સ્વેસ, એડુઅર્ડ (જ. 20 ઑગસ્ટ 1831, લંડન; અ. 26 એપ્રિલ 1914, વિયેના) : ઑસ્ટ્રિયન ભૂસ્તરશાસ્ત્રી. વિયેના યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક (1859–1901). આગ્નેય અંતર્ભેદકો, ભૂકંપની ઉત્પત્તિ અને પોપડાની સંચલનક્રિયા માટે જાણીતા. દક્ષિણ ગોળાર્ધમાં ગોંડવાના નામનો વિશાળ ભૂમિસમૂહ અસ્તિત્વ ધરાવતો હતો.

એડુઅર્ડ સ્વેસ

તે મધ્યજીવયુગના પૂર્વાર્ધકાળમાં તૂટીને તેમાંથી આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ઍન્ટાર્ક્ટિકા અને ભારત છૂટા પડ્યા અને જુદી જુદી દિશાઓ તરફ ખસતા ગયેલા – તે બાબત તેમણે સર્વપ્રથમ રજૂ કરેલી. રચનાત્મક ભૂસ્તરશાસ્ત્રના વિષય માટે પાયાનો આધાર મળી રહે એ પ્રકારનું સંશોધનકાર્ય તેમણે કરેલું છે. જીવાવશેષો પરના તેમના શરૂઆતમાં કરેલાં કામ પરથી પર્વતો કેવી રીતે બન્યા હશે તેના પર અન્વેષણો કરવા માટે તેમને પોતાને પ્રોત્સાહન મળેલું. તે પછીથી તેમણે લખેલા ગ્રંથ ‘The Origin of the Alps’માં પર્વતરચનાનો સિદ્ધાંત તેમણે રજૂ કરેલો છે, જેની ઘણા લાંબા સમય સુધી વિષયનિષ્ણાતો પર અસર રહેલી. ઍમોનાઇટ્સના પેટાવિભાગ પાડવા માટે પ્રથમ પ્રયાસ કરનાર તરીકે પણ તેઓ જાણીતા બનેલા છે. તેમણે લખેલા પુસ્તક ‘The Face of the Earth’માં તેમણે ભૂપૃષ્ઠ રચનાઓની, ભૂસ્તરીય રચનાઓની અને તેની ઉત્ક્રાંતિની, ભૂમિસમૂહોના ખસવાથી ભૂકંપ થતા હોવાની તેમજ જૂના વખતની દરિયાકિનારારેખાઓ સમુદ્રસપાટીમાં થતા ફેરફારોને અધીન હતી, એ પ્રકારની વિસ્તૃત જાણકારીની વિગતો આપેલી છે.

ગિરીશભાઈ પંડ્યા