હકનો ખરડો : પ્રજાના હકો અને સ્વતંત્રતાઓની જાહેરાત કરતો તથા તાજના વારસાનો હક નક્કી કરતો કાયદો (1689). રાજા જેમ્સ 2જાએ પ્રજાની લાગણી અને પરંપરાની અવગણના કરીને દરેક સરકારી ખાતામાં કૅથલિક ધર્મ પાળતા અધિકારીઓની ભરતી કરી. પ્રજાએ રાજાને ચેતવણી આપી; પરંતુ એણે ગણકારી નહિ. તેથી પ્રજાએ ઉશ્કેરાઈને રાજાને દૂર કરવાનું નક્કી કર્યું. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે પ્રૉટેસ્ટન્ટ ધર્મ પાળતી જેમ્સ 2જાની પુત્રી મૅરી અને એના પતિ વિલિયમ ઑવ્ ઓરેન્જને લશ્કર સાથે ઇંગ્લૅન્ડ આવવાનું અને પ્રૉટેસ્ટન્ટ પંથને બચાવવાનું નિમંત્રણ આપ્યું. તેથી મૅરી અને વિલિયમ લશ્કર સાથે ઇંગ્લૅન્ડ આવ્યાં. તે પૂર્વે ઇંગ્લૅન્ડનો રાજા જેમ્સ 2જો ડરીને 1688ના ડિસેમ્બરમાં ઇંગ્લૅન્ડથી ફ્રાન્સ નાસી ગયો; તેથી ઇંગ્લૅન્ડની ગાદી ખાલી પડી છે એમ ગણીને ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે વિલિયમ અને મૅરીને સંયુક્ત રીતે ઇંગ્લૅન્ડના રાજવી તરીકે જાહેર કર્યાં. ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં આ બનાવને ‘રક્તવિહીન ક્રાંતિ’ (Bloodless Revolution) તરીકે ઓળખવામાં આવે છે.

પરંતુ વિલિયમ 3જાને ગાદી સોંપતાં પહેલાં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે તેની પાસેથી ખાતરી મેળવી કે જેમ્સ 2જાએ જે ગેરકાયદેસર કામો કર્યાં હતાં એવાં ગેરકાયદેસર અને પ્રજાનું દમન કરતાં કામો એ અથવા ભવિષ્યના બીજા રાજાઓ કરી શકશે નહિ. એ દસ્તાવેજ ‘હકના ખરડા’ (Bill of Rights) તરીકે ઓળખાય છે. વિલિયમ અને મૅરીએ ઈ. સ. 1689માં એમાં સહી કરીને એનો સ્વીકાર કર્યો હતો. આ હકના ખરડાના પૂર્વાર્ધમાં જેમ્સ 2જાનાં ગેરકાયદેસર કૃત્યોની યાદી આપવામાં આવી હતી અને ઉત્તરાર્ધમાં એના ઉપર આધારિત 13 પ્રકારનાં ગેરકાયદેસર કૃત્યો ઇંગ્લૅન્ડનો રાજા કરશે નહિ એની ખાતરી મેળવવામાં આવી હતી. આ 13 પ્રકારનાં ગેરકાયદેસર કૃત્યો નીચે પ્રમાણે હતાં :

(1) પાર્લમેન્ટની સંમતિ લીધા વિના રાજા કાયદાઓ અથવા તેનો અમલ મોકૂફ રાખી શકશે નહિ. (2) કાયદાઓના અમલમાંથી પ્રજાના કોઈ જૂથને અથવા નાગરિકને મુક્તિ આપી શકશે નહિ. (3) ધાર્મિક કમિશન તથા એવી બીજી અદાલતો સ્થાપવી એ ગેરકાયદેસર છે. (4) અતિશય મોટી રકમના જામીન માગી શકાશે નહિ અથવા અતિશય મોટી રકમનો દંડ કરી શકાશે નહિ. (5) જૂરીની પસંદગી મોભાવાળી અને જમીનની માલિક હોય તેવી વ્યક્તિઓની યાદીમાંથી થવી જોઈએ. (6) અદાલત આરોપીને ગુનેગાર ઠરાવે તે પહેલાં તેની પાસેથી દંડની રકમ લઈ શકાશે નહિ કે તેની મિલકત જપ્ત કરી શકાશે નહિ. (7) પાર્લમેન્ટની સંમતિ વગર કે પાર્લમેન્ટની શરતથી જુદી રીતે રાજા કરવેરા ઉઘરાવી શકશે નહિ. (8) પાર્લમેન્ટ માટેની ચૂંટણીઓ મુક્ત રીતે રાજાની દખલગીરી વગર થવી જોઈએ. (9) પાર્લમેન્ટને વાણીસ્વાતંત્ર્યનો અધિકાર છે એટલે પાર્લમેન્ટમાં બોલેલા શબ્દો માટે કોઈ સભ્ય સામે કામ ચલાવી શકાશે નહિ. (10) કાયદાઓ ઘડવા માટે તથા ફરિયાદોના નિકાલ માટે પાર્લમેન્ટને વારંવાર બોલાવવી જોઈએ. (11) રાજાને અરજ કરવા માટે કોઈની સામે શિક્ષાત્મક પગલાં લઈ શકાશે નહિ. (12) પ્રૉટેસ્ટન્ટપંથીઓને પણ કાયદાની મર્યાદામાં રહીને આત્મરક્ષણ માટે શસ્ત્રો ધારણ કરવાનો અધિકાર રહેશે. (13) શાંતિના સમયમાં રાજા પાર્લમેન્ટની સંમતિ વગર ખડું સૈન્ય રાખે તે ગેરકાયદેસર છે. ઉપરાંત, આ ખરડામાં ઇંગ્લૅન્ડની રાજગાદીના ભાવિ વારસો અને એમનો ક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. એમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી હતી કે કૅથલિક પંથી અથવા કૅથલિક પંથી સાથે લગ્ન કરનાર વ્યક્તિ ઇંગ્લૅન્ડની ગાદી પર આવી શકશે નહિ.

આ ‘હકના ખરડા’ને ઇંગ્લૅન્ડના બંધારણનો એક અગત્યનો દસ્તાવેજ ગણવામાં આવે છે. મૅગ્નાકાર્ટા (1215) અને હકોની અરજી (1628) જેટલું જ આ હકના ખરડા(1689)નું બંધારણીય મહત્વ છે. પાર્લમેન્ટના અધિકારો આખરી અને સ્વયંસિદ્ધ છે એમ આ ખરડાના પાયા તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. રાજાના દૈવી અધિકારોના દાવાનો એનાથી અંત આવ્યો હતો.

મુગટલાલ પોપટલાલ બાવીસી