સ્વસ્તિક : એક માંગલિક ચિહ્ન. ‘સ્વસ્તિક’ શબ્દ सु + उस् ઉપરથી નિષ્પન્ન થયો છે. सु = શુભ, મંગલપ્રદ; उस् = હોવું. अस्ति = સત્તા, અસ્તિત્વ; ‘સ્વસ્તિક’ એટલે કલ્યાણકારી સત્તા. स्वस्ति = કલ્યાણ હો તેવી ભાવના. આ માંગલિક ચિહન પ્રસન્નતાનું દ્યોતક છે. પ્રાચીન ભારતીયોનું મંગળ પ્રતીક છે. તેની ચાર ભુજાઓ ચાર પુરુષાર્થો કે ચાર યુગની સૂચક છે. ઘણા દેશોમાં તેનો પ્રયોગ થયો છે. છેક પાષાણયુગથી તેનો મંગળ પ્રતીક તરીકે ઉપયોગ થયો છે. વિદેશોમાં પણ ઉત્ખનન દરમિયાન સ્વસ્તિક ચિહન મળ્યાં છે. મોહેં-જો-દડોના ઉત્ખનનમાં પણ ‘સ્વસ્તિક’ મળ્યું છે. આમ આ પ્રાચીન માનવોએ નિર્મેલું આદિ ધર્મપ્રતીક છે. ચાર ભુજાઓમાં પૂર્વાદિ ક્રમે મેઘનું સંચાલન કરનાર ઇન્દ્ર, પ્રકાશ અને ઉષ્ણતાના દેવ સૂર્ય, માનવીના ભલા-બૂરાનો – શુભાશુભ કે ધર્માધર્મનો નિયંતા દેવ વરુણ કે તેના જેવા બીજા દેવ અને ભૂતધારી વસુંધરાને ધારણ કરનાર વિષ્ણુ જેવા દેવની ધારણા પણ કરવામાં આવે છે.

 

એક ઊભી રેખા અને તેની મધ્યમાં લાંબી બીજી આડી રેખા આ આકૃતિમાં છે. મુખ્ય ઊભી રેખા જ્યોતિર્લિંગનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યોતિર્લિંગ વિશ્વોત્પત્તિનું મૂળ કારણ છે. આડી રેખા ઈશ્વરે જ રચેલી ભૂતસૃષ્ટિનો વિસ્તાર દર્શાવે છે. બધા દેવોની શક્તિની સહાયથી સૃષ્ટિનો વિસ્તાર થયો હોવાનું સૂચન સ્વસ્તિકના મૂળમાં મનાય છે.

સ્વસ્તિકનો સંબંધ સૂર્ય સાથે જોડવામાં આવ્યો છે; તેથી સ્વસ્તિક સૂર્યનું પ્રતીક છે. તેમાંથી એક એક આરા કલ્પતાં આઠ આરા થાય અને તેનાથી ત્રિકોણની આકૃતિ સર્જાય અને પરિણામે અષ્ટદળ કમળ થાય. કમળ અને સૂર્યપ્રકાશનો સંબંધ પ્રસિદ્ધ છે. ધાર્મિક વિધિમાં દેવોની સ્થાપના માટે અષ્ટદળ કમળની આકૃતિ પણ આ જ સૂચવે છે. સૂર્યમંડળમાં મધ્યવર્તી વિષ્ણુની કલ્પના સૂર્ય અને વિષ્ણુનો અભેદ દર્શાવે છે. પરિણામે સ્વસ્તિકની ચાર ભુજાઓ વિષ્ણુના ચાર હાથની સૂચક ગણી વિષ્ણુની વિશ્વાધાર-શક્તિ સ્વસ્તિકમાં રહેલી હોવાનું મનાય છે. સ્વસ્તિકનું મધ્યબિંદુ એ વિષ્ણુનું નાભિકમળ છે. સૃષ્ટિકર્તા બ્રહ્મદેવનું તે સ્થાન છે. આડી અને ઊભી રેખા છેદતાં થતી ત્રિશૂળની આકૃતિ સૃષ્ટિના સંહારકર્તાની દ્યોતક ગણતાં સૃષ્ટિનાં સર્જન, સ્થિતિ અને લય અર્થાત્ વિશ્વની ત્રણેય અવસ્થાઓ સ્વસ્તિકથી સૂચવાય છે.

સ્વસ્તિકની ડાબી અને જમણી બે ભુજાની કલ્પનાથી વામ અને દક્ષિણ સ્વસ્તિક થાય છે. ડાબો સ્વસ્તિક કાલીનો કે નારીનો અને દક્ષિણ સ્વસ્તિક પુરુષનો સૂચક છે. સામાન્યત: પ્રદક્ષિણ સ્વસ્તિક પ્રચલિત છે.

સ્વસ્તિક વિશે તત્વજ્ઞાનાત્મક રહસ્ય અને સિદ્ધાંતસાર બતાવતા ગ્રંથો પણ લખાયા છે.

સ્વસ્તિકનું મધ્યબિંદુ વિશ્વનું ગર્ભાશય છે; જેને ગીતાકારે મહદ્ બ્રહ્મ-યોનિ તરીકે ઓળખાવેલ છે. તેનું નામ સત્ છે. મધ્ય બિંદુમાંથી જે ઊભી રેખા વ્યાસ બને તે લિંગરૂપ છે. આડી રેખા તે વ્યાસ. મહાયોનિ – असत्માં ઉત્ક્ષોભ થતાં ઉત્પત્તિની પ્રેરણા થાય છે. તેથી રેખાનો શૂલાકાર થાય છે. જડ અને ચેતન અદભુત તત્વોનું મિશ્રણ થતાં નામરૂપાત્મક જગત્ ઉત્પન્ન થાય છે.

સ્વસ્તિક દ્વારા બીજી રીતે પણ સર્જનક્રમ સૂચવાય છે. વૈદિક પરિભાષા પ્રમાણે દેશકાળ બે તત્વોને મહાન યક્ષ-આશ્ચર્યકારક તત્વ માનવામાં આવે છે. તે બંને તત્વો પ્રથમ એકબીજા સાથે ટકરાતાં સંઘર્ષ થયો. છેવટે વેરને બદલે પ્રેમ થયો. બંનેએ હાથ મેળવ્યા અને સ્વસ્તિક રચાયો. તે સ્વસ્તિકનું તારણબિંદુ છે તે બિંદુએ જ आभु – અમૂર્ત સત્તત્ત્વ છે અને તેની નાની ભુજા अभ्व કે અસત્ નામરૂપથી સભર જગત્ છે. આ સમગ્ર વિશ્વ સ્વસ્તિકનો પ્રકાશ છે. સ્વસ્તિકનો વિપર્યાસ થતાં થતું ત્રિશૂળ વિશ્વની વિઘટના-લય સૂચવે છે. આમ સ્વસ્તિક વિશ્વની ઇમારતના પાયાના પથ્થરનું સૂચક છે.

હિન્દુની માફક બૌદ્ધો અને જૈનો પણ સ્વસ્તિકને પૂજનીય ગણે છે. બૌદ્ધોનું સ્વસ્તિક પત્રફૂલની ઉત્પત્તિ સૂચવે છે. બૌદ્ધોની ઉપાસનામાં સ્વસ્તિકનાં અનેક રૂપ મળે છે. બૌદ્ધ ધર્મની સાથે સ્વસ્તિક જાવા, સુમાત્રા, બાલિ, ચીન વગેરે દેશોમાં ગયો છે. ચીનનાં મંદિરોમાં ધર્મગ્રંથોમાં સ્વસ્તિકની આકૃતિ કાઢવામાં આવે છે. સ્વસ્તિક બૌદ્ધ મંદિરોમાં પ્રકાશનું પ્રસારણ કરે છે.

જૈનોમાં દેવનાં દર્શન વખતે દેવની સન્મુખ સાથિયો કરી આખી બદામ, દક્ષિણા વગેરે મૂકે છે. ચોખાનો સાથિયો કરવાનું જૈન સ્ત્રીવર્ગને વધુ ગમે છે.

શિલ્પશાસ્ત્રમાં પણ સ્વસ્તિકને ગૌરવ મળ્યું છે. પુરીનું મંદિર સ્વસ્તિકનો આકાર ધરાવે છે. કાશીમાં પણ આવું જ એક મંદિર છે. વાસ્તુદોષ-નિવારણ માટે બારસાખ ઉપર નવ ઇંચનો સાથિયો કરવાનું બતાવાયું છે. વિવાહ-પ્રસંગે સમંજન-વિધિ વરકન્યાનાં પરસ્પર દર્શન વખતે અમંગળના નિવારણ માટે અંતરપટ ઉપર દોરેલા સાથિયા ઉપર દૃષ્ટિ સ્થિર કરવાની હોય છે. સ્વસ્તિકની પૂજા સુખ, સમૃદ્ધિ અને મંગળ આપનારી મનાઈ છે.

સુવાસિની સ્ત્રીઓ સૌભાગ્ય માટે ચાતુર્માસ્ય (ચાર મહિનાનું) સ્વસ્તિક-વ્રત કરે છે. દેવઘર આગળ સ્વસ્તિક-અષ્ટદળની રંગોળી પૂરવામાં આવે છે. સ્વસ્તિક વ્રતથી સૌભાગ્યની વૃદ્ધિ થાય અને વૈધવ્યનો ભય ટળે એવી માન્યતા પ્રવર્તે છે.

સ્વસ્તિક મંત્ર : સ્વસ્તિકની રચના મૂળે સ્વસ્તિક મંત્રથી ઉત્પન્ન થયેલી છે. પ્રસિદ્ધ મંત્ર स्वस्ति न इन्द्रो….. આ રીતે એક ચિત્રકાવ્ય તરીકે સ્વસ્તિક બંધ રચે છે.

અહીં મધ્યમાં स्वस्ति न: પદો અને ચાર ભુજામાં ईन्द्र, पूषा, तार्क्ष्य અને बृहस्पति દ્વારા સૂચવાતાં ચાર નક્ષત્રો નભોમંડળમાં સ્વસ્તિકની આકૃતિ રચે છે.

સ્વસ્તિક મંત્ર શુભ અને શાંતિ માટે પ્રયોજાય છે. એનાથી હૃદય અને મનને શાંતિ મળે છે. મંત્રોચ્ચાર કરતાં કરતાં દર્ભથી અભિમંત્રિત જળ છાંટતાં પરસ્પર ક્રોધ અને વૈમનસ્ય શાંત થાય છે. ગૃહનિર્માણ વખતે સ્વસ્તિક મંત્ર બોલવામાં આવે છે. આ મંત્ર બોલતાં બોલતાં પાયામાં શિલાન્યાસ પ્રસંગે ઘી-દૂધ રેડવામાં આવતું હતું. તે એવી માન્યતા સૂચવે છે કે ઘરમાલિકને ત્યાં ગાયો દૂઝણી થાય અને ગૃહપત્ની વીરપુત્રોને જન્મ આપે. ખેતરમાં બીજ વાવતી વખતે પણ આ મંત્ર ભણાતો હતો; જેથી વિદ્યુત્ અન્નને નુકસાન ન કરે, અન્ન પુષ્કળ પાકે, જીવ-જંતુ તેનો નાશ ન કરે, પશુઓની સમૃદ્ધિ માટે પણ સ્વસ્તિક મંત્રોનો પ્રયોગ થતો હતો. યાત્રાના પ્રસંગે પણ સ્વસ્તિક મંત્રો બોલવામાં આવતા હતા, જેથી યાત્રા સફળ અને સુરક્ષિત બને; હિંસક પશુ કે ચોર-ડાકુઓનો સામનો કરવાનો પ્રસંગ ન થાય. સ્વસ્તિક મંત્રથી વ્યાપારમાં પણ વૃદ્ધિ થતી હોવાનું મનાય છે. સારી મોસમ બની રહે, દિન-રાત સુખદાયી નીવડે અને સ્વાસ્થ્યનો લાભ થાય તે માટે સ્વસ્તિમંત્રોના પ્રયોગ થતા હતા. પુત્રજન્મ-પ્રસંગે સ્વસ્તિક મંત્રનો પાઠ કરવાથી અરિષ્ટ-નિવારણ અને આયુષ્યની વૃદ્ધિ થતી હોવાનું મનાતું હતું. તેથી શુભ ગુણોનું સિંચન થવાનો અવકાશ રહેતો હતો. સ્વસ્તિક મંત્રના પ્રભાવથી ભૂત, પિશાચ, રોગ તેની પાસે આવતાં નથી. આથી આ મંત્રોને ષોડશ સંસ્કારોમાં યથોચિત સ્થાન મળ્યું છે.

સ્વસ્તિક વ્રત : આ એક કાવ્ય વ્રત છે. અષાઢ સુદ એકાદશી–દેવપોઢી એકાદશીથી દેવપ્રબોધિની એકાદશી પર્યંત કરવામાં આવતું આ વ્રત છે. લક્ષ્મીનારાયણના મંદિરમાં પ્રતિદિન એકથી આઠ કે તેથી વધુ હજાર, દશ હજારની સંખ્યામાં પંચરંગી સ્વસ્તિક રચી લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે છે. ક્યારેક આ વ્રત એક, બે કે ત્રણ મહિના માટે થાય છે. વ્રત પૂર્ણ થતાં સુવર્ણના સ્વસ્તિકની પૂજાપૂર્વક તેનું ઉદ્યાપન કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.

સ્વસ્તિકાસન : યોગનાં આસનોમાં સરળ આસન તરીકે સ્વસ્તિકાસનને માનવામાં આવ્યું છે. સ્વસ્તિકાસન કરી પ્રાણાયામ કરવાથી મનોનિગ્રહ થાય છે.

સ્વસ્તિપુણ્યાહવાચન : ધાર્મિક ક્રિયાના અનુષ્ઠાનમાં ગણપતિપૂજન પછી સ્વસ્તિપુણ્યાહવાચન કરવાની પરંપરા છે. શુભ કર્મનો દિવસ પુણ્ય-પવિત્ર બને તેવી ભાવના સાથે યજમાન પુરોહિત પાસે પુણ્યાહ, કલ્યાણ, કર્મની ઋદ્ધિ, આયુષ્ય અને શ્રી માટે પ્રાર્થના કરે છે. તેમાં આયુષ્ય માટે સ્વસ્તિમંત્ર પ્રયોજાય છે. ચારેય વેદના પુણ્યાહવાચન મંત્રો આ પ્રસંગે મોટા યજ્ઞક પ્રતિષ્ઠાદિ પ્રસંગે ભણવામાં આવે છે. આને સ્વસ્તિવાચન પણ કહે છે. સત્યનારાયણની કથામાં સાધુ વણિક, કેદમાંથી છૂટ્યા પછી યાત્રાના આરંભે સ્વસ્તિવાચન કરાવે છે. ‘હર્ષચરિત’માં બાણ ભટ્ટ પણ પ્રસ્થાનમંગલના ભાગ રૂપે સ્વસ્તિવાચન કરાવી સમ્રાટ હર્ષવર્ધનને મળવા જાય છે.

દશરથલાલ ગૌ. વેદિયા