હજ : ઇસ્લામ ધર્મના નિયમ મુજબ કરાતી યાત્રા. ઇસ્લામ ધર્મમાં મુસલમાનો માટે પાંચ કાર્યો ફરજિયાત કર્યાં છે : (1) અલ્લાહ એક છે અને મુહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના રસૂલ છે તેની સાક્ષી આપવી, (2) દિવસમાં પાંચ વખત નમાઝ પઢવી, (3) રમજાન મહિનાના રોજા (અપવાસ) કરવા, (4) પોતાની સંપત્તિમાંથી જકાતરૂપી દાન આપવું, (5) જીવનમાં એક વખત હજયાત્રા કરવી.

નવાબી મસ્જિદ, મદીના

હજમાં અરબસ્તાનમાં આવેલાં બે પવિત્ર શહેરો મક્કા અને મદીનાનો, ઇસ્લામી કૅલેન્ડરના છેલ્લા મહિના–ઝિલ હજ્જ–માં પ્રવાસ તથા ત્યાંની ધાર્મિક ક્રિયાઓનો સમાવેશ થાય છે. હજની મુખ્ય શરત એ છે કે જે મુસલમાન યાત્રા માટેનો ખર્ચ કરી શકતો હોય તેને માટે જીવનમાં એક વખત હજ કરવી તે ફરજિયાત બની જાય છે. પવિત્ર કુરાનમાં તેનો હુકમ છે કે અલ્લાહને રાજી કરવા માટે જેઓ ત્યાં સુધી પહોંચવાની શક્તિ રાખતા હોય તે લોકોને માટે હજ ફરજિયાત છે.

હજ દરમિયાન હજની ઇબાદતો ઉપરાંત બીજી મહત્વની ઇબાદત ઉમરા કહેવાય છે. ઉમરાની ઇબાદત હજની સાથે પણ કરી શકાય અને હજના દિવસો સિવાયના વર્ષના અન્ય કોઈ પણ દિવસોમાં કરી શકાય છે.

હજના ત્રણ પ્રકાર છે : (1) ઇફરાદ : આ પ્રકારમાં ઉમરાની ઇબાદત નથી થતી. હજ કરનાર હાજી શરૂથી લઈને અંત સુધી એહરામની હાલતમાં રહે છે તેથી તે મુશ્કેલ હજ ગણાય છે. (2) કિરાન : આ પ્રકારમાં હજ અને ઉમરાની ઇબાદતો એકસાથે અદા કરવામાં આવે છે; પરંતુ પહેલા પ્રકારની જેમ શરૂથી અંત સુધી એહરામની હાલતમાં રહેવું આવશ્યક છે. (3) તમત્તો : આ પ્રકારમાં એક જ પ્રવાસમાં ઉમરા અને હજની ઇબાદતો અલગ અલગ અદા કરવામાં આવે છે. પહેલાં ઉમરાની નિય્યત (નિશ્ચય) કરી એહરામ બાંધવામાં આવે છે અને ઉમરો કરીને એહરામ ખોલીને રોજિંદો પહેરવેશ પહેરવામાં આવે છે. ત્યાર બાદ ઝિલહઝ મહિનાની આઠ તારીખે હજનો એહરામ બાંધી હજ કરવામાં આવે છે અને હજ પછી એહરામ ખોલી નાંખવામાં આવે છે. આ હજનો સરળ પ્રકાર છે.

હજમાં નીચે જણાવેલાં કાર્યો કરવાનું આવશ્યક છે :

(1) એહરામ : વગર સીવેલા કાપડની બે ચાદરોના પોશાકને એહરામ કહેવામાં આવે છે. ઉમરા કરતી વખતે અને હજમાં ઝિલહજ મહિનાની તારીખ આઠથી દસ સુધી એહરામ બાંધવું ફરજિયાત છે. મહિલાઓ માટે પોતાના રોજિંદા પોશાકની સાથે માથાના વાળ ઢંકાઈ જાય એવો સફેદ રૂમાલ (સ્કાર્ફ) અને શરીર ઉપર ઓઢવા માટે સફેદ ચાદરનો એહરામમાં સમાવેશ થાય છે. એહરામ બાંધ્યા પછી હાજી પર નીચે જણાવેલાં બંધનો લાદવામાં આવ્યાં છે : તે શિકાર કરી શકે નહિ; ઘાસ, ઝાડ, છોડ કાપી શકે નહિ; મચ્છર, માખી, જૂને મારી શકે નહિ; નખ, વાળ કાપી કે તોડી શકે નહિ; સુગંધ લગાવી શકે નહિ; સીવેલો પોશાક પહેરી શકે નહિ; માથું અને ચહેરો ઢાંકી શકે નહિ; મોજાં પહેરી શકે નહિ અને સંભોગ કરી શકે નહિ.

(2) તલબિયહ : ઉમરા તથા હજમાં અલ્લાહુમ્મા લબ્બૈક…. પઢતો રહે, જે સંપૂર્ણ સૂત્રનો ભાવાર્થ નીચે પ્રમાણે છે : હું હાજર છું, યા અલ્લાહ હું હાજર છું; હું હાજર છું, તારો કોઈ ભાગીદાર નથી, હું હાજર છું; નિ:શંક બધી પ્રશંસા તથા નેમતો તારા માટે છે અને મુલ્ક પણ (તારો જ છે); તારો કોઈ ભાગીદાર નથી.

(3) તવાફ : ઉમરા અથવા હજમાં મક્કા શહેરની અંદર આવેલ મસ્જિદે હરામમાં કાબાનું પરિક્રમણ કરવું. એક વખતે સળંગ સાત ફેરા ફરવાની ક્રિયાને તવાફ કહેવામાં આવે છે.

(4) સઈ : મસ્જિદે હરામની નજીક આવેલી સફા તથા મરવા નામની બે ઐતિહાસિક ટેકરીઓ વચ્ચે દોડે તથા ધીમી ગતિએ ચાલીને સાત ફેરા પૂરા કરે.

ઉપરનાં ચાર કાર્યો હજ અને ઉમરા બંને માટે છે. આ ચાર પછી ઉમરાની પૂર્ણાહુતિના પ્રતીકરૂપ એહરામ ઉતારવું અને માથાના વાળ મુંડાવવાના હોય છે.

હવે પછી હજ માટેનાં કાર્યો ઝિલહજ માસની આઠમી તારીખથી શરૂ થાય છે.

(5) આઠમી તારીખે મક્કા પાસેના મીના નામની ખુલ્લી જગ્યાએ તંબૂઓમાં રહેવું અને ત્યાં આવેલા શયતાનના ચિહનરૂપી સ્થંભને કાંકરા મારવા.

(6) નવમી તારીખે મીના છોડી અરફાતના મેદાનમાં જઈ ત્યાં બંદગી અને દુઆમાં દિવસ પસાર કરવો. હજમાં અરફાતના મેદાનમાં જવું સૌથી વધુ આવશ્યક કાર્ય ગણાય છે.

(7) નવમીની સાંજે અરફાત છોડીને મીના તરફ જતા રસ્તામાં આવતા મુઝદલ્ફા નામના સ્થળે રાત પસાર કરવી.

(8) દસમી તારીખે પાછા મીનામાં આવી શયતાનના સ્થંભોને પ્રતીકાત્મક કાંકરીઓ મારવી અને દરેક હાજીએ પોતાના તરફથી જાનવરની કુરબાની કરવાની હોય છે. કુરબાની કરી, માથુ મુંડાવી અને એહરામનાં કપડાં ઉતારી નાંખે. સાથે સાથે મીનાથી મક્કા જઈને કાબાનો તવાફે ઝિયારત કરે. અહીં હજની ક્રિયા પૂરી થાય છે.

હજ અદા કર્યા પછી હાજીઓ મદીના જઈને પયગંબર સાહેબ(સ.અ.વ.)ના મકબરાની ઝિયારત કરવા જાય છે. આ ઝિયારત પણ હજનો એક ભાગ ગણાય છે. મદીના પ્રવાસમાં પયગંબર સાહેબના મકબરામાં હાજરી આપી, તેમની ઉપર દુરૂદ પઢી, સલામ પેશ કરી અને તેમની મસ્જિદમાં નમાઝ પઢવાની હોય છે. મદીનાનું રોકાણ દસ દિવસ જેટલું હોય છે.

મક્કામાં કાબાની હજયાત્રા પ્રાચીન પયગંબર હઝરત ઇબ્રાહીમ-(અ.સ.)ના સમયથી પ્રચલિત છે. કુરાનમાં જણાવ્યા પ્રમાણે અલ્લાહએ હ. ઇબ્રાહીમ તથા તેમના દીકરા હ. ઇસ્માઇલ(અ.સ.)ને કાબાની ઇમારતનું બાંધકામ કરી તેની હજયાત્રા કરવાનું લોકોને આમંત્રણ આપવા કહ્યું હતું. તે પ્રમાણે કાબાની રચના થતાં હજયાત્રાની શરૂઆત થઈ હતી. પયગંબર મુહમ્મદે (સ.અ.વ.) તેને પુનર્જીવન આપ્યું હતું. માટે ત્યાં જે ક્રિયાઓ કરવામાં આવે છે તે સુન્નતે ઇબ્રાહીમી કહેવાય છે.

હજનો ઉદ્દેશ અલ્લાહને રાજી કરવાનું તથા પોતાના માટે પરલોકમાં શાશ્વત સફળતા પ્રાપ્ત કરવાનું બતાવવામાં આવ્યું છે. તેથી હજયાત્રી માટે પોતાના ગુનાઓનું પ્રાયશ્ચિત્ત કરવું અને હલાલ કમાઈનો ઉપયોગ જરૂરી છે. તે ખ્યાતિ, દેખાવ અને ગર્વથી બચે એ પણ આવશ્યક છે. હજયાત્રી મૃત્યુ પછી આવનાર જીવનની તૈયારી કરે માટે જેમ મૃત્યુ પછી માણસ સંસારની બધી વસ્તુઓ છોડે છે તેમ હજ-પ્રવાસ માટે તેને પોતાનાં ઘર-બાર, દેશ, કુટુંબ-કબીલો, માલ-મિલકત અને પોતાનાં સીવેલાં કપડાં, મોજશોખની વસ્તુઓ છોડાવીને, થોડા સમય માટે પણ, સંસારત્યાગનું શિક્ષણ આપવામાં આવે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી