સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology)

January, 2009

સ્વપરિસ્થિતિવિદ્યા (autoecology) : પરિસ્થિતિવિદ્યાની એક શાખા. તે વસ્તી (population) કે સમુદાય(community)માં આવેલી કોઈ એક જાતિના જીવનચક્રની બધી અવસ્થાઓના અભ્યાસ સાથે સંકળાયેલી છે. પરિસ્થિતિવિદ્યાની આ વિશિષ્ટ શાખાનો હેતુ પરિસ્થિતિવિદ્યાકીય ચક્ર, નૈસર્ગિક આવાસો(habitats)માં જાતિનું વિતરણ, અનુકૂલન (adaptation), વસ્તીનું વિભેદન (differentiation) વગેરેના અભ્યાસનો છે. તે સમુદાયનું બંધારણ અને ગતિકી (dynamics) સમજવામાં સહાયરૂપ બને છે; કારણ કે સમુદાયની મહત્વની જાતિઓની પરિસ્થિતિવિદ્યાકીય જટિલતાઓ સમજવાથી વનસ્પતિસમૂહની સમસ્યાના નિરાકરણ માટેનો મજબૂત આધાર પ્રાપ્ત થાય છે.

આર્થિક વનસ્પતિશાસ્ત્રની કૃષિવિજ્ઞાન, વનસંવર્ધન (silviculture) અને ઉદ્યાનકૃષિ (horticulture) જેવી શાખાઓ જાતિની વિસ્તૃત સ્વપરિસ્થિતિવિદ્યા પર આધારિત છે. વળી, નિશ્ચિત જાતિની સ્વપરિસ્થિતિવિદ્યા દ્વારા તેના વિતરણ, અનુકૂલન અને જાતિઉદભવન(speciation)ની માહિતી સાંપડે છે.

પરિસ્થિતિવિદ્યાકીય જીવનચક્રના અભ્યાસ માટેની રૂપરેખા : સ્ટિવન્સ અને રૉકે (1952) શાકીય વનસ્પતિઓની; પેલ્ટને (1951) વૃક્ષ, ક્ષુપ અને માંસલ પ્રકાંડવાળી વનસ્પતિઓની; કર્ટિસે (1952) વાહકપેશીધારી પરરોહીઓ(epiphytes)ની અને કૂકે (1951) ફૂગની સ્વપરિસ્થિતિવિદ્યાકીય જીવનચક્રોના અભ્યાસની પદ્ધતિઓ આપી છે. તેઓએ પર્યાવરણના અભ્યાસ અને વનસ્પતિઓની કાર્યરીતિ (performance) ઉપર ભાર મૂક્યો છે.

વ્યક્તિગત જાતિની સ્વપરિસ્થિતિવિદ્યાના અભ્યાસનાં વિવિધ પાસાંઓની રૂપરેખા આ પ્રમાણે છે :

(1) જાતિનું વર્ગીકરણ (taxonomy) અને નામકરણ (nomenclature) : તેનું ભૌગોલિક વિતરણ અને ઇતિહાસ, બાહ્યાકારકીય (morphological) ભિન્નતાઓ, અશ્મિ પુરાવાઓ, ઉદભવનું કેન્દ્ર અને સ્થળાંતરણ(migration)ના માર્ગોની માહિતી એકત્રિત કરવામાં આવે છે.

(2) વિતરણ અને તેનું પરિસ્થિતિવિદ્યાકીય મહત્વ : વિવિધ પ્રદેશોમાં અને આવાસમાં જાતિના વિતરણનો પરિસર (range), ઊંચાઈ(altitude)ની સીમાઓ અને તેનું પરિસ્થિતિવિદ્યાકીય મહત્વ નોંધવામાં આવે છે. મૃદા(soil)ની લાક્ષણિકતાઓ, આબોહવાકીય સંબંધો, પ્રકાશ-સંબંધો, આંતર (inter) અને અંત:જાતીય (intraspecific) સ્પર્ધાઓ, પર્યાવરણીય પરિસ્થિતિઓમાં થતા ફેરફારોને પરિણામે જોવા મળતાં રૂપાંતરો વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. કેટલીક જાતિઓ મર્યાદિત પ્રદેશમાં, તો અન્ય જાતિઓના નૈસર્ગિક વિતરણનો પ્રદેશ વધારે મોટો હોય છે. તેનો આધાર જાતિના પરિસ્થિતિવિદ્યાકીય વિસ્તાર (amplitude) ઉપર રહેલો છે. તેની ચારો (forage), ઇમારતી લાકડું, કાગળનો માવો, ફળ અને ઔષધ તરીકે કે ભૂક્ષરણ(erosion)માં રહેલી આર્થિક અગત્ય ઉપર ભાર મૂકવામાં આવે છે.

(3) વનસ્પતિઓની બાહ્યાકારવિદ્યા : વિવિધ પરિસ્થિતિવિદ્યાકીય આવાસોમાં કોઈ પણ એક જાતિની વનસ્પતિઓના જુદા જુદા ભાગોમાં વિશિષ્ટ લક્ષણો અને રચનાકીય ભિન્નતાઓ નોંધવામાં આવે છે.

(4) વનસ્પતિ જાતિની કોષજનીનવિદ્યા (cytogenetics) : કોષરસની રચના, રંગસૂત્રોની બાહ્યાકારવિદ્યા, સંખ્યા અને સમવિભાજન (mitosis) અને અર્ધસૂત્રીભાજન (meiosis) દરમિયાન તેમની વર્તણૂકનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે. કેટલીક વાર ભૌગોલિક રીતે અલગીકૃત (isolated) એક જ જાતિની વનસ્પતિઓ એટલી તો વિભેદન (differentiation) પામેલી અને બાહ્યાકારવિદ્યાની દૃષ્ટિએ ફેરફાર પામેલી હોય છે કે તેમને જુદી જ જાતિ ગણી લેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં આંતરપ્રજનન (interbreeding) પ્રયોગો કરવામાં આવે છે. તેમનાં લક્ષણોમાં જોવા મળતી ભિન્નતાઓ અને વિયોજનના કારકો(factors)નો અભ્યાસ કરવામાં આવે છે.

(5) પર્યાવરણીય સંકુલ : ઘટનાવિજ્ઞાન(phenology, અંકુરણ, બીજાંકુર, વૃદ્ધિ અને પરિપક્વતા, પુષ્પનિર્માણ, બીજનિર્માણ, ફળનિર્માણ વગેરે)ના અભ્યાસ માટે નિયમિત સમયાંતરે વનસ્પતિવૃદ્ધિના વિવિધ તબક્કે જૈવિક અને અજૈવિક બંને પાસાંઓનું વર્ષની જુદી જુદી ઋતુઓ દરમિયાન ભારાત્મક (quantitative) માપન કરવામાં આવે છે. પર્યાવરણીય સંકુલ ઘણાં પરિબળોનું બનેલું હોય છે અને પરિબળોનાં વિવિધ સંયોજનો દ્વારા તે વનસ્પતિના જીવનચક્રની દરેક અવસ્થાને અસર કરે છે.

(6) પુનર્જનન (regeneration) : તેનો આધાર સરેરાશ બીજ-ઉત્પાદન, બીજની અંકુરણક્ષમતા (viability), બીજ-સુષુપ્તિ (seed-dormancy), પ્રાજનનિક ક્ષમતા (reproductive capacity), બીજ-વિકિરણ, બીજાંકુરની વૃદ્ધિ, વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક વૃદ્ધિ અને પ્રાજનનિક વૃદ્ધિ પર રહેલો છે.

(અ) બીજઉત્પાદન : એક પ્રાજનનિક ચક્ર દરમિયાન વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં બીજની સંખ્યાને બીજ-ઉત્પાદન કહે છે. એકવર્ષાયુ વનસ્પતિઓ તેમના જીવનચક્ર દરમિયાન સામાન્યત: એક વાર બીજ ઉત્પન્ન કરે છે; પરંતુ બહુવર્ષાયુ ક્ષુપ કે વૃક્ષો વર્ષમાં એક વાર અને સમગ્ર જીવન દરમિયાન અનેક વાર બીજનિર્માણ કરે છે. પ્રત્યેક જાતિની બીજ-ઉત્પાદનની પોતાની મર્યાદા હોય છે. તેના ઉપર પ્રકાશની તીવ્રતા, ભેજ, જૈવિક પરિબળો અને ઉંમરની અસર હોય છે. સામાન્ય રીતે ઊંચી તીવ્રતા અને શુષ્ક પરિસ્થિતિ દરમિયાન બીજ-ઉત્પાદન વધે છે. ચરાણ (grazing) વિસ્તારમાં સાવર ગ્રાસ (Bothriochloa pertusa) અને ઝીંઝૂ(Dichanthium annulatum)નું બીજ-ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં ઘટી જાય છે. કેટલાંક કીટકો કૃંતકો (rodents), ખિસકોલીઓ, કીડીઓ, ઊધઈ વગેરે ઘણી જાતિઓનાં બીજ ખાઈ જાય છે. કોઈ પણ જાતિનું સરેરાશ બીજ-ઉત્પાદન શોધવાનું સૂત્ર આ પ્રમાણે છે :

કેટલીક ભારતીય જાતિઓનું સરેરાશ બીજ-ઉત્પાદન સારણી 1માં આપવામાં આવ્યું છે.

સારણી 1 : કેટલીક ભારતીય જાતિઓનું સરેરાશ બીજઉત્પાદન

ક્રમ          જાતિનું નામ સરેરાશ બીજ-

ઉત્પાદન

1. Paspalidium flavidum (જીણકો સામો) 565
2. Cyanodon dactylon (ધરો) 1,424
3. Crotolaria medicagenia (રાનમેથી) 1,934
4. Euphorbia thymifolial (છોટી દૂધી) 1,263
5. Amaranthus spinosus (કાંટાળો ડાંભો) 85,800
6. Tectona grandis (સાગ) 31,033
7. Sida acutangula (બલા) 8,074

(આ) બીજવિકિરણ : આવાસોમાં વનસ્પતિજાતિના વિતરણ અને સ્થાપનની સફળતાનું નિયંત્રણ બીજવિકિરણ દ્વારા સીધેસીધું થાય છે. પિતૃ વનસ્પતિની ફરતે બીજ વીખરાયેલાં ભૂમિ પર પડે અને તેમાંથી નવા છોડ વૃદ્ધિ પામે તો તેમની ઉત્તરજીવિતા (survival) અને પુનર્જનનની તક ભીડને કારણે બહુ ઓછી રહે છે. વનસ્પતિ વસ્તીઓનું વધારે મોટા વિસ્તારોમાં થતા સ્થળાંતરણથી જાતિના સ્થાપનની સફળતાની શક્યતાઓ વધે છે. આમ, સ્વપરિસ્થિતિવિદ્યાનાં પાસાંઓ પૈકી બીજવિકિરણનો અભ્યાસ ઘણું મહત્વનું પાસું છે. વિકિરણ ક્રિયાવિધિ, બીજ અને અન્ય પ્રાજનનિક અંગોનું વિકિરણ કરતા વાહકોનો પણ સ્વપરિસ્થિતિવિદ્યામાં અભ્યાસ કરવામાં આવે છે.

(ઇ) બીજની અંકુરણક્ષમતા : બીજને પોતાની જીવન-અવધિ હોય છે. જો તેમને લાંબા સમય માટે અનુકૂળ સંજોગોમાં સંચિત કરવામાં આવે તો થોડાક સમય પછી તે અંકુરણ પામવાની ક્ષમતા ગુમાવે છે. બીજનિર્માણના પ્રારંભથી તેઓ જ્યારે અંકુરણક્ષમતા ગુમાવવાની શરૂઆત કરે ત્યાં સુધીના સમયગાળાને અંકુરણક્ષમતા અવધિ (viability period) કહે છે. આ અવધિ જુદી જુદી જાતિઓમાં જુદી જુદી હોય છે.

ઘણી ફસલ વનસ્પતિઓનાં બીજ 5થી 10 વર્ષ સુધી અંકુરણક્ષમતા ધરાવે છે. સાલ(Shorea robusta)નાં બીજ એકાદ અઠવાડિયા પૂરતું જ અંકુરણક્ષમ રહે છે. મસૂર (Lens esculenta), વિલાયતી ઘાસની જાતિ (Medicago orbicularis) જેવી શિંબી કુળની વનસ્પતિઓનાં બીજ 10થી 15 વર્ષ અંકુરણક્ષમ રહે છે. લજામણીની જાતિ (Mimosa glomerata), કેસિયા (Cassia bicapsularis) અને ઍસ્ટ્રાગેલસ-(Astragalus massibiensis)નાં સંચિત બીજ 100 વર્ષ કરતાં વધારે વર્ષો સુધી અંકુરણક્ષમ હોય છે. 6 મીટરથી વધારે ઊંડાઈએ રહેલાં કમળ(Nelumbo)નાં બીજ 3,000 વર્ષ સુધી અંકુરણક્ષમતા ધરાવે છે. મૃદામાં દટાયેલાં બીજની અંકુરણક્ષમતાનો આધાર ઊંડાઈ, પાણીનું પ્રમાણ, તાપમાન અને સૂક્ષ્મજીવીય વસ્તી પર રહેલો છે. નીચું તાપમાન, ઓછો O2 અને CO2નું વાતાવરણમાં વધારે પ્રમાણ બીજની અંકુરણક્ષમતા અવધિમાં નોંધપાત્ર વધારો કરે છે.

(ઈ) બીજસુષુપ્તિ : કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ સંજોગો હોવા છતાં અંકુરણક્ષમ બીજ અમુક સમય સુધી અંકુરણ પામી શકતાં નથી. આ સમયગાળાને સુષુપ્તિકાળ કહે છે. આ ઘટનાને સુષુપ્તિ કહે છે. બીજ-સુષુપ્તિનાં કારણો આ પ્રમાણે છે : (i) ઑર્કિડ અને ઇન્ડિયન બટરકપ(Ranunculus)માં ભ્રૂણ અપરિપક્વ હોય છે. (ii) બીજાવરણ સખત હોય છે. તે પાણી માટે અપારગમ્ય (impermeable) હોય છે; દા. ત., શિંબી વનસ્પતિઓનાં બીજ. (iii) બીજાવરણ અને ભ્રૂણપોષ(endosperm)નું યાંત્રિક દબાણ સુષુપ્તિ માટે જવાબદાર હોય છે. (iv) કેટલીક જાતિઓનાં સુષુપ્ત બીજ અંકુરણ અવરોધકો (દા. ત., કાઉમેરિન અને તેનાં વ્યુત્પન્નો) ધરાવે છે. (v) તાપમાન અને પ્રકાશના યોગ્ય જથ્થાની અપ્રાપ્યતા.

કેટલીક જાતિઓમાં બીજને તાપમાન, પ્રકાશ, પાણી, હવા વગેરે જરૂરી પ્રમાણમાં આપતાં તે અંકુરણ પામે છે; પરંતુ ઉપર્યુક્ત પૈકી કોઈ એક પરિબળ પાછું ખેંચતાં બીજ ફરીથી સુષુપ્ત બને છે. આ સ્થિતિને દ્વિતીયક સુષુપ્તિ કહે છે. દા. ત., કાળા જીરા(Nigella)ના અંકુરિત બીજને પ્રકાશ અને ગાડરિયા(Xanthium strumarium)ને અલ્પ O2 અને વધારે CO2 આપતાં દ્વિતીયક સુષુપ્તિ પ્રેરાય છે.

કેટલીક કૃત્રિમ પદ્ધતિઓ દ્વારા સુષુપ્તિ તોડી શકાય છે; જે આ પ્રમાણે છે : (i) બીજ ઘસીને, ધીમેથી અફાળીને, શીત કે ઉષ્મા ચિકિત્સા અથવા ઍસિડ કે આલ્કોહૉલની ચિકિત્સા આપીને બીજાવરણ પારગમ્ય (permeable) બનાવી શકાય છે. કેટલીક જાતિઓનાં બીજ પક્ષીઓ અને પ્રાણીઓના પાચનમાર્ગમાંથી પસાર થતાં બીજાવરણો પારગમ્ય બને છે. કેટલોક સમય ભીંજવેલાં બીજને નીચા તાપમાનમાં રાખવામાં આવે છે. (ii) સ્કાર્લેટ પિમ્પરનેલ(Anagalis)ના બીજને લાલ પ્રકાશમાં રાખતાં સુષુપ્તિ તૂટે છે અને બીજ અંકુરણ પામે છે. (iii) રાસાયણિક ચિકિત્સા : સાઇનાઇડ, ફ્લોરાઇડ, હાઇડ્રોક્સિલેમાઇન અને કેટલાક નીંદણનાશકો અંકુરણ અવરોધે છે; જ્યારે KNO3, થાયોયુરિયા, જીબરેલિન અને કાઇનેટિન અંકુરણ પ્રેરે છે.

(ઉ) બીજાંકુરણ અને પ્રાજનનિક ક્ષમતા : સામાન્ય રીતે ઘણાં કારણોસર વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થયેલાં બધાં બીજ અંકુરણ પામતાં નથી. કોઈ પણ જાતિની પ્રાજનનિક ક્ષમતા પર્યાવરણ ઉપરનું તેનું દબાણ દર્શાવે છે. વધારે પ્રાજનનિક ક્ષમતાવાળી જાતિ તેની ઉત્તરજીવિતા અને વિકિરણ માટેની વધારે સારી તકો ધરાવતી હોવાનું માનવામાં આવે છે. સેલિસબરી(1946)ના મત પ્રમાણે, કોઈ પણ વનસ્પતિની પ્રાજનનિક ક્ષમતા સરેરાશ બીજ-ઉત્પાદન અને અંકુરણની સરેરાશ ટકાવારી દ્વારા દર્શાવાયેલ અંશની નીપજ છે. આમ,

સારણી 2 : કેટલીક વનસ્પતિ જાતિઓનું બીજઉત્પાદન અને પ્રાજનનિક ક્ષમતા

જાતિનું નામ સરેરાશ બીજ-

ઉત્પાદન

પ્રાજનનિક

ક્ષમતા

Lindenbergia polyantha (ભીંત ચટ્ટી) 71,731 70,266
Euphorbia hirta (દૂધેલી)
         ટટ્ટાર પ્રકાર 2,438 1,609
         ભૂપ્રસારી (prostrate) પ્રકાર 892 589
         ભૂપ્રસારી સઘન (compact) પ્રકાર 481 317
Paspalidium flavidum (જીણકો સામો) 565 28
Dichanthium annulatum (ઝીંઝૂ) 2,795 1,273

જાતિના રૂપાકૃતિવિજ્ઞાન (physiognomy) અને વનસ્પતિ–સામાજિક (phytosociological) સંબંધો બાબતે પ્રાજનનિક ક્ષમતાનું ઘણું મહત્વ ગણાય છે. પ્રકાશ, તાપમાન, પાણી અને O2 તથા CO2નું પ્રમાણ બીજાંકુરણ પર અસર કરતાં મુખ્ય પરિબળો છે. સેલિસબરીના તારણ મુજબ કોઈ એક ચોક્કસ આવાસમાં બીજાંકુર પ્રકાશસંશ્લેષણ કરી સ્વનિર્ભર બને તે પહેલાં તેને બીજમાં રહેલા સંચિત ખોરાક ઉપર કેટલો લાંબો સમય આધાર રાખવો પડે છે તેના દ્વારા બીજનું કદ નક્કી થાય છે.

સેલિસબરીનાં તારણો ગૅરેટે (1973) ફૂગમાં બીજાણુઓ, મહાકણી-બીજાણુઓ (macroconidia), કંચુક-બીજાણુઓ (chlamu-dospores), તંતુજટા (rhizomorph) અને મિસિતંતુ-રજ્જુકાઓ (mycelial strands) માટે પણ વિસ્તાર્યા છે.

(ઊ) બીજાંકુરની વૃદ્ધિ : અંકુરણ પછી તરત આવતી આ અવસ્થા વનસ્પતિના જીવનચક્રમાં સૌથી મહત્વની છે. બીજાંકુરે રોગજન (pathogens), ભેજ અને તાપમાન જેવાં પર્યાવરણીય પરિબળોનાં અંતિમોનો સામનો કરવાનો હોય છે. જો આ સંજોગો પ્રતિકૂળ હોય તો બીજાંકુર મૃત્યુ પામે છે. પર્ણનિર્માણ, ક્લોરોફિલવિકાસ, પૂરતો પ્રકાશ, યોગ્ય તાપમાન વગેરે બીજાંકુરના સફળ સ્થાપન પર અસર કરે છે. વળી, પક્ષીઓ અને ચરતાં પ્રાણીઓ પણ બીજાંકુરને નુકસાન પહોંચાડે છે. કુદરતમાં કેટલીક વનસ્પતિઓમાં બીજાંકુરોનો મૃત્યુનો દર ઊંચો હોય છે. શુષ્ક સંજોગો હેઠળ, મોટા ભાગના બીજાંકુરો સુકાઈ જઈ મૃત્યુ પામે છે. જે બીજાંકુરોનું મૃદામાં મૂળતંત્ર વિસ્તૃત અને ઊંડું હોય તેમની ઉત્તરજીવિતાની તકો વધારે હોય છે. જંગલમાં વૃક્ષો, ક્ષુપ, આરોહી વનસ્પતિઓ વગેરેની ખાસ કરીને પ્રકાશ, પાણી અને મૃદા બાબતે બીજાંકુરના સ્થાપન માટેની જરૂરિયાતો જુદી જુદી હોય છે.

(ઋ) વાનસ્પતિક વૃદ્ધિ : બીજાંકુરના સ્થાપન પછીની વૃદ્ધિ ઉપર મુખ્યત્વે મૃદા અને હવાઈ (aerial) પર્યાવરણ અસર કરે છે. તાપમાન, પ્રકાશ, પાણી અને મૃદા (તેમની તીવ્રતા, સમયગાળો અને ગુણવત્તા) વાનસ્પતિક વૃદ્ધિ પર અસર કરે છે. પ્રત્યેક જાતિની સફળ વૃદ્ધિ માટેની પોતાની પર્યાવરણીય જરૂરિયાતો હોય છે અને આ પરિબળોમાં થતા મોટા ફેરફારોનો સામનો કરવા પોતાની સહિષ્ણુતા(tolerance)ની પરિસ્થિતિવિદ્યાકીય મર્યાદા હોય છે. કેટલીક વાર જાતિ સીમાંત (critical) પરિસ્થિતિઓ હેઠળ અનુકૂલન સાધવા કેટલીક રચનાઓ અને/અથવા દેહધર્મવિદ્યાકીય લક્ષણોનો વિકાસ કરે છે. પર્યાવરણીય સંજોગો વધારે સીમાંત બને ત્યારે જાતિનું વિતરણ મર્યાદિત બને છે. કેટલાક ઘાસ અને અપતૃણો(weeds)માં વાનસ્પતિક વૃદ્ધિ જેમ કે પ્રરોહની લંબાઈ, મૂળની ઊંડાઈ, ગાંઠની સંખ્યા, આંતરગાંઠની લંબાઈ, પર્ણોની સંખ્યા અને કદ, રંધ્રીય આવૃત્તિ, પર્ણની રક્ષકત્વચા(cuticle)ની જાડાઈ ઉપર પર્યાવરણીય પરિબળો અસર કરે છે. દૈનિક ચક્રમાં ઊંચું અને નીચું તાપમાન એકાંતરે (ઉષ્મા સામયિકતા = thermoperiodism) આપતાં વનસ્પતિના ઘટનાવિજ્ઞાન ઉપર અસર થાય છે.

(એ) પ્રાજનનિક વૃદ્ધિ : જાતિના પુષ્પનિર્માણ, પરાગનયન અને ફળનિર્માણનો પ્રાજનનિક વૃદ્ધિમાં સમાવેશ થાય છે. મોટા ભાગની ભૌમિક વનસ્પતિઓ તેમની સફળ વૃદ્ધિ માટે લિંગી પ્રજનન કરે છે. વિવિધ પર્યાવરણીય પરિબળો પુષ્પનિર્માણ, પરાગનયન અને ફળનિર્માણ પર અસર કરે છે. જુદી જુદી જાતિઓ તેમના પુષ્પનિર્માણના સમય, પ્રકાશ (પ્રકાશસામયિકતા = photoperiodism), તાપમાન(વાસંતીકરણ = vernalization)ની જરૂરિયાતો અંગે તફાવતો દર્શાવે છે. પરાગનયન પવન, પાણી અને કીટકો, પક્ષીઓ અને મનુષ્ય સહિતનાં પ્રાણીઓ દ્વારા થાય છે. ફળની રચના અને સંખ્યા, દરેક ફળમાં બીજની સંખ્યા, ફળનિર્માણની ઋતુ અને ફૂગ તથા બૅક્ટેરિયા જેવાં રોગજન ફળોને નુકસાન પહોંચાડે છે. આ બધાં પ્રાજનનિક વૃદ્ધિનાં મહત્વનાં પાસાં છે; કારણ કે તેઓ સમુદાયની કોઈ નિશ્ચિત જાતિના પુનર્જનન અને સ્થાપનની સફળતા કે નિષ્ફળતાનું નિર્ધારણ કરે છે.

મિશ્રા(1968)એ નૈસર્ગિક અને પ્રાયોગિક સંજોગોમાં કોઈ એક જાતિની ઉપર્યુક્ત સ્વપરિસ્થિતિવિદ્યાકીય માહિતી મેળવવા પદ્ધતિઓ સૂચવી છે.

બળદેવભાઈ પટેલ