૃક્ષ હોય છે અને શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. તે પંજાબનાં મેદાનોમાં અને ભારતનાં શુષ્ક જંગલોમાં થાય છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં તે વધારે જોવા મળે છે. પર્ણો દ્વિપીંછાકાર (bipinnate) સંયુક્ત હોય છે અને તેઓ કંટકીય ઉપપર્ણો (stipules) ધરાવે છે. પર્ણિકાઓ 12થી 30 જોડ હોય છે. પુષ્પો પીળાં મુંડક (head) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. આ મુંડકોની ગોઠવણી અગ્રસ્થ આશરે 30 સેમી. લાંબા લઘુપુષ્પગુચ્છ (panicle) પર થયેલી હોય છે. ફળ શિંબ (legume) પ્રકારનું, ચપટું, કાળું, 10થી 20 સેમી. લાંબું, સાંકડું અને રેખીય લંબચોરસ હોય છે તથા 10થી 12 બીજ ધરાવે છે. બીજ ગોળાકાર અને આછાં બદામી હોય છે.

આકૃતિ : હરમો બાવળ (Acacia leucophloea) પુષ્પ અને ફળ સહિતની શાખાઓ

શાખાઓ અને ફળોને Hapatophragmiopsis ponderosum નામની ગેરુનો ચેપ લાગે છે. વૃક્ષ ઉપર વાંદાની જાતિઓ (Loranthus scurrula, L. long : florus, L. longifiorus var falcata) પરોપજીવીઓ તરીકે વસવાટ ધરાવે છે.

છાલ બહારની બાજુએ આછી પીળાશ પડતી ભૂખરા રંગથી માંડી લગભગ સફેદ અને અંદરની તરફ આછા લાલ રંગની તથા લીસી હોય છે. તે શલ્ક સ્વરૂપે ખરી પડે છે. તેનાં ટેનિન-અટેનિન ગુણોત્તર 17:7નો હોય છે અને આવળ (cassia auriculata) તથા ગરમાળા(C. fistula)ની છાલની અવેજીમાં ચામડાના ચર્મશોધનમાં તે ઉપયોગી છે. છાલને પાણીમાં ડુબાડીને જોરથી પછાડવાથી તંતુ છૂટા પડે છે. તંતુનો ઉપયોગ માછીમારીની જાળ અને જાડાં દોરડાં બનાવવામાં થાય છે.

તાડના રસ અને શર્કરામાંથી પ્રાપ્ત કરવામાં આવતા સ્પિરિટ બનાવવામાં છાલનો ઉપયોગ શુદ્ધિકારક અને સુગંધકારક તરીકે કરવામાં આવે છે. તેથી, આ વૃક્ષ ‘ડિસ્ટિલર્સ અકેશિયા’ તરીકે અને હિન્દીમાં ‘શરાબકી કીકર’ તરીકે જાણીતું છે. છાલ કડવી, સંકોચક (astringent), રક્તશુદ્ધિકારક અને શીતળ હોય છે તથા કુષ્ઠરોગ શ્વસનીશોથ (bronchitis) ઊલટી અને પિત્તદોષ(biliousness)માં ઉપયોગી છે, મૂળ જખમમાં વપરાય છે.

કાષ્ઠ મધ્યમસરનું ભારે (વિ. ગુ. 0.7; વજન 721 કિગ્રા./ઘન મી.), બરછટ પોતવાળું (coarse taxtured) અને અનિયમિતપણે અંતર્ગ્રથિત (interlocked) કાષ્ઠ રેખાઓવાળું હોય છે. રસકાષ્ઠ (sapwood) પીળાશ પડતું સફેદ અને અંત:કાષ્ઠ (heartwood) ઈંટ જેવા લાલ રંગનું હોય છે અને સમય જતાં કાળી રેખાઓ સાથેનું રતાશ પડતું બદામી બને છે. તેનું વાયુસંશોષણ (seasoning) સારી રીતે થાય છે; છતાં શુષ્ક હોય ત્યારે વહેરવું મુશ્કેલ હોય છે. બાવળની જેમ યંત્રકામ સારું થતું નથી; પરંતુ કાળજી રાખવામાં આવે તો સપાટીને સારી સમતલ બનાવી શકાય છે. તે પૉલિશ સારી ગ્રહણ કરે છે. તે કઠોર અને દૃઢ હોવા છતાં ખુલ્લામાં બહુ ટકાઉ હોતું નથી. સાગના ગુણધર્મોના સંદર્ભમાં હરમા બાવળના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા(suitability)ની ટકાવારીમાં માહિતી આ પ્રમાણે છે : વજન 111, પાટડા તરીકેનું સામર્થ્ય 88. પાટડા તરીકેની દુર્નમ્યતા (stiffness) 73, સ્તંભ તરીકેની ઉપયુક્તતા 70, આઘાત-અવરોધક ક્ષમતા 103, આકારની જાળવણી 67, અપરૂપણ (shearing) 103, કઠોરતા 103, સ્ક્રૂ-ગ્રહણનો ગુણધર્મ 112. કાષ્ઠનો ઉપયોગ કૃષિનાં અને ઑઇલ મિલનાં ઓજારો; ગાડાં તથા ગાડાંનાં પૈડાં બનાવવામાં અને ખરાદી કામમાં થાય છે.

વૃક્ષ ગુંદર ઉત્પન્ન કરે છે; જેનો સ્થાનિક ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ગુંદર શામક (demulcent) છે અને તેનો ઉપયોગ પાયસીકારક (emulsifying agent) તરીકે કરવામાં આવે છે. કાચી શિંગ અને બીજ ખાવામાં ઉપયોગી છે. બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 7.0 %, પ્રોટીન 27.4 %, પેન્ટોસન 12.8 %, જલદ્રાવ્ય શ્લેષ્મ 7.1 % અને શ્લેષ્મમાં પ્રોટીન 29.0 %. દુકાળના સમયમાં છાલ અને બીજ દળીને લોટ સાથે મિશ્ર કરવામાં આવે છે. ઘેટાં-બકરાંને શિંગો સ્વાદિષ્ટ લાગે છે.

આયુર્વેદ અનુસાર હરમો બાવળ સ્વાદે કડવો, તૂરો અને વીર્યમાં ઉષ્ણ, ગુણમાં – ગ્રાહી, બાધાનિવારક તથા મુખરોગ, દંતરોગ, રક્તવિકાર, બસ્તિરોગ, અતિસાર, વિષમજ્વર, શોથ, ચળ, વિષ-વિકાર, કફ, ખાંસી, કૃમિ, કોઢ, રતવા અને ઝેરી વ્રણનો નાશક છે. આ બધા ગુણ ખાસ ઝાડની છાલમાં હોય છે. તેનાં કોમળ પાન ઊનવા અને પરમિયામાં લાભ કરે છે. તેની શિંગ મધુર, સ્નિગ્ધ, ગરમ અને કફવાતનાશક છે. વૃક્ષનો ગુંદર મધુર, બળવર્ધક અને વીર્યવર્ધક હોય છે. તેની છાલ ઉદરશૂળ પર અને ઉકાળો ઝાડામાં લાભ કરે છે. તેની છાલના કોગળા કરવાથી દંતરોગ અને પેઢાંમાંથી થતો રક્તસ્રાવ મટે છે.

આધુનિક મતે, ઝાડની છાલ સંકોચક, સ્નિગ્ધ અને રસાયન છે. પુષ્પો ઉત્તેજક હોય છે. તેનાં પુષ્પોનું તેલ શુક્રમેહમાં કામોદ્દીપક દવાઓની સહાયક તરીકે વપરાય છે. તેનાં પુષ્પોમાંથી ખૂબ મધુર સુગંધિત અત્તર પ્રાપ્ત કરાય છે. તે પ્રદરરોગ તથા ઘા, વ્રણ, છાલાં વગેરે મટાડે છે. માત્રા : ચૂર્ણ 1થી 2 ગ્રા.; ઉકાળો 50થી 100 મિલી., સત્વ 0.5થી 1 ગ્રા..

મુખ્ય ઔષધ : હરમા બાવળમાં અન્ય ઔષધિઓ મેળવીને ‘ઇરિમેદાદિ તેલ’ બને છે; જે આયુર્વેદમાં દંતરોગો, મુખરોગો તથા ગળાનાં દર્દો, વિદ્રધિ વગેરેમાં ખાસ વપરાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ