સ્વાદુપિંડશોથ (pancreatitis)

January, 2009

સ્વાદુપિંડશોથ (pancreatitis) : સ્વાદુપિંડ(pancreas)નો પીડાકારક સોજો (શોથ, inflammation) થવો તે. તેના કારણ અનુસાર વિવિધ પ્રકારો છે; પરંતુ નિદાનચિકિત્સી (clinical) પ્રક્રિયામાં તેનાં મુખ્ય 2 સ્વરૂપો જોવા મળે છે  ઉગ્ર (acute) અને દીર્ઘકાલી (chronic). ઉગ્ર સ્વાદુપિંડશોથ ટૂંકા ગાળામાં ઉદભવેલો વિકાર છે, જ્યારે દીર્ઘકાલીન વિકારનો ઉદભવ ધીમો, અલાક્ષણિક (insidious) અને લાંબા ગાળાનો હોય છે.

કારણો : ઉગ્ર સ્વાદુપિંડશોથનાં મહત્વનાં કારણોમાં પિત્તમાર્ગમાં પથરી (પિત્તાશ્મરી, gallstone) તથા દારૂના વધુ પડતા કુપ્રયોગનો સમાવેશ થાય છે. અન્ય ક્યારેક જોવાં મળતાં કારણોમાં અતિટ્રાઇગ્લિસેરાઇડરુધિરતા (hypertriglyceridaemia), અતિકૅલ્સિરુધિરતા (hypercalcaemia), ગાલપચોળું (mumps) કરતો વિષાણુજ ચેપ, પેટને ઈજા, વાહિનીશોથ (vasculitis) નામના સ્વાદુપિંડની નાની નસોને અસર કરતો સ્વકોષઘ્ની વિકાર (autoimmune disorder) વગેરે વિવિધ વિષમ સ્થિતિઓનો સમાવેશ થાય છે. લોહીમાં ટ્રાઇગ્લિસેરાઇડનું પ્રમાણ 1500 મિગ્રા. દર ડેસિલિટરથી વધે ત્યારે ક્યારેક ઉગ્ર સ્વાદુપિંડશોથનો વિકાર થઈ આવે છે. આવું ક્યારેક સગર્ભા સ્ત્રીને થાય છે. સ્વકોષઘ્ની વિકારથી થતા સ્વાદુપિંડશોથને સ્વકોષઘ્ની સ્વાદુપિંડશોથ (autoimmune pancreatitis) પણ કહે છે. ક્યારેક સ્વાદુપિંડની નલિકાનું ચિત્રણ મેળવવા માટે કરાતી અંત:દર્શકીય વિપરીતમાર્ગી પિત્તનલિકા-સ્વાદુપિંડનલિકાચિત્રણ(અવિપિચિ, endoscopic retrograde changiopancreatography, ERCP)ની તપાસ કરવામાં આવે ત્યારે પણ સ્વાદુપિંડશોથનો હુમલો થઈ આવે છે. ક્યારેક પોરફાયરિયાના રોગમાં પણ તે થાય છે. અન્ય કારણોમાં સ્ટિરૉઇડો અને અન્ય ઔષધો (દા. ત., એઝાથાયોપ્રિમ, એલ-એસ્પારજિનેઝ, પેન્ટામિડિન, ફ્યુરૉસેમાઇડ, હાઇડ્રૉક્લોરથાયેઝાઇડ, ઇસ્ટ્રોજન વગેરે) તથા વીંછીના ઝેરનો પણ સમાવેશ થાય છે. આ બધાં જ કારણોને યાદ રાખવાં એક સ્મૃતિવર્ધક (mnemonic) રૂપે અંગ્રેજી શબ્દો ‘GET SMASHED’નો ઉપયોગ કરાય છે. જેમાં પિત્તમાર્ગની પથરી (gallstone, G), દારૂ (ethanol, E) ઈજા (trauma, T), સ્ટિરૉઇડ (steroid, S), ગાલપચોળું (mumps, M), સ્વકોષઘ્ની વિકાર (auto-immune disorder, A), વીંછીનું ઝેર (scorpion’s venom, S), અતિટ્રાઇગ્લિસેરાઇડરુધિરતા (hypertriglyceridaemia, H), ERCP (E) તથા ઔષધો(drugs, D)નો સમાવેશ થાય છે. ટ્રિપ્સિન નામના સ્વાદુપિંડના ઉત્સેચક (enzyme) સંબંધિત જનીનીય વિકારમાં પણ ક્યારેક સ્વાદુપિંડશોથ થાય છે.

ચિહનો, લક્ષણો, નિદાન : પેટના ઉપરના ભાગમાં સખત દુખાવો જે કમરમાં પાછળ ફેલાય છે તથા ઊબકા અને ઊલટી થાય છે. ક્યારેક અંદર લોહી વહે છે. દુખાવાને કારણે લોહીનું દબાણ વધે કે રુધિરસ્રાવને કારણે તે ઘટી જાય છે. હૃદય અને શ્વસનનો દર વધે છે. દુખાવાના પ્રમાણમાં પેટ પર અડવાથી થતી સ્પર્શવેદના ઓછી હોય છે. આંતરડાની લહરીગતિ ધીમી પડે અથવા બંધ થાય. તેનાં મુખ્ય 3 સૂચક ચિહનો છે, જેમાંનાં ગમે તે 2 હોય તો નિદાન કરાય છે. આ 3 સૂચક ચિહ્નો છે  (1) પેટનો ઉપરના વર્ણનવાળો દુખાવો, (2) લોહીમાં એમાયલેઝ કે લાયપેઝ નામના ઉત્સેચકોનો 3 ગણો કે વધુ વધારો અને (3) સીટી સ્કૅનમાં નિદર્શનીય (typical) દેખાવ. કેટલાક અન્ય વિકારો(પિત્તાશયશોથ  cholecystitis, જઠરના ચાંદામાં છિદ્ર પડે, આંતરડામાં છિદ્ર પડે, મધુપ્રમેહના દર્દીને કિટોઅમ્લતાવિકાર  ketoacidosis થાય વગેરે)માં પણ સ્વાદુપિંડશોથ જેવો જ વિકાર જોવા મળે છે માટે તેમનો નિદાનભેદ કરવો જરૂરી બને છે. પિત્તાશયમાં પીડાકારક સોજો થાય ત્યારે તેને પિત્તાશયશોથ કહે છે.

સ્વાદુપિંડશોથ : (1) શરીરમાં સ્વાદુપિંડનું સ્થાન, (2) યકૃત (liver), (3) પિત્તાશય (gall bladder), (4) જઠર, (5) પિત્તનલિકા, (6) સ્વાદુપિંડ, (7) પક્વાશય (duodenum), (8) સ્વાદુપિંડનલિકા, (9) સામાન્ય પિત્ત-સ્વાદુપિંડનળી, (10) વૉટરનું વિપુટ (ampula), (11, 12, 13) સ્વાદુપિંડના ભાગો, (11) પુચ્છ, (12) કાય, (13) શીર્ષ.

સ્વાદુપિંડશોથની તીવ્રતા નક્કી કરવા માટે પ્રાપ્તાંકન પદ્ધતિઓ (scoring system) વિકસાવાઈ છે. તેમાંની એક પદ્ધતિ પ્રમાણે દર્દી દાખલ થાય ત્યારે 55 વર્ષથી વધુ વય, 16,000 ડેસિ.થી વધુ શ્વેતકોષો, લોહીમાં 200 મિગ્રા./ડેસિથી વધુ ગ્લુકોઝ, AST નામનો ઉત્સેચક 250 IU/Lથી વધુ, LDH નામનો ઉત્સેચક 350 IU/Lથી વધુ હોય તો દરેક મુદ્દા માટે એક એક પ્રાપ્તાંક અપાય છે. તેવી રીતે 48 કલાકે પ્રાપ્તાંકો ગણવામાં આવે તો લોહીના કોષદળકદ(haematocrit)માં 11.34 %થી વધુ ઘટાડો, લોહીમાં BUN નામનું દ્રવ્ય 5 મિગ્રા./ડેસિ.થી વધુ, લોહીમાં 8 મિગ્રા./ડેસિ.થી ઓછું કૅલ્શિયમ, લોહીમાં PO2 60 મિમી./પારોથી ઓછું, લોહીમાં 4 મિઇક્વિ/લિ.થી વધુ ‘બેઝ’ની ઊણપ તથા 6 લિટરથી વધુ પ્રવાહીની ખોટ – આ છયે મુદ્દાઓને એક એક પ્રાપ્તાંક અપાય છે. દાખલ થતી વખતે કે તેના 48 કલાકે જો 3 કે વધુ પ્રાપ્તાંકો હોય તો તેને તીવ્ર વિકાર કહે છે. જો કુલ પ્રાપ્તાંક 0થી 2 હોય તો 2 %, 3થી 4 હોય તો 15 %, 5થી 6 હોય તો 40 % અને 7 કે વધુ હોય તો 100 % જેટલો મૃત્યુદર થવાની સંભાવના રહે છે.

આનુષંગિક તકલીફો રૂપે લોહીનું દબાણ ઘટી જવાથી થતો આઘાત(shock)નો વિકાર, લોહીમાં કૅલ્શિયમનો ઘટાડો, ગ્લુકોઝનો વધારો, શરીરમાં પાણી ઘટી જવું, મૂત્રપિંડનું નિષ્ફળ જવું વગેરે વિકારો થાય છે. દર્દીનાં ફેફસાંની આસપાસ પ્રવાહી ભરાય, તેનો કેટલોક ભાગ હવા વગર દબાઈ જાય (atelectasis), તેમાં ન્યુમોનિયા થાય કે ક્યારેક ઉગ્ર શ્વસન-દુસ્ત્રસ્તતા સંલક્ષણ (acute respiratory distress syndrome, ARDS) થઈ આવે છે. વારંવાર થતા વિકારમાં ક્યારેક આભાસી કોષ્ઠ (pseudocyst) થાય છે. તેમાં ચેપ લાગે અથવા લોહી પણ ઝમે.

ઉગ્ર સ્વાદુપિંડશોથની સારવારમાં પેથિડિન (મેપેરિડિન) વડે દુખાવો ઘટાડાય છે. પૂરતા પ્રમાણમાં નસ વાટે પ્રવાહી અપાય છે. મોં વાટે કશુંય લેવાનો નિષેધ કરાય છે. દર્દીની નાડી-શ્વસન વગેરે અતિમહત્વની જૈવિક ક્રિયાઓની સતત નોંધ (monitoring) લેવાય છે અને ઍન્ટિબાયોટિક ઔષધો અપાય છે.

દીર્ઘકાલી સ્વાદુપિંડશોથ (chronic pancreatitis) : વારંવાર થતા ઉગ્ર વિકાર પછી કે સતત ચાલતા લાંબા ગાળાના વિકારથી સ્વાદુપિંડની સંરચના અને કાર્યમાં વિષમતા ઉદભવે છે. દર્દીને સતત પેટનો દુખાવો, મેદ(ચરબી, તૈલી દ્રવ્ય)યુક્ત પાતળા ઝાડા (મેદાતિસાર, steatorrhea), કબજિયાત, ઊબકા, વજનમાં ઘટાડો વગેરે થાય છે. તેનાં મુખ્ય કારણોમાં પિત્તમાર્ગમાં પથરી, દારૂ, સ્ટિરૉઇડ ઔષધનો લાંબા ગાળાનો ઉપયોગ અને દુખાવાની દવાઓનો લાંબા ગાળાનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. ક્યારેક કોઈ કારણ જાણમાં ન હોય તેવું પણ બને. નિદાનમાં ઉગ્ર સ્વાદુપિંડશોથમાં કરાતી લોહીની તપાસ તથા ચિત્રણપ્રણાલીઓ ઉપયોગી રહે છે. જો દર્દીને મધુપ્રમેહ થાય તો તેની સારવાર અપાય છે. આ ઉપરાંત તેની તકલીફો ઘટે તેવી સારવાર તથા મૂળ કારણની સંભવિત સારવાર પણ ઉપયોગી રહે છે. મેદાતિસાર હોય તો સ્વાદુપિંડના ઉત્સેચકો મોં વાટે અપાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં, જો આભાસી કોષ્ઠ થયો હોય તો શસ્ત્રક્રિયા કરવા વિશે નિર્ણય લેવાય છે.

શિલીન નં. શુક્લ