સ્વાદુપિંડી આભાસી કોષ્ઠ (pancreatic pseudocyst) : સામાન્ય રીતે સ્વાદુપિંડના પીડાકારક સોજા (શોથ, inflammation) પછીની આનુષંગિક તકલીફ રૂપે જઠરની પાછળ લઘુપ્રકોશા (lesser sac) નામના પોલાણમાં સ્વાદુપિંડના ઉત્સેચકો (enzymes), લોહી તથા કોશનાશી પેશી(necrotic tissue)વાળું પ્રવાહી ભરાવું તે. આ પ્રવાહી ભરેલા પોલાણની દીવાલ અધિચ્છદ (epithelium) નામના પડ વડે થયેલી ન હોવાથી તેને આભાસી અથવા છદ્મ કોષ્ઠ કહે છે. પુખ્ત વયે તેનું કારણ સ્વાદુપિંડશોથ (pancreatitis) છે, જ્યારે બાળકોમાં તે મુખ્યત્વે પેટને થતી ઈજા પછી થાય છે. સ્વાદુપિંડમાં ઉદભવતી ગાંઠોના 75 % કિસ્સામાં આભાસી કોષ્ઠ હોય છે. તેની દીવાલ દાણાદાર પેશી(granulation tissue)ની બનેલી હોય છે.
સ્વાદુપિંડમાં શોથકારી (inflammatory) વિકાર થાય અથવા તેને ઈજા થાય ત્યારે તેના ઉત્સેચકો નલિકાઓમાંથી બહાર વહે છે. તેને બહિર્વાહિકાવહન (extravasation) કહે છે. બહાર નીકળેલા ઉત્સેચકો આસપાસની પેશીનું ‘પાચન’ કરે છે અને તેથી ત્યાં રુધિરવિલયન (haemolysis) પામેલું લોહી તથા કોશનાશ પામેલી પેશી જઠરની પાછળ અને નીચે તથા સ્વાદુપિંડની આસપાસ આવેલી લઘુપ્રકોશા(lesser sac)માં જમા થાય છે. કેટલાક કિસ્સામાં આખો અધિપ્રસંગ (episode) થોડા સમયમાં શમે છે; પરંતુ કેટલાંકમાં તે પ્રવાહી સંગઠિત (organised) થઈને દાણાદાર પેશી વડે બનતી દીવાલથી ઘેરાઈને આભાસી કોષ્ઠમાં પરિવર્તિત થાય છે. અશ્રાવ્ય ધ્વનિચિત્રણ (ultrasonography) તથા સંગણકીય અનુપ્રસ્થછેદી ચિત્રણ (CT scan) કરીને આભાસી કોષ્ઠના સ્થાન અને કદ વિશે માહિતી મેળવાય છે. ચુંબકીય અનુનાદી પિત્ત-સ્વાદુપિંડનલિકાચિત્રણ (magnetic resonance cholangio-pancreatography) નામની ચિત્રણપ્રણાલી વડે આભાસી કોષ્ઠ અને સ્વાદુપિંડનલિકા વચ્ચેનો સંબંધ (જોડાણ) છે કે નહિ તે નક્કી કરી શકાય છે. તકલીફ ન કરતા આભાસી કોષ્ઠને રાહતદાયી સારવાર સાથે નિરીક્ષણ હેઠળ રખાય છે. મોટા અને તકલીફ કરતા કોષ્ઠને જઠરમાર્ગે, ત્વચામાર્ગે કે ઉદરનિરીક્ષાવાળી કે સાદી શસ્ત્રક્રિયા વડે સારવાર આપીને તેનું પ્રવાહી કાઢી લેવાય છે (નિષ્કાસન). અંતર્દર્શક(endoscope)ની મદદથી જઠરમાર્ગે કરાતા નિષ્કાસન(drainage)ને અંતર્દર્શકીય પારજઠરીય નિષ્કાસન (endoscopic transgastric drainage) અને ચિત્રણપ્રણાલીની મદદથી ચામડીમાં છિદ્ર પાડીને કરાતા નિષ્કાસનને ચિત્રણનિદર્શિત પારત્વકીય નિષ્કાસન (image guided percutaneous drainage) કહે છે. ઉદરનિરીક્ષા (laproscope) વડે કે ચામડી પર છેદ મૂકીને ક્યારેક આભાસી કોષ્ઠને જઠરમાં છિદ્ર પાડીને ખુલ્લો કરાય છે. તેને કોષ્ઠ-જઠરીય છિદ્રણ(cystogastrostomy)ની શસ્ત્રક્રિયા કહે છે.
શિલીન નં. શુક્લ