સ્વામિનારાયણ સંપ્રદાય : હિન્દુ ધર્મની વૈષ્ણવ ધર્મની એક શાખા. તે કરોડો ભારતવાસીઓની સંસ્કારસભર જીવનરીતિ છે. એકાધિક સંપ્રદાયોથી જમાને જમાને હિન્દુ ધર્મ અને એના સનાતનધર્મી જીવનના આચારવિચાર પરિષ્કૃત અને સંવર્ધિત થતા રહ્યા છે. હિન્દુ ધર્મ પ્રમાણે તો ધર્માચાર એ જ જીવનાચાર છે. સ્વામિનારાયણ જેવા સંપ્રદાયો પણ અભિનવ સ્વરૂપે આ જ વાત કહે છે.
ઈ. સ. 1801માં (આશરે આ ગાળાનાં વર્ષોમાં) શ્રી સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક અને સમાજ-સુધારણાની પ્રવૃત્તિ આરંભી હતી. એ પ્રવૃત્તિ થોડાં જ વર્ષોમાં સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે વ્યાપક સ્વીકાર પામી. ગુજરાતમાં તો સવિશેષ. વિચારશુદ્ધિ, આચારશુદ્ધિ – વ્યવહારશુદ્ધિનો ખાસ આગ્રહ રાખતા આ સંપ્રદાયે સનાતન ધર્મનું એક સંમાર્જિત અને અભિનવ સ્વરૂપ દાખવ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રી ભગવાન સ્વામિનારાયણના નામે પૂજાપાત્ર બનેલા શ્રી સહજાનંદજી ‘શ્રીજી મહારાજ’ તરીકે પણ પ્રસિદ્ધ છે. એમનો જન્મ (3જી એપ્રિલ 1781) અયોધ્યા પાસેના છપૈયા ગામમાં સરયૂપારિ (સરવરિયા) બ્રાહ્મણ શ્રી પાંડેય ધર્મદેવજી અને ભક્તિદેવીને ત્યાં સંવત 1837માં રામનવમીએ થયો હતો. તેમના મોટા ભાઈ અયોધ્યાનરેશના રાજ્યમાં લશ્કરી ટુકડીના સેનાનાયક હતા. આ બધા બ્રાહ્મણો એ સમયે ક્ષત્રિયવટ પણ કરી જાણતા હતા. સદગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ તેમણે ધર્મધુરા સંભાળી. પછી દેશાટન (વિચરણ) સાથે આધ્યાત્મિક વિચારોનો પ્રચારપ્રસાર કરતા કરતા સહજાનંદ સ્વામી સમગ્ર ભારતવર્ષમાં ફરી વળ્યા હતા. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો ખૂણે ખૂણે ફરી ફરી સ્વામિનારાયણ સંપ્રદાય, એના ધર્મ અને દર્શનનો પ્રચાર-પ્રસાર કર્યો. અહીં તેમને અને તેમના શિષ્ય સમુદાયને ઉમળકાભેર આવકાર મળ્યો. માત્ર 23 વર્ષની ઉંમરે એમણે પાંચસો જેટલા સાધુઓ બનાવ્યા હતા. તેમની પાસે દીક્ષા ગ્રહણ કરનારા વિભિન્ન વર્ગ અને વિભિન્ન વર્ણના લોકો હતા. તેમાં ઘણા તો તેજસ્વી બુદ્ધિપ્રતિભાવાળા સન્નિષ્ઠ અભ્યાસીઓ પણ હતા.
ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયને દૃઢમૂળ અને ચિરસ્થાયી બનાવવા 6 જેટલાં સ્થળોએ – અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડામાં શિખરબંધ મંદિરો બંધાવ્યાં હતાં. અમદાવાદની ગાદી ઉત્તરની અને વડતાલની ગાદી દક્ષિણની ગણાય છે. આ મંદિરો સમય જતાં ‘સંસ્થા’ ગણાવા લાગ્યાં. સ્વામિનારાયણ સંસ્થા તરીકે પોતાની આગવી ઓળખથી તેઓ વહીવટ કરવા લાગ્યા. આ પરંપરા આજેય ચાલુ છે. એમાં પછી જે તે સંસ્થાનાં બીજાં મંદિરો થતાં જે તે સંસ્થાનો વિકાસ અને વિસ્તાર થતો ગયો. આ નવાં મંદિરો કે સંસ્થાઓની પણ પોતપોતાની આગવી ઓળખ – મૂળ સંસ્થાને ભૂલ્યા વિના – ઊભી થઈ છે. એમાં બોચાસણ સંસ્થાએ તો સમગ્ર પરંપરાને ઊંડળમાં લઈને, અનેક મંદિરો સ્થાપીને અને સામાજિક–સાંસ્કૃતિક સેવા મોટા પાયે કરીને ઉત્તમ કામ કર્યું છે. સમગ્ર સંપ્રદાય આજે વિશ્વમાં 7500થી વધુ મંદિરો ધરાવે છે અને સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓ કરે છે. એકલી બોચાસણ સંસ્થાનું શ્રી પ્રમુખસ્વામીના માર્ગદર્શનમાં થતું ‘મૅનેજમેન્ટ’ પણ આશ્ચર્યજનક સિદ્ધિઓ મેળવી ચૂક્યું છે. ‘શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા’ (BAPS–બાપ્સ) તરીકે જાણીતો આ ફિરકો પોતાની ઉમદા પ્રવૃત્તિઓથી આજે વિશ્વવિખ્યાત છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના આચારવિચારના મૂળાધારરૂપ ચાર ગ્રંથો છે. તે આ પ્રમાણે છે :
1. વચનામૃત : સંપ્રદાયના મુખ્ય અને આધ્યાત્મિક ગ્રંથ તરીકે રચાયેલો આ ગ્રંથ બધાં શાસ્ત્રોના સારરૂપ છે. એમાં 262 વચનામૃતો છે. મુમુક્ષુને આધ્યાત્મિક માર્ગે જતાં નડતી સમસ્યાઓના સહજ અને સરળ ઉકેલો, પ્રશ્નોત્તર રૂપે શ્રીજી મહારાજે સૂચવેલા છે. આ ગ્રંથને મધ્યકાલીન સાહિત્યમાં થયેલાં પ્રારંભકાલીન ગદ્યલેખનના નમૂના રૂપે પણ જોવામાં આવે છે.
2. શિક્ષાપત્રી : આ સ્વામિનારાયણની આચારસંહિતાનો ગ્રંથ છે. સંવત 1882માં વસંતપંચમીએ આ રચના પૂર્ણ થઈ હતી. 212 શ્લોકોની શિક્ષાપત્રી વડતાલના મંદિર ખાતે રચાઈ હતી. આજે પણ ત્યાં તેના પૂજન-અર્ચન-દર્શનનો મહિમા ગણાય છે. શતાનંદ સ્વામીએ પછીથી શિક્ષાપત્રીનું ભાષ્ય અને ટીકા લખ્યાં હતાં. સરદાર પટેલે કહ્યું હતું કે ‘ભારતવર્ષની પ્રજા જો ‘શિક્ષાપત્રી’ વાંચે અને એનું આચરણ કરે તો પછી કાયદા અને કોર્ટોની ઝાઝી જરૂર ન રહે.’
3. સત્સંગી જીવન : વડતાલ સંસ્થા તરફથી પ્રકાશિત આ ગ્રંથ શ્રી શતાનંદ સ્વામીએ લખેલો સંસ્કૃતગ્રંથ છે. એમાં શ્રી ભગવાન સ્વામિનારાયણનાં જીવન-કાર્ય તથા ઉપદેશ-બોધને ગૂંથી લેવામાં આવ્યાં છે.
4. ભક્તચિંતામણિ : સંત કવિશ્રી નિષ્કુળાનંદ સ્વામીએ રચેલો આ ગ્રંથ પદ્યમાં છે. એમાં સાખી અને દુહા દ્વારા અધ્યાત્મ, આચારવિચાર તથા સત્વ અને તત્વની રજૂઆત થઈ છે.
સહજાનંદ સ્વામીએ જે સંપ્રદાયની ઇમારત રચી તેના પાયામાં સદાચારને સ્થાન છે. ધર્મ માનવીમાં સદગુણો પ્રેરે છે અને દૃઢ કરે છે. આ માટે આ સંપ્રદાયમાં દીક્ષિત થનારે પાંચ વ્રત પાળવાનાં રહે છે : (1) મદિરાત્યાગ, (2) માંસભોજનત્યાગ, (3) અસ્તેય – ચોરી ન કરવી, (4) અવ્યભિચાર, (5) વટલાવું કે વટલાવવું – તેનાથી દૂર રહેવું. પ્રત્યેક ગૃહસ્થ–સત્સંગીને વ્રતો જીવનચર્યા સાથે જોડવાનાં રહે છે. ત્યાગીઓએ નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિ:સ્વાદ અને નિ:સ્નેહ – એ પાંચ વ્રતો પાળવાનાં રહે છે. આ સિવાયના નિયમો શિક્ષાપત્રીમાં સમાવ્યા છે.
અહિંસા, પરધર્મસહિષ્ણુતા, પાખંડ-દુરાચાર-નિષેધ, સમાજ-વ્યવસ્થાપાલન (વર્ણાશ્રમધર્મ – એકાન્તિક ભાગવત ધર્મનું પાલન) અને સાર્વજનિક આચાર-વ્યવહારશુદ્ધિને આ સંપ્રદાયમાં મહત્વ અપાયું છે. સત્સંગીઓ, બ્રહ્મચારીઓ, સાધુઓ – બધાં માટે આહાર-વિહારના કડક નિયમો વિશે શિક્ષાપત્રી અને વચનામૃતમાં કહેલું છે.
આ સંપ્રદાયમાં આત્યંતિક શ્રેયના માર્ગને મહત્વ અપાયું છે. આશ્રિતજનો ઉપરાંત બની શકે તેટલા વધુ લોકોના કલ્યાણના માર્ગનો વિચાર કરાયો છે. પ્રથમ સોપાન આચારધર્મ–સદાચારધર્મ છે. સાથે સાથે ભાગવતનો એકાન્તિક ધર્મ પ્રબોધ્યો છે. વાસનાથી દૂર થવા ભગવાન પ્રતિની વાસનાને વધાવી લીધી છે. ધર્માચરણના પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ વચ્ચે સંવાદિતા સાધી ભગવાનની ભક્તિથી રંગાયેલા ભક્તે ભગવાનના ભક્તસંબંધી પ્રવૃત્તિમાર્ગમાં સાવધાન થઈ જોડાવા કહ્યું છે. આ ધર્મ નારદ, સનક, શુકદેવજી, ધ્રુવ, પ્રહલાદ, અંબરીષ વગેરેનો છે. આમ, પોતાના આત્માનું જ્ઞાન અને પરબ્રહ્મનું જ્ઞાન – બંનેને સાધવા વૈરાગ્ય, આત્મનિષ્ઠાવાળા ભક્તને કેવળ પ્રેમી ભક્તથી શ્રેષ્ઠ ગણ્યો છે. આત્મજ્ઞાન અને ભગવાનના મહિમાની પરિસીમાએ પહોંચેલા જ્ઞાનથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. આમ શુષ્ક જ્ઞાનને ભગવતસ્વરૂપનિષ્ઠા સાથે જોડતાં થતી આધ્યાત્મિક અનુભૂતિ યોગમાર્ગની નિર્વિકલ્પ સમાધિ જેવી હોય છે.
સહજાનંદ સ્વામીના મતે વૈરાગ્ય એટલે શ્રીકૃષ્ણ પ્રતિ પ્રીતિ અને એ સિવાયના પદાર્થો પ્રતિ અપ્રીતિ છે. આથી દુન્યવી પાંચ વિષયો પ્રતિ અભાવ જરૂરી છે. આવા ત્યાગીના ઉત્તમ, મધ્યમ અને અધમ ત્રણ ભેદ છે. આમાં મંદ વૈરાગ્યવાળાએ સંન્યાસ લેવો ન ઘટે. આમ આ સંપ્રદાયનો વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિથી રંગાયેલો છે. તેમણે ભાગવતધર્મપ્રધાન ભક્તિને પ્રવર્તાવી છે. તેમના મતે જ્ઞાન અને વૈરાગ્ય કરતાં ભક્તિમાં દૈવત વધુ છે. તેમણે પ્રેમલક્ષણા કે માધુર્ય-ભક્તિને સ્વીકારી છે. આમ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ – ચાર આત્યંતિક કલ્યાણનાં–મોક્ષનાં સાધનો છે. આ માટે તેમણે સાકાર ભક્તિ પ્રવર્તાવી છે. ભગવત્-સ્વરૂપમાં દૃઢ નિષ્ઠા કેળવવા અખંડવૃત્તિ આવશ્યક છે. સામાન્ય વ્યક્તિ માટે સાધના કરતાં ઉપાસનાને મહત્વ આપવામાં આવ્યું છે. ઉપાસનાને દૃઢ કરવા મંદિરો બંધાવી વિવિધ સ્વરૂપોની ઉપાસનાવિધિ બતાવી છે. ઉપાસનાને દૃઢ કરવા ધ્યાન જરૂરી છે. મૂર્તિ વગર સામાન્ય વ્યક્તિ માટે ઉપાસના શક્ય નથી. આ માટે બાહ્ય અને માનસી પૂજા જરૂરી છે. શ્રી સહજાનંદ સ્વામીએ સત્સંગને ભારે મહત્વ આપ્યું છે; તેથી ‘સત્સંગી’ શબ્દ આ સંપ્રદાયના પર્યાય જેવો છે. ભક્તિ અને સત્સંગ સિવાય વિદ્વાન માણસ પણ અધોગતિને પામે છે. સત્ એટલે આત્મા-પરમાત્મા, સત્પુરુષો અને સત્શાસ્ત્રો – એવો અર્થ કરવામાં આવ્યો છે. સત્વ, રજસ્ અને તમસથી થતા સંકલ્પોમાંથી નિવૃત્તિ સત્સંગથી થાય છે. આથી વ્યક્તિ અસંગી, સંયત, ભગવત્પરાયણ થઈ ભગવાનનો દાસ બને છે. સત્શાસ્ત્રોમાં વેદચતુષ્ટયી, વ્યાસનું બ્રહ્મસૂત્ર, ભાગવત, વિષ્ણુસહસ્રનામ, ભગવદગીતા, વિદુરનીતિ, સ્કંદપુરાણનું વાસુદેવમાહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્યસ્મૃતિને ગણવામાં આવે છે. વ્યાસ સૂત્ર ઉપર રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય તેમના મતે પ્રમાણિત છે.
તેમણે સત્સંગીઓને નિયમપાલન, માન-ઈર્ષ્યાનો ત્યાગ અને કુસંગનો ત્યાગ કરવાનો આદેશ આપ્યો છે.
રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત તેમણે સ્વીકાર્યો છે. તેઓ પ્રસ્થાનત્રયીબ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને ભગવદગીતા ઉપરાંત પુરાણને પણ પ્રસ્થાન ગણે છે. પરમેશ્વર, ચિદ્ (જીવ) અચિદ્(દૃશ્ય-જગત)ને સત્ય માને છે. ચિદ્-અચિદ્ વિશિષ્ટ પરમેશ્વર બ્રહ્મને તે સ્વીકારે છે. પરમેશ્વર જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. જીવ ચિદ્રૂપ અને અણુ અંશરૂપ છે. પરમેશ્વર વાસુદેવ ભક્તજીવોને પુનરાવૃત્તિ વગરનું અક્ષય આનંદરૂપ ધામ આપે છે. શરીર જેમ આત્મા ઉપર આધાર રાખે તેમ જીવ અને માયા પરમેશ્વર–ઈશ્વર ઉપર આધાર રાખે છે.
જીવ-આત્મા હૃદય વિશે રહેલો અણુપરમાણ, સૂક્ષ્મ, ચૈતન્ય અને જ્ઞાતા છે. તે જ્ઞાનશક્તિથી દેહમાં વ્યાપે છે. તે મૂળે અચ્છેદ્ય, અદાહ્ય, અભેદ્ય, અજર, અમર આદિ લક્ષણ ધરાવે છે. તે જન્મ-મરણનો ભોક્તા છે. તે તેનું અન્વય સ્વરૂપ છે. અજર, અમરાદિ વ્યતિરેક સ્વરૂપ છે. આમ અન્વય-વ્યતિરેકથી આત્મસ્વરૂપ સ્વીકારાયું છે.
દેહ ત્રિવિધ છે : સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. કારણદેહ સાથે સાથે અન્ય બે દેહ બીજવૃક્ષન્યાયે રહેલાં છે. દેહ અને આત્મા વિરોધી લક્ષણ ધરાવે છે. દેહ જડ અને આત્મા ચૈતન્ય છે. ચિત્ત, અહંકાર, મન અને બુદ્ધિ એ અંત:કરણચતુષ્ટય છે. અંત:કરણ વિશે જીવની વૃત્તિઓ જોડાયેલી છે. જીવ પંચ વિષયને આધારે જીવે છે.
ઈશ્વરનું સ્વરૂપ પ્રાય: જીવ જેવું પરંતુ તેથી વિશેષ છે. તે વિરાટ સ્વરૂપ છે. વિરાટ-વિભુ છે. તે મહાભૂત જીવના બધા દેહને ધારણ કરે છે.
માયા ત્રિગુણાત્મક અંધકારરૂપ છે. તે શ્રીકૃષ્ણની શક્તિ છે. જીવનાં અહંતા-મમતાને પોષે છે. આ પ્રકૃતિ ભગવાનની અંતર્યામી શક્તિ હોવાથી તેમની ઇચ્છા પ્રમાણે પ્રવૃત્ત થાય છે. પુરુષ-પ્રકૃતિના સંકોચ-વિકાસ અનુસાર સંસારચક્ર ચાલ્યા કરે છે. સાંખ્યનાં ચોવીસ તત્વોને પિંડ-બ્રહ્માંડ રૂપે અહીં સ્વીકારવામાં આવ્યાં છે.
પરમાત્મા-પરબ્રહ્મ તે શ્રીજી મહારાજ છે. સર્વોત્તમ રસ છે. પરમાત્મા અક્ષરબ્રહ્મના પણ પ્રેરક અને નિયંતા છે. તેઓ અક્ષરબ્રહ્મને બ્રહ્મ, ચિદાકાશ, અક્ષરધામ વગેરે નામે ઓળખાવે છે. તે સનાતન, નિત્ય, અપ્રાકૃત, આનંદ, અખંડ, સચ્ચિદાનંદ ચિદાકાશરૂપ અક્ષરબ્રહ્મ અતિ તેજોમય છે. તે ભગવાનનું અક્ષરધામ છે. અક્ષરબ્રહ્મ સર્વનો આધાર અને નિર્વિકાર છે. તે સૃષ્ટિના સર્જનના આધારરૂપ છે. તામસ અહંકારજનિત આકાશથી તે ભિન્ન છે. પરમાત્મા તો અક્ષરબ્રહ્મથી ચડિયાતું પરબ્રહ્મ છે. પરમેશ્વર સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન અક્ષરબ્રહ્મ દ્વારા કરે છે. અક્ષરધામ પામનારા મુક્તો નારાયણની માફક નિર્ગુણ બને છે, પણ ચંદ્ર અને તારા જેવો તેમાં ભેદ છે. નારાયણ તો નારાયણ જેવા જ છે. અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે શરીર-શરીરી જેવા ભેદ છે. શ્રીજીના મતે મુમુક્ષુનું ચરમ લક્ષ્ય અક્ષરધામ પામવાનું છે. સાકાર ભગવાનની ઉપાસનાથી જ આ શક્ય બને છે.
પરબ્રહ્મ પુરુષોત્તમ કે નારાયણ સર્વોપરી અને નિયંતા, અદ્વિતીય અને અનન્ય છે. તે છ પ્રકારના ભગથી યુક્ત છે. સાંખ્ય, યોગ, વેદાંત અને પંચરાત્ર તેનું પ્રતિપાદન કરે છે. ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. તેની ઉપાસના સગુણ રૂપે થઈ શકે છે.
ભગવાન અનન્ય કૃપાળુ હોવાથી લોકકલ્યાણ માટે અવતાર લે છે. ભક્ત સાથે પુત્ર, સખા કે મિત્ર ભાવે વર્તે છે. તેમની અવતારલીલા અલૌકિક છે. શ્રીજી મહારાજે અવતારોની સંખ્યા નિશ્ચિત કરી નથી. બધા અવતારોમાં શ્રીકૃષ્ણાવતાર શ્રેષ્ઠ-પૂર્ણ છે. તેને સર્વશક્તિયુક્ત ગણ્યો છે. આ સંપ્રદાયના લોકો સહજાનંદ સ્વામીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ માને છે. અંતર્યામી ભગવાન જીવોને કર્મફળ શુભ કે અશુભ ફળ આપે છે. જીવની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા છે. સત્વગુણી કર્મનું ફળ જાગ્રતાવસ્થામાં, રજોગુણી કર્મનું ફળ સ્વપ્નાવસ્થામાં અને તમોગુણી કર્મનું ફળ સુષુપ્તિ અવસ્થામાં મળે છે. કર્મ ઉપરાંત દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દેવતાધ્યાન, દીક્ષા અને શાસ્ત્ર જેવાં પરિબળોથી જીવનમાં ઘટનાઓ ઘટે છે. આથી અહીં ભગવાનની કૃપાનો સહારો મળી રહે છે.
શ્રીકૃષ્ણની સેવા કરવી એ પરમમુક્તિનું પ્રથમ સોપાન છે. વિવેકજ્ઞાન મોક્ષ માટેની પ્રથમ જરૂરિયાત છે. તેઓ કેવળ જ્ઞાનમાર્ગે અને ભક્તિમાર્ગે મુક્તિ સ્વીકારે છે. જ્ઞાન, ધ્યાન અને ઉપાસનાથી જ્ઞાનમાર્ગી બ્રહ્મ વિશે લીન થનારને પુનરાવૃત્તિ નથી. તે બ્રહ્મ સત્તા પામે છે. ભક્તિમાર્ગી મુમુક્ષુ નિર્વિશેષ બનતો નથી. તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. એકાન્તિક ભક્તિને શ્રીજી મહારાજ બિરદાવે છે.
શ્રીજી મહારાજે સત્કાર્યવાદને સ્વીકાર્યો છે. રામાનુજાચાર્યે ચિત, અચિત અને ઈશ્વરને અનાદિ ગણ્યા છે. શ્રીજી મહારાજે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ સ્વીકાર્યા છે. રામાનુજના ચિતમાં બ્રહ્મ, ઈશ્વર અને જીવ સમાયેલાં જ છે. રામાનુજનો શરીર-શરીરી ભાવ એટલે કે પરમાત્મા સિવાય બધાં શરીર છે અને પરમાત્મા જ શરીરી છે. જે ચેતન તત્ત્વ બીજા પદાર્થને પોતાના કહેલ હેતુને સિદ્ધ કરવા ધારણ કરે, કાબૂમાં રાખે અને સંપૂર્ણપણે અધીન વર્તાવે તે પદાર્થ ચેતન તત્વનું શરીર છે. બધાં ચેતન તત્ત્વો પરમાત્માના શરીર બને છે. તે જ શરીરી છે. કેવળ ભગવાન સર્વસમર્થ છે. અક્ષર અને આત્મા વ્યાપ્ય છે અને ભગવાન જ સર્વવ્યાપક છે અને અક્ષર અને આત્મા ભગવાનને અધીન છે. આમ સહજાનંદ સ્વામીએ પરમેશ્વરને સર્વોપરી ગણાવ્યા છે.
રામાનુજાચાર્યના સત્ખ્યાતિવાદમાં સતનું જ્ઞાન જ પ્રત્યક્ષ થાય છે. ભ્રમમાં પણ સતનો અમુક અંશ છે. શ્રીજી મહારાજ પણ સંપૂર્ણભ્રમ સ્વીકારતા નથી. તેમનો મત પ્રભાકરના અખ્યાતિવાદ જેવો છે. શ્રીજી મહારાજે વિશિષ્ટાદ્વૈતની માફક અનેક અંતિમ તત્વોને સ્વીકારવા છતાં પરમ સત્ એક જ માન્યું છે.
આમ શ્રીજી મહારાજે સંવાદિતા જાળવવા પ્રયાસ કર્યો છે. નારાયણને સ્વીકારી સાથે લક્ષ્મી અને રાધાને સ્થાન આપ્યું છે. અર્જુનને લઈને નરનારાયણ માન્યા છે. કૃષ્ણ-બળદેવ માન્યા છે. પંચાયતનને આવકાર્યા છે. વલ્લભાચાર્યની કૃષ્ણોપાસના સ્વીકારી વિઠ્ઠલનાથજીની અર્ચન-પ્રણાલિકા લીધી છે. પણ તેમણે તેમના ભોગ- વિલાસને ત્યજ્યા. શૈવોની શિવોપાસના લીધી. સૂર્ય, હનુમાન આદિ બધાંને અપનાવ્યા. તેમણે ભાગવતના ઉદ્ધવ સંપ્રદાયને વ્યવહારુ, લોકભોગ્ય અને સ્વસ્થ સમાજને અનુરૂપ બનાવ્યો. સદાવ્રતો, દુષ્કાળ કે પૂરના પ્રસંગે રાહતકાર્યો પૂર્ણ કર્યાં. સ્ત્રીશિક્ષણ આદિ અનેકવિધ સમાજસેવાઓ અપનાવી છે તેમજ હિંસામય યજ્ઞો, સતીપ્રથા, દહેજ, વ્યસનો, વહેમ, ભ્રૂણહત્યા વગેરે દૂષણોથી સમાજને મુક્ત કરવાની સુધારાવાદી પ્રવૃત્તિઓને લીધે આ સંપ્રદાયને તત્કાલીન અંગ્રેજ ઇતિહાસકારોએ લોકાભિમુખ સંપ્રદાય તરીકે બિરદાવ્યો છે. સંસ્કૃતિ, કળા, સાહિત્ય તથા સંગીતક્ષેત્રે પણ આ સંપ્રદાયનું પ્રદાન અનન્ય છે. સંપ્રદાયના સંતકવિઓએ રચેલાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અન્ય ભાષાના ગદ્ય-પદ્ય ગ્રંથો એક અમૂલ્ય વારસો છે. કલાના નમૂનારૂપ સુંદર મૂર્તિઓ, મંદિરો અને કોતરણીવાળી હવેલીઓ આ સંપ્રદાયમાં જોવા મળે છે. આ સંદર્ભે સંતકવિઓનો પરિચય કરવો જરૂરી છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના જેમ મુખ્ય આધારરૂપ ચાર ગ્રંથો જાણીતા છે એમ એનું અષ્ટકવિમંડળ પણ જાણીતું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેક ઉત્તરાર્ધમાં થયેલા આ કવિઓ ભક્તિ અને તત્વદર્શનની રજૂઆત માટે જાણીતા થયા છે. એમનાં પદો વગેરેમાં કાવ્યતત્વના ચમકારા પણ ઘણા છે. આ કવિઓનો પરિચય અહીં પ્રસ્તુત છે.
1. મુક્તાનન્દ સ્વામી (ઈ. સ. 1761–1830) : તેમના ‘મુક્તાન્દબાવની’ અને ‘ઉદ્ધવગીતા’ જેવા પદસંગ્રહો જાણીતા છે.
2. નિષ્કુળાનન્દ સ્વામી (ઈ. સ. 1763–1848) : એમણે 20 જેટલા પદસંગ્રહોમાં ત્રણ હજારથી વધુ પદો આપ્યાં છે. તેમનું ‘ત્યાગ ટકે ન વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાયજી’ – આ પદ આજે પણ લોકપ્રિય છે.
3. બ્રહ્માનંદ સ્વામી (ઈ. સ. 1772–1849) : ‘સુમતિપ્રકાશ’, ‘વર્તમાનવિવેક’, ‘ઉપદેશચિન્તામણિ’ તથા ‘છન્દરચનાવલિ’ વગેરે એમના ગ્રંથો છે. એમને છન્દોનું વિશેષ જ્ઞાન હતું. તેઓશ્રી વ્રજ અને હિન્દી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હતા. ‘આ તન રંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગે જી’ પદ અદ્યાપિ ગવાય છે.
4. ‘પ્રેમસખી’ – પ્રેમાનન્દ સ્વામી (ઈ. સ. 1784–1815) : એમણે નરસિંહ મહેતાની જેમ ગોપીભાવે શ્રીકૃષ્ણને ભજ્યા હતા. શ્રીકૃષ્ણ નામ એમણે સહજાનન્દ સ્વામી સંદર્ભે પ્રયોજ્યું છે. ‘ધ્યાનમંજરી’, ‘તુલસીવિવાહ’ અને ‘ગોપીવિરહ’ વગેરે એમના જાણીતા ગ્રંથો છે.
‘નેણોમાં રાખું રે નેણોમાં રાખું……
નાથજીને જતન કરીને મારા નેણોમાં રાખું’ જેવું પદ ખૂબ લોકપ્રિય બનેલું છે.
5. દેવાનંદ સ્વામી (ઈ. સ. 1803–1854) : કવિ શ્રી દલપતરામે જેમને ગુરુ માનેલા તે દેવાનંદ સ્વામીએ વિશેષે તો વૈરાગ્યનાં પદો આપ્યાં છે. ‘અંતકાળે કોઈ સગું નહિ કોઈનું રે’ – એમનું સુવિખ્યાત પદ છે.
6. મંજુકેશાનન્દ સ્વામી : એમણે ચાર હજાર જેટલાં પદો રચ્યાં છે.
7. ભૂમાનન્દ સ્વામી : ‘ઘનશ્યામ લીલામૃત 12’ ગ્રંથમાં એમણે ભગવાન સ્વામિનારાયણનું જીવનકાર્ય અને એમનો ઉપદેશબોધ આલેખ્યાં છે.
8. અવિનાશાનન્દ (કવિ) સ્વામી (ઈ. સ. 19મા શતકનો પૂર્વાર્ધ) : એમણે કેટલાંક બોધદાયક પદો રચ્યાં છે.
આ અષ્ટકવિમંડળ ઉપરાંત પૂર્ણાનન્દ સ્વામી, યોગાનન્દ સ્વામી, તેજા ભક્ત તથા નિર્ગુણાનન્દ સ્વામી અને કવિ દલપતરામે પણ સંપ્રદાયને અનુલક્ષીને પદો આપ્યાં છે.
ભગવાન સ્વામિનારાયણે એમના જીવનકાળ દરમિયાન સંસ્થા–મંદિરો વગેરેનો વહીવટ બ્રાહ્મણોને સોંપેલો હતો; પણ એમાં કેટલીક અનિયમિતતાઓ અને અનૈતિક વલણો જણાતાં વહીવટ બદલવાની વિચારણા ચાલતી હતી. આથી બ્રાહ્મણો-બાવાઓ-ભૂવાઓએ સહજાનન્દજીનો (ભગવાન સ્વામિનારાયણનો) વિરોધ કરવા સાથે ભવૈયાઓ દ્વારા અપપ્રચાર શરૂ કરાવેલો, પણ અનુયાયીઓને બ્રાહ્મણોની અનૈતિકતાઓનો (ભ્રષ્ટઆચાર, માંસભક્ષણ, હિંસક પ્રવૃત્તિઓ કે પશુબલિયજ્ઞોમાં સામેલગીરી વગેરેનો) ખ્યાલ હતો. એટલે છેવટે ‘ધર્મકુળ’ને બોલાવવામાં આવ્યું અને વહીવટની વહેંચણી કરવામાં આવી.
ગુજરાતના મધ્યભાગને કેન્દ્રમાં રાખી પૂર્વ-પશ્ચિમ આડી રેખાથી દેશના બે ભાગ – ઉત્તર અને દક્ષિણ – કલ્પવામાં આવ્યા અને બંને ભાગોનો વહીવટ સહજાનંદજીએ પોતાના મોટા ભાઈ અને નાના ભાઈને સોંપ્યો. ઉત્તર ભાગની વહીવટી ધુરા મોટા ભાઈ રામપ્રતાપભાઈના દીકરા અયોધ્યાપ્રસાદજીને સોંપવામાં આવી. તેઓશ્રી કાલુપુર – અમદાવાદ ગાદીના પહેલા આચાર્ય બન્યા. તેમના તાબામાં તથા મૂળી વગેરે મંદિરોનો વહીવટ સોંપેલો હતો. પછી તો મંદિરો/સંસ્થાઓ વધતાં ગયાં.
દક્ષિણ ભાગ(નીચેના ભાગ)ની વહીવટી ધુરા નાનાભાઈ ઇચ્છારામજીના પુત્ર રઘુવીરપ્રસાદજીને સોંપવામાં આવેલી. વડતાલ ગાદીના એ પ્રથમ આચાર્ય બન્યા હતા. જૂનાગઢ તથા ગઢડા વગેરે સંસ્થાઓ/મંદિરોનો વહીવટ એમના તાબામાં હતો. એમણે પણ પછીથી સંસ્થા/મંદિરો રચીને સંપ્રદાયનો વિકાસ તથા વિસ્તાર કર્યો. પ્રત્યેક આચાર્ય આ દિશામાં સંયોગ અને શક્તિ પ્રમાણે સંપ્રદાયનો વિકાસ કરવામાં મંડ્યા રહ્યાનાં ઘણાં દૃષ્ટાન્તો આ જ લગી મળતાં રહ્યાં છે.
ઝીણી ઝીણી બાબતોને સમાવતી સહજાનંદજી દ્વારા જ તૈયાર કરાયેલી વહીવટી માર્ગદર્શિકા ઘણી વિશદ અને ઉપયોગી બની રહી છે.
કાલુપુર અને વડતાલની ગાદી આમ વંશપરંપરા પ્રમાણે આચાર્ય નીમીને સક્રિય રહી છે. વડતાલમાં ક્યારેક વંશપ્રાપ્તિના અભાવે દત્તક લઈને આચાર્ય નીમવામાં આવ્યા છે. બંને ગાદીએ રહેલા આચાર્યોની યાદી આ પ્રમાણે છે :
કાલુપુર (અમદાવાદ) : સર્વઆચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી, કેશવપ્રસાદજી, પુરુષોત્તમપ્રસાદજી, વાસુદેવપ્રસાદજી, દેવેન્દ્રપ્રસાદજી, તેજેન્દ્રપ્રસાદજી અને કૌશલેન્દ્રપ્રસાદજી (સાંપ્રત). સૌ આચાર્યો પોતાને શ્રીજીના દાસ ગણીને રહે છે.
વડતાલ : સર્વઆચાર્યશ્રી રઘુવીરપ્રસાદજી મહારાજ, ભગવત્પ્રસાદજી, વિહારીલાલજી, શ્રીપતિપ્રસાદજી, આનંદપ્રસાદજી, નરેન્દ્રપ્રસાદજી (નૃપેન્દ્રપ્રસાદજી હકદાર હતા એમને ટાળીને). હાલ રાકેશપ્રસાદજી ગાદી સંભાળે છે.
કાળક્રમે આચારવિચાર, ઉપાસના-વિધિ અને વ્યવહારાદિમાં મતભેદ થતાં કેટલાક સાધુસંતોએ પોતાના હરિભક્તો-સત્સંગીઓ સાથે ઉપર્યુક્ત બંને મૂળ સંસ્થાઓથી અલગ થઈને નવી સંસ્થાઓ રચી છે. આ સિલસિલો ચાલતો રહેવા છતાં સ્વામિનારાયણ સંસ્થાના મૂળ હેતુઓ અને ઉદ્દેશ કાર્યોની જાળવણી તથા વિકાસ થતાં રહ્યાં છે. જુદા પડેલા ફિરકાઓ (મંદિરસંસ્થાઓ) આ પ્રમાણે છે :
મણિનગર સંસ્થા : કાલુપુર ગાદીથી જુદી પડેલી સંસ્થા તે મણિનગર સંસ્થા છે. શ્રીજી સ્વામી, શ્રી અબજીબાપા સ્વામી, સ્વામી મુક્તજીવનદાસજી, સ્વામી પુરુષોત્તમપ્રિયદાસજી (સાંપ્રત). વિવિધ મંદિરો તથા ગુરુકુળો રચીને આ સંસ્થા નીતિબોધ તથા વિદ્યાકાર્યો કરે છે.
કુમકુમ સંસ્થા : મણિનગર સંસ્થામાંથી અલગ થયેલી સંસ્થા છે.
વાસણા સંસ્થા : આ સંસ્થા મણિનગર સંસ્થામાંથી અલગ થયેલી છે. તે વાસણા–અમદાવાદમાં છે.
ગામડાંમાં પણ મંદિરો/સંસ્થાઓ બંધાયાં છે. દા. ત., મોહિલા, તા. સંતરામપુર આ સંસ્થા નીતિબોધ અને લોકશિક્ષણનું ઉત્તમ કાર્ય કરે છે.
બોચાસણ : વડતાલ ગાદીથી 1907માં અલગ થયેલી સંસ્થા તે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (B.A.P.S. – ‘બાપ્સ’) આજે સૌથી વધુ મંદિરો, અનુયાયીઓ, સેવાકાર્યો માટે વિશ્વભરમાં જાણીતી છે.
ભગવાન સ્વામિનારાયણના સમય પછી આશરે પંચોતેર વર્ષ બાદ એમણે પ્રબોધેલા ‘અક્ષર અને પુરુષોત્તમ’ના વૈદિક સિદ્ધાન્તને પ્રવર્તાવવા માટે સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજીએ આચારણશુદ્ધિ અને ઉપાસનાશુદ્ધિના મૂળ આદર્શને દૃઢપણે વળગી રહીને સને 1907માં બોચાસણ ખાતે મંદિર રચીને ‘ગુણાતીત ગાદી’ પ્રમાણે કાર્ય કરતી નવી સંસ્થા ‘B.A.P.S.’ રચી હતી. વડતાલ ગાદીથી જુદા પડીને આ રચના કરવામાં શાસ્ત્રીજી મહારાજની મોટી ભૂમિકા રહી છે. તેમને ભગતજી મહારાજના આશીર્વાદ હતા. તેઓ આણંદ જિલ્લાના મહેળાવ ગામના પટેલપુત્ર હતા. બોચાસણ સંસ્થાને દૃઢમૂળ અને લોકપ્રિય બનાવવામાં શાસ્ત્રીજી મહારાજના અનુયાયી યોગીજી મહારાજ પ્રમુખસ્વામી મહારાજ અને સાંપ્રત મહંતસ્વામી મહારાજનું મોટું યોગદાન છે.
આ ગાદી વંશપરંપરા નહિ, પણ ભક્તિ અને ગુણ પ્રમાણે અદ્વિતીય હોય એવા સંત-સાધુ-સ્વામીને પોતાના આચાર્યપદે નીમે છે. જૂનાગઢ મંદિરના મહંત અને હરિભક્તોમાં અતિપ્રિય થઈ પડેલા ગુણાતીતાનંદ સ્વામીની ગોંડલસ્થિત સમાધિ પર શાસ્ત્રીજી મહારાજે સુંદર મંદિર-રચના કરાવેલી છે. શાસ્ત્રીજીના ગુરુ ભગતજી મહારાજ મહુવાના દરજી હતા. આ સૂચવે છે કે આ સંપ્રદાયમાં વર્ણ–જ્ઞાતિનું નહિ પણ ભક્તિ અને ગુણનું જ મહત્વ છે. શાસ્ત્રીજીના અનુગામી યોગીજી મહારાજ ધારી (અમરેલી પાસે) ગામના લોહાણા જ્ઞાતિના હતા. એમણે પોતાના વારસ તરીકે પાદરા પાસેના ચાણસદ ગામના અત્યંત વિનમ્ર, ગુણિયલ પટેલપુત્ર પ્રમુખસ્વામીને નીમ્યા હતા. વિશ્વભરમાં મંદિરો રચીને, સેવાકાર્યો કરીને, શિક્ષણસંસ્થાઓ સ્થાપીને તથા કુદરતી આફતો વખતે વિશ્વમાં જ્યાં પહોંચી શકાય ત્યાં પહોંચીને મદદ કરીને પ્રમુખસ્વામી મહારાજ માનવતાનાં ઉમદા કાર્યો કર્યા.
ઘણાબધા તેજસ્વી સંતોએ બધા ફિરકાઓમાં છેલ્લા ચાર દસકામાં સેંકડો ગુરુકુળો સ્થાપ્યાં છે. ઉત્તમ શિક્ષણસંસ્થાઓ દ્વારા વિદ્યાવિકાસની સાથે મૂલ્યબોધ સીંચવાનું કામ તેઓ કરે છે. આ સંપ્રદાયમાં બે પ્રકારનાં મંદિરો જોવા મળે છે :
(1) શિખરબંધ મંદિરો : વૈદિક ધર્મ પ્રમાણે દિવસમાં પાંચ વાર સંતો દ્વારા આરતી ત્યાં થાય છે. અહીં ધાર્મિક પર્વો (જન્માષ્ટમી શિવરાત્રી વગેરે ઉત્સવો) અત્યંત ભક્તિભાવથી ઊજવવામાં આવે છે. ઘણા સંતો કાયમ રહેતા હોય છે. આ મંદિરોમાં આચાર્યશ્રીના હાથે પ્રાણપ્રતિષ્ઠા થાય છે.
(2) હરિમંદિર : સવારે અને સાંજે બે વાર આ મંદિરોમાં આરતી હરિભક્તો દ્વારા થાય છે. સંતો મહિને માસે આવીને હરિભક્તોને ભક્તિનીતિ પ્રબોધે છે. આ મંદિરોનો વહીવટ હરિભક્તો કરે છે.
BAPSના વર્તમાન ધુરાવાહક પ્રમુખસ્વામીએ દેશવિદેશમાં શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ, આપત્કાલીન સહાય જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ તથા અધ્યાત્મભક્તિ સાથે માનવસેવાનો મંત્ર ગુંજતો રાખ્યો છે. એમણે રચેલાં / સ્થાપેલાં શિખરબંધી 30થી વધુ મંદિરોની યાદી જોતાં એમના ગંજાવર કાર્યનો ખ્યાલ આવે છે. વળી કેટલાંક મંદિરો તો સ્થાપત્ય, શિલ્પ તથા સાહિત્ય-સંગીત, ચિત્ર અને અન્ય કળાઓના ઉત્તમ નમૂનાઓ તરીકે પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યાં છે. આ મંદિરો ગૌશાળા, અન્નક્ષેત્ર, આવાસ-નિવાસ સમેત અનેક અદ્યતન સુવિધાઓ ધરાવતાં ભક્તિ-કેન્દ્રો છે અને એટલાં જ મોટાં સેવાકેન્દ્રો–સંસ્કારકેન્દ્રો પણ છે. સ્થળ અને વર્ષ પ્રમાણે મુખ્ય મંદિરો આ પ્રમાણે છે : બોચાસણ (1907), સારંગપુર (1916), ગોંડલ (1934), અટલાદરા (1945), ગઢડા (1951), અમદાવાદ (1962), ભાદરા (1969), મુંબઈ (1983), ગાંધીનગર (1992), મહેસાણા (1994), લંડન (1995), સૂરત (1996), સુરેન્દ્રનગર (1996), નવસારી (1997), નડિયાદ (1998), રાજકોટ (1998), મહેળાવ (1999), નૈરોબી (1999), તીથલ (1999), આણંદ (2000), ભરૂચ (2001), સાંકરી (2001), ધોળકા (2001), શિકાગો (2004), હ્યુસ્ટન (2004), જયપુર (2005), દિલ્હી (2005), ભાવનગર (2006), જૂનાગઢ (2006), ટોરેન્ટો (2007), એટલાન્ટા (2007) ….. બાપ્સના શિખરબંધ મંદિરો કુલ 70થી વધુ છે. હરિમંદિરોની સંખ્યા તો ઘણી છે. બાપ્સનો અને એનાં સર્વ મંદિરોનો વહીવટ શાહીબાગ–અમદાવાદ ખાતે આવેલા મુખ્ય કાર્યાલયથી થાય છે. ‘મૅનેજમેન્ટ’ના દૃષ્ટિકોણથી પણ આ સંસ્થાનો વહીવટ અભ્યાસને પાત્ર છે.
સોખડા સંસ્થા : બોચાસણ સંસ્થામાંથી વિચારભેદને લીધે છૂટા પડેલા હરિભક્તો દાદુભાઈ અને બાબુભાઈ વગેરેએ સ્વામી હરિપ્રસાદજીને ગાદીપદે સ્થાપીને સોખડા (જિ. વડોદરા) ખાતે મંદિર વગેરેની રચના કરી. હરિપ્રસાદ સ્વામી સાથે ચાળીશથી વધુ સંતો સોખડા સંસ્થામાં જોડાયા અને પ્રવૃત્તિઓને વેગ આપ્યો. આમ તો આ બધા સંતો યોગીજી મહારાજના દીક્ષિત શિષ્યો હતા, પણ સ્ત્રીઓને પણ દીક્ષા આપવાનો મત ધરાવતા હતા. બોચાસણ સંસ્થા પરંપરા પ્રમાણે સ્ત્રીદીક્ષાને નહિ સ્વીકારતી હોવાથી અનિવાર્યપણે તેઓ અલગ થયા. હરિભક્તોની સમુદારતાથી સોખડા સંસ્થા પણ સમૃદ્ધ બની, પોતાની પ્રવૃત્તિઓને વિકસાવી શકી છે. આ સંસ્થાનું પ્રથમ મંદિર 1965માં સાંકરદામાં બનેલું. શ્રીવિહારી સ્વામીનું યોગદાન આ સંસ્થાના પાયામાં રહેલું છે.
મોગરી તથા વલ્લભવિદ્યાનગર(જિ. આણંદ)ની બે સંસ્થાઓ (1) બ્રહ્મજ્યોત (મોગરી) તથા (2) ગુણાતીત-જ્યોત (વલ્લભ-વિદ્યાનગર) પણ સોખડા સંસ્થાની સાથે રહીને પણ જુદી રીતે શિક્ષણ અને સમાજ માટે સેવાકાર્ય કરે છે. વળી બ્રહ્મજ્યોત સંસ્થા ગૃહસભાઓ દ્વારા સત્સંગ અને ધર્મનો પ્રચાર–પ્રસાર કરે છે; જેના મુખ્ય ધુરાવાહક છે જશભાઈ. ગુણાતીત-જ્યોત હરિભક્તો અને દીક્ષિત બહેનોની સંસ્થા છે. શ્રી પપ્પાજી દ્વારા આ સંસ્થા સ્ત્રીઓને ભક્તિ સાથે સાંકળવા ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. આજે પૂ. શાન્તાબહેનની છત્રછાયામાં આ સંસ્થાની બહેનો અનેક પ્રવૃત્તિઓ કરે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ–સંત થવા માગતા હરિભક્તો-સત્સંગીઓને દીક્ષા પહેલાં કઠોર તાલીમમાંથી પસાર થવું પડે છે. માબાપની (વાલી-વારસોની) લેખિત સંમતિ પછી હરિભક્તોને સ્વાશ્રય, શ્રમ, સેવા, ત્યાગ, અધ્યાત્મધર્મ તથા તત્વવિચાર-જ્ઞાન માટે તાલીમ આપવામાં આવે છે. BAPS સંસ્થા માટે તો સાળંગપુર (તા. બોટાદ) ખાતે આવી તાલીમી સંસ્થા જ છે. તેની દેખરેખ અને સુચારુ સંચાલન આ સંસ્થાના ધુરાવાહકો દ્વારા થાય છે. આ તાલીમ દરમિયાન કુટુંબ–સમાજ અને સંસારત્યાગની સમજણ અને ભાવના કેળવાયા બાદ શ્વેત વસ્ત્રોની પાર્ષદ-દીક્ષા આપવામાં આવે છે. એ પછીનાં વર્ષોમાં સેવાભક્તિ માટે વિવિધ મંદિરો–સંસ્થાઓમાં જવાબદારી સોંપાય છે. એ પછી જ ભગવાં વસ્ત્રો સાથેની ભાગવતી દીક્ષા અપાય છે. એકલા પ્રમુખસ્વામી મહારાજના હસ્તે 2003 સુધીમાં 700 સંતોને દીક્ષા આપવામાં આવી છે. સમગ્ર સંપ્રદાયમાં તો હજારો સાધુ-સંતો થયા તે સહજ છે. કુલ હરિભક્તો તથા સત્સંગીઓની સંખ્યા તો દેશ-વિદેશમાં થઈને હાલ અડધો કરોડને આંબી જાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓ અનેક રીતે સમૃદ્ધ છે. કેટલીક સંસ્થાઓ તો અદ્યતન સાધન-સગવડોથી સજ્જ છે. એમની પાસે અસ્કયામતો તથા સ્થાવર–જંગમ મિલકતો પણ ઘણી છે. આ બધાંના વહીવટ માટે પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની જરૂર પડે છે. આ અંગેની મોટા ભાગની જવાબદારીઓ સાધુ-સંતોને સોંપવામાં આવે છે. આ અંગેના વહીવટ અને નિયમોનું પણ આગવું તંત્ર છે. સમાજસેવાનાં અનેકવિધ કાર્યો હરિભક્તો, સત્સંગીઓ અને ભાવિકજનો સ્વેચ્છાએ અને નિ:શુલ્ક કરે છે. આવાં સેવાકાર્યો માટે સૌની તત્પરતા દેખાઈ આવે છે. ગાંધીનગર–દિલ્હીનાં અક્ષરધામ મંદિરો કે લંડન, હ્યૂસ્ટન, એટલાન્ટાનાં મંદિરોની મુલાકાતે જનારાઓને ઉપર્યુક્ત બાબતોનો પરિચય થયા વિના રહેતો નથી.
સમગ્ર સંપ્રદાયમાં 7500થી વધુ મંદિરો, 400થી વધુ શિખરબંધ મંદિરો, 7000થી વધુ સંતો, 1000થી વધુ ગુરુકુળો અને અડધો કરોડ હરિભક્તોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ સંપ્રદાય સવિશેષ ફૂલ્યોફાલ્યો છે.
વૈશ્વિકીકરણ અને યંત્રીકરણના આ જમાનામાં પણ વૈદિક પરંપરાઓ અને ભારતીય અસ્મિતાને વિસારે પાડ્યા વિના એનું સમાજ અને શિક્ષણમાં નવા સંદર્ભે નિદર્શન કરી એની પ્રસ્તુતતા સિદ્ધ કરતો આ સંપ્રદાય સનાતન હિન્દુ ધર્મને પણ નવો પ્રાણવાયુ પૂરો પાડી રહ્યો છે.
મણિલાલ હ. પટેલ
દશરથલાલ ગૌ. વેદિયા