સ્વરપેટી (larynx voice box)

January, 2009

સ્વરપેટી (larynx, voice box) : અવાજ ઉત્પન્ન કરતો શ્વાસ-નળીની ટોચ પર આવેલો અવયવ. સ્વરપેટીમાં આવેલા સ્વરરજ્જુઓ (vocal cord) અને તેમની વચ્ચેના સ્વરછિદ્ર(glottis)ને સંયુક્ત રૂપે સ્વરયંત્ર પણ કહે છે. સ્વરરજ્જુઓ સાથે જોડાયેલા કાસ્થિઓ (cartilages) અને સ્નાયુઓથી બનતા અવયવને સ્વરપેટી (voice box) કહે છે. આ અવયવને શાસ્ત્રીય રીતે સ્વરજનક (larynx) તરીકે ઓળખી શકાય. તેનું મુખ્ય કાર્ય અવાજ ઉત્પન્ન કરવાનું છે. નાક અને મોંની ગુહાઓ (પોલાણો) પાછળ જે એક સ્થળે ખૂલે છે તેને ગળું અથવા ગ્રસની (pharynx) કહે છે. તે ઉપર નાસાગ્રસની (nasopharynx) રૂપે નાકના પોલાણ સાથે, વચ્ચે અને આગળથી મુખગ્રસની (oropharynx) રૂપે મોંના પોલાણ સાથે અને નીચે અધોગ્રસની (hypopharynx) રૂપે અન્નમાર્ગ તથા શ્વસનમાર્ગ સાથે જોડાય છે. આમ ગળા(ગ્રસની)ના 3 ભાગ છે. તે નાક દ્વારા આવજા કરતી હવા તથા મોં દ્વારા આવતો ખોરાક – એમ બંને માટે એક સામાન્ય માર્ગ બને છે, જેમાં તે પસાર થઈને અનુક્રમે આગળ સ્વરપેટીમાં થઈને શ્વસનમાર્ગમાં અને પાછળ અન્નનળીમાં થઈને અન્નમાર્ગમાં આગળ વધે છે. આમ હવા, જળ અને આહાર  ત્રણેય માટે ગ્રસની એક સામાન્ય માર્ગ બનતો હોવાથી નાક, મોં અને ગ્રસનીને સંયુક્ત રૂપે વાયુજલાહાર પથ (aerodigestive tract) પણ કહે છે. આવી સંયુક્ત રચનાને કારણે નાક ઉપરાંત મોઢામાંથી પણ વૈકલ્પિક સ્વરૂપે શ્વાસોચ્છવાસની ક્રિયા કરી શકાય છે. વળી સ્વરપેટીમાંથી આવતી-જતી હવામાં તરંગો પેદા કરીને મોં દ્વારા બોલી શકાય છે. તેમાં નાક, મોં અને નાકની આસપાસનાં હાડકાંમાંનાં પોલાણો (અસ્થિવિવરો, sinuses) તેમજ નીચેનો શ્વસનમાર્ગ અવાજના તરંગોના અનુનાદ (resonance) માટે જરૂરી પોલાણો અથવા અનુનાદી ગુહાઓ (resonating spaces) બનાવે છે. તે અવાજને વિશિષ્ટ ગુણવત્તા આપે છે.

સ્વરપેટીની રચના : (અ) શ્વસનતંત્ર, (આ) ઊર્ધ્વ વાયુજલાહાર પથ (upper aerodigestive tract), (ઇ) સ્વરપેટીનો આગળથી દેખાવ, (ઈ) સ્વરપેટીનો પાછળથી દેખાવ, (ઉ) ખૂલેલું સ્વરછિદ્ર, (ઊ) બંધ સ્વરછિદ્ર. નોંધ : (1) નાસિકાગુહા, (2) ગળું (pharynx), (3) સ્વરપેટી (larynx), (4) શ્વાસનળી (trachea), (5) શ્વસનનલિકા (bronchus), (6) ફેફસાં, (7) તાળવું, (8) જીભ, (9) પડજીભ (uvula), (10) જિહવામૂળ, (11) અધિસ્વરછિદ્ર કાસ્થિ (epiglottis cartilage), (12) સ્વરરજ્જુ (vocal cord), (13) છદ્મસ્વરરજ્જુ (false vocal cord), (14) સ્વરછિદ્ર (glottis), (15) અન્નનળી, (16) ગલગ્રંથિપરક કાસ્થિ (thyroid cartilage), (17) તંતુમય પટલો, (18) વલયાભ (cricoid) કાસ્થિ, (19) હાયોઇડ કાસ્થિ, (20) ગલગ્રંથિ (thyroid gland), (21) દર્વિકાભ (arytenoid) કાસ્થિ, (22) શૃંગિક (comiculate) કાસ્થિ, (23) આંતરકીલરૂપ (cuneiform) કાસ્થિ, (24) પરાગલગ્રંથિ (parathyoid gland)

સ્થાન અને સંરચના : સ્વરપેટી (સ્વરજનક, larynx) કંઠ (ગ્રીવા, neck)ના આગળના ભાગમાં, મધ્યરેખામાં તથા ડોકના કરોડસ્તંભના 4થાથી 6ઠ્ઠા મણકાઓની આગળ આવેલો અવયવ છે. તેની દીવાલને 9 કાસ્થિઓ (cartilages) આધાર આપે છે. તેમાંની 3 કાસ્થિઓ એકલી છે, જ્યારે 3 કાસ્થિઓ જોડમાં આવેલી છે. ત્રણ એકલી આવેલી કાસ્થિઓ છે : ગલગ્રંથિપરક કાસ્થિ (thyroid cartilage), અધિસ્વરછિદ્ર કાસ્થિ (epiglottis cartilage) અને વલયાભ કાસ્થિ (cricoid cartilage). 3 જોડમાં આવેલી કાસ્થિઓ છે દર્વિકાભ (arytenoid), શૃંગિક (corniculate) અને આંતરકીલરૂપ (cuneiform). તેમાંની છેલ્લી 2 નાની અને ઓછું મહત્વ ધરાવતી કાસ્થિઓ છે. ગલગ્રંથિપરક (thyroid) કાસ્થિને જીજીયો અથવા હૈડિયો કહે છે. અંગ્રેજીમાં તેને Adam’s apple કહે છે. તે સ્વરપેટીની આગળની દીવાલ બનાવે છે અને તેને ત્રિકોણાકાર ઘાટ આપે છે. તે 2 ચપટી પટ્ટીઓની બનેલી હોય છે. તે પુરુષોમાં સ્ત્રીઓ કરતાં વધુ મોટી હોય છે. અધિસ્વરછિદ્ર (epiglottis) કાસ્થિ મોટી, પાંદડાના આકારની પડદી જેવી સંરચના છે, જે સ્વરપેટીનું ઉપરનું ઢાંકણ બનાવે છે. તેનું મૂળ જીભની નીચે ગળાના આગળના ભાગે ચોંટેલું હોય છે. જ્યારે પાંદડા જેવો તેનો ભાગ મુક્ત હોય છે ઉપરનીચે હાલે છે. ખોરાકના કોળિયાને ગળતી વખતે સ્વરપેટી ઉપર તરફ ઊંચકાય છે અને તે અધિસ્વરછિદ્રની નીચે આવે છે, જેથી સ્વરપેટીનું (સ્વર) છિદ્ર (glottis) તેના વડે ઢંકાઈ જાય છે. વલયાભ (cricoid) કાસ્થિ સ્વરપેટીની નીચલી દીવાલ પર વીંટી આકારે ગોઠવાયેલી હોય છે અને શ્વાસનળીની ‘C’ આકારની ખંડિતવલયિકા (tracheal ring) સાથે જોડાયેલી હોય છે. દર્વિકાભ (arytenoid) કાસ્થિઓ જોડમાં આવેલી હોય છે. તે કોણધારશંકુ(pyramid)ના ઘાટની ચમચી (ladle) જેવી હોય છે અને વલયાભ કાસ્થિની ઉપરની ધાર પર આવેલી છે. તેઓ સ્વરરજ્જુ તથા ગળાના સ્નાયુઓ (ગ્રસનીસ્નાયુઓ, pharyngeal muscles) સાથે જોડાયેલી હોય છે. ગ્રસનીસ્નાયુના સંકોચન-શિથિલનથી અનુક્રમે દર્વિકાભ કાસ્થિઓ અને તેમના દ્વારા સ્વરરજ્જુઓ હાલે છે. દર્વિકાભ કાસ્થિઓની ટોચ પાસે શૃંગિક (corniculate) કાસ્થિની જોડ આવેલી હોય છે. ફાચર અથવા આંતરકીલ (wedge) જેવી દંડના ઘાટ(rod shaped)ની આંતરકીલરૂપ કાસ્થિ (cuneiform cartilage) અધિસ્વરક અને દર્વિકાભ કાસ્થિઓને જોડે છે.

સ્વરપેટીનાં અંદરનાં પોલાણની દીવાલ શ્લેષ્મકલા (mucous membrane) બનાવે છે. તેમાં 2 ગડીઓની 2 જોડ આવેલી હોય છે. ઉપરની ગડીને છિદ્રકગડી અથવા છિદ્રકવ્યાવર્ત (ventricular fold) અથવા છદ્મ સ્વરરજ્જુ (false vocal cord) કહે છે અને નીચલી ગડીને સ્વરગડી અથવા સ્વરવ્યાવર્ત (vocal fold) અથવા વાસ્તવિક સ્વરરજ્જુ (true vocal cord) કહે છે. શ્લેષ્મકલાની સપાટી પર છદ્મસ્તરીકૃત અધિચ્છદ (pseudostratified epithelium)ના કોષો આવેલા છે. તેમાં કશાધારી સ્તંભાકારી કોષો (cilialed columnar cells), મૂલતલીય કોષો (basal cells) તથા કુંભિકાભ કોષો (globlet cells) હોય છે. તેઓ હવામાંના રજકણોને ઝડપી લે છે.

સ્વર(ધ્વનિ)-સર્જન (voice production) : વાસ્તવિક સ્વરગડીઓ(સ્વરવ્યાવર્ત, true vocal folds)ની નીચે તંતુમય પેશીના બનેલા રજ્જુઓ હોય છે, જે ગિટારના તારની જેમ ખેંચાયેલા રહે છે. તેઓ સ્વરપેટીના કાસ્થિઓ સાથે જોડાયેલા હોય છે અને સ્વરપેટીના સ્નાયુઓ વડે તણાયેલા (ખેંચાયેલા) રહે છે. સ્વરપેટીની અંદરના સ્નાયુઓને અંતર્ગત સ્નાયુઓ (intrinsic muscles) કહે છે. તેઓ સંકોચાય ત્યારે સ્વરરજ્જુઓ તણાય છે અને સીધા બને છે. તેથી તેમની વચ્ચેથી હવાની અવરજવર માટેનું છિદ્ર નાનું બને છે. આ છિદ્રને સ્વરછિદ્ર (glottis) કહે છે. તે સમયે જો હવા સ્વરરજ્જુ તરફ વહે તો તે ધ્રુજારી સર્જે છે. તેના વડે ગળું, નાક અને મોંમાં અવાજના તરંગો ઉદભવે છે. હવાનું જેટલું દબાણ વધુ તેટલો મોટો અવાજ. સ્વરરજ્જુમાંનો તણાવ જેટલો વધારે તેટલા વધુ પ્રમાણમાં ધ્રુજારી અને તરંગો ઉદભવે, ધ્વનિતરંગ-આવૃત્તિ (frequency) વધે તથા ધ્વનિતીવ્રતા (pitch) પણ વધે. સ્વરરજ્જુનો તણાવ ઘટાડીને નીચો અવાજ કાઢી શકાય છે. પુરુષોમાં સ્ત્રીઓ કરતાં સ્વરરજ્જુઓ વધુ જાડા હોય છે અને ધીમા દરે ધ્રૂજે છે. તેથી પુરુષોમાં ધ્વનિતીવ્રતા ઓછી રહે છે.

સ્વરરજ્જુની ધ્રુજારી ધ્વનિ (અવાજ, sound) સર્જે છે; પરંતુ તેને સમજી શકાય તેવી વાચા(વાણી, speech)માં રૂપાંતરિત કરવામાં ગળું, મોં, નાક તથા નાકની આસપાસનાં હાડકાંનાં પોલાણો (અસ્થિવિવરો, sinuses) વગેરે અનુનાદ (resonance) સર્જીને મદદરૂપ થાય છે. આ અનુનાદી પોલાણો દરેક વ્યક્તિને પોતાનો આગવો અવાજ આપે છે. ગળા(ગ્રસની)ના સ્નાયુઓના સંકોચન-શિથિલનથી સ્વરો (vowels) ઉચ્ચારાય છે. મુખમાંનાં વિવિધ સ્થાનોને જીભ વડે સ્પર્શીને તથા હોઠને ખોલબંધ કરીને શબ્દ-ઉચ્ચારણ કરાય છે.

શિલીન નં. શુક્લ