સ્વ-સંમોહન (selfhypnosis) : એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા. જ્યારે વ્યક્તિ પોતાની જાત પર સંમોહનની પ્રક્રિયા કરે ત્યારે તેને સ્વ-સંમોહન કહેવાય. આ પ્રક્રિયા દરમિયાન ધ્યાન (meditation) જેવી પરિસ્થિતિ ઉદભવે છે. ખરેખર તો ધ્યાન (meditation) એ જ એક પ્રકારનું સ્વ-સંમોહન છે. આ માટે મહાવરાની જરૂર હોય છે. નિષ્ણાત સંમોહનકર્તા પાસેથી કેવા પ્રકારનાં સૂચનો પોતાની જાતને આપી, સ્વ-સંમોહિત થવાય તેનું માર્ગદર્શન મેળવી વ્યક્તિ સંમોહનનો પ્રયત્ન કરે તો ખરેખર તેને ઘણો જ ફાયદો થાય છે. વ્યગ્રતા-મનોભાર-ચિંતા-નિરાશા વગેરે માનસિક તકલીફોમાંથી છુટકારો મેળવી શકે છે.

સ્વ-સંમોહન એ એક પ્રકારની અભિસંધાનની પ્રક્રિયા છે. આઈ. પી. પાવલૉવે ઘંટડીના અવાજ સાથે કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો. ખરેખર તો ખોરાક જોઈને કૂતરાના મોંમાંથી લાળનું ઝરવું એ કુદરતી શારીરિક પ્રતિક્રિયા છે. જ્યારે તેમણે ઘંટડીના અવાજ સાથે લાળ ઝરવાની ક્રિયાનું અભિસંધાન પ્રયોગ દ્વારા કર્યું. એ રીતે જ વ્યક્તિ પોતાની જાતે સ્વ-સંમોહિત થવા પોતાને સૂચનો આપે છે. દા. ત., ચોક્કસ શાંત અને આરામદાયક વાતાવરણમાં આરામ-ખુરશી કે પથારીમાં સૂઈને ધ્યાન કેન્દ્રિત કરી મનમાં સૂચનો આપે કે ‘હું એક-બે-ત્રણ… એમ દશ સુધી ગણીશ અને ક્રમશ: મને શાંતિની સાથે આહલાદક ઊંઘ આવવા લાગશે.’ તો ધીરે-ધીરે વ્યક્તિ અર્ધચેતન અવસ્થાનો અનુભવ કરે છે. શરીર અને મન બીજાં બધાં બહારના વાતાવરણનાં ઉદ્દીપકોથી પર થઈ શિથિલ બની શાંતિનો અનુભવ કરે છે. આ દરમિયાન જ પોતાને જે કંઈ સમસ્યાઓ હોય તેને અનુલક્ષીને પોતાને વિધાયક સૂચનો આપી તૈયાર કરે છે. દા. ત., ‘દિન પ્રતિદિન અને દરેક રીતે મારું સ્વાસ્થ્ય સુધરતું જાય છે’ એવું સ્વ-સંમોહનનું સૂત્ર એમિલી કુએ આપ્યું છે. છેલ્લે પોતે જ પોતાની જાતને સૂચનો આપે છે કે ફરીથી દશથી ઊલટી ગણતરી કરીશ. જેમ કે, દશ નવ આઠ સાત…. એક અને મારી આંખ ખૂલી જશે. આંખ ખૂલતાંની સાથે જ સ્ફૂર્તિ, તાજગી અને આનંદનો અનુભવ કરીશ. આમ સ્વ-સંમોહન એ વ્યક્તિ પોતે જ પોતાને દોરવણી આપે અને એ રીતે પોતે જ પોતાની સમસ્યા ઉકેલે એવા પ્રકારની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આખરે તો દરેક સંમોહનની પ્રક્રિયામાં સ્વ-સંમોહન સમાઈ જાય છે.

સ્વસંમોહન કરવાની રીત : શાંત અને આરામદાયક સ્થિતિમાં આરામખુરશીમાં બેસવું અથવા સીધા સૂઈ જવું, ધીમા અને ઊંડા શ્વાસોચ્છવાસ લેવા, શરીરને શિથિલ બનાવતાં જવું, ધ્યાન કેન્દ્રિત કરવું, મનમાં શાંતિનો અનુભવ થશે તથા ઊંઘ આવશે તેવાં વિધાયક સૂચનો વારંવાર આપતાં જવું, એનાં એ સૂચનો ઓછામાં ઓછાં પાંચ વાર મનમાં બોલવાં, સૂચનો એક પછી એક, ટૂંકાં અને અર્થયુક્ત આપવાં, સમસ્યાના ઉકેલ માટે હંમેશાં વિધાયક સૂચનો આપવાં, કેવા પ્રકારનાં મનોવૈજ્ઞાનિક સૂચનો આપવાં જોઈએ તે નક્કી કરવા માટે મનોવૈજ્ઞાનિકની સલાહ અનિવાર્યતયા લેવી જોઈએ. પોતાની જાતે નક્કી કરેલાં સૂચનો આપવાં નહિ, આશરે 15 મિનિટ પછી ‘હું સંપૂર્ણ સ્વસ્થ અને જાગ્રત થઈ રહ્યો છું’, ‘જાગ્રત થયા પછી આનંદ, સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરીશ.’ એવાં સૂચનો આપવાં. આ રીતે આ પ્રક્રિયા અહીં સમાપ્ત કરવી.

ઉપર્યુક્ત પ્રક્રિયા ટૂંકમાં જણાવેલ છે. વધુ વિગત માટે મનોવૈજ્ઞાનિક અને સંમોહનના નિષ્ણાતની સલાહ લેવી; એટલું જ નહિ, પણ જો એકાદ-બે વાર મનોવૈજ્ઞાનિક પાસે સંમોહન કરાવી વ્યક્તિ પોતાની જાતે સંમોહિત થઈ શકશે તેવાં સૂચનો અર્ધચેતન અવસ્થામાં લે તો તેને વધુ ફાયદો થઈ શકે છે અને સ્વ-સંમોહન કરવામાં સરળતા રહે છે. દરરોજ અથવા અઠવાડિયામાં બે-ત્રણ વાર મહાવરો કરવાથી આ પ્રક્રિયા શીખી શકાય છે. સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને સાહજિક રીતે થઈ શકે છે. વ્યક્તિગત ભિન્નતાને કારણે દરેક વ્યક્તિની સ્વ-સંમોહનની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે; પરંતુ જેમ જેમ પ્રયત્ન કરવામાં આવે તેમ તેમ સંમોહનની ઊંડી તીવ્ર અવસ્થા (deep trance) પ્રાપ્ત કરી શકાય છે.

સ્વસંમોહનના ઉપયોગો : (1) સ્વ-વિકાસ (self-development) માટે, (2) એકાગ્રતા (concentration) વધારવા માટે, (3) આત્મવિશ્વાસ (self-confidence) વધારવા માટે, (4) સંકલ્પશક્તિ (will-power) વધારવા માટે, (5) નિર્ણયશક્તિ (decision-making) વધારવા માટે, (6) યાદશક્તિ (memory improvement) વધારવા માટે, (7) નિરર્થક ભય (eliminating phobia) દૂર કરવા, (8) અકારણ ચિંતા (anxiety-reduction) દૂર કરવા, (9) હતાશાઓ અને નિરાશાઓ(being free from frustration & depression)થી મુક્તિ મેળવવા, (10) રોજિંદો મનોભાર (stress) દૂર કરવા માટે, (11) ધ્યેયલક્ષી વર્તન (goal oriented behaviour) કેળવવા માટે, (12) અનિદ્રા (getting rid of insomnia) દૂર કરવા અને (13) શારીરિક અને માનસિક શાંતિ અને તંદુરસ્તી માટે.

સ્વ-સંમોહનના વિશિષ્ટ ઉપયોગો : આધુનિક સમયમાં કૅન્સરથી પીડાતી વ્યક્તિને જો આ પદ્ધતિ શિખવાડવામાં આવે તો તેના દર્દનો અનુભવ પ્રમાણમાં નિયંત્રિત કરી શકાય છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં દર્દીને સ્વ-સંમોહન દ્વારા વિધાયક સૂચનો આપી તેને માનસિક રીતે તૈયાર કરવામાં આવે તો ટ્રાન્સપ્લાન્ટ કરેલી કિડનીની નિષ્ફળતા પ્રમાણમાં ઘટાડી શકાય છે. હાલમાં અમદાવાદની કિડની હૉસ્પિટલ ખાતે આ પ્રમાણે દર્દીને સૂચનો આપી તૈયાર કરવામાં આવે છે. તેનો આત્મવિશ્વાસ વધારવામાં આવે છે.

પીડારહિત પ્રસૂતિ માટે સ્વ-સંમોહનનો ઉપયોગ થાય છે અને દર્દી પોતે પ્રસૂતિના નિરર્થક ભયને અને દર્દને ઓછાં કરી શકે છે.

વ્યક્તિના વ્યક્તિત્વવિકાસમાં સ્વ-સંમોહન ખૂબ જ ઉપયોગી નીવડે છે. સ્વસ્થ વ્યક્તિ સ્વ-સંમોહન શીખી શકે છે અને પોતાના વ્યક્તિત્વનો યથાયોગ્ય ઘડતરવિકાસ કરી શકે છે અને પોતાની જાતને સમાજ સાથે સુસમાયોજિત બનાવી શકે છે.

આમ, સ્વ-સંમોહન એ આજના યુગની આડઅસર વગરની સ્વચિકિત્સા-પદ્ધતિ ગણી શકાય. આજે તેનો ઉપયોગ વ્યક્તિગત અને અન્ય ક્ષેત્રોમાં વધી રહ્યો છે. ઘણા વિદ્વાનોનું માનવું છે કે સ્વ-સંમોહન ધ્યાન-યોગ જેવી જ પ્રક્રિયા છે, જેનાથી મનની શાંતિ પ્રાપ્ત કરી શકાય છે અને નિરર્થક ચિંતાઓથી મુક્ત રહી શકાય છે.

પુરુષોત્તમ ઠાકરસી ભીમાણી

પ્રશાંત ભીમાણી