સ્વોબોડા, લુડવિક (જ. 25 નવેમ્બર 1895, રોઝનેતિન, મોરાવિયા, ઑસ્ટ્રિયન સામ્રાજ્ય; અ. 20 સપ્ટેમ્બર 1979, પ્રાગ) : ચેકોસ્લોવાકિયાના રાજકારણી, સૈનિક અને પ્રમુખ. યુવાવયથી સામ્યવાદી વિચારધારાના રંગે રંગાયા હતા. 1917માં તેમણે રશિયાની ક્રાંતિમાં ભાગ લીધો અને ત્યાર બાદ ચેકોસ્લોવાકિયાના લશ્કરમાં જોડાઈ સૈનિક બનવાનું પસંદ કર્યું. દરમિયાન નવા સ્થપાયેલા ચેકોસ્લોવાકિયાના પ્રજાસત્તાકમાં તેઓ લશ્કરી અધિકારી બન્યા (1922). જર્મન લશ્કર પ્રાગમાં પ્રવેશતાં તેઓ 1935માં ચેકોસ્લોવાકિયામાંથી પોલૅન્ડ ભાગ્યા અને ચેક લશ્કરી એકમ રચી તે સામ્યવાદી લશ્કર(રેડ આર્મી)ના વડા બન્યા અને બીજા વિશ્વયુદ્ધ-(1939–1945)માં ભાગ લીધો. 1944–45ના વિશ્વયુદ્ધનાં છેલ્લાં વર્ષોમાં કોસિસ, બ્રનો અને પ્રાગ (Kosice, Brno અને Prague) પ્રદેશોની સ્વતંત્રતામાં મદદ કરી. બીજા વિશ્વયુદ્ધ પછી ચેકોસ્લોવાકિયાના સામ્યવાદી પક્ષમાં 1948માં જોડાયા તથા 1948 –1950 સંરક્ષણમંત્રીના હોદ્દા પર રહ્યા. 1952–1963નાં વર્ષોમાં તેમણે ગુપ્તવાસ સેવ્યો, પણ પછી રાષ્ટ્રપ્રેમી તરીકે બહાર આવ્યા. 1968–1975 તે ચેકોસ્લોવાકિયાના પ્રમુખ રહ્યા. આ કામમાં તેમને જાણીતા સામ્યવાદી નેતા ઍલેક્ઝાંડર દુબચેકનું સમર્થન હતું.

લુડવિક સ્વોબોડા

આ અરસામાં આ વિસ્તારમાં સોવિયેત સંઘે દરમિયાનગીરી કરી તકરાર પેદા કરી અને એ દેશ પર દમનકારી પગલાં ભર્યાં. આ તબક્કે સમાધાનની શોધમાં તેમણે સોવિયેત સંઘનો પ્રવાસ કરી સમસ્યાનો ઉકેલ શોધવા મથામણ કરી; પરંતુ સોવિયેત સંઘે ચેકોસ્લોવાકિયાના સંઘર્ષ બાબતે નમતું ન જોખ્યું અને તેની શાસનવ્યવસ્થાને કચડી નાંખી. 1975માં નાદુરસ્ત તબિયતને કારણે તેમણે જાહેર જીવનનો ત્યાગ કર્યો.

રક્ષા મ. વ્યાસ