હકીમ સનાઈ (બારમો સૈકો)

February, 2009

હકીમ સનાઈ (બારમો સૈકો) : ફારસી ભાષાના સૂફી કવિ. તેમણે તસવ્વુફ વિશે રીતસરનું એક લાંબું મસ્નવી કાવ્ય – હદીકતુલ હકીકત – લખીને તેમના અનુગામી અને ફારસીના મહાન સૂફી કવિ જલાલુદ્દીન રૂમીને પણ પ્રેરણા આપી હતી. સનાઈએ પોતાની પાછળ બીજી અનેક મસ્નવીઓ તથા ગઝલો અને કસીદાઓનો એક સંગ્રહ છોડ્યો છે. તેમની ગણના પ્રાચીન યુગના ફારસીના મહાન કવિઓમાં થાય છે.

અબુલ મજદ મજદૂદ બિન આદમ સનાઈનો જન્મ બારમા સૈકાની શરૂઆતમાં થયો હતો. તેમના જીવનકાળની વિગતો નોંધાઈ નથી. તેમનાં કાવ્યો ઉપરથી એટલું જણાય છે કે તેઓ સુલતાન બેહરામશાહ ગઝનવી(1118–1153)ના દરબારી કવિ રહ્યા હતા અને આ સુલતાનની પ્રશંસામાં કસીદા કાવ્યો પણ લખ્યાં હતાં. તેઓ અમીર ઉમરાવો ઉપરાંત સમકાલીન અને પુરોગામી કવિઓ સાથે ભાવનાત્મક સંબંધ ધરાવતા હતા. તેમણે મસ્ઊદ સઅદ નામના લાહોરના ખ્યાતનામ કવિનાં કાવ્યોનો સૌપ્રથમ વાર સંગ્રહ તૈયાર કર્યો હતો. શરૂઆતની એક પ્રશંસા-કવિ તરીકેની કારકિર્દી પછી તેઓ હજ માટે ગયા તથા ખુરાસાનનાં અનેક નગરોનો પ્રવાસ કર્યો જે દરમિયાન તેઓ સૂફી સંતોના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી આધ્યાત્મિક શિક્ષણ પ્રાપ્ત થતાં તેમના વિચારો બદલાયા અને તેમના જીવનમાં પણ પરિવર્તન આવી ગયું. તેમને આધ્યાત્મિક જીવનદૃષ્ટિ મળતાં કસીદાઓ અને પ્રેમકાવ્યોની જગ્યાએ હવે આધ્યાત્મિક કવિતાઓ લખવાની શરૂઆત કરી. તેમણે ફારસીમાં હદીકતુલ હકીકત (આધ્યાત્મિક સત્યનું ઉદ્યાન) નામનું મસ્નવી સ્વરૂપમાં લાંબું કાવ્ય લખ્યું અને તસવ્વુફના વિવિધ પેટા વિષયોની શાસ્ત્રીય છણાવટ એવી રીતે કરી કે તેમનું આ મસ્નવી કાવ્ય આધ્યાત્મિક અભ્યાસનાં વર્તુલોમાં આધારભૂત ગ્રંથ બની ગયું. આ મસ્નવી કાવ્યને લઈને સનાઈની ઈરાનના પ્રથમ સૂફી કવિ તરીકે ગણના થવા લાગી, કેમ કે તેમની પહેલાં તસવ્વુફના વિષયમાં કોઈએ તેમના જેવી દૃઢતા, સાદાઈ અને વર્ણનની સ્પષ્ટતા સાથે કાવ્યો લખ્યાં ન હતાં. તેમણે આધ્યાત્મિક મસ્નવી કાવ્યમાં વાચકોને આત્માની સફાઈ માટે તથા ઘમંડ અને ઢોંગના ત્યાગ માટે શિખામણ આપી છે. તેઓ કહે છે કે આત્માની સ્વચ્છતા, સેવા અને અથાગ પ્રયત્નોથી માનવતા પ્રાપ્ત થાય છે. ધન દોલત અને બાહ્ય સાહ્યબી મારફત આધ્યાત્મિક સત્ય પ્રાપ્ત થતું નથી, તેના માટે તો ઈશ્વરપ્રાર્થના, સંવેદના અને કાર્યશીલતા જરૂરી છે. પોતાના અંતરને એટલું સ્વચ્છ બનાવવું કે તેમાં ઈશ્વરનું પ્રતિબિંબ જોઈ શકાય. સનાઈએ પોતાનું મસ્નવી કાવ્ય 1131માં પૂર્ણ કર્યું હતું. તેમાં દસ પ્રકરણો અને દસ હજાર કાવ્યપંક્તિઓનો સમાવેશ થાય છે. તેમણે દરેક પ્રકરણના વિષયને કોઈ ચર્ચા દ્વારા સમજાવ્યો છે. હદીકા ઉપરાંત તેમની બીજી મસ્નવીઓ પણ આધ્યાત્મિક વિષયો ઉપર આધારિત છે અને તેમાં એકેશ્વરવાદની તાલીમની સાથે સાથે પયગંબર સાહેબ(સ.અ.વ.)ની નઅત તથા સંસારત્યાગની શિખામણો આપી છે. સનાઈના કાવ્યસંગ્રહમાં કસીદા, ગઝલ વગેરે સ્વરૂપની કવિતાની લગભગ ત્રીસ હજાર પંક્તિઓનો સમાવેશ થાય છે. તેમની મસ્નવી હદીકતુલ હકીકતની શરહ (સમજૂતી) અમદાવાદના મુઘલકાળના વિદ્વાન અબ્દુલ લતીફ અબ્બાસીએ પણ લખી હતી. સનાઈનું અવસાન 1150માં થયું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી