હરબિગ-હૅરો પદાર્થ (Herbig-Haro objects)

February, 2009

હરબિગ-હૅરો પદાર્થ (Herbig-Haro objects) : એક પ્રકારના વિશિષ્ટ અને નાના વાયુવાદળ જેવા જણાતા પદાર્થ. આ પ્રકારના પદાર્થો, જે વિસ્તારમાં નવા તારાઓ સર્જાઈ રહ્યા હોય (જેમ કે, મૃગશીર્ષ તારામંડળની પ્રખ્યાત નિહારિકા) ત્યાં જણાય છે. આ જ તારામંડળમાં આવેલ એક અન્ય નિહારિકા(Nebula 1999)ની 1946–47માં લેવાયેલ તસવીરોમાં જ્યૉર્જ હરબિગ (George Herbig) અને ગાઇલામેરો હૅરો (Guillamero Haro) નામના ખગોળવિજ્ઞાનીઓએ આ પ્રકારના પદાર્થો સૌપ્રથમ નોંધ્યા અને નાના સુગઠિત વાયુવાદળ જેવા જણાતા આ પદાર્થો અન્ય ખગોળીય પદાર્થોથી અલગ તરી આવતા જણાતા હોવાથી તેમને હરબિગ-હૅરો પદાર્થ (Herbig-Haro objects) એવું નામ અપાયું. વર્ણપટીય અભ્યાસમાં, આ પદાર્થો દ્વારા ઉત્સર્જિત પ્રકાશમાં ‘મંદ સાતત્યપૂર્ણ ઉત્સર્જન’ (weak continuum emmision) ઉપરાંત હાઇડ્રોજન, ઑક્સિજન અને નાઇટ્રોજન જેવાં તત્વોની વર્ણપટીય રેખાઓ પણ આવેલી જણાઈ. પદાર્થોના સીમિત અને સુગઠિત વ્યાપ તેમજ આવા પદાર્થો નવા તારાઓના સર્જનના વિસ્તારમાં આવેલ જણાતા હોવાથી શરૂઆતનાં વર્ષોમાં તો આવા પદાર્થો, વાયુવાદળની તારા-સ્વરૂપે સંગઠિત થવાની પ્રક્રિયાનો એક તબક્કો હોઈ શકે તેવું મનાયું.

વધુ અભ્યાસમાં જણાયું કે વાસ્તવમાં આ પદાર્થોનાં દળ પૃથ્વીના દળથી વધુમાં વધુ માત્ર ત્રીસેક ગણા હોઈ શકે. આ ઉપરાંત થોડાં વર્ષો તેમના સ્વરૂપમાં ફેરફાર પણ થતા જણાયા; તેથી સ્પષ્ટ થયું કે આ નવા સર્જાતા તારા હોઈ શકે નહિ. ત્યાર બાદના સમયમાં તારાસર્જનની પ્રક્રિયાનો ઇન્ફ્રારેડ તરંગોના વિસ્તારમાં લેવાતાં અવલોકનો દ્વારા થયેલ ઘનિષ્ઠ અભ્યાસમાં હવે જણાયું છે કે નવા સર્જાઈ રહેલા તારામાંથી અમુક તબક્કા દરમિયાન તેના ધરીભ્રમણની દિશામાં પ્રબળ વાયુપ્રવાહનું ઉત્સર્જન થાય છે, જેને અંગ્રેજીમાં (દ્વિધ્રુવી પ્રવાહ) bipolar flow કહેવાય છે. આ તબક્કાના તારાઓ ખગોળવિજ્ઞાનમાં T Tauri star કહેવાય છે. (આપણો સૂર્ય પણ આશરે સાડાચાર અબજ વર્ષો પૂર્વે આવા તબક્કામાંથી પસાર થયો હોવો જોઈએ.) આ તબક્કામાં સર્જન પામી રહેલ તારાના વિસ્તારમાં સારા એવા પ્રમાણમાં આંતરતારાકીય માધ્યમનો વાયુ (interstellar gas) આવેલો હોય છે. નવા સર્જાતા તારામાંથી ઉત્સર્જિત પ્રબળ વાયુપ્રવાહો, આ આંતરતારાકીય માધ્યમના વાયુને પોતાની દિશામાં સારા એવા અંતર સુધી ઘસડી જાય છે અને આ રીતે સુગઠિત થયેલ આંતરતારાકીય વાયુ, તારાથી આશરે 2000 AU અંતરે (ઍસ્ટ્રો નૉમિકલ યુનિટ AU = સૂર્ય-પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર, લગભગ 15 કરોડ કિલોમીટર) હરબિગ-હૅરો પદાર્થ-સ્વરૂપે જણાય છે. તારા દ્વારા ઉત્સર્જિત વાયુ અને આંતરતારાકીય માધ્યમના વાયુના પરમાણુઓ વચ્ચે સર્જાતી અથડામણોને કારણે આ પરમાણુઓ ઉત્તેજન પામતાં તે વર્ણપટની યથાયોગ્ય તરંગલંબાઈ પર પ્રકાશનું ઉત્સર્જન કરે છે.

T Tauri તબક્કામાં આવેલ તારામાં નાભિકીય સંલયન(nuclear fusion)ની પ્રક્રિયા એકધારી ચાલતી નથી; પરંતુ કંઈક અસ્થાયી કહેવાય એવા પ્રકારે ચાલતી હોય છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ