સ્વસ્તિક તારામંડળ (Crux) : ચાર તારાઓનું બનેલું નાનું પણ ઉઠાવદાર મંડળ. આકાશનું તે સહુથી નાનું તારામંડળ છે. સ્વસ્તિકનો આકાર ‘ક્રૉસ’ એટલે કે ખ્રિસ્તી ધર્મના એક ચિહન યા ઈસુના વધસ્તંભ (ક્રૂસ) જેવો છે. એટલે તેનું પાશ્ચાત્ય નામ ‘ક્રક્સ’ (Crux) છે. તેને ‘સધર્ન ક્રૉસ’ (The Southern Cross / દક્ષિણી ક્રૉસ) અથવા ‘ક્રક્સ ઑસ્ટ્રાલિસ’ (Crux Australis) પણ કહેવાય છે. કેટલાક તેમાં પતંગનો આકાર જુએ છે. આપણા ખારવાઓ તેને ‘ચૉકી’ યા ‘દક્ષિણ ચૉકી’ કહે છે.

સ્વસ્તિકને ઘણા દેશોએ વિશિષ્ટ માન આપ્યું છે. જેમ કે, ઑસ્ટ્રેલિયાએ રાષ્ટ્રીય પ્રતીકનો દરજ્જો આપીને તેને પોતાના ધ્વજમાં સ્થાન આપ્યું છે. તેવી જ રીતે, ન્યૂઝીલૅન્ડે પણ પોતાના ધ્વજમાં તેને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. બ્રાઝિલમાં તો વિશિષ્ટ કુળની કે વ્યક્તિઓની ઢાલ ઉપર સૂચક ચિહન તરીકે પણ તેને વચ્ચોવચ ચીતરવામાં આવતું હતું; એટલું જ નહિ, આ દેશ એક કાળે ‘દક્ષિણી ક્રૉસની ભૂમિ’ (‘Land of the Southern Cross’) તરીકે જ ઓળખાતો હતો ! આ ઉપરાંત, પાપુઆ ન્યૂ ગિની, સામોઆ, દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા નીયૂ (Niue) ટાપુ વગેરે દેશોના રાષ્ટ્રધ્વજમાં પણ સ્વસ્તિક મંડળને સ્થાન આપવામાં આવ્યું છે.

સ્વસ્તિક દક્ષિણ આકાશનું તારામંડળ છે. સ્વસ્તિકની ઉત્તરે, પૂર્વે અને પશ્ચિમે – એમ ત્રણ તરફ નરાશ્વ કે નરતુરંગ (Centaurus) નામનું તારામંડળ વીંટળાયેલું છે. નરાશ્વ એ નર અને અશ્વની ભેગી આકૃતિ કલ્પીને બનાવવામાં આવેલું તારામંડળ છે અને આ નરતુરંગના આગળ-પાછળના બે પગ વચ્ચે નાનકડું સ્વસ્તિક મંડળ આવેલું છે. સ્વસ્તિકની દક્ષિણે મક્ષિકા (Musca) નામનું તારામંડળ આવેલું છે. આકાશગંગાના પટમાં આવેલું હોવાને કારણે સ્વસ્તિક ખગોળરસિયાઓ માટે કાયમી આકર્ષણ રહ્યું છે.

સ્વસ્તિક મંડળ જૂના સમયથી જાણીતું છે. દક્ષિણ ગોળાર્ધમાં વસતી પૉલિનીશીઅન–હવાઈ વગેરે દેશોની કેટલીક પ્રાચીન પ્રજાઓમાં તેમજ ત્યાં આવેલા દેશોના આદિવાસીઓમાં આ મંડળ સાથે સંકળાયેલી પ્રાચીન કથાઓ પણ જોવા મળે છે. ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓમાં પણ આ તારામંડળને લગતી દંતકથાઓ જોવા મળે છે.

વળી પ્રાચીન કાળમાં સ્વસ્તિક અને નરાશ્વ તારામંડળો ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાંથી પણ જોઈ શકાતાં હતાં. જેમ કે, એથેન્સમાંથી ઈ. પૂ. 1000માં સ્વસ્તિક મંડળ પૂરેપૂરું જોઈ શકાતું હતું. આથી દક્ષિણનાં આ તારામંડળોથી પ્રાચીન ગ્રીક ખગોળવિદો સારી રીતે પરિચિત હતા. જોકે તેમણે સ્વસ્તિક મંડળને નરાશ્વનો એક ભાગ માન્યો હતો અને નરાશ્વના પાછળના પગમાં તેનો સમાવેશ કર્યો હતો. આજે જે સ્વરૂપે અને નામે આપણે તેને ઓળખીએ છીએ તેનાથી ભિન્ન સ્વરૂપે તે જાણીતું હતું. સ્વસ્તિકનું એક અલગ તારામંડળ તરીકેનું કોઈ અસ્તિત્વ ન હતું. પરંતુ પૃથ્વીની એક વિશિષ્ટ ગતિ-અયનચલનને કારણે સમય જતાં આકાશના આ ભાગના તારાઓ, દક્ષિણની ક્ષિતિજથી નીચે ઊતરી જતાં ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાંથી ધીરે ધીરે દેખાતા બંધ થયા અને ઈ. સ. 400 સુધીમાં તો મોટા ભાગનાં દક્ષિણનાં તારામંડળો એથેન્સ સહિત બાકીના ભૂમધ્ય પ્રદેશોમાંથી દેખાતાં સદંતર બંધ થયાં. પરિણામે વખત જતાં સ્વસ્તિક મંડળ વિસરાઈ ગયું.

પરંતુ અર્વાચીન કાળમાં સ્વસ્તિકની પુન: શોધ કોણે કરી અને નકશામાં તેને અલગ તારામંડળ તરીકે દર્શાવવાની પહેલ કોણે કરી તે બાબત વિજ્ઞાનના ઇતિહાસકારોમાં મતભેદ છે. આ સંબંધી સંદર્ભો પણ અલગ અલગ માહિતી આપે છે. કેટલાક સંશોધકો, ઈસુની 15મી અને 16મી સદીમાં દક્ષિણ ગોળાર્ધની ખેપે ગયેલા યુરોપના તેમજ અન્ય દેશોના દરિયાખેડુઓને આનો જશ આપે છે. આ સાહસિકોએ દક્ષિણના આકાશમાં ક્યારેય નહિ જોયેલા તારાઓ જોયા હોવાનું નોંધ્યું છે. આ અરસામાં ઇટાલીના અમેરિગો વેસ્પુસ્સી (Amerigo Vespucci : 1454–1512) નામના સાગરખેડુએ દક્ષિણ અમેરિકાની સફર દરમિયાન ઈ. સ. 1501માં નરાશ્વના આલ્ફા અને બીટા તારાઓને તથા અન્ય કેટલાક તારાઓને સાંકળી લઈને સ્વસ્તિક મંડળને અલગ તારવતો નકશો પણ બનાવ્યો. સ્વસ્તિક ઉપર ગંભીરતાથી વિચાર કરનાર આવો બીજો ઇંગ્લૅન્ડનો એમરી મૉલિનૂક્સ (Emery Molyneux) (અવસાન : 1598) હતો. તે નક્કર ગોળાઓ પર નકશા ચિત્રિત કરવાનો અને યુદ્ધસામગ્રી બનાવવાનો વ્યવસાય કરતો હતો. ઈ. સ. 1592માં તેણે આકાશી ગોળો બનાવી તેના પર સ્વસ્તિકને સ્પષ્ટ કરતો નકશો બનાવ્યો. આ પહેલાં સ્વસ્તિકને અલગ તારામંડળનો દરજ્જો મળ્યો ન હતો. આમ 16મી સદી સુધી તેની ગણતરી નરાશ્વમંડળના એક ભાગરૂપે જ થતી હતી.

કેટલાક સંશોધકો સ્વસ્તિકની નવેસરથી શોધ ઈ. સ. 1516માં ઇટાલીના એન્ડ્રિયાસ કોર્સાલી (Andreas Corsali) નામના સાગરખેડુએ કરી હોવાનું માને છે; તો કેટલાક સંશોધકો ફ્રાંસના રાજા લૂઈ-14ના સમયમાં થઈ ગયેલા ઑગસ્ટિન રૉયર (Augustin Royer) નામના ખગોળશાસ્ત્રીએ ઈ. સ. 1679માં તેને અલગ તારામંડળ તરીકે રજૂ કર્યું હોવાનું માને છે. કેટલાક સંદર્ભો પેટ્રસ પ્લેનિકસ (Petrus Planicus : 1552–1622) નામના ડચના એક નકશા બનાવનારે ઈ. સ. 1598માં અને જોડોકસ હૉન્ડિયસ (Jodocus Hondius) (1563–1612) નામના એક બીજા નકશા બનાવનારે ઈ. સ. 1600માં સ્વસ્તિકને તેના આજના સ્વરૂપે નકશામાં મૂકવાનો ઉલ્લેખ કરેલો છે. ઈ. સ. 1624માં જેકૉબ બાટર્સ્ચ (Jakob Bartsch : આશરે 1600–1633) નામના જર્મન ખગોળશાસ્ત્રીએ એક તારાપત્રક બનાવ્યું, જેમાં તેણે સ્વસ્તિક ઉપરાંત એ અરસામાં શોધાયેલાં બીજાં પણ કેટલાંક તારામંડળોને સમાવી લીધાં. આ જેકૉબ પ્રખ્યાત ખગોળવિજ્ઞાની કૅપ્લરનો મદદનીશ અને તેનો જમાઈ હતો. આમ પ્રાચીન કાળના સ્વસ્તિકની પુન: શોધ કરવાનું અને તેને અલગ તારામંડળ તરીકે પ્રસ્થાપિત કરવાનું શ્રેય કોઈ એક જ વ્યક્તિને આપી શકાય તેમ નથી.

સ્વસ્તિકમાં ચાર મુખ્ય તારા છે : (1) નીલશ્વેત રંગનો ‘આલ્ફા ક્રુસિસ’ કે ‘ઍક્રક્સ’ (α Crusis/‘Acrux’). સ્વસ્તિક મંડળના આ પ્રમુખ તારાને ભારતમાં ‘ત્રિશંકુ’ કહીએ છીએ. તેને બે સાથીદાર તારા છે. આમ તે ત્રિક્ તારો છે. તારામંડળનો આ સહુથી પ્રકાશિત તારો છે. આ તારો આપણાથી 321 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. (2) નીલા રંગનો રૂપવિકારી ‘બીટા ક્રુસિસ’ કે ‘મિમોસા’ (β Crusis / ‘Mimosa’/Becrux). ભારતમાં તેને ‘વિશ્વામિત્ર’ નામ આપ્યું છે. આ તારો 353 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. સૂર્યવંશના રાજા ત્રિશંકુ, ગુરુ વસિષ્ઠ અને વિશ્વામિત્રને સાંકળી લેતી એક પૌરાણિક કથા પરથી સ્વસ્તિકના આ બે તારાઓને ભારતીય નામો આપવામાં આવ્યાં છે. (3) લાલ વિરાટ ‘ગૅમા ક્રુસિસ’ કે ‘ગૅક્રક્સ’ (ϒ Crusis/Gacrus). તેનું ભારતીય નામ નથી. આ તારો 88 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. આ ત્રણે તારા પ્રથમ તેજાંકના છે. આ ત્રણ તારામાંથી માત્ર ગૅક્રક્સનો રંગ લાલ હોવાથી સહેલાઈથી ઓળખી શકાય છે. (4) ઉપર્યુક્ત ત્રણ તારાઓની સરખામણીમાં આ ચોથો તારો ઝાંખો છે. તે દ્વિતીય તેજાંકનો તારો છે. તેનું પણ ભારતીય નામ નથી. તેનું શાસ્ત્રીય નામ ‘ડેલ્ટા ક્રુસિસ’ (δ Crusis) છે. આ તારો 364 પ્રકાશવર્ષ દૂર આવેલો છે.

ચોકડી બનાવતા આ ચાર તારામાંથી ત્રિશંકુ (આલ્ફા-સ્વસ્તિક) અને ‘ગૅક્રક્સ’ (ગૅમા-સ્વસ્તિક) અનુક્રમે દક્ષિણ અને ઉત્તર દિશા સૂચવે છે, અને તે બંનેને જોડતી કલ્પિત રેખાને જો આલ્ફા-સ્વસ્તિકથી નીચે ક્ષિતિજ તરફ આશરે 27.5° લંબાવીએ તો તે દક્ષિણ ખગોલીય ધ્રુવની બહુ નિકટ પહોંચે છે. દક્ષિણી ધ્રુવ-બિંદુ પર કોઈ સ્પષ્ટ તારો આવેલો નથી. તેથી આ બિંદુને શોધવા સ્વસ્તિક તારામંડળ બહુ ઉપયોગી છે. જેમ સપ્તર્ષિના ક્રતુ અને પુલહ તારા ઉત્તર ધ્રુવ બતાવે છે, તેમ આ સ્વસ્તિકના ઉપરના તારામાંથી નીચેના તારા(ત્રિશંકુ)ને જોડતી લીટી આગળ દક્ષિણમાં લંબાવીએ, તો તે દક્ષિણ ધ્રુવને મળે છે. તેવી રીતે સ્વસ્તિકની ચોકડીના બાકીના બીજા બે તારા, એટલે કે વિશ્વામિત્ર (બીટા-સ્વસ્તિક) અને ‘ડેલ્ટા-સ્વસ્તિક’ અનુક્રમે લગભગ પૂર્વ-પશ્ચિમ દિશા તરફ તકાય છે. આ રીતે સ્વસ્તિક તારામંડળે દક્ષિણ ગોળાર્ધના સાગર ખૂંદતા સાહસિકો અને નાવિકો માટે સદીઓથી માર્ગદર્શક તરીકે કામ કર્યું છે.

સ્વસ્તિક મંડળ દક્ષિણ ખગોલીય ધ્રુવની આસપાસ, ઘડિયાળના કાંટાની જેમ ગોળ ફરતું હોવાથી તેની સ્થિતિ પરથી રાત્રે સમય જાણી શકાય છે. તેનું નિરીક્ષણ કરીને જુદી જુદી ઋતુમાં સમય અને દિશા ઓળખવાનું વહાણસંચાલકોને સુગમ પડે છે. આથી 15મી સદીના ખલાસીઓ સ્વસ્તિકને ‘દક્ષિણનું દૈવી ઘડિયાળ’ (‘the Southern Celestial Clock’) કહેતા હતા.

સ્વસ્તિકમાં આ ચાર પ્રમુખ તારા ઉપરાંત, ત્રીજા તેજાંકનો એક  પાંચમો તારો પણ છે, જે આલ્ફા અને ડેલ્ટા સ્વસ્તિકની વચ્ચેના ભાગમાં આવેલો છે. તેનું શાસ્ત્રીય નામ ‘ઇપ્સિલોન ક્રુસિસ’ (e Crusis) છે. આ તારો 228 પ્રકાશવર્ષ દૂર આવેલો છે. આ ઉપરાંત બીજા પણ સંખ્યાબંધ તારા આ મંડળમાં આવેલા છે.

વિશ્વામિત્રની દક્ષિણે અને ત્રિશંકુની પૂર્વ તરફ, આકાશગંગાના પટમાં ‘કાજલથેલી’ કે ‘કોલસાના કોથળા’ (Coal Sack/કોલ સૅક) તરીકે ઓળખાતો એક કાળો ભાગ આવેલો છે. વાસ્તવમાં એ એક વિસ્તૃત શ્યામ નિહારિકા છે; અથવા કહો કે એક કાળું વાદળ છે, જે એની પાછળ આવેલા તારાઓના તેજને ઢાંકી દે છે. તેનો ફેલાવો નરાશ્વ અને મક્ષિકા તારામંડળો સુધી થયેલો છે. કાજલથેલી તરીકે ઓળખાતી આ શ્યામ નિહારિકાને NGC કે અન્ય પ્રકારનો ઓળખ નંબર આપવામાં આવ્યો નથી. તે આપણાથી લગભગ 600 પ્રકાશ વર્ષ દૂર આવેલી છે. તે નરી આંખે જોઈ શકાય છે. ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓમાં આ વિશે એક લોકકથા પ્રચલિત છે. તે લોકકથા અનુસાર ‘કોલસાનો કોથળો’ અંધાર-દેશ(યમપુરી)નું મુખદ્વાર છે !

સ્વસ્તિક મંડળની પૂર્વ તરફ, વિશ્વામિત્રની પાસે, એક અત્યંત ખૂબસૂરત વિસ્તૃત તારાગુચ્છ આવેલું છે. તેનું શાસ્ત્રીય નામ NGC 4755 છે. નરી આંખે તે ચોથા તેજાંકના તારા જેવું ધૂંધળું દેખાય છે, પણ નાના દૂરબીનથી જોતાં એમાં લગભગ 50 તારા દેખાય છે, જેમાંથી મોટા ભાગના નીલા રંગના મહાદાનવ તારા છે.

આકાશી દક્ષિણ ધ્રુવને શોધવા માટે સ્વસ્તિકની બે ભુજામાંથી જે લાંબી ભુજા છે, તેને લંબાવવાથી દક્ષિણ ધ્રુવ બિંદુની નજદીક પહોંચાય છે. આ ઉપરાંત દક્ષિણ ધ્રુવને ગુરુમેઘ (મોટું મેગેલન તારાવિશ્વ) અને લઘુમેઘ(નાનું મેગેલન તારાવિશ્વ)ની મદદથી પણ બહુ જ સહેલાઈથી શોધી શકાય છે. આ બંને મેઘો એટલા તેજસ્વી છે કે ચાંદની રાતે પણ સ્પષ્ટ દેખી શકાય છે અને એમાં પણ ગુરુમેઘ તો સ્ટ્રીટ લાઇટના ઉજાસમાં પણ દેખાય છે ! આ બંને વાદળો દ. ધ્રુવ સાથે લંબત્રિકોણ (right-angled triangle) બનાવે છે, જેના એક ખૂણે આકાશી દક્ષિણ ધ્રુવ આવેલો છે.

 તેની મધ્યે આવેલો કાપ્પા (k) તારો લાલ રંગનો હોવાને કારણે આ ગુચ્છને ‘રત્નમંજૂષા’ (Jewel Box) નામ પ્રખ્યાત અંગ્રેજ ખગોળવિદ વિલિયમ હર્ષલના પુત્ર, જ્હૉન હર્ષલે (Jhon Herschel : 1792–1871) આપ્યું હતું. આ તારાગુચ્છ અંદાજે 5000 પ્રકાશવર્ષ જેટલા અંતરે આવેલું છે.

સ્વસ્તિક મંડળ 25 અંશ ઉ. અક્ષાંશથી 90 અંશ દ. અક્ષાંશ સુધીના પ્રદેશમાંથી પૂરેપૂરું જોઈ શકાય છે. ભારતમાં ભોપાલ (23° 20´ ઉ. અક્ષાંશ) અને અમદાવાદ (23° ઉ. અક્ષાંશ) સહિત તેનાથી નીચે આવેલાં બધાં જ સ્થળોએથી દક્ષિણ ક્ષિતિજે સ્વસ્તિક જોઈ શકાય છે. ગુજરાતમાંથી તેને જોવા માટે ઊંચાઈએ આવેલા સ્થળે જવું જોઈએ. તેને જોવાનો ઉત્તમ સમય મે મહિનાનો છે. આ દરમિયાન રાત્રે લગભગ 10થી 9 વાગ્યાની આસપાસ તેને દક્ષિણ ક્ષિતિજે ઢળેલું જોઈ શકાય છે. પરંતુ તેને આખી રાત અને પૂરેપૂરું જોવા માટે તો કન્યાકુમારી (8° ઉ. અક્ષાંશ) જવું પડે. લગભગ બે મહિના (એપ્રિલના પહેલા અઠવાડિયાથી મેના અંત) સુધી તે કાલ્પનિક દક્ષિણ આકાશી ધ્રુવને ઘડિયાળના કાંટાની દિશામાં (clockwise) ચક્કર મારતું દેખાય છે ! જોકે આ આકાશી ધ્રુવ કન્યાકુમારીથી દેખાતો નથી, કારણ કે તે ક્ષિતિજની નીચે આવેલો છે. તે કારણે સ્વસ્તિક ડાબેથી આવી, આકાશમાં મહત્તમ સ્થાન પ્રાપ્ત કરી, પછી જમણી તરફ ઊતરતો જાય છે. આમ તે કમાન જેવો માર્ગ અનુસરે છે.

સુશ્રુત પટેલ