હકોની અરજી : પાર્લમેન્ટના જે જૂના હકો ઉપર રાજાએ તરાપ મારી હતી, તે હકો રાજા પાસે સ્વીકારાવવા ઈ. સ. 1628માં પાર્લમેન્ટે રાજાને કરેલી અરજી.

ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ 1લાના શાસનકાળ (ઈ. સ. 1603–1625) દરમિયાન રાજાના પાર્લમેન્ટ સાથેના સંઘર્ષની શરૂઆત થઈ. એના પુત્ર રાજા ચાર્લ્સ 1લાના સમય(1625–1649)માં આ સંઘર્ષ વધારે તીવ્ર બન્યો. ચાર્લ્સ 1લો હઠીલો હતો અને પ્રજાની ઇચ્છાને સમજવા તૈયાર ન હતો. એ કેટલીક વાર વચન આપીને ફરી જતો. તે આપખુદ રાજાશાહી અને મનસ્વી વહીવટમાં માનતો હતો. સત્તા પર આવ્યા પછી એણે પહેલી પાર્લમેન્ટ 1625માં અને બીજી પાર્લમેન્ટ 1626માં બોલાવી. એ વિવિધ રીતે ગેરકાયદે કર ઉઘરાવતો અને પ્રજાનું દમન કરતો. તેથી પ્રજાનો એની સામે વિરોધ હતો. આ સંજોગોમાં આર્થિક મુશ્કેલીને કારણે રાજા ચાર્લ્સ 1લાએ એની ત્રીજી પાર્લમેન્ટ ઈ. સ. 1628માં બોલાવવી પડી.

આ પાર્લમેન્ટે રાજાની નાણાકીય માગ સ્વીકારતા પહેલાં સને 1628ના જૂનમાં રાજા સમક્ષ કેટલાક હકોની માગણી અરજીના રૂપમાં રજૂ કરી, જે ‘હકોની અરજી’ (Petition of Rights) તરીકે ઓળખાય છે. એ વખતે રાજા આગળ જે અરજીઓ રજૂ થતી એમાં ‘યોગ્ય કરવામાં આવશે’ – એમ લખીને એનો સ્વીકાર કરવામાં આવતો. તેથી આ અરજીમાં પણ ‘યોગ્ય કરવામાં આવશે’ – એમ લખીને રાજાએ એનો સ્વીકાર કરવો પડ્યો. આ અરજીમાં નીચેની ચાર માગણીઓ રજૂ કરવામાં આવી હતી :

(1) પાર્લમેન્ટની સંમતિ વગર રાજાએ કરવેરા, જકાતો, લોનો કે લાગા પ્રજા પાસેથી બળજબરીપૂર્વક ઉઘરાવવાં નહિ.

(2) દેશના કાયદાની વિરુદ્ધ કોઈ નાગરિકને જેલમાં પૂરવો નહિ કે તેની અટકાયત કરવી નહિ. કાયદાનો ભંગ ન કર્યો હોય તેવા કોઈ નાગરિકને સજા કરવી નહિ.

(3) ખાનગી માલિકીનાં મકાનોમાં સૈનિકોને ઉતારો આપવો નહિ. રાજા કોઈ નાગરિકને એના ઘરમાં સૈનિકોને રાખવાની ફરજ પાડી શકશે નહિ.

(4) શાંતિના સમયમાં પાર્લમેન્ટની સંમતિ વિના લશ્કરી અમલ જાહેર કરવો નહિ.

આ અરજીમાં સિદ્ધાંતોની ચર્ચા કરવાને બદલે ચાર સ્પષ્ટ માગણીઓ રજૂ કરવામાં આવી હતી. એટલે કે એ વ્યવહારુ દસ્તાવેજ હતો. વળી, રાજાએ સ્વીકાર કરવો પડે એ રીતે એ અરજી રજૂ કરવામાં આવી હતી. એમાં ઇંગ્લૅન્ડની પ્રજાની વિચક્ષણતાનાં દર્શન થાય છે. રાજા ચાર્લ્સ 1લાએ આ અરજીનો સ્વીકાર કરતાં એની નાણાકીય માગને મંજૂર કરવા પ્રજાએ તૈયારી બતાવી.

આ હકોની અરજીથી ઇંગ્લૅન્ડના રાજાની આપખુદ અને અમર્યાદિત સત્તા ઉપર અંકુશ મુકાયો. રાજા સાર્વભૌમ નથી એ સાબિત થયું. ઇંગ્લૅન્ડના બંધારણીય ઇતિહાસમાં મેગ્ના કાર્ટા(1215)ની માફક આ હકોની અરજીનું ઘણું મહત્વ છે. ઇંગ્લૅન્ડના રાજાની સત્તાને મર્યાદિત કરવામાં આ અરજીનો મોટો ફાળો હતો. આ અરજીના સ્વીકાર પછી પણ રાજા અને પાર્લમેન્ટ વચ્ચેનો બંધારણીય સંઘર્ષ આગળ વધતો રહ્યો.

મુગટલાલ પોપટલાલ બાવીસી