હક, ઝિયા-ઉલ [જ. 12 ઑગસ્ટ 1924, જાલંધર; અ. 17 ઑગસ્ટ 1988, ભાવલપુર, પંજાબ (પાકિસ્તાન)] : પાકિસ્તાનના લશ્કરી વડા અને પ્રમુખ. પિતા મોહમ્મદ અક્રમ બ્રિટિશ લશ્કરી શાળામાં શિક્ષક હતા. સિમલામાં શાલેય શિક્ષણ મેળવી તેમણે દિલ્હીમાં કૉલેજ શિક્ષણ મેળવ્યું. 1943માં બ્રિટિશ લશ્કરમાં ભરતી થયા, બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન બર્મા (હવે મ્યાનમાર), મલાયા અને ઇન્ડોનેશિયામાં સેવાઓ આપી. 1947માં હિન્દુસ્તાનના વિભાજન વેળા તેમણે પાકિસ્તાનના લશ્કરમાં જોડાવાનું પસંદ કર્યું. 1963–64માં અમેરિકામાં તાલીમ મેળવવાની તક સાંપડી. 1965ના ભારત–પાકિસ્તાન યુદ્ધ સમયે ડિવિઝનના સહાયક ક્વાર્ટર માસ્ટર તરીકે સેવાઓ આપી. ત્યાર બાદ જોર્ડન, મુલતાન વગેરે સ્થળોએ સેવા આપી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ અન્ય વરિષ્ઠ જનરલોને અવગણીને એપ્રિલ 1976માં ઝિયા-ઉલ હકને લશ્કરી વડા નીમ્યા. પાકિસ્તાનનું આંતરિક રાજકારણ ડામાડોળ બન્યું ત્યારે જુલાઈ 1977માં લશ્કરી શાસન સ્થાપી તેઓ ચીફ માર્શલ લૉ એડ્મિનિસ્ટ્રેટર બન્યા. સપ્ટેમ્બર 1978માં પાકિસ્તાનના પ્રમુખ બન્યા. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પર હત્યાના આરોપસર કામ ચલાવી તેમને ફાંસીની સજા કરી જે એપ્રિલ 1979માં અમલી બની. પાકિસ્તાનમાં તમામ રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો, પાર્લમેન્ટ રદ કરવામાં આવી અને વૈકલ્પિક પ્રથા તરીકે 1980માં મજલિસ-એ-શૂરા (Majlis-a-Shoora) દાખલ કરી, જે પ્રમુખના સલાહકાર મંડળ તરીકે કાર્ય કરતી હતી. એ જ અરસામાં તેઓ પાકિસ્તાનનું ઇસ્લામીકરણ કરવાની દિશામાં આગળ વધ્યા. 1979માં ઇસ્લામિક કાયદા અને શરિયત અદાલતો, 1980માં ઇસ્લામિક શિક્ષાઓ અને ઇસ્લામિક વિત્તવ્યવસ્થાની દિશામાં તેમણે કામ કર્યું. મહિલાઓ માટે પણ ઇસ્લામી ધોરણો માન્ય કરવામાં આવ્યાં. આમ સત્તા કબજે કર્યા પછી પાકિસ્તાનનું સંપૂર્ણ ઇસ્લામીકરણ તેમનું ધ્યેય બન્યું. તેમની આવી શાસકીય નીતિ-રીતિથી સમયાંતરે અને વિશેષે કરીને ઑગસ્ટ 1983માં ઉગ્ર વિરોધ પેદા થયો.

ઝિયા-ઉલ હક

પરિણામે ફેબ્રુઆરી 1985માં માર્શલ લૉનો અંત આણી પાર્લમેન્ટ વિખેરી નાંખી અને પક્ષરહિત ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવાયો, જેનો મોટા ભાગના રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો. મોહમ્મદ ખાન જુનેજોને વડાપ્રધાન બનાવી કઠપૂતળી સરકાર રચી. વ્યાપક વિરોધને કારણે 1988માં ચૂંટણીઓ યોજવાનું વચન આપ્યું; પરંતુ આ અંગે નક્કર પગલાં લેવામાં આવે તે પહેલાં જ વિમાની અકસ્માતમાં તેમનું રહસ્યમય અવસાન થયું.

શાસનવ્યવસ્થામાં તેમણે પૂર્વ પ્રમુખ અને લશ્કરી શાસક ઐયુબખાને રજૂ કરેલ પાયાની લોકશાહી(બેઝિક ડેમૉક્રેસી)ના ખ્યાલો અમલમાં મૂકવા પ્રયત્ન કર્યો હતો; પરંતુ એથી પ્રાંતવાદ વકર્યો હતો અને ઇસ્લામીકરણની નીતિઓએ અસંતોષ પેદા કર્યો હતો. આથી તેમના અવસાન પછી યોજાયેલી ચૂંટણીઓમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને બહુમતી મળતાં તેનાં નેતા બેનઝીર ભુટ્ટોએ સરકાર રચી અને ડિસેમ્બર 1988માં વડાપ્રધાનપદ સંભાળ્યું.

હસમુખ પંડ્યા