સ્વદેશી આંદોલન

January, 2009

સ્વદેશી આંદોલન : વિલાયતી-વિદેશી માલના બહિષ્કારનું આંદોલન. સ્વદેશીનું આંદોલન આ દેશમાં સૌપ્રથમ 1905માં શરૂ થયું. 1905માં બંગાળના ભાગલા તે વખતના વાઇસરૉયે પાડ્યા તેથી બંગભંગનું આંદોલન શરૂ થયું. તેની સાથે લોકોને લાગવા માંડ્યું કે આ ભાગલા આપણે વિલાયતી માલ વાપરીએ છીએ તેને કારણે છે, એટલે એ માલના બહિષ્કાર રૂપે સ્વદેશીનું આંદોલન ચાલ્યું. 1905ની બનારસ કૉંગ્રેસ ગોપાળકૃષ્ણ ગોખલેના પ્રમુખપદે મળી હતી અને તેણે પણ સ્વદેશીના આંદોલનને ટેકો જાહેર કરતો પ્રસ્તાવ કર્યો.

એ વખતે માત્ર વિલાયતી-અંગ્રેજી માલનો બહિષ્કાર હતો, એટલે જાપાનનો માલ ચાલે, જર્મનીનો માલ ચાલે, માત્ર અંગ્રેજી માલ નહિ ચાલે. મહાત્મા ગાંધીએ 1915માં ભારત આવ્યા પછી મે માસમાં અમદાવાદના કોચરબ ‘સત્યાગ્રહાશ્રમ’ની શરૂઆત કરીને તેમાં નિયમો તરીકે જે એકાદશ વ્રતો રખાયાં, તેમાંનું એક વ્રત સ્વદેશીનું હતું.

ગાંધીજીની વ્યાખ્યા પ્રમાણે સ્વદેશી એટલે માત્ર દેશનું એમ નહિ, પણ મારી નજીકમાં નજીક બનેલા માલનો ઉપયોગ કરવો, એનું નામ સ્વદેશી. અંગ્રેજી માલની જેમ જાપાન કે જર્મનીનો માલ પણ ભારત માટે તો પરદેશી માલ જ ગણાય, એટલે તેનો પણ બહિષ્કાર. સ્વદેશીના કેન્દ્રમાં ખાદી હતી. અંગ્રેજોના જમાનામાં કપાસ અહીં પાકે અને તેનું કાપડ માંચેસ્ટર ને લકેશાયરની મિલોમાં બને અને તે પાછું ભારતમાં આવે. આવી ઊલટી ગંગા ચાલતી હતી. તેને સીધી કરવા ગાંધીજીએ સ્વદેશીના કેન્દ્રમાં ખાદીને મૂકી, જે બહુ મહત્વની વાત છે.

અંગ્રેજી અક્ષર ‘ડી’થી શરૂ થતા ત્રણ મહાનુભાવોએ ભારતનું જે આર્થિક શોષણ થઈ રહ્યું હતું, તેનો ચિતાર પોતાનાં પુસ્તકોમાં આપ્યો છે. (1) દાદાભાઈ નવરોજજીનું પુસ્તક ‘હિંદુસ્તાનની ગરીબાઈ’. (2) રમેશચંદ્ર દત્તકૃત ‘ભારતનો આર્થિક ઇતિહાસ ભાગ 12’ અને (3) વિલિયમ ડિગ્બીનું ‘આબાદ હિંદુસ્તાન’. કોઈ પણ દેશ પોતાની પ્રાથમિક જરૂરિયાતોમાં પરાવલંબી હોય, તો તે કદી ઊંચે આવી શકે નહિ. ભારત કાપડની બાબતમાં સ્વાવલંબી બને, એ માટે સ્વદેશીના કેન્દ્રમાં રેંટિયો અને ખાદી મુકાયાં.

માણસને માટે કાપડ એ એની પ્રાથમિક જરૂરિયાત છે. ગાંધીજીએ 1909માં લખેલા પ્રથમ પુસ્તક ‘હિંદ સ્વરાજ’ના અંતિમ પ્રકરણના છેલ્લે 4 મુદ્દામાં ત્રીજો મુદ્દો સ્વદેશીનો મૂક્યો છે. ‘સત્યાગ્રહને માટે સ્વદેશી પકડવાની જરૂર છે’ એમ એમણે કહ્યું. પોતાની આત્મકથાના અંતિમ ભાગમાં ‘મળ્યો’ નામના પ્રકરણમાં રેંટિયો મળ્યો, એની વાત એમણે કરી છે. ‘હિંદ સ્વરાજ’માં સૌને રેંટિયો કાંતી કાપડ પેદા કરવાનું તેમણે કહ્યું છે; પણ ત્યાં સુધી એમણે રેંટિયો જોયો નહોતો. 1919માં એમને રેંટિયો મળ્યો. ગાંધીજીએ ખાદી પહેરવાનું વ્રત 1920માં લીધું અને 1921થી અડધો કલાક રેંટિયો કાંતવાનું વ્રત તેમણે લીધું હતું.

ગાંધીજીએ આ વિશે કહ્યું છે, ‘સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી. પોતે કુટુંબના, કુટુંબ શહેરના, શહેર દેશના અને દેશ જગતના કલ્યાણ અર્થે હોમાય.’ બંગાળમાં 1905માં ‘સ્વદેશી મિત્રમંડળ’ સ્થાપવામાં આવેલું. તેણે એક પુસ્તક ‘સ્વદેશી કીર્તનસંગ્રહ’ પણ પ્રકાશિત કર્યું હતું. 1905થી 1910માં કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે સ્વદેશી અંગે ચારેક લેખો લખેલા તે ‘સ્વદેશી સમાજ’ નામે પુસ્તક રૂપે પ્રકાશિત થયેલા. તેમાં એમણે લખ્યું છે : ‘આજે આપણે પોતામાં સ્વદેશીય, સ્વજાતીય ઐક્યનો અનુભવ કરી સાર્થકતા પામવાને ઉત્સુક થયા છીએ.’

1920–21માં અસહકાર આંદોલનમાં પરદેશી કાપડની હોળીઓ થઈ અને 1930માં સવિનય કાનૂનભંગ આંદોલનમાં બહેનોએ પરદેશી કાપડની દુકાનો પર પિકેટિંગ પણ કર્યું હતું. ગાંધીજી કહેતા : ‘સ્વદેશીમાં સ્વાર્થ નથી અને છે, તો તે શુદ્ધ સ્વાર્થ છે. શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ, શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા.’

આ સ્વદેશીની વાત બાપુએ માત્ર અર્થકારણમાં નહોતી કરી; એમણે તો રાજકારણ, શિક્ષણ, સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મમાં પણ તેની વાત કરી હતી. રાજકારણમાં સ્વદેશી એટલે પંચાયતી રાજ, શિક્ષણમાં સ્વદેશી એટલે માતૃભાષા માધ્યમ, સંસ્કૃતિમાં સ્વદેશી એટલે સમગ્ર રહેણીકરણીમાં સાચી ભારતીય પરંપરાનો સ્વીકાર, ધર્મમાં સ્વદેશી એટલે સ્વધર્મને વળગી રહેવું અને સર્વધર્મસમભાવ અને અધ્યાત્મમાં સ્વદેશી એટલે આ શરીર પણ પરદેશી છે. આત્મા જ સ્વદેશી છે એને કેન્દ્રમાં રાખી બધાં કામો કરવાં. વર્તમાન ત્રણ સમસ્યાઓ – આતંકવાદ, સંપ્રદાયવાદ અને વૈશ્વિકીકરણ – ત્રણેયના જવાબ છે મહાત્મા ગાંધીનાં અહિંસા, સર્વધર્મસમભાવ અને સ્વદેશીનાં વ્રતો.

‘સ્વદેશીનાં સૂત્રો’ નામની નાનકડી પુસ્તિકામાં પ્રથમ સૂત્ર છે : ‘આપણે જ્યારથી સ્વદેશી ધર્મ છોડ્યો, ત્યારથી આપણું અધ:પતન શરૂ થયું. આપણા ઉપર ગુલામી નંખાવાની શરૂઆત થઈ.’ 1906માં અમદાવાદમાં સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અમદાવાદમાં ગાંધી માર્ગ પરના એક મકાનમાં એ જ વર્ષે સ્વદેશીની ચળવળ અંગે એક સભા મળી હતી. આ પહેલાં 1903માં અમદાવાદમાં ‘સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી’ દ્વારા સ્વદેશીને વેગ આપવાનું ચાલુ થઈ ગયું હતું.

બાઇબલનું વાક્ય ધ્યાનમાં લેવું જોઈએ – ‘લવ ધાય નેબર ઍઝ ધાયસેલ્ફ.’ આજે દુનિયાભરમાં પ્રખ્યાત વાક્ય છે : ‘ઍક્ટ લોકલી, થિંક ગ્લોબલી.’ આ બધાં વાક્યો સ્વદેશીના સમર્થન માટેનાં છે. ગાંધીજી સ્પષ્ટ કહે છે : ‘સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહિ, એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી.’

1916માં ચેન્નાઈમાં ભાષણ આપતાં ગાંધીજીએ કહ્યું હતું, ‘સ્વદેશી એક ધાર્મિક નિયમ છે અને કદી કોઈ વ્યક્તિને શારીરિક અગવડ વેઠવી પડે, તોપણ તેનો વિચાર કર્યા વિના તેનું પાલન કરવાનું છે.’ 1930ની યરવડા જેલમાંથી દરેક મંગળવારે બાપુ આશ્રમના સાથીઓને માટે એક વ્રત વિશે લેખ લખતા. તેને કાકાસાહેબ કાલેલકરે ‘મંગલપ્રભાત’ એવું સુંદર નામ આપ્યું છે. તેમાં પણ બાપુએ ‘સ્વદેશી’ વિશે જેલમાંથી લેખ નહોતો લખ્યો, કારણ કે તેમાં રાજકારણ આવતું હતું. તે વિશે તેમણે પાછળથી પોતાના વિચારો દર્શાવ્યા હતા.

‘સો ટકા સ્વદેશીમાં સ્વરાજ રહેલું છે’ – એ ગાંધીજીના વાક્યને સમજવાની જરૂર છે. ‘સો ટકા સ્વદેશી’ નામના ‘નવજીવન’ના પુસ્તકમાં આ અંગેના ગાંધીજીના તથા અન્ય રાષ્ટ્રવાદીઓના લેખો આપેલા છે. સ્વદેશી એટલે જીવનની જરૂરિયાતો ઘટાડવી અને તેમાંથી જે થઈ શકે તે પોતે ઉત્પન્ન કરવી અને બાકીની નજીકમાં નજીકથી મેળવવી એ સ્વદેશીના પાયાની વાત છે.

સ્વદેશી એટલે પરાયાનો ત્યાગ. ભગવદગીતામાં કહ્યું છે એમ ‘સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ:’  આ ધ્યાનમાં રાખીએ તો કોલગેટ જેવી ટૂથ પેસ્ટ, લક્સ જેવા સાબુ અને બાટા કંપનીના ચંપલ-જોડા આપણાથી ન વપરાય. આવી તો અનેક ચીજો જે પરદેશથી આવે છે, એમનો ત્યાગ. વૈશ્વિકીકરણ–ઉદારીકરણનો એકમાત્ર જવાબ છે સ્વદેશીનો અમલ.

સ્વદેશી એ કોઈ મનઘડંત વાત નથી. કોઈ પણ દેશના વિકાસ માટે સ્વદેશી અત્યંત જરૂરી છે. સ્વાવલંબન આના પાયામાં રહેલી વસ્તુ છે. પરસ્પરાવલંબન હોઈ શકે, પણ કોઈ પણ ચીજમાં માત્ર પરાવલંબન દેશના વિકાસને બાધારૂપ છે. ગાંધીજીએ સ્વદેશીને વ્રતોમાં સ્થાન આપ્યું. એટલા માટે કે વ્રતનિષ્ઠ માણસ જ પરદેશીના મોહમાંથી બચી શકે. પરદેશી માલનો ઉપયોગ કરવો અને સ્વદેશીની વાતો કરવી  એ લાંછનરૂપ છે. સ્વદેશીને જીવનના એકેએક ક્ષેત્રમાં અપનાવીએ, તો જ સ્વદેશી વ્રતનું પાલન કર્યું કહેવાય.

દશરથલાલ શાહ