હરસ (piles) (આયુર્વિજ્ઞાન)

February, 2009

હરસ (piles) (આયુર્વિજ્ઞાન) : ગુદામાં નસો (શિરાઓ) પહોળી થઈને ઊપસી આવે તે. તેને શાસ્ત્રીય રીતે વાહિનીમસા (hemorrhoids) કહે છે. લોકબોલીમાં તેને ગુદામાર્ગના મસા પણ કહે છે. આયુર્વેદમાં તે ‘અર્શસ્’ અથવા ‘અર્શ’ નામે ઓળખાય છે. તે 2 પ્રકારના છે – ગુદાદ્વારના સંદર્ભે બાહ્ય (external) અને અંત:સ્થિત (internal). બાહ્ય હરસ ચામડી વડે અને અંત:સ્થિત હરસ ગુદાની શ્લેષ્મકલા વડે ઢંકાયેલા હોય છે. જ્યારે બંને પ્રકારના હરસ એક સાથે જોવા મળે છે ત્યારે તેને બાહ્યાંત:સ્થિત (interno-external) હરસ કહે છે.

આકૃતિ 1 : ગુદાની રચના : (1) ગુદોચ્ચક સ્નાયુ (levator ani), (2) મળાશયનો વર્તુલાકારી સ્નાયુ, (3) અંતર્ગત દ્વારરક્ષક (internal sphincter), (4) ગુદામળાશયી વીંટી અથવા વલયિકા, (5) લંબરેખીય સ્નાયુ (longitudinal muscle), (6) દંતીય રેખા (dentate line), (7) બાહ્ય દ્વારરક્ષક (external sphincter), (8) મળાશયી શ્લેષ્મકલા (mucosa), (9) ગુદાની શ્લેષ્મકલા, (10) ગુદાની સફેદ ચામડી, (11) ગુદાની સાચી ચામડી.

અંત:સ્થિત હરસ બનાવતી શિરાઓ(veins)માં લોહી ભરાય છે. તેની ઉપરની શ્લેષ્મકલા ગુદાદ્વારરક્ષક (anal sphincter) આગળ પકડમાં આવે છે. તેથી તે 3 સ્થળે ઊપસી આવે છે. આ ત્રણેય સ્થળોમાં ક્યારેક ઊર્ધ્વ અર્શધમની(superior hemorrhoidal artery)ની શાખાઓ આવેલી હોય છે. શ્લેષ્મકલાના ઊપસી આવેલા ભાગોને ગુદાના ઉત્પ્રસારો અથવા ગુદ્-ઉત્પ્રસારો (anal cushions) કહે છે. આ ત્રણેય ગુદ્-ઉત્પ્રસારો ગર્ભકાળથી વિકસેલા હોય છે અને તે ગુદાના દ્વારરક્ષકના મળને રોકવાના કાર્યમાં મહત્વના છે. જ્યારે વ્યક્તિ મળત્યાગ માટે જોર કરે ત્યારે આ ત્રણેય ઊપસી આવેલા ગુદ્-ઉત્પ્રસારો નીચે તરફ સરકે છે અને તેમની સાથે તેમાંની શિરાઓ પણ લંબાય છે. આવી રીતે નીચે ખસતી અથવા અધ:ભ્રંશ (prolapse) પામતી પેશી હરસ (વાહિનીમસા) સર્જે છે. તેમાં મુખ્યત્વે પહોળી થયેલી નસો (વાહિનીઓ) હોવાથી તે મસા જેવા ઊપસેલા ભાગને વાહિનીમસા કહે છે. મોટે ભાગે તે કોઈ તકલીફ કરતા નથી; પરંતુ મળાશય(rectum)ના કૅન્સરમાં, સગર્ભાવસ્થામાં, પુર:સ્થગ્રંથિ (prostate gland) મોટી થવાથી પેશાબમાં અટકાવ થાય અને તેના માટે જોર કરવામાં આવે ત્યારે તથા લાંબા સમયની કબજિયાત થાય ત્યારે તે તકલીફ કરે છે. આ બધી સ્થિતિઓમાં હરસમાંની નસો પર દબાણ આવવાથી તે વધુ પ્રમાણમાં ફૂલે છે. યકૃત(liver)ના યકૃતતંતુકાઠિન્ય રોગ કે અન્ય કારણસર નિવાહિકાતંત્ર(portal system)માં દબાણ વધે ત્યારે મળાશયમાંના નિવાહિકાતંત્ર અને સર્વવ્યાપક રુધિરાભિસરણતંત્ર વડેનાં જોડાણો કરતી શિરાઓ પહોળી અને વાંકીચૂકી બને છે. તેને મળાશયી સર્પવાહિનીઓ (rectal varices) કહે છે. તેમને હરસથી અલગ પાડવામાં આવે છે.

અંત:સ્થાયી હરસ (internal piles) : સામાન્ય રીતે બહાર અને અંદર બંને પ્રકારના હરસ એકસાથે હોય છે. તેમાં ગુદ્-ઉત્પ્રસારમાંની નસોનું જાળું પહોળું અને મોટું થયેલું હોય છે. બાહ્ય અને અંદરનાં વાહિનીજાળાં વચ્ચે જોડાણ હોવાથી બહાર પણ નસો પહોળી થાય છે, જે બાહ્ય હરસ કરે છે. ઉપર જણાવેલા રોગો અને વિકારો સિવાય પણ અંત:સ્થાયી હરસ થાય છે. ક્યારેક તે કેટલાંક કુટુંબોમાં શિરાઓની દીવાલ જન્મજાત નબળાઈ ધરાવે છે અને તેઓના પગમાં સર્પશિરા (varicose veins) પણ સાથે જોવા મળે છે. આવું વારસાગત પરિબળ ક્યારેક સક્રિય હોય છે. થોડા વૃદ્ધ અને જાડા કૂતરા સિવાય ચોપગાં પ્રાણીઓને હરસનો રોગ થતો નથી. કદાચ તેનું કારણ એ છે કે ચોપગાં પ્રાણીઓમાં મળાશયમાંનું લોહી ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતે પાછું ફરે છે, જ્યારે બેપગા પ્રાણી(માણસ)માં તેવું થતું નથી. વળી તે નસોમાં એકમાર્ગી કપાટ (valve) પણ હોતા નથી. તેથી ગુદામાંની શિરાઓ પહોળી થાય છે. ગુદા-મળાશય વિસ્તારમાં શિરાઓને બહારથી આધાર આપતી પેશી ઢીલી હોય છે અને તેઓ સ્નાયુમાંથી પસાર થાય છે તેથી વારંવાર દબાય છે. અહીં સર્વવ્યાપી રુધિરાભિસરણતંત્રની તથા નિવાહિકાતંત્રની શિરાઓ એમ 2 રુધિરાભિસરણતંત્રોની શિરાઓ જોડાય છે અને તેથી તેમનામાં આવતા દબાણના ફેરફારો તથા તેમાં એકમાર્ગી કપાટની ગેરહાજરી નસોને પહોળી કરે છે અને તેમાં લોહી ભરાઈ રહે છે. મળ કે પેશાબની હાજતમાં અટકાવ તે ક્રિયાઓ કરવામાં જોર કરાવે છે. તેને કારણે લક્ષણરહિત હરસ વધુ મોટા થાય છે. ક્યારેક નાના કે મોટા આંતરડાના વિકારમાં થતા ઝાડા કે મરડો પણ સુષુપ્ત હરસને સક્રિય કરે છે.

અંત:સ્થાયી હરસ ગુદામાં ઘડિયાળના ચંદામાંનાં 3, 7 અને 11 વાગ્યા દર્શાવતાં સ્થાનોની માફકના વિસ્તારોમાં જોવા મળે છે. આવું જ્યારે દર્દી બંને પગ પહોળા અને ઊંચા કરીને તપાસ કે ચિકિત્સા કરાવવા સૂઈ જાય ત્યારે જોવા મળે છે. આનું કારણ ગુદામાંથી લોહી પાછું લઈ જતી શિરાઓનું તે પ્રમાણે સ્થાન હોય છે. આ ત્રણેય મળાશયી શિરા(rectal vein)ની શિરાશાખાઓ છે, જે 2 જમણી અને એક ડાબી તરફ છે.

હરસ(વાહિનીમસા)ના 3 ભાગો છે  (1) મસાદંડ (pedicle), જેમાં ક્યારેક ધબકતી ધમનીને સ્પર્શી શકાય છે. (2) અંત:સ્થાયી મસા, જે ગુદ્મલાશયી વલય(anorectal ring)ની નીચે હોય છે અને તેજસ્વી લાલ અને જાંબલી રંગના અને જુદા જુદા કદના હોય છે. (3) બાહ્ય હરસ સંબંધિત અંત:સ્થાયી હરસ, જે દંતીય રેખા (dentate line) અને ગુદકિનારી (anal margin) વચ્ચે ભૂરી શિરાના બનેલા હોય છે. ક્યારેક તે તંતુમય (fibrous) બનેલા હોય છે. તે થોડાક પૂર્ણવિકસિત વિકારવાળા દર્દીમાં જ જોવા મળે છે. મસાદંડમાં ઊર્ધ્વ મળાશયી ધમની(superior rectal artery)ની શાખા હોય છે. તેમાં જો વાહિનીઅર્બુદ (hemangioma) નામની ધમનીની ગાંઠ થઈ હોય તો તેને ધમનીમસો (arterial pile) કહે છે, જેમાંથી અતિતીવ્ર રુધિરસ્રાવ થાય છે.

આકૃતિ 2 : (1) ઊર્ધ્વ મળાશયી ધમની, (2) જમણી શાખા, (3) અગ્રસ્થ (anterior) શાખા, (4) ડાબી શાખા, (5) પશ્ચસ્થ (posterior) શાખા, (6) મળાશય, (7) ગુદા, (8) ગુદાનું પોલાણ, (9) ગુદાની દીવાલ, (10) 3, 7 અને 11 વાગ્યાના સ્થાને મસા. નોંધ : (અ) મળાશય અને ગુદા અને તેમની ધમનીઓ, (આ) ગુદાદ્વારમાંથી દેખાતા હરસ

તેનાં મુખ્ય લક્ષણો અને ચિહનો 4 છે – તેજસ્વી લાલ રંગનો રુધિરસ્રાવ (hemorrhage), શ્લેષ્મનો બહિ:સ્રાવ (mucus discharge), અપભ્રંશ (prolapse) અને દુખાવો. વધુ કે લાંબા સમય માટે લોહી વહે તો તે પાંડુતા (anaemia) કરે છે. તેમાંથી સમયાંતરે થોડું થોડું લોહી મળ સાથે નીકળે છે. ફક્ત લોહી પડતું હોય પણ ગુદાની બહાર મસા નીચે ઊતરી આવ્યા (અપભ્રંશ) ન હોય તો તેને પ્રથમ કક્ષાના મસા કહે છે. ધીમે ધીમે તે નીચે ગુદાદ્વાર બહાર ઊપસી આવે છે. થોડા સમયે તે જાતે પાછા અંદર ન જાય પણ દર્દી આંગળીથી ધકેલી શકે છે. જે મસા ફક્ત મળત્યાગ વખતે બહાર આવે અને તે પછી જાતે કે આંગળીથી પાછા જતા રહે અને મળત્યાગ વગર અંદર રહે તેને બીજી કક્ષાના મસા કહે છે. જે મસા સતત અને કાયમી રીતે બહાર આવી જાય તેને ત્રીજી કક્ષાના મસા કહે છે. આવા સમયે મળાશયમાં તણાવની સંવેદના થાય છે. ચેપ કે અન્ય ગંભીર આનુષંગિક તકલીફ થાય તો દુખાવો થાય છે.

ગુદામાં આંગળી મૂકીને તથા મળાશયદર્શક (proctoscope) મૂકીને મસાને જોઈને તેનું નિદાન કરાય છે. મળાશયદર્શક મૂકતાં પહેલાં તે ભાગને નિશ્ચેતક ઔષધ (anaesthatic agent) વડે બહેરો કરાય છે. દરેક કિસ્સામાં અવગ્રહાકારી-આંત્રદર્શક (sigmoidoscope) વડે મળાશયમાં કૅન્સર કે અન્ય રોગ છે કે નહિ તેની ખાતરી કરાય છે.

મસામાં કેટલીક આનુષંગિક તકલીફો ઉમેરાય છે; જેમ કે, રુધિરાભિસરણીય સંગ્રસન (strangalation), જેમાં બાહ્ય દ્વારરક્ષકમાં મસો ફસાઈ જાય અને તેમાંનું લોહી પાછું ફરી શકે નહિ. તેને કારણે તેમાં લોહીનો ભરાવો થાય છે. ત્યાર બાદ તેમાં લોહી જામી જઈને ગંઠાઈ જાય છે. તેને ગુલ્મન (thrombosis) કહે છે. ગુલ્મિત મસા (thrombosed piles) ગાઢા જાંબલી કે કાળા રંગના હોય છે અને તે કઠણ તથા પીડાકારક હોય છે. તેને સ્પર્શ કરવાથી વેદના (સ્પર્શવેદના, tenderness) થાય છે. ક્યારેક તેના પર ચાંદું પડે છે અથવા તેમાં પેશીનાશ (gangrene) પણ થાય છે. તેના કારણે મસાનો કોઈ ભાગ કે પૂરેપૂરો મસો ખરી પડે છે અને ચાંદું થાય છે અથવા તેમાંનો પેશીનાશ ગુદા અને મળાશયમાં પણ પ્રસરે છે, જેથી અજારક જીવાણુઓ(anaerobes)નો ચેપ લાગે અને લોહીમાં પરુ ફેલાય (પૂયરુધિરતા, pyaemia) છે. ક્યારેક ગુલ્મ (thronbus) બન્યો હોય તેવા મસા ગંઠાઈ જાય છે અને તંતુમય (fibrous) બને છે, તેને તંતુમયતા (fibrosis) કહે છે. તેમાં ભાગ્યે જ પરુ થાય છે (સપૂયતા, suppuration). ક્યારેક પરુ નિવાહિકા તંત્રની નસો દ્વારા ફેલાઈને યકૃતમાં ગૂમડું (સપૂયગડ, abscess) કરે છે.

અંત:સ્થાયી મસાની સારવાર : કૅન્સર કે અન્ય રોગો સાથે મસા થાય તો તેમાં તકલીફો ઘટાડવાની સારવાર કરાય છે  નિશ્ચેતક મલમ વડે મળત્યાગ પહેલાં ગુદાને બહેરી કરવી, હળવો જુલાબ વગેરે. અન્ય કિસ્સામાં સક્રિય સારવાર અપાય છે. પ્રથમ કક્ષાના અંત:સ્થાયી મસામાં તથા બીજા તબક્કાની શરૂઆતમાં બદામના તેલમાં ફિનોલનું ઇન્જેક્શન બનાવીને મસામાં નાંખવામાં આવે છે. તે માટે ગેબ્રિયેલની સિરિન્જ વપરાય છે. ઘણી વખત દર 6 અઠવાડિયાંના અંતરે 3 વખત આ કાર્ય કરાય છે.

બીજી કક્ષાના મસા, જે ઇન્જેક્શન માટે ઘણા મોટા હોય તેના મસાદંડના મૂળ પાસે લવચીક (elastic) પટ્ટો બંધાય છે. થોડા દિવસમાં મસો ખરી પડે છે. કેટલાંક સારવારકેન્દ્રોમાં પ્રવાહી નાઇટ્રોજન વડે મસાને અતિશય થીજવી દેવાય છે, જેથી તે ખરી પડે છે. તેને શીતશસ્ત્રક્રિયા (cryosurgery) કહે છે. અધોરક્ત કિરણો વડે અપભ્રંશ ન થયા હોય તેવા મસામાં સંગુલ્મન (coagulation) કરાય છે. તે અસરકારક અને પીડારહિત સારવાર છે, તેને પ્રકાશ-ગુલ્મન (photocoagulation) પણ કહે છે.

ત્રીજી કક્ષાના મસા, ઉપરની સારવાર નિષ્ફળ રહી હોય તેવા બીજી કક્ષાના મસા, તંતુમય મસા તથા બાહ્યાંત:સ્થાયી મસામાં શસ્ત્રક્રિયા કરાય છે. તેને અર્શોચ્છેદન (hemorrhiodectomy) કહે છે. શસ્ત્રક્રિયા કરતાં પહેલાં આગલી રાત્રે બસ્તી (enema) આપવાની તથા પરિગુદાવિસ્તારના વાળને દૂર કરવાની ક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા શરૂ કરતાં પહેલાં ફરીથી બસ્તી આપીને મળાશયને ખાલી કરી નંખાય છે. મસાને કાપી કાઢવા માટે 2 પ્રકારની પદ્ધતિઓ છે  ખુલ્લી (open) અને બંધ (closed). બંને પદ્ધતિઓમાં મસાને તેના મૂળ પાસે બાંધીને કાપી કઢાય છે. તેને બંધન-ઉચ્છેદન(ligation-excision)ની પ્રક્રિયા કહે છે. ‘ખુલ્લી’ પદ્ધતિ U.K.માં પ્રચલિત છે અને તેમાં ઘાવને ખુલ્લો મૂકીને કુદરતી રીતે રુઝાવા દેવાય છે, જ્યારે ‘બંધ’ પદ્ધતિ U.S.માં પ્રચલિત છે અને તેમાં ઘાવને બંધ કરવા ટાંકા લેવાય છે. દર્દીને શસ્ત્રક્રિયાના દિવસે (U.S.) અથવા એક-બે દિવસમાં (U.K.) રજા અપાય છે. દર્દીને દિવસમાં 2 વખત દળવર્ધક જુલાબ (bulk purgative) લેવાનું તથા 2 વખત ગરમ પાણીએ નાહવાનું સૂચવાય છે. સૂક્ષ્મજીવમુક્ત સેનેટરી ટોવેલ કે અન્ય સૂકા ઢાંકણ વડે ડ્રેસિંગ કરાય છે. 4 સપ્તાહને અંતે જો મળમાર્ગ સંકીર્ણ (stenosed) એટલે કે સાંકડો થયેલો હોય તો વિસ્ફારક (dilator) વડે તેને પહોળો કરવાનું સૂચવાય છે. શસ્ત્રક્રિયા પછીના તુરતના ગાળામાં ક્યારેક દુખાવો, પેશાબનો અટકાવ કે લોહી વહેવાની સ્થિતિ થાય છે. 6થી 8 દિવસ પછી થતો રુધિરસ્રાવ, ગુદા-સંકીર્ણતા (anal stricture) એટલે કે ગુદામાર્ગ સાંકડો થવો, ગુદામાં ચીરા (fissure) પડવા કે મળને રોકવામાં તકલીફ પડવી વગેરે આનુષંગિક તકલીફો થાય છે. દુખાવો ઘટાડવા પેથિડિનનું ઇન્જેક્શન અપાય છે તથા ઝાયલોકેઇનનો મલમ લગાવીને જે તે ભાગને બહેરો કરાય છે. પેશાબ અટકી જાય તો પીડાનાશક અપાય છે. દર્દીને હૈયાધારણ અને હિંમત અપાય છે તથા ગરમ પાણી વડે સ્નાન કરવાનું સૂચવાય છે. જો શસ્ત્રક્રિયા પછી થોડા સમયમાં લોહી પડે તો નસ વાટે મૉર્ફિન અપાય છે તથા લોહી વહેતું હોય તેને બાંધી દેવાય છે. 6થી 8 દિવસ પછી થતા રુધિરસ્રાવમાં પણ મૉર્ફિન અપાય છે તથા જરૂર પડે તે સ્થળે ટાંકો લેવાય છે. ગુદાની સંકીર્ણતા અટકાવવા જરૂર પડ્યે 10મા દિવસથી વિસ્ફારક (dilator) વડે ગુદાને નિયમિતપણે પહોળી કરવામાં આવે છે. ગુદામાં ચીરા કે ચામડી નીચેનું ગૂમડું ઘણી વખત છુપાયેલાં રહે છે. જો દર્દીની ગુદામાંના અંતર્ગત દ્વારરક્ષકને અજાણતાં ઈજા થઈ હોય તો મળની હાજત રોકવામાં મુશ્કેલી પડે છે. તેની સારવાર મુશ્કેલ છે.

દર્દીને મસામાં વાહિની સંગ્રસન (strangulation), રુધિરગુલ્મન (thrombosis) કે પેશીનાશ (gangrene) જેવી આનુષંગિક તકલીફો થઈ હોય તો તેમાં શસ્ત્રક્રિયા પછી ક્યારેક નિવાહિકાતંત્રને માર્ગે યકૃત (liver) સુધી ચેપ પ્રસરે છે. તેથી મોટે ભાગે અસરકારક પ્રતિજૈવ ઔષધો (antibiotics) અપાય છે અને તેના છત્રરક્ષણ હેઠળ શસ્ત્રક્રિયા કરાય છે. તે પહેલાં ઍન્ટિબાયૉટિકની સારવાર સાથે પીડાનાશન, પથારીમાં આરામ તથા વારંવાર ગરમ પાણીથી સ્નાન અને હૂંફાળા ક્ષારજલ (saline) વડે દાબશેક (compresses) વગેરેનો ઉપયોગ કરી ફૂલેલા મસાને સંકોચાવાય છે. જોકે વહેલી શસ્ત્રક્રિયાથી ગુદામાર્ગ સાંકડો થવાનો ભય રહે છે અને તેથી કેટલાક સર્જ્યનો એકાદ મહિનાની રાહ જુએ છે. જોકે ત્યાર પછી પણ ચેપ ફેલાવા અંગે તકેદારી રખાય છે. જો દર્દીને મસામાંથી અતિશય લોહી પડે તો લોહી વહેવાનો વિકાર કે લોહી ગંઠાતું અટકાવતા ઔષધનું સેવન નથી કરાતું તે જાણી લેવાય છે. લોહી વહેતું અટકાવવા તેના પર એપિનેફ્રિન (એડ્રિનાલિન) વડે દાબપટ્ટી (compress) મૂકવામાં આવે છે અને મૉર્ફિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જરૂર પડ્યે લોહી ચડાવાય છે. રુધિરાભિસરણને સ્થિર કરીને બંધન-ઉચ્છેદન(ligation excision)ની શસ્ત્રક્રિયા કરાય છે.

બાહ્ય હરસ (external piles) : વિવિધ, ચોક્કસ અને અલગ પડતી વિષમતાઓના જૂથને સંયુક્ત રીતે બાહ્ય હરસ કહે છે. (1) રુધિરગુલ્મિત બાહ્ય હરસ(thrombosed external piles)માં ચર્મવ્યાવર્તી ગુદ્સ્નાયુ (corrugator cutis ani muscle) નામના ચામડી નીચેના સ્નાયુની ઉપર અને ચામડીની નીચે લોહી ભરાઈને ગાંઠ જેવું થાય છે. તેને પરિગુદા રુધિરાર્બુદ (perianal haematoma) કહે છે. મળત્યાગ વખતે જોર કરવાથી, ભારે વજન ઊંચકવાથી કે જોરથી ખાંસી ખાવાથી ગુદાની બહારની લઘુશિરા (venule) પર દબાણ આવે છે ત્યારે આ પ્રકારની વિષમતા થાય છે. તે અચાનક થઈ આવે છે અને તેમાં દુખાવો થાય છે. તે તણાવપૂર્ણ અને સ્પર્શવેદનાવાળી ગંઠિકા રૂપે જોવા મળે છે. તે ગુદાદ્વારની ડાબી કે જમણી બાજુએ તેની કિનારી(margin)માં હોય છે. જો તેની સારવાર ન કરાય તો તે કાં તો આપોઆપ શમે છે, તેમાં પરુ થાય છે, ગંઠાઈને તંતુમય (fibrous) બનીને ચામડી પર નાનું લટકણિયું (tag) બને છે, ફાટી જઈને લોહીનો ગઠ્ઠો કાઢી નાંખે છે અથવા તેમાંથી લોહી પડ્યા કરે છે. મોટા ભાગે તે શમી જાય છે કે તંતુમય બને છે; તેથી તેને ‘પંચદિવસીય પીડાકારક સ્વત:વિરામી દોષવિસ્તાર’ (5 day painful self-curing lesion) પણ કહે છે. જો તે થાય તો તેના પ્રથમ 36 કલાકમાં સારવાર શરૂ કરી શકાય તેમ હોય તો તેને તાત્કાલિક સારવાર (emergency treatment) અપાય છે, જેમાં સ્થાનિક વિસ્તારને બહેરો કરાય છે અને ગંઠિકાના બે ભાગ કરીને તેને તથા આસપાસની 1.25 સેમી. ચામડી કાઢી નંખાય છે, તેથી દુખાવો તરત મટે છે અને કાયમી ધોરણે વિષમતા શમે છે; પરંતુ જો રુધિરાર્બુદી ગંઠિકા ગુદાદ્વારની આગળ કે પાછળ હોય તો શસ્ત્રક્રિયા કરાતી નથી. કેમ કે તેવું કરવાથી ગુદામાં ચીરા પડે છે.

(2) બાહ્ય હરસ અંદરના (અંત:સ્થાયી) હરસ સાથે હોય તો તેમને બાહ્યાંત:સ્થાયી હરસ કહે છે. તેમની અંત:સ્થાયી હરસ તરીકે સારવાર કરાય છે. (3) ગુદાદ્વારની ધાર (anal verge) પરની શિરાઓ પહોળી થાય (વિસ્ફારણ, dilatation) તો તે ગુદાદ્વારની આસપાસ (ભૂરાશ પડતી પોચી ગાદી જેવી) વીંટી (ring) જેવો દોષવિસ્તાર કરે છે. તે બેઠાડુ જીવન જીવનારાઓને થાય છે અને તેમાં તેણે તેની જીવનશૈલી બદલવી જરૂરી બને છે. (4) ક્યારેક ગુદામાંનો ચીરો (anal fissure) ‘દ્વારપાલક’ મસા (sentinal pile) તરીકે જોવા મળે છે ત્યારે તેને અનુરૂપ સારવાર અપાય છે.

શિલીન નં. શુક્લ