હરભજનસિંગ (જ. 18 ઑગસ્ટ 1919, લુમ્ડિંગ, આસામ) : પંજાબી કવિ, વિવેચક, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ન ધૂપ્પે ન છાંવે’ (1967) બદલ 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.

તેમણે અંગ્રેજી અને હિંદી સાથે એમ.એ. તથા ‘અ ક્રિટિકલ સ્ટડી ઑવ્ મિડિવલ હિંદી પોએટ્રી પ્રિઝર્વ્ડ ઇન ગુરુમુખી સ્ક્રિપ્ટ’ પર ગ્યાની અને પીએચ.ડી. અને ડી.લિટ.ની ડિગ્રીઓ મેળવી. 1953–67 સુધી તેઓ ગુરુ તેગબહાદુર ખાલસા કૉલેજ, દિલ્હીમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા રહ્યા; 1968–84 સુધી દિલ્હી યુનિવર્સિટીના મૉડર્ન ઇન્ડિયન લગ્વેજિઝ વિભાગમાં પંજાબીના પ્રાધ્યાપક રહ્યા. નિવૃત્તિ બાદ ‘આકાશ’ માસિકના સહસંપાદક રહ્યા.

તેમણે 1957માં ‘તારાટપકા’ નામક ગીતિ નાટક આપ્યું તેમજ 20થી વધુ કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમાં ‘અધ-રૈની’ (મિડનાઇટ, 1962), ‘સિલેક્શન્સ ફ્રૉમ ધ ઋગ્વેદ ઇનટુ ઋગ્વાણી’ (1963), ‘મૈં જો બીત ગયા’ (1970), ‘અલફ દુપહર’ (‘આફ્ટરનૂન’, 1972), ‘ઇક પરદેશન પિયારી’ (‘એ લવલી ફૉરિનર’, 1973), ‘ન ધૂપ્પે ન છાંવે’ (1967), ‘અલવિદા તો પહેલાં’ (‘બિફોર બિડ્ડિંગ ગુડબાય’, 1984), ‘ટૂકિયાં જીભાનવાલે’ (1977), ‘માથા દીવે વાલા’ (1982), ‘રુખ તે ઋષિ’ (1992) ઉલ્લેખનીય છે.

આ ઉપરાંત સાહિત્યિક વિવેચનના ક્ષેત્રે ‘મૂલ તે મૂલાંકન’ (1972), ‘સાહિત્યશાસ્ત્ર’ (1973), ‘સાહિત્યસિદ્ધાંત’ (1974), ‘રૂપકી’ (ફૉર્મ ઍન્ડ સ્ટ્રક્ચર’ (1977); ‘સાહિત્ય-અધ્યયન’ (1981) નામક જાણીતા વિવેચનગ્રંથો આપ્યા છે.

વળી કેટલાક શિષ્ટ માન્યગ્રંથોને પંજાબીમાં અનૂદિત કર્યા છે. તેમાં ગૉર્કીના ‘માય યુનિવર્સિટીઝ’નું ‘મેરે વિશ્વવિદ્યાલે’ (1961), ઍરિસ્ટોટલના ‘પોએટિક્સ’નું ‘અરસ્તુ દા કાવ્યશાસ્ત્ર’ (1964), લૉન્જિનસના ‘ઑન ધ સબ્લાઇમ’નું ‘ઉડત બારે’(1970)નો સમાવેશ થાય છે. વળી ‘કથા-પંજાબ’ (1970) અને ‘કિસ્સા-પંજાબ’ (1972) તેમનાં સંપાદનો છે. ‘જવાહરલાલ નહેરુ’નો અંગ્રેજીમાંથી પંજાબી અનુવાદ પણ તેમણે કર્યો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ન ધૂપ્પે ન છાંવે’માં કવિની દૃષ્ટિ અને અભિવ્યક્તિની પ્રૌઢતા જોવા મળે છે. આકૃતિ સ્વરૂપની વિરલ પ્રયોગશીલતા તથા તેની વિપુલ લાગણીસભરતાને લીધે તત્કાલીન પંજાબી સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.

તેમને 1975ના વર્ષનો પંજાબ સરકાર શિરોમણિ સાહિત્યકાર ઍવૉર્ડ; 1985ના વર્ષનો વર્લ્ડ હિંદી કૉન્ફરન્સ ઍવૉર્ડ, વર્લ્ડ પંજાબી કૉન્ફરન્સ ઍવૉર્ડ; 1988–89ના વર્ષનું મધ્યપ્રદેશ સરકાર તરફથી કવિ સન્માન; 1993માં સાહિત્ય અકાદમી ટ્રાન્સલેશન પ્રાઇઝ; 1994માં કે. કે. બિરલા ફાઉન્ડેશન તરફથી સરસ્વતી સન્માન તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ફેલોશિપ; પંજાબી યુનિવર્સિટી અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી તરફથી લાઇફ ફેલોશિપ જેવાં સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા