હજારા નારંગી

February, 2009

હજારા નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus nobilis અથવા C. chrysocarpaની એક જાત (variety) છે. તે નારંગી, મોસંબી અને લીંબુના વર્ગની એક જાતિ છે.

તે 1.5–2.0 મી. ઊંચું, નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તેનો ફેલાવો 1.5 મી. જેટલો થાય છે. તેનું થડ નીચેથી થોડું ખુલ્લું અને ઉપરથી લગભગ ગોળાકાર હોય છે. થડ અને પર્ણો દૂરથી ધ્યાન ખેંચે છે. પુષ્પનિર્માણ ચોમાસાના પાછલા ભાગમાં થાય છે અને ફળ શિયાળા–ઉનાળામાં બેસે છે. તેનાં ફળ મોટાં લીંબુ કે નાની નારંગી જેવાં આવે છે. તાજાં ફળ લીલા રંગનાં અને પાકાં ફળ નારંગી રંગનાં હોય છે. ફળો વડે સમગ્ર વનસ્પતિ છવાઈ જાય છે અને તેને બેઉ રંગનાં ફળોથી ભરેલી નીરખવી તે એક લહાવો છે.

પ્રસર્જન કલિકા-પદ્ધતિ (budding) દ્વારા કરી શકાય છે. રોપ્યા પછી 3–4 વર્ષમાં ફળનિર્માણ શરૂ થાય છે. આ ક્રિયા તે પછી 15–20 વર્ષ સુધી ચાલુ રહે છે. ફળ નારંગી જેવા સ્વાદનાં છતાં વધારે પડતી ખટાશવાળાં હોય છે.

તેના મૂળમાં પાણી ભરાઈ રહે તો તે સહેલાઈથી કોહવાઈ જાય છે. તેથી તેને રોપવા માટે સારા નીતારવાળી જમીન પસંદ કરવામાં આવે છે. બે ઝાડવાં વચ્ચે 4.0 મી. અંતર રાખવામાં આવે છે. તે પ્રકાશાપેક્ષી (light demander) હોવાથી તેના ઉપર છાંયો ન આવે તેવી જગાએ રોપવામાં આવે છે.

તેને મુખ્યત્વે ઘરઆંગણાના બગીચામાં કે ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે મોટાં કૂંડાંઓ કે પીપમાં ઉછેરવામાં આવે છે. કેટલીક વાર ફળનો ઉપયોગ લીંબુ તરીકે કરી શકાય છે.

મ. ઝ. શાહ