હમ્મુરબી (Hammurabi) (જ. બૅબિલોન; અ. ઈ. પૂ. 1750) : બૅબિલોનની સેમિટિક જાતિના એમોરાઇટ રાજવંશનો છઠ્ઠો શાસક. તેનો શાસનકાળ ઈ. પૂ. 1792થી 1750 સુધીનો હતો. બૅબિલોનિયન લોકોનો તે સૌથી મહાન અને શક્તિશાળી રાજા હતો. એણે 42 વર્ષ રાજ્ય કર્યું. બૅબિલોન શહેર તેનું પાટનગર હતું. એણે શરૂઆતનાં 20 વર્ષ યુદ્ધો કરી રાજ્યવિસ્તાર કરવામાં ગાળ્યાં અને બાકીનાં 12 વર્ષ રાજ્યને વ્યવસ્થિત તથા સંગઠિત કરવામાં ગાળ્યાં. એનું લશ્કર ઘણું શક્તિશાળી હતું. એણે મુત્સદ્દીગીરી અને લશ્કરી વિજયોથી પોતાના રાજ્યનો ઘણો વિસ્તાર કર્યો. એ ઉપરાંત, રાજ્યની સમૃદ્ધિમાં વધારો થયો. તેથી તેના શાસનકાલને પ્રાચીન બૅબિલોનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. એણે પોતાના પાટનગર બૅબિલોનનો પણ વિકાસ કર્યો. આ નગરમાં એણે મોટાં મહાલયો, મંદિરો, કિલ્લાઓ અને બગીચાઓ બનાવી એને શણગાર્યું.

હમ્મુરબી

હમ્મુરબીએ ઘણા વિજયો મેળવ્યા અને સારી રીતે વહીવટ કર્યો; પરંતુ વિશ્વના ઇતિહાસમાં એ પ્રથમ કાયદા ઘડનાર રાજવી તરીકે પ્રસિદ્ધ છે. તેના કાયદાસંગ્રહમાં લગભગ 300 જેટલા કાયદાઓનો સમાવેશ થાય છે. એ સેમિટિક ભાષામાં લખાયેલા છે. જૂના સુમેરિયન અને અક્કાડિયન કાયદાઓમાં જરૂરી સુધારાવધારા કરીને એણે આ કાયદાઓ બનાવ્યા હતા. આ કાયદાઓ પથ્થરની તકતી ઉપર કોતરેલા છે અને સૂર્યદેવ પોતે આ કાયદાઓ હમ્મુરબીને અર્પણ કરે છે એવું ચિત્ર એની ઉપર મૂકવામાં આવ્યું છે. એટલે આ રાજા અને પ્રજા સૂર્યપૂજક હશે એમ માની શકાય. આ તકતીની શોધ સને 1901માં ઈરાનના સુસા નામના શહેરમાં થઈ હતી.

હમ્મુરબીએ એ જમાનામાં વસ્તુઓની વધુમાં વધુ કિંમત અને વ્યક્તિઓનાં ઓછામાં ઓછાં વેતન નક્કી કર્યાં હતાં. એણે કરવેરાની સરળ અને ન્યાયી પદ્ધતિ અપનાવી હતી. એના કાયદાઓમાં ગરીબો, વિધવાઓ અને અપંગોને રક્ષણ આપવામાં આવ્યું હતું. પતિ-પત્નીના લગ્નસંબંધોને કાનૂની બનાવવામાં આવ્યા હતા. દારૂના પીઠામાં કોઈ સાધ્વી જાય તો તેને મૃત્યુની સજા કરવામાં આવતી. શસ્ત્રક્રિયા કરતાં દર્દીનું મૃત્યુ થાય તો એ શસ્ત્રક્રિયા કરનાર ડૉક્ટરને સજા કરવામાં આવતી. એણે ન્યાય આપવા માટે અદાલતોની સ્થાપના કરી હતી. વેપારીઓ પાસેથી કર લેવામાં આવતો. કૌટુંબિક સંબંધો, મેલી વિદ્યા, લશ્કરી સેવા, જમીન, વ્યાપાર, મિલકતના હક્કો, લોન અને થાપણો વિશે એણે ધારાકીય જોગવાઈઓ કરી હતી. શક્તિશાળી માણસો નિર્બળ માણસોનું શોષણ કરે નહિ એવી નીતિ એણે અપનાવી હતી. વળી ગુનેગારને સજા કરવા માટે ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’નો જૂનો સિદ્ધાંત એણે અપનાવ્યો હતો.

આમ હમ્મુરબીએ સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક અને લશ્કરી બાબતો માટે વિસ્તૃત કાયદાસંગ્રહ બનાવી એનો અમલ કર્યો. તેથી વિશ્વના ઇતિહાસમાં એ પ્રથમ કાયદા ઘડનાર રાજવી તરીકે પ્રસિદ્ધ છે. વિજયો, વહીવટી વ્યવસ્થા તથા કાયદા ઘડવા ઉપરાંત તેણે નહેરો ખોદાવી, પુલો, મંદિરો, મહેલો તથા બગીચા બંધાવ્યાં હતાં. આમ તેણે પોતાની સર્વતોમુખી પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

મુગટલાલ પોપટલાલ બાવીસી