હચિંગ્ટન સેમ્યુઅલ

February, 2009

હચિંગ્ટન, સેમ્યુઅલ (જ. 18 એપ્રિલ 1927, ન્યૂયૉર્ક શહેર; અ. 24 ડિસેમ્બર 2008, માર્થાઝ વિનેયાર્ડ, મૅસેચૂસેટ્સ) : હાર્વર્ડ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના જાણીતા પ્રાધ્યાપક અને વિચારક. 18ની વયે તેઓ યેલ કૉલેજમાંથી સ્નાતક થયા. 1949થી 2007 સુધી તેમણે અવિરતપણે હાર્વર્ડમાં રાજ્યશાસ્ત્રનું અધ્યયન-અધ્યાપન કર્યું. અધ્યયન-અધ્યાપનની આ મુખ્ય કારકિર્દી સાથે હાર્વર્ડ યુનિવર્સિટીના ‘આલ્બર્ટ જે. વેધરહેડ સેન્ટર ફૉર ઇન્ટરનૅશનલ અફેર્સ’ના વડા તરીકે 1978–89નાં વર્ષો દરમિયાન તેમણે સેવાઓ આપી. ‘હાર્વર્ડ એકૅડેમી ફૉર ઇન્ટરનૅશનલ ઍન્ડ એરિયા સ્ટડીઝ’નું 1996થી 2004 દરમિયાન તેમણે માર્ગદર્શન આપ્યું.

સેમ્યુઅલ હચિંગ્ટન

અમેરિકાના પ્રમુખ જિમી કાર્ટરની નૅશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં તેમણે સલામતી અંગેના આયોજનના સંકલનકાર તરીકે 1977 અને 1978નાં વર્ષ દરમિયાન સેવાઓ આપી હતી.

તુલનાત્મક રાજ્યશાસ્ત્ર તેમનું વિશેષ અભ્યાસક્ષેત્ર હતું. તેમના મતે બીજા વિશ્વયુદ્ધ (1939–45) સુધી આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં રાજકીય વિચારધારાના મતભેદો કેંદ્રવર્તી હતા. તેમ તે પછીના વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના કેન્દ્રમાં ધાર્મિક–સાંસ્કૃતિક મતભેદો હોવાની તેમની આગાહી હતી, જે ઘણે અંશે વાસ્તવિકતાની નજીક હતી. 1993માં ‘ફોરેન અફેર્સ’ સામયિકમાં તેમણે આ મુદ્દાની વિશેષ છણાવટ કરી હતી. તેમના મતે શીતયુદ્ધ પછીનું વિશ્વ સાતથી આઠ સંસ્કૃતિઓમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ વિભાજિત હશે. જેમાં તેમના મતે પશ્ચિમ, લૅટિન અમેરિકા, ઇસ્લામ, હિંદુત્વ વગેરેનો સમાવેશ થયેલો હશે. આ સંદર્ભમાં ‘ધ ક્લૅશ ઑવ્ સિવિલાઇઝેશન્સ ઍન્ડ ધ રીમેકિંગ ઑવ્ વર્લ્ડ ઑર્ડર’ તેમનો નોંધપાત્ર ગ્રંથ હતો, જેમાં તેમના ઉપર્યુક્ત દૃષ્ટિબિંદુઓની સવિસ્તર સમજ પ્રાપ્ય હતી. તેમનો આ બહુશ્રુત વિદ્વાનનો ગ્રંથ વિશ્વની 39 ભાષામાં અનુવાદિત થયો છે.

તેઓ 17 પુસ્તકોના લેખક, સહલેખક અને સંપાદક હતા. વિવિધ પ્રતિષ્ઠિત સામયિકોમાં તેમના 90થી વધુ લેખો પ્રકાશન પામ્યા હતા.

રક્ષા મ. વ્યાસ