સ્વત્વ પ્રતિરક્ષાલક્ષી

January, 2009

સ્વત્વ, પ્રતિરક્ષાલક્ષી (immunological self) : શરીરની રોગપ્રતિકારકતા દર્શાવતું પ્રતિરક્ષાતંત્ર (immune system) રોગકારક ઘટકોનો નાશ કરવાની પ્રક્રિયામાં પોતાના જ ઘટકોને બાકાત રાખે તે માટે ‘પોતાનું’ ઘટક હોવાની લાક્ષણિકતા દર્શાવાય તે. આવી રીતે ‘સ્વકીય’ ઘટક તરીકે ન ઓળખાયેલાં બધાં જ અન્ય (other) અથવા ‘પરકીય’ (non-self) દ્રવ્યો  દા. ત., રોગકારક સૂક્ષ્મજીવો, અન્ય વ્યક્તિના કોષો કે અવયવ તથા બાહ્ય પદાર્થો(foreign bodies)નો શરીરનું પ્રતિરક્ષાતંત્ર નાશ કરે છે. તેની વિભાવના સર ફ્રેન્ક મૅકફાલેન બર્નેટે સન 1949માં ઘડી, જે હાલ પણ સ્વીકાર્ય છે. જોકે પ્રત્યારોપણના વિજ્ઞાને વિકાસ કર્યો છે અને તેથી વધુ સમજ પ્રાપ્ત થતાં જણાયું છે કે ‘પ્રતિરક્ષાલક્ષી સ્વત્વ’ બહુરૂપી (polymorphous) અને અમુક અંશે અસ્પષ્ટ છે. વ્યક્તિનું પ્રતિરક્ષાતંત્ર પોતાના અને કેટલાક અન્યના ઘટકોને ‘સહી’ લે છે અને તેમનો નાશ કરતું નથી. તેને પ્રતિરક્ષી સહ્યતા (immunological tolerance) કહે છે; પરંતુ ક્યારેક તેમાં વિકાર ઉદભવે ત્યારે પોતાના ઘટકો(કોષો, દ્રવ્યો વગેરે)નો તે નાશ કરે છે. ‘પોતાના’ ઘટકો તરફની સહ્યતાને સ્વપ્રતિરક્ષા (autoimmunity) કહે છે; જ્યારે પોતાના ઘટકોનો નાશ કરવાના વિકારને સ્વકોષઘ્ની વિકાર (autoimmune disorder) કહે છે.

પોતાના જ ઈજાગ્રસ્ત, મૃત કે કૅન્સરમાં પરિવર્તિત થતા કોષોનો નાશ કરવાનું કાર્ય સામાન્ય સ્થિતિવાળા પ્રતિરક્ષાલક્ષી સ્વત્વમાં સમાવિષ્ટ થાય છે. તે દર્શાવે છે કે પ્રતિરક્ષાલક્ષી સ્વત્વ સંપૂર્ણપણે એકદિશ (unidirectional) પ્રક્રિયા નથી પણ ઘણી જ સંકુલ પ્રક્રિયા છે. વળી સામાન્ય પ્રતિરક્ષાની હાજરીમાં ગર્ભશિશુ કે વધેલું કૅન્સર વૃદ્ધિ-વિકાસ કરી શકે છે તે પણ નોંધવાલાયક પ્રક્રિયાઓ છે. પ્રતિરક્ષી સ્વત્વની આ સમગ્ર વિગતોને સ્વાભિજ્ઞાન(self-identity)ના સિદ્ધાંતમત અથવા સ્વ-ઓળખના સિદ્ધાંતમત (theory of self-identity) તરીકે પણ વર્ણવવામાં આવે છે. જોકે હવે એવો વિચારમત પણ ઉદભવેલો છે જે પ્રતિરક્ષી સ્વત્વની વિભાવનાને જ નકારે છે.

સૌપ્રથમ સન 1775માં ડચ તબીબ વાન સ્વિટેન (Von Sweiten) દ્વારા પ્રતિરક્ષા માટે ‘immunitas’ શબ્દ વપરાયો હતો. 19મી સદીના મધ્યમાં ક્લોડ બર્નાડે તેની વિભાવના વિસ્તારી. તેમણે પ્રાણીના શરીરના અંદરના વિશ્વ(અંતર્વિશ્વ, milieu interieur અથવા interior)ને બહારના વાતાવરણ (environment) અથવા બહિર્વિશ્વ(milieu exterieur અથવા exterior)થી અલગ પાડી બતાવ્યું અને પ્રાણીશરીરના વાતાવરણના સંદર્ભે ઉદભવતા સ્વાતંત્ર્યને સ્પષ્ટ કર્યું. તેને કારણે પ્રતિરક્ષા સંદર્ભે કરાતાં વર્ણનોમાં (જીવાણુઓનો) હુમલો, (રોગ સામે) રક્ષણ, આક્રમણકારી (સૂક્ષ્મજીવો) વગેરે વિશિષ્ટ શબ્દપ્રયોગ(metaphor)નો ઉપયોગ થાય છે. ભક્ષકકોષો (phagocytes) આ રીતે પ્રતિરક્ષામાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તેથી સૂક્ષ્મજીવવિદ્યા (microbiology) અને પ્રતિરક્ષાવિદ્યા (immunology) એકબીજાની સામસામેની પ્રક્રિયાઓનાં વિજ્ઞાનો તરીકે સાથે સાથે વિકસ્યાં છે.

20મી સદીના પૂર્વાર્ધમાં પ્રતિરક્ષાવિદ્યામાં રસાયણો(પ્રતિજન – antigen, પ્રતિદ્રવ્ય – antibody તથા તેમની વચ્ચેની પ્રતિક્રિયા  reactionનું મહત્વ સમજાવા માંડ્યું. શરીરનું પ્રતિરક્ષાતંત્ર પોતાના ઉત્પન્ન કરેલા કે ઘડતા – પ્રોટીનના અણુઓને ‘સ્વત્વ’વાળા (self) અને અન્યના પ્રોટીન અણુઓ(દા. ત., જીવાણુ)ને ‘નિ:સ્વત્વ’વાળા ‘non-self’ તરીકે ઓળખે છે. આવા નિ:સ્વત્વવાળા પ્રોટીન અણુઓ પ્રતિજન કહેવાય છે, જેમની સામે પ્રતિરક્ષાતંત્ર ચોક્કસ (specific) પ્રતિકાર કરવા માટે પ્રતિદ્રવ્ય (antibody) બનાવે છે. પ્રતિજન-પ્રતિદ્રવ્ય વચ્ચે પ્રતિક્રિયા થવાથી પ્રતિજન અને તેને ધરાવતા કોષો(દા. ત., જીવાણુ)નો નાશ થાય છે. આ સમગ્ર વિભાવનાના વિકાસે ‘સ્વત્વ’ દર્શાવતા સ્વાભિજ્ઞાન સિદ્ધાંતમતમાં એક વધુ આયામનો ઉમેરો કર્યો છે. શરીરના લસિકાકોષો (lymphocytes) રોગકારી બાહ્યકોષોને ‘ઓળખે’ અને ‘યાદ રાખે’ તે બંને પ્રતિક્રિયાઓએ સંપ્રાપ્ત પ્રતિરક્ષા (acquired immunity) અથવા બહારથી પ્રાપ્ત થયેલી રોગપ્રતિકારકતાની વિભાવના કહે છે. તેઓ ભક્ષકકોષો દ્વારા કોષભક્ષણ (phagocytosis) અને પ્રતિદ્રવ્યરૂપી રસાયણો દ્વારા કોષોના નાશ – એમ બંને પ્રકારના રોગપ્રતિકારક કાર્યમાં સક્રિય રહે છે. પ્રથમ પ્રકારની ક્રિયાને કોષીય (cellular) અને બીજા પ્રકારની પ્રક્રિયાને રાસાયણિક (રાસિક) (humoral) પ્રતિરક્ષા કહે છે.

નીલ્સ જેર્ને(Neils Jerne)એ સન 1974માં પ્રતિરક્ષા-નિયમન માટે એક નવી સંકલ્પના (concept) રજૂ કરી છે. તેને સ્વપ્રકારીય નિજાલક સિદ્ધાંત (idiotypic network theory) કહે છે. તેમાં પ્રતિરક્ષાતંત્રને સ્વનિયમનકારી (self-regulating) તંત્ર માનવામાં આવે છે; જેનાં પ્રતિદ્રવ્યો ફક્ત બાહ્ય પ્રતિજનોને જ નહિ પણ પોતાના ઘટક બનાવતા પ્રતિજનોને પણ ‘ઓળખી’ શકે છે. તેમના મતે કોઈ પણ પ્રતિદ્રવ્ય પ્રતિજન તથા પ્રતિદ્રવ્ય એમ બંનેનું, એટલે કે અનુક્રમે ઓળખધારી (recognised) અને ઓળખકાર(recogniser)નું કે કોઈ એકનું કાર્ય કરી શકે છે. આ સિદ્ધાંતમત માટે ઘણી સાબિતીઓ ઉપલબ્ધ છે; પરંતુ હજુ તે સંપૂર્ણ સ્વીકૃત નથી. જેર્નેના સિદ્ધાંતમતમાં ‘સ્વત્વ અને નિ:સ્વત્વ’(પોતાનાપણું અને પારકાપણું)નું વિભાજન સ્વીકાર્ય રહેતું નથી; પરંતુ પોતાનાં અને બહારનાં પ્રતિજનોની ક્રિયાશીલતાની કક્ષા તેમની સામેની પ્રતિક્રિયા નિશ્ચિત કરે છે. તે સ્વપ્રતિજનો(પોતાના પ્રતિજનો)ને કોઈ ‘માફી’ અપાતી નથી; પરંતુ બહારનાં પ્રતિજનો પર વધુ અસર પહોંચાડાય છે અને તેથી તેમાં તીવ્ર પ્રતિક્રિયા જોવા મળે છે. માટે જેર્નેના સિદ્ધાંતમતમાં ઓછી તીવ્રતાવાળા પ્રતિજનની અસર ‘સ્વત્વ’ દર્શાવે છે અને વધુ તીવ્રતાવાળા પ્રતિજનોની અસર ‘નિ:સ્વત્વ’ અથવા બાહ્યતા (foreign) દર્શાવે છે.

ઇરુન કોહેન (1992, 1994) અને અન્ય સમકાલીન સિદ્ધાંતમતવાદીઓ (theorists) સમજાવે છે કે પ્રતિરક્ષાતંત્ર અને શરીર એકબીજા સાથે જાણે પ્રતિરક્ષાલક્ષી રાસાયણિક અણુઓ(પ્રતિજન-પ્રતિદ્રવ્યો)નો સંવાદ ચાલતો રહે છે અને તેથી તેમની વચ્ચેની પ્રતિક્રિયા સમગ્ર ‘સંવાદ’ના સંદર્ભે થાય છે. તેને ‘અન્વયાન્વિત સંવેદનક્ષમતા’ (contexual sensibility) અથવા પર્યાવરણીય ક્રિયાવિન્યાસ (ecological orientation) કહે છે. કોઈ પ્રતિજન પોતાનું કે બહારનું છે તે સંદર્ભે નહિ પણ સમગ્ર સંવાદના સંદર્ભે પ્રતિદ્રવ્ય સાથે પ્રતિક્રિયામાં જોડાય છે.

આ નવી સંકલ્પનામાં પ્રતિરક્ષાતંત્ર પોતાનું અને પારકું શોધવાનું પોલીસકાર્ય કરતું નથી પણ તે ‘જોખમ’ને શોધીને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. આ જોખમ સૂક્ષ્મજીવી, રાસાયણિક, ભૌતિક વગેરે ગમે તે પ્રકારનું હોઈ શકે.

હાલની પ્રત્યારોપણલક્ષી જીવવિજ્ઞાન અને સ્વપ્રતિરક્ષા-સ્વકોષઘ્નતાના સમયગાળામાં પોતાનું/પારકું (સ્વત્વ/નિ:સ્વત્વનું) – એવું દ્વિભાજન હરહંમેશ સ્વીકાર્ય બનતું નથી. તેથી પ્રતિરક્ષાતંત્રના કાર્યને સમજવા માટે નવાં પ્રારૂપો (models) વિચારાઈ રહ્યાં છે.

પ્રતિરક્ષાલક્ષી ઓળખ (અભિજ્ઞાન, identity) માટે લસિકાકોષો અને પ્રતિદ્રવ્યો તરફ ઘણું ધ્યાન અપાઈ રહ્યું છે; પરંતુ અગાઉના 2 અગત્યના પ્રતિરક્ષાલક્ષી ઘટકો અને ક્રિયાઓને ધ્યાનમાં લઈને તેમને પણ પ્રતિરક્ષાલક્ષી ઓળખની સંકલ્પનામાં સમાવવાં પડે. તે છે પ્રતિરક્ષાપૂરક (completement), જેને અગાઉ પ્રતિદ્રવ્ય-પૂરક (complementary to antibody) કહેવાતું તથા ભક્ષણીયકારક (opsonin) નામનું અવિશિષ્ટ પ્રતિદ્રવ્ય જે સૂક્ષ્મજીવો તથા ઈજાગ્રસ્ત કોષોને જાણીને તેમની આસપાસ એવું આવરણ કરે છે જેથી ભક્ષકકોષો (phagocytes) તેમનું કોષભક્ષણ (phagocytosis) કરી શકે. આ પ્રકારની પ્રતિરક્ષાને જન્મજાત (innate) એટલે કે શરૂઆતથી જ જે છે તેવી પ્રતિરક્ષા કરે છે. તે પ્રથમ હરોળની પ્રતિરક્ષા છે. પ્રતિદ્રવ્યો અને લસિકાકોષો સાથે સંકળાયેલી વિશિષ્ટ પ્રતિરક્ષા પાછળથી પ્રાપ્ત કરેલી એટલે કે સંપ્રાપ્ત (acquired) પ્રતિરક્ષા છે. જન્મજાત પ્રતિરક્ષા સ્વત્વ કે નિ:સ્વત્વ (પોતાનું કે પારકું) એવો ભેદ કરતી નથી. વળી તે કોઈક રીતે લસિકાકોષીય પ્રતિરક્ષાને પણ સંકેત પહોંચાડે છે.

હાલ સ્વત્વ અને નિ:સ્વત્વનો ભેદ પાડવા પ્રતિરક્ષાતંત્ર 3 પ્રકારનાં પ્રતિજનોને પારખવા પ્રયત્ન કરે છે  (1) સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરાતા અને આશ્રયદાતા(host)ના પોતાનાં પ્રતિજનોથી જુદા પ્રકારનાં પ્રતિજનો, (2) પોતાનાં આગવાં જનીનોથી ઉત્પન્ન થતાં વિશિષ્ટ ચયાપચયી દ્રવ્યોરૂપ પ્રતિજનો અને (3) ઈજા કે ચેપથી વિકાર પામેલાં પોતાનાં જ પ્રતિજનો. પ્રથમ પ્રકારનાં પ્રતિજનો સામે પ્રતિક્રિયાથી સૂક્ષ્મજીવો સામે રક્ષણ મળે છે, જ્યારે ત્રીજા પ્રકારનાં પ્રતિજનોનાં મૃત્યુ પામી રહેલા અપપાતી (apoptopic) અને ઈજાગ્રસ્ત કોષોને ઓળખીને તેમને કોષભક્ષણ દ્વારા દૂર કરાવે છે. બીજા પ્રકારનાં પ્રતિજનો કોઈક અટકાવ લાવતી નિગ્રહણકારી (inhibiting) પ્રક્રિયા દ્વારા પોતાના કોષો અને ચયાપચયી દ્રવ્યોને રક્ષણ આપે છે.

આમ વિવિધ સંકલ્પનાઓ, વિભાવનાઓ અને સિદ્ધાંતમતોને કારણે તેમ જ તેમ હોવા છતાં પ્રતિરક્ષાલક્ષી સ્વત્વની સંપૂર્ણ સર્વમાન્ય અને સર્વગ્રાહી વ્યાખ્યા ઉદભવી નથી.

શિલીન નં. શુક્લ