સ્વરપેટીનિરીક્ષા (laryngoscopy) : સ્વરરજ્જુઓ (vocal cords) તથા તેમની વચ્ચે આવેલ સ્વરછિદ્ર(glottis)થી બનેલા સ્વરયંત્રનાં નિદાન-ચિકિત્સા માટે જરૂરી સાધન વડે નિરીક્ષણ કરવું તે. તે માટે વપરાતા સાધનને સ્વરપેટીદર્શક (laryngoscope) કહે છે. સ્વરપેટીદર્શકના વિવિધ પ્રકારો છે. દા. ત., લવચીક (flexible), નિર્લવચીક (rigid) વગેરે.

નિર્લવચીક સ્વરપેટીદર્શક (rigid laryngoscope) : તેનો ઉપયોગ શસ્ત્રક્રિયા પહેલાં દર્દીને બેભાન કરતી વખતે શ્વાસનળીમાં ઑક્સિજન અને વાયુ માટેની નળી પરોવવા માટે તથા સ્વરપેટીના રોગના નિદાન માટે કરાય છે. સ્વરપેટીદર્શકમાં દાબપટ્ટી, હાથો, પ્રકાશનું સ્રોતમૂળ એમ વિવિધ ભાગો હોય છે. વિવિધ પ્રકારની દાબપટ્ટીઓ (blades) મળે છે જે જીભ તથા અધિસ્વરછિદ્રક-(epiglottis)ને દૃષ્ટિપથમાંથી ખસેડીને સ્વરયંત્રને સુસ્પષ્ટ દેખાડે છે. તે માટે જરૂરી પ્રકાશ સ્વરયંત્ર પર પડે તેવી તે સાધનમાં જ ગોઠવણી હોય છે. અગાઉ મૅગિલની દાબપટ્ટી વપરાતી, જેનો હજુ પશુવૈદકમાં ઉપયોગ થાય છે. હવે મેકેન્ટોઇશની દાબપટ્ટી વધુ વપરાશમાં છે. શિશુઓમાં મિલર અને રૉબર્ટ શૉની દાબપટ્ટીઓ વપરાય છે.

પારનાસિકા લવચીક સ્વરપેટીદર્શક (transnasal flexible laryngoscope) : તે માટેનો અંતર્દર્શક નાક દ્વારા ગળા સુધી મોકલાય છે. દર્દી સભાન હોવાથી તેની બોલવાની કે ગાવાની ક્રિયા વખતે થતું સ્વરરજ્જુઓનું હલનચલન જોઈ શકાય છે. તેમાં પ્રકાશવાહી-તંતુઓનો ઉપયોગ થાય છે તથા સાથે આપેલી નળીઓમાંથી શસ્ત્રક્રિયા માટેનાં સાધનો પરોવીને જે તે સ્થળે નિદાન-સારવાર માટેની શસ્ત્રક્રિયા કરાય છે.

સ્વરપેટીનિરીક્ષા : સ્વરપેટીદર્શક વડે કરાતાં નિરીક્ષણ, પરીક્ષણ તથા ચિકિત્સાની સમગ્ર ક્રિયાને સ્વરપેટીનિરીક્ષા કહે છે. તે બે પ્રકારની છે : સીધી (પ્રત્યક્ષ, direct) અને આડકતરી (પ્રતિબિંબી, indirect). લવચીક કે નિર્લવચીક સ્વરપેટીદર્શક વડે સ્વરયંત્રની નિરીક્ષણ, નિદાન કે ચિકિત્સાલક્ષી ક્રિયા કરવામાં આવે ત્યારે સ્વરયંત્ર સીધેસીધું નજર સમક્ષ હોય છે. તેથી તેને સીધી સ્વરપેટીનિરીક્ષા (direct laryngoscopy) કહે છે. તે સમયે પેશીનો ટુકડો લઈને પેશીપરીક્ષણ (biopsy) કરી શકાય છે. આનો ઉપયોગ દર્દીને બેભાન કરતાં પહેલાં શ્વાસનળીમાં નળી નાખવા માટે, હૃદય-ફેફસાંનું કાર્ય બંધ થયું હોય ત્યારે શ્વસનમાર્ગ ચોખ્ખો કરવા માટે કે સ્વરપેટીના રોગના નિદાન માટે કરાય છે.

સ્વરપેટીદર્શક (laryngoscope) : (અ) પ્રતિબિંબી સ્વરપેટીનિરીક્ષા (indirect laryngoscope) માટે પ્રકાશ આપતું સાધન, (આ) પ્રતિબિંબી સ્વરપેટીનિરીક્ષા માટેની હાથવાળો અરીસો, (ઇ અને ઈ) પ્રત્યક્ષ (direct) સ્વરપેટીનિરીક્ષા માટેના સ્વરપેટીદર્શકો (laryngoscope), (ઉ) સ્વરપેટીદર્શક વડે શ્વાસનળીમાં નળી પરોવવાની ક્રિયા.

બહારના પ્રકાશના સ્રોતમૂળમાંથી આવતા પ્રકાશને ગળામાં દાંડી દ્વારા મૂકેલા કોઈ વિશિષ્ટ અરીસા વડે પરાવર્તિત કરીને સ્વરયંત્રના પ્રતિબિંબને તે અરીસામાં જોવામાં આવે તો તેને પરોક્ષ સ્વરપેટીનિરીક્ષા (indirect laryngoscopy) કહે છે. તેનો ઉપયોગ સ્વરપેટીના વિકારોના નિદાનમાં થાય છે. આ પ્રકારના પરીક્ષણમાં સૌપ્રથમ દર્દીની જીભને પકડીને સહેજ આગળ ખેંચવામાં આવે છે અને તે સાથે સહેજ ગરમ કરેલો દાંડીધારી અરીસો દર્દીના ગળામાં એવી રીતે ત્રાંસો ગોઠવાય છે કે જેથી દર્દીનું સ્વરયંત્ર તેમાં પ્રતિબિંબ રૂપે દેખાય. સ્વરપેટી ઊંચે આવે અને સારી રીતે જોઈ શકાય તે માટે દર્દીને ‘ઈ’ બોલવાનું કહેવામાં આવે છે. તે સમયે તેનું હલનચલન, તેના પર ગાંઠ, ચાંદું કે સોજો હોય તો તેની નોંધ લેવાય છે. આ બહારના (outdoor) દર્દીના વિભાગમાં કરાતી પ્રાથમિક તપાસ છે. વધુ માહિતી માટે કે પેશીપરીક્ષણ માટે પ્રત્યક્ષ સ્વરપેટીનિરીક્ષા કરવાની આવશ્યકતા રહે છે.

શિલીન નં. શુક્લ