સ્વોપજીવીઓ (Autotrophs) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)

January, 2009

સ્વોપજીવીઓ (Autotrophs) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : ઑક્સિડેશન પ્રક્રિયા વડે અકાર્બનિક સંયુક્ત પદાર્થોમાંથી કાર્યશક્તિ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા સૂક્ષ્મજીવો (microbes). આ સજીવો અંગારવાયુ(CO2)ના સંયોજનીકરણ(fixation)થી સંકીર્ણ સ્વરૂપના કાર્બનિક સંયુક્ત પદાર્થોનું ઉત્પાદન કરે છે. આ પ્રક્રિયા રાસાયણિક પ્રકારની હોવાથી તે રાસાયણિક સંશ્લેષણ(chemo-synthesis)ના નામે ઓળખાય છે.

લીલ (algae) જેવા સૂક્ષ્મજીવો (microbes) (દા. ત., સાયનોબૅક્ટેરિયા) અંગારવાયુના સંયોજનીકરણાર્થે સૂર્યપ્રકાશનાં કિરણોમાં રહેલ કાર્યશક્તિનું શોષણ કરી તેનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ (photosynthesis) કહે છે. આ પ્રક્રિયામાં અંગારવાયુ (CO2) અને પાણી(H2O)ના અણુઓ પ્રક્રિયાર્થીની ગરજ સારે છે અને પ્રક્રિયાની હારમાળાની અંતે એકશર્કરાણુ(mono-saccharide)નું ઉત્પાદન થાય છે.

6 (CO2 + H2O) → C6H12O6 + 6O2

6 (અંગારવાયુ + પાણી) → ગ્લુકોઝ + 6 પ્રાણવાયુના અણુઓ હરિત (green) અને નીલ (purple) જીવાણુઓજન્ય પ્રકાશ-સંશ્લેષણ પ્રક્રિયામાં O2 અણુ મુક્ત થતો નથી. ઑક્સિજનવિહોણી (oxygenic) સંકીર્ણ સ્વરૂપની આ પ્રક્રિયાને ટૂંકામાં નીચે મુજબ સમજાવી શકાય :

6 (CO2 + 3 ATP + 2 NADPH2 + 2 H2O) → ગ્લુકોઝ + 18 ADP + 18 P1 + 12 NADP+

આ પ્રક્રિયામાં કાર્યશક્તિના સ્રોત તરીકે ઉચ્ચ કાર્યશક્તિક ATP અને NADPH2ના અણુઓ આવેલા હોય છે.

નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોબૅક્ટર, ગંધક (sulphur) બૅક્ટેરિયા, લોહ બૅક્ટેરિયા (Iron bacteria) જેવા અણુઓ હાઇડ્રોજનને ન્યુનીકૃત કરી પ્રાપ્ત કાર્યશક્તિની મદદથી સંકીર્ણ સ્વરૂપના કાર્બનિક જૈવી અણુઓનું ઉત્પાદન કરે છે.

કે. એસ. પટેલ

મહાદેવ શિ. દુબળે