હન્ટર કમિશન (1882) : ભારતની બ્રિટિશ સરકારે 3 ફેબ્રુઆરી, 1882ના રોજ સર ડબ્લ્યૂ. ડબ્લ્યૂ. હન્ટરના પ્રમુખપદે નીમેલ કમિશન. તેનો હેતુ 1854ના ડિસ્પૅચ(શિક્ષણ અંગે)ના સિદ્ધાંતોનો અમલ કઈ રીતે કરવામાં આવ્યો છે, તેની તપાસ કરીને તેમાં દર્શાવેલ નીતિને આગળ વધારવા માટે યોગ્ય ઉપાયો સૂચવવાનો હતો. હન્ટર કમિશનની તપાસનો મુખ્ય હેતુ પ્રાથમિક તથા માધ્યમિક કેળવણીની સ્થિતિ તપાસવાનો તથા તે દરેક સ્થળે વિસ્તૃત કરીને તેમાં કયા સુધારા કરવા જોઈએ તે સૂચવવાનો હતો. આ તપાસપંચને ભારતમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સામાન્ય વહીવટી પદ્ધતિઓની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો ન હતો, છતાં પંચે તેના હેવાલમાં કૉલેજશિક્ષણને લગતી બાબતો, જેમાં વિદ્યાર્થીઓની હાજરી, તેમની ફી તથા વિદ્યાર્થીઓની કારકિર્દી જેવી બાબતોનો પણ સમાવેશ કરીને કેટલીક ઉપયોગી માહિતી ભેગી કરીને રજૂ કરી હતી.

હન્ટર કમિશને કરેલી મહત્ત્વની ભલામણો નીચે મુજબ હતી : સરકારે શિક્ષણના સીધા વહીવટમાંથી દૂર થઈ જવું અને ઉચ્ચ શિક્ષણમાં ધીમા તથા સાવચેતીપૂર્વકનાં પગલાં ભરીને ટેકો આપવો જોઈએ. સરકારે સામાન્ય નાણાકીય મદદ આપવી જોઈએ અને કૉલેજો માટે અનુદાનની જોગવાઈ કરવી જોઈએ. સરકારી કે અન્ય સ્થળેથી અનુદાન મેળવતી મોટી કૉલેજોમાં સાહિત્યિક તથા ભૌતિક પાસાંઓને લક્ષમાં રાખીને દેશની સંસ્કૃતિની વિભિન્નતાને પ્રોત્સાહન આપવું જોઈએ તથા તેને માટે યુનિવર્સિટીઓ તેનો અભ્યાસક્રમ નક્કી કરે. તમામ સરકારી અને બિનસરકારી કૉલેજમાં શીખવી શકાય તેવું નીતિ-સંહિતાનું પાઠ્યપુસ્તક; જે સર્વધર્મના સિદ્ધાંત પર આધારિત હોય તે તૈયાર કરાવવું. નાગરિકની ફરજો પર, કૉલેજોના દરેક વર્ગમાં, વ્યાખ્યાનો આપવાં જોઈએ. કૉલેજની ફી અને માફી તથા હાજરી સંબંધી કેટલાક સામાન્ય નિયમોનું પાલન કરવું. શિષ્યવૃત્તિઓ આપવા નવા નિયમો ઘડવા જોઈએ.

હન્ટર કમિશને માધ્યમિક શિક્ષણ અંગે ત્રેવીસ સૂચનો કર્યાં. તેમાંથી મહત્વનાં નીચે મુજબ છે :

માધ્યમિક શાળાઓના ઉપલા વર્ગોમાં બે વિભાગો હોવા જોઈએ. તેમાં એક વિભાગ યુનિવર્સિટીઓની પ્રવેશપરીક્ષા માટે તથા બીજો વિભાગ વિદ્યાર્થીઓને વાણિજ્ય કે ટૅકનિકલ વ્યવસાયો માટે તૈયાર કરે, તેવું વ્યાવહારિક જ્ઞાન આપે તેવો રાખવો. બધી માધ્યમિક શાળાઓમાં ગ્રંથાલયની વ્યવસ્થા કરવા તથા તેના નિભાવ વાસ્તે તથા ફર્નિચર અને શિક્ષણનાં સાધનો વસાવવા અનુદાન આપવાની વ્યવસ્થા કરવી. વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફી અને તેમની શિષ્યવૃત્તિ માટે નવા નિયમો ઘડવા. પ્રાથમિક શિક્ષણ માટે, સ્થાનિક લોકોનો સહકાર હોય કે ન હોય, છતાં તેની વ્યવસ્થા કરવી જોઈએ. જ્યાં પૂરતા પ્રમાણમાં સ્થાનિક લોકોનો સહકાર હોય ત્યાં માધ્યમિક શિક્ષણની જોગવાઈ કરવી આવશ્યક છે. અનુદાન આપવાની પદ્ધતિને કેન્દ્રમાં રાખી રાજ્ય સરકારે બધી માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા કરવી જોઈએ.

હન્ટર કમિશને મુસ્લિમોને શિક્ષણ આપવા ખાસ પગલાં લેવા સૂચવ્યું. સરકારના અધિકારીઓ પ્રાથમિક શાળાઓનું નિરીક્ષણ કરે તથા તપાસ રાખે એમ સૂચવ્યું. પ્રાથમિક શિક્ષણ રાજ્ય, જિલ્લા પંચાયતો તથા સુધરાઈઓ દ્વારા અપાવું જોઈએ, જ્યારે માધ્યમિક શિક્ષણ સ્થાનિક તથા ખાનગી સંસ્થાઓ આપે તે માટે ઉત્તેજન આપવું.

અંગ્રેજ સરકારે હન્ટર કમિશનની લગભગ બધી ભલામણો સ્વીકારી અને દેશમાં શિક્ષણના વિકાસની સમીક્ષા દર્શાવતો હેવાલ પ્રતિ વર્ષ તૈયાર કરવાનો આદેશ આપ્યો.

જયકુમાર ર. શુક્લ