હકીમ સૈયદ અબ્દુલ હૈ (મૌલાના) (જ. 1871, હસ્બા, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ; અ. 2 ફેબ્રુઆરી 1923, રાયબરેલી) : અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાના પ્રખર વિદ્વાન. તેમના પિતા ફખરૂદ્દીન એક હોશિયાર હકીમ તથા કવિ હતા અને ‘ખ્યાલી’ તખલ્લુસ રાખ્યું હતું. અબ્દુલ હૈ ‘ઇલ્મે હદીસ’ના પ્રખર વિદ્વાન હતા. તેમણે હદીસના પ્રસિદ્ધ ઉસ્તાદ મૌલાના ફઝલુ રહેમાન ગંજ મુરાદાબાદી પાસે વિદ્યા પ્રાપ્ત કરી હતી અને તેમના મુરીદ (શિષ્ય) પણ બન્યા હતા. તત્કાલીન વિદ્યાકેન્દ્રો અલ્લાહાબાદ, ભોપાલ, લખનૌ, મુરાદાબાદ જેવાં સ્થળોમાં રહીને ત્યાંના નામવર ઉલેમાઓ પાસેથી તેમણે વિદ્યા પ્રાપ્ત કરી હતી. તેમણે ધાર્મિક વિદ્યાઓ ઉપરાંત ગણિત, તર્કશાસ્ત્ર, તત્વજ્ઞાન વગેરે વિષયોનો અભ્યાસ કર્યો હતો. મૌલાના અમીર અલી, મૌલાના ફતેહ મોહંમદ સાહેબ, મૌલાના ફઝલુલ્લાહ તથા મોલવી મોહંમદ નઇમ પાસેથી તેમણે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. લખનૌમાં રહી તેમણે ખિદમતે ખલ્ક એટલે કે જનસેવાના આશયથી હિકમત(વૈદકશાસ્ત્ર)માં નિપુણતા મેળવી હતી. તે પછી તેમણે પોતાનું દવાખાનું શરૂ કર્યું હતું. લખનૌના પ્રસિદ્ધ દારૂલ ઉલૂમ (વિદ્યાલય) ‘અલ નદવા’ના વ્યવસ્થાપક તરીકે તેમણે આપેલી સેવા તેમની કારકિર્દીનો ઉમદા નમૂનો ગણાય છે. વિદ્યાક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાઓ ઉપર તેઓ પ્રભુત્વ ધરાવતા હતા. ઉર્દૂમાં પણ તેમની કૃતિઓ જાણીતી છે.
સાહિત્યના ક્ષેત્રે તેમનો ગ્રંથ ‘ગુલેરઅ્ના’ જાણીતો છે અને સાહિત્યના ઇતિહાસ તરીકે તે અનેક યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત ઉપર તેમનું અહેસાન એટલા માટે યાદ રહેશે કે તેમણે ગુજરાતના ઇતિહાસની સાથે ગુજરાતના ઉલેમાઓ, તેમની વિદ્યાશાખાઓ તથા સંસ્કૃતિ વિશે વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ ‘યાદે અય્યામ’ (તારીખે ગુજરાત) લખ્યો છે. જોકે તેમને સૌથી વધુ પ્રતિષ્ઠા તો અરબી ભાષામાં આઠ ભાગમાં પ્રસિદ્ધ થયેલા તેમના ગ્રંથ ‘નુજહતુલ ખ્વાતિર’ને લીધે મળી છે. તેમાં એક હજાર વરસની ધાર્મિક વિદ્યાના ઇતિહાસની સમીક્ષા કરવામાં આવી છે. આ ગ્રંથનું મૂલ્ય સર્વત્ર સ્વીકારાયું છે અને મૌલાના હૈ સાહેબને તેથી વિદેશોમાં પણ ખ્યાતિ મળી છે. તેમનો એક બીજો ગ્રંથ ‘મુઆરિફુલ અવારિફ’ અથવા ‘અસ્સકાફતુલ ઇસ્લામિયા ફિલહિંદ’ પણ ખાસ કરીને અરબસ્તાન, ઇજિપ્ત, તુર્કી, સીરિયા અને ઇરાક જેવા દેશોમાં ખૂબ માન પામ્યો છે. ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ આપતો તેમનો ગ્રંથ ‘જન્નતુલ મશરિક’ પણ જાણીતો છે. આ ઉપરાંત ધર્મશાસ્ત્ર, કુર્આને શરીફ, ઇતિહાસ અને હિકમત (વૈદકશાસ્ત્ર) જેવા વિષયો ઉપરનાં તેમનાં પુસ્તકો પણ પ્રખ્યાત છે. વિશાળ જ્ઞાનક્ષેત્રના આ તેજસ્વી સિતારાને રાયબરેલીમાં દફનાવવામાં આવ્યા હતા.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા