હન્ટર જ્હૉન (Hunter, John) (જ. 13 ફેબ્રુઆરી 1728, લૉંગ કોલ્ડરવુડ, લેનાર્કશાયર, સ્કૉટલૅન્ડ; અ. 16 ઑક્ટોબર 1793, લંડન) : ઇંગ્લૅન્ડના શલ્યવિદ્યાતજ્જ્ઞ (sergeon), ‘રોગગ્રસ્ત શરીરશાસ્ત્ર’-(Pathological anatomy)ના સ્થાપક અને પ્રાયોગિક સંશોધનના હિમાયતી. આ ઉપરાંત તેમણે જીવનશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, દેહધર્મક્રિયાશાસ્ત્ર અને રોગશાસ્ત્રનો તુલનાત્મક અભ્યાસ કરેલો.

જ્હૉન હન્ટર

18મી સદીમાં શલ્યવિદ્યાના અભ્યાસ માટે યુનિવર્સિટીમાં જોડાવું આવશ્યક હતું; પરંતુ હન્ટરે કોઈ યુનિવર્સિટીમાં આવો અભ્યાસ કર્યો ન હતો અને તેમણે મેડિસિનના દાક્તર બનવાનો પ્રયત્ન પણ કર્યો ન હતો. 1748માં તેઓ તેમના ભાઈ વિલિયમને શરીરવિચ્છેદન કરવા માટેની તૈયારીમાં મદદ કરતા હતા. આમ ભાઈની પ્રયોગશાળામાં 11 વર્ષ મદદગાર તરીકે કાર્ય કર્યું. 1749–50ના ઉનાળામાં તે વિલિયમ ચેસિલ્ડેન પાસેથી ચેલ્સિયા હૉસ્પિટલમાં સર્જરી કરતા શીખ્યા.

1753માં સર્જન્સ હૉલ ખાતે ‘માસ્ટર ઑવ્ એનેટૉમી’ની પદવી મેળવવાને ચૂંટણી દ્વારા હકદાર બન્યા અને વ્યાખ્યાતા પણ થયા. સર્જરીના સિદ્ધાંતો અને પ્રાયોગિક કાર્ય અર્થે તેમણે વ્યાખ્યાનો આપવાનો વ્યવસાય શરૂ કર્યો. આ ઉપરાંત 1768થી સૅન્ટ જોર્જીસ હૉસ્પિટલમાં શિક્ષણકાર્ય કર્યું અને સર્જ્યનની પદવી માટે પસંદગી પામ્યા. તેમના વિદ્યાર્થીઓ પૈકી ઘણાએ નામના મેળવી. રસીના શોધક એડવર્ડ જેન્નર તેમના વિદ્યાર્થી હતા.

1760માં જ્હૉન હન્ટરે લશ્કરી દળમાં સર્જ્યનનો હોદ્દો સ્વીકાર્યો. લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા પછી (1763) લંડન ખાતે તેઓ સ્થાયી થયા અને અવસાન થયું ત્યાં સુધી ખાનગી વ્યવસાય ચાલુ રાખ્યો. તેઓ ઇંગ્લૅન્ડના રાજા જ્યૉર્જ ત્રીજાના અંગત તબીબ પણ હતા.

શલ્યવિદ્યા(surgery)ના ક્ષેત્રમાં તેમનું પ્રદાન ઘણું મહત્ત્વનું છે. શલ્યવિદ્યાને વિજ્ઞાનમાં માનનું સ્થાન અપાવ્યું. ગોનોરિયા અને સિફિલિસ એક જ રોગનાં સ્વરૂપો છે તે દર્શાવવા તેમણે પોતાની જાત ઉપર સિફિલિસની રસી મૂકી પોતે રોગના ભોગ બન્યા. તેમની પાછલી જિંદગીમાં આ જ રોગથી પીડાતા રહ્યા.

તેમના જીવન દરમિયાન તેમણે વિવિધ વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. એના ફળ-સ્વરૂપે નીચેનાં પુસ્તકો/લખાણ પ્રસિદ્ધિ પામ્યાં : (i) ‘નેચરલ હિસ્ટરી ઑવ્ હ્યુમન ટીથ’ (1771); (ii) ‘એ ટ્રિટાઇઝ ઑન વિનીરિયલ ડિસીઝ’ (1786); (iii) ‘ઑબ્ઝરવેશન્સ ઑન સર્ટન પાર્ટ્સ ઑવ્ ઍનિમલ ઓઇકોનૉમી’ (oeconomy) (1786) અને (iv) ‘એ ટ્રિટાઇઝ ઑન બ્લડ ઇન્ફ્લેમેશન ઍન્ડ ગન-શૉટ-વૂન્ડ્ઝ’ (અવસાન બાદ 1794માં પ્રસિદ્ધિ પામ્યું.).

રા. ય. ગુપ્તે