હમ્મીરમદમર્દન : ગુજરાતના ઇતિહાસ વિશેનું નાટક. આ નાટક 1223થી 1229 સુધીના સમયમાં શ્વેતાંબર જૈન આચાર્ય જયસિંહસૂરિએ લખેલું છે. લેખક વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિ સુવ્રતના ચૈત્યના અધિષ્ઠાયક આચાર્ય હતા. પ્રસ્તુત નાટક મહામાત્ય વસ્તુપાળના પુત્ર જયંતની આજ્ઞાથી ખંભાતમાં ભીમેશ્વર દેવના યાત્રામહોત્સવમાં ભજવાયેલું. ભયાનક રસ એકલો જ નહિ, પણ આ નાટક નવે રસથી ભરેલું હોવાનો નાટ્યકારનો દાવો છે.

પાંચ અંકોના બનેલા આ નાટકમાં પ્રથમ બે અંકોમાં રાણા વીરધવલના અમાત્ય વસ્તુપાળ જાસૂસોની મદદથી યાદવરાજા સિંહણ અને લાટદેશના રાજાના ભત્રીજા સંગ્રામસિંહ વચ્ચેની સાંઠગાંઠને તોડી બંને વચ્ચે ભેદનો ઉપાય અજમાવે છે. ત્રીજા અંકમાં વસ્તુપાળ કમલક નામના દૂત દ્વારા મ્લેચ્છોના ઉપદ્રવના લીધે થયેલી મેવાડની દુર્દશા અને રાણા વીરધવલના આગમનની અફવા ફેલાવીને લોકોને હિંમત બંધાવે છે. ચોથા અંકમાં અફવા સાચી માનીને બગદાદનો ખલીફ પોતાની સામે મીલચ્છ્રીકાર(સુલતાન અલ્તમશ)ને કેદ કરી હાજર કરવાની આજ્ઞા ખર્પરખાનને કરે છે. વસ્તુપાલ તુરુષ્કોના હાથે રાજ્ય ગુમાવેલા કેટલાક રાજાઓને તેમનું રાજ્ય પાછું આપવાનું વચન આપી પોતાના પક્ષમાં લે છે. રાણા વીરધવલની ગર્જના અને તેની સેનાનો અવાજ સાંભળી પોતાના વજીર ઘોરી ઈસફ સાથે વાતચીત કરી રહેલો મીલચ્છ્રીકાર ભાગી જાય છે અને તેને પકડવા જવાનું વસ્તુપાળની સલાહથી વીરધવલ માંડી વાળે છે. પાંચમા અંકમાં વીરધવલ પાછો વળે છે ત્યારે વસ્તુપાળે બગદાદથી આવતા મીલચ્છ્રીકારના પીર રદી અને કદીને સમુદ્રમાં કેદ કરવાથી મીલચ્છ્રીકારને વીરધવલ સાથે સંધિ કરવાની ફરજ પડે છે. અંતે વીરધવલ શિવમંદિરમાં જાય છે અને ભગવાન શિવ પ્રગટ થઈ તેને વરદાન આપે છે. તે સાથે પ્રસ્તુત નાટક સમાપ્ત થાય છે. સંસ્કૃત ભાષામાં ઐતિહાસિક નાટકો જૂજ છે તેમાં આ નાટક નોંધપાત્ર છે. તેમાં આકર્ષક કાવ્યરચના છે.

આ જ જયસિંહસૂરિએ ભરૂચના મંદિરમાં તેજપાળ ગયો ત્યારે પોતાની શીઘ્ર કવિત્વશક્તિથી ખુશ કરી ત્યાંના વિહારની પચીસ દેવકુલિકાઓને સોનાના ધ્વજદંડ કરી આપવાની વિનંતી કરેલી. તેજપાળે તેમ કરતાં જયસિંહસૂરિએ ‘વસ્તુપાલતેજપાલપ્રશસ્તિ’ લખી છે. તેમાં પણ મૂળરાજ સોલંકીથી માંડીને તે વંશના રાજાઓની ઐતિહાસિક માહિતી રહેલી છે. એટલે ‘હમ્મીરમદમર્દન’ નાટક અને આ પ્રશસ્તિ બંને ઐતિહાસિક મૂલ્ય ધરાવતી કૃતિઓ જયસિંહસૂરિએ લખી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી