હયગ્રીવ (બૌદ્ધદેવતા)  : આ બૌદ્ધ દેવનાં બે સ્વરૂપોની મૂર્તિઓ પ્રાપ્ત થાય છે. દેવ જ્યારે પોતાના મસ્તક પર અમિતાભ બુદ્ધને ધારણ કરે છે ત્યારે તે સ્વરૂપ સપ્તસટિક હયગ્રીવ તરીકે ઓળખાય છે. રક્તવર્ણના આ દેવ એક મુખ અને ત્રિનેત્ર ધરાવે છે. મુખ પર દાઢી છે. કંઠમાં ખોપરીઓની માળા ધારણ કરેલી છે. તેમના બે હાથમાં વજ્ર અને દંડ ધારણ કરેલ છે. આ દેવના એક સ્વરૂપમાં તેમને અશ્વમુખવાળા, દ્વિભુજ અને રક્તવર્ણના તેમજ હાથમાં દંડ અને વજ્ર ધારણ કરતા દર્શાવાયા છે. આ સ્વરૂપ તિબેટ અને ચીનમાં વિશેષપણે જોવા મળે છે.

જ્યારે હયગ્રીવ પોતાના મસ્તકે અક્ષોભ્ય બુદ્ધને ધારણ કરે છે. ત્યારે તેઓ આર્યહયગ્રીવના નામે ઓળખાય છે. રક્તવર્ણના દેવ સર્પના અલંકારો ધારણ કરે છે. લલિતાસનમાં બેઠેલા, વિકરાળ દેખાવવાળા, વ્યાઘ્રચર્મધારી અને અષ્ટભુજ છે. જમણી બાજુના હાથમાં વજ્ર, દંડ, કાન સુધી ખેંચેલ પણછ ઉપર ચડાવેલ બાણ છે જ્યારે ડાબા હાથમાં સૂચિમુદ્રા, બીજો હાથ છાતી પર અને બાકીના હાથમાં કમળ અને ધનુષ છે. હયગ્રીવ એ વિષ્ણુના હયગ્રીવ સ્વરૂપ સાથે સામ્ય ધરાવે છે.

પ્રવીણચંદ્ર પરીખ