સ્વરભંગ (hoarseness) : અવાજ બેસી જવો તે. તેને ‘અવાજ તણાવો’ (voice strain) અથવા ‘દુર્ધ્વનિતા’ (dysphonia) પણ કહે છે. બોલવામાં તકલીફ પડવી, અવાજની ધ્વનિતીવ્રતા (pitch) કે અવાજની ગુણવત્તામાં ફેરફાર થાય તેને સ્વરભંગ કહે છે. અવાજ નબળો પડે, બોલતાં જાણે શ્વાસ ભરાય, કર્કશ કે ખોખરો બને તો તેનું કારણ સ્વરરજ્જુ સાથે જોડાયેલી કોઈક સમસ્યા છે એવું માનવામાં આવે છે. સ્વરભંગનાં મુખ્ય કારણો સારણી 1માં દર્શાવ્યાં છે. તેનું મુખ્ય કારણ સ્વરપેટીનો પીડાકારક સોજો (શોથ, inflammation) છે. તેને સ્વરપેટીશોથ (laryngitis) કહે છે. તે ચેપ (infection), સંક્ષોભન એટલે ચચરાટ (irritation) અથવા વિષમોર્જા(allergy)ને કારણે થાય છે. તેનાં મહત્વનાં કારણોમાં સ્વરપેટી કે ફેફસાનું કૅન્સર પણ સમાવિષ્ટ છે.

સારણી 1 : સ્વરભંગનાં મુખ્ય કારણો

1 કારણ નોંધ
1. સ્વરપેટીશોથ (laryngitis) સ્વરપેટી પર પીડાકારક સોજો આવવો; દા. ત., વિષાણુ કે જીવાણુજન્ય ચેપ
2. અવાજનો વધુ પડતો ઉપયોગ દા. ત., બૂમો પાડવી, લાંબા સમય સુધી ગાયા કરવું
3. વિષમોર્જા (allergy) બાહ્ય દ્રવ્ય સામે રક્ષણ આપતી એટલે કે પ્રતિરક્ષા (immunity) દર્શાવતી શરીરની વધુ પડતી અને વિકારકારક પ્રતિક્રિયા
4. સંક્ષોભનકારી

(irritating)

વાયુ શ્વાસમાં જવો

સ્વરરજ્જુનું સંક્ષોભન
(irritation)
અથવા
5. મદ્યપાન કે

ધૂમ્રપાનનો અતિરેક

તેમાં
ચચરાટ
6. વધુ પડતી ખાંસી થાય.
7. વધુ પડતું રડવાથી (બાળકોમાં) સ્વરપેટીમાં સંક્ષોભન થાય
8. જઠરામ્લનું વિપરીત વહન

(gastric reflux)

જઠરમાંનો ઍસિડ (અમ્લ) ઊંધી દિશામાં

વહીને ગળા અને સ્વરપેટીમાં સંક્ષોભન કરે.

9. દાહક (caustic) ઝેરનું સેવન સ્વરપેટીમાં સંક્ષોભન થવાથી
10. સ્વરરજ્જુ પર ગંડિકા સ્વરરજ્જુના હલનચલનમાં વિક્ષેપ
11. સ્વરપેટીમાં કૅન્સર  
12. સ્વરરજ્જુના સ્નાયુઓનો લકવો સ્વરરજ્જુના હલનચલનમાં વિક્ષેપ
13. ડાબા ફેફસાનું કૅન્સર ડાબા ફેફસાના કૅન્સરમાં વિપરીત માર્ગી સ્વરપેટી ચેતા(recurrent laryngeal nerve)નો લકવો થવાથી ઉદભવતો વિકાર
14. ગળામાં શ્વસનનલિકા-દર્શક (brancho-scope) નાંખવાથી ફેફસાં અને શ્વસનમાર્ગનું નિદાનલક્ષી નિરીક્ષણ કરવા માટે નળી જેવું સાધન સ્વરપેટીમાંથી પસાર થાય ત્યારે તે સંક્ષોભન કરે
15. યૌવનારંભ (puberty) છોકરાઓનાં દ્વિતીય લૈંગિક લક્ષણો વિકસે ત્યારે તેને યૌવનારંભ કહે છે. તેમાં હૈડિયો વિકસે છે અને અવાજ ઘેરો બને છે.

ધ્વનિસર્જનમાં અનુનાદ(resonance)નું મહત્વ છે, જે મોં, ગળું, નાક તથા નાકની આસપાસનાં હાડકાંનાં પોલાણો(અસ્થિવિવરો, sinuses)માં થાય છે. ધ્વનિની ધ્વનિતીવ્રતા, તેનું મોટા-નાનાપણુંમાં વગેરે નીચલા શ્વસનમાર્ગનું પણ મહત્વ છે. ધ્વનિની ગુણવત્તા વધારવામાં ફેફસાંની ફૂલવાની ક્ષમતા, તેમાંથી બહાર નીકળતા ઉચ્છવાસનું નિયંત્રણ, મોં-ગળું-નાકનાં પોલાણોને અસર કરતા સ્નાયુઓનાં બળ અને નિયંત્રણ વગેરે પણ મહત્વનું કાર્ય કરે છે. તેમનું ક્ષમતાવર્ધન કરવામાં આવે તે પ્રક્રિયાને ધ્વનિઅનુનાદન (vocal resonation), ધ્વનિવર્ધન (amplification), ધ્વનિગુણવર્ધન (vocal enrichment) વગેરે નામે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાઓ અંગેનું પ્રશિક્ષણ બેસી ગયેલા અવાજની સારવારમાં ક્યારેક ઉપયોગી રહે છે.લાંબા સમય સુધી સ્વરભંગ થાય (અવાજ બેસી જાય) તો ગળાને આરામ આપવો, (બોલવાનું, ગાવાનું, રડવાનું બંધ કરવું), હૂંફાળું પાણી પીવું, ભેજયુક્ત હવાવાળો નાસ લેવો વગેરે કરવાનું સૂચવાય છે. ગર્ ગર્ અવાજવાળા ગળા સુધી લઈ જવાતા પાણી વડે કોગળા (gargles) કરવામાં પાણી ખરેખર ગળા કે સ્વરપેટી સુધી જઈ શકતું નથી, માટે તેનો ખાસ ઉપયોગ નથી. ગળા અને સ્વરપેટીમાં ચચરાટ કરે તેવી બધી જ વસ્તુઓ(ધૂમ્રપાન, મદ્યપાન, અવાજનો વધુ પડતો ઉપયોગ વગેરે)નો ત્યાગ, સ્વરપેટીમાં ચેપ લાગ્યો હોય તો તે માટે યોગ્ય પ્રતિજૈવ ઔષધ (antibiotic), સ્વરપેટી કે સ્વરરજ્જુનો કોઈ વિકાર હોય તો તેની સારવાર વગેરે કરવાથી સ્વરભંગનો ઉપચાર થાય છે. જો વ્યક્તિને શ્વાસોચ્છવાસની તકલીફ હોય તો તેની સારવાર સૌ પહેલાં કરાય છે.

શિલીન નં. શુક્લ