સ્મિથ, વિન્સન્ટ (જ. 3 જૂન 1843, ડબ્લિન, આયરલૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1920, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : આધુનિક ભારતના પ્રતિષ્ઠિત ઇતિહાસકાર. તેમના પિતા એક્વિલ સ્મિથ પ્રાચીન વસ્તુઓના અભ્યાસી હતા. વિન્સન્ટ સ્મિથે ટ્રિનિટી કૉલેજ, ડબ્લિનમાં અભ્યાસ કરીને ડી.લિટ્.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 1871માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા અને જુદા જુદા હોદ્દા પર કામ કર્યું. તેમને પ્રાચીન વસ્તુઓના અભ્યાસ તથા સંશોધનમાં રસ હતો. તેથી ભારતના ઇતિહાસના સંશોધનમાં ઊંડો રસ લીધો અને ભારતના નામાંકિત ઇતિહાસકાર થયા.
ઈ. સ. 1900માં નિવૃત્ત થયા પછી તેઓ ચેલ્ટનહામ (1900–1910) અને ઑક્સફર્ડ(1910–’20)માં રહ્યા. ઑક્સફર્ડમાં તેઓ ઘણાં વર્ષો સુધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા રહ્યા અને કીમતી સેવાઓ આપી. ડૉ. સ્મિથનાં મુખ્ય પ્રકાશનોમાં ‘અશોક, ધ બુદ્ધિસ્ટ એમ્પરર ઑવ્ ઇન્ડિયા’ રુલર્સ ઑવ્ ઇન્ડિયા સિરીઝમાં 1901માં પ્રગટ થયું. અંગ્રેજી ભાષામાં ભારતના રાજા વિશેનો તે પ્રથમ મૉનોગ્રાફ હતો. તેથી તેનો વાચક વર્ગ વિશાળ હતો અને તેની પ્રશંસા થઈ હતી. તેમના પછી ડૉ. ડી. આર. ભાંડારકર, ડૉ. આર. કે. મુખરજી, જે. એમ. મેકફેલ અને રોમિલા થાપર જેવા વિદ્વાનોએ અશોક વિશે ગ્રંથો લખ્યા. આ બધા ગ્રંથોમાં ડૉ. સ્મિથના પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં અશોકના શિલાલેખોનું અંગ્રેજીમાં ભાષાંતર આપવામાં આવ્યું છે.
ડૉ. સ્મિથે ‘ધી અર્લી હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’ નામનો મહત્વનો ગ્રંથ 1904માં પ્રગટ કર્યો. આ ગ્રંથ ભારતના રાજકીય ઇતિહાસની 18 સદીઓની, મહત્વની ઘટનાઓ વર્ણવતો પ્રથમ ગ્રંથ છે. તેમાં તેમણે મુખ્યત્વે રાજકીય ઇતિહાસ આપ્યો છે. તેમણે ઇતિહાસ માટેની માહિતી અતિ પરિશ્રમપૂર્વક ભેગી કરી છે. તેમણે પોતાના સ્રોત તરીકે ઘણુંખરું સિક્કાઓ તથા અભિલેખોનો ઉપયોગ કર્યો છે અને દંતકથાઓને સ્થાન આપ્યું નથી. તેથી તેમની કૃતિ પ્રમાણભૂત બની છે. તેમણે તેમાં ભારતની સાંસ્કૃતિક એકતાને મહત્વ આપ્યું છે અને ઘટનાઓનું વર્ણન તથા તારીખો આપવામાં ચોકસાઈ રાખી છે. તેથી પ્રાચીન ભારતના બનાવોનો ક્રમ નક્કી કરવામાં, આ ગ્રંથ ઘણો ઉપયોગી પુરવાર થયો છે. લેખકે સિક્કાઓ અને શિલાલેખોને આધારે પ્રાચીન ભારતના રાજવંશોની વંશાવળીઓ તથા તેનો ક્રમ નક્કી કરવામાં ઘણી મહેનત કરી છે.
સ્મિથે ભારત પરની સિકંદરની ચડાઈને વધારે પડતું મહત્ત્વ આપ્યું છે, જ્યારે ચન્દ્રગુપ્ત મૌર્ય, સમુદ્રગુપ્ત, હર્ષવર્ધન જેવા સમર્થ સમ્રાટોનું વર્ણન પ્રમાણમાં ટૂંકાવ્યું છે. બ્રિટિશ રાજ પહેલાં ભારતીય રાજકીય એકતા ન હતી એવું તેમનું વિધાન સ્વીકાર્ય નથી. ચન્દ્રગુપ્ત મૌર્ય, અશોક, અકબર અને ઔરંગઝેબના શાસન દરમિયાન રાજકીય એકતા હતી, તે બાબત નોંધવી જોઈએ.
સ્મિથને ભારતની સામાજિક સંસ્થાઓ, વર્ણવ્યવસ્થા, સામાજિક પ્રણાલિકાઓ વગેરે વિશેની જાણકારી અલ્પ હતી. તેમણે ભારતની કલાની પ્રશંસા કરી છે; પરંતુ સમૃદ્ધ સંસ્કૃત સાહિત્યનો તો માત્ર ઉલ્લેખ જ કર્યો છે. વાસ્તવમાં સંસ્કૃત સાહિત્ય તો ભારતનો અતિ મૂલ્યવાન વારસો છે.
ડૉ. સ્મિથનો ‘કૅટલૉગ ઑવ્ ધ કૉઇન્સ ઇન ઇન્ડિયન મ્યુઝિયમ્સ’ ગ્રંથ 1906માં પ્રગટ થયો. પ્રાચીન ભારતના ઇતિહાસ અને સિક્કાનો તલસ્પર્શી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તથા સંશોધકો માટે તે ઘણો ઉપયોગી ગ્રંથ છે. સિક્કા વિશેનું આ અતિ પરિશ્રમપૂર્વક લખેલું પુસ્તક છે. તે પ્રાચીન તથા મધ્યયુગના શાસકોના સિક્કાઓનો હેવાલ આપે છે. તેમાંથી રાજવંશોમાં રાજાઓનાં ખૂટતાં નામ મળે છે અને ઇતિહાસની ખૂટતી કડીઓ તે જોડી આપે છે. ‘એ હિસ્ટરી ઑવ્ ફાઇન આર્ટ્સ ઇન ઇન્ડિયા ઍન્ડ સિલોન’ (ઑક્સફર્ડ, 1911) ગ્રંથમાં ડૉ. સ્મિથે ભારત અને શ્રીલંકાની વિવિધ કલાઓ અને તેના પ્રકારોનો શ્રેષ્ઠ કક્ષાનો હેવાલ આપ્યો છે. તેમણે આ ક્ષેત્રના પોતાના પુરોગામીઓ ડૉ. ફર્ગ્યુસન, ડૉ. બર્ગેસ, ઈ. બી. હેવલ વગેરેની જેમ શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકામ વગેરેનું તલસ્પર્શી અને વિસ્તૃત વિવરણ કર્યું છે. અશોકના સારનાથમાં આવેલા સિંહસ્તંભ વિશે ડૉ. સ્મિથ જણાવે છે કે દુનિયામાં તેના જેવી સુંદર કે ચડિયાતી કલાકૃતિ મળવી મુશ્કેલ છે.
‘અકબર, ધ ગ્રેટ મુઘલ : 1542–1605’ (ઑક્સફર્ડ, 1917) ડૉ. સ્મિથને યશ અપાવનારો તથા દસ્તાવેજી પુરાવા અને સંશોધન પર આધારિત પ્રમાણભૂત ગ્રંથ છે. તેમાં તેમણે પુરાતત્વની માહિતી, તત્કાલીન સાહિત્ય, સમકાલીન દસ્તાવેજો, હસ્તપ્રતો, ફારસી લેખકોના ગ્રંથો વગેરેનો વિવેકયુક્ત ઉપયોગ કર્યો છે. તેમાં તેમણે અકબરના જીવનની બધી અગત્યની ઘટનાઓ, તેની વહીવટી કુશળતા, ધાર્મિક સહિષ્ણુતા, મુત્સદ્દીગીરી વગેરેનું વિશ્લેષણ કર્યું છે.
‘ધી ઑક્સફર્ડ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’ (1918) ગ્રંથમાં ડૉ. સ્મિથે પ્રાચીન સમયથી 1911 સુધીનો ભારતનો ઇતિહાસ લખ્યો છે. આ ગ્રંથના પ્રકાશન પહેલાં, ભારતના પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક આ ત્રણેય યુગ વિશે આટલો વિસ્તૃત અને રસપ્રદ શૈલીમાં, ભારતનો સળંગ ઇતિહાસ કોઈએ લખ્યો ન હતો. આધુનિક સંશોધનોનાં પરિણામો પર આધારિત, સંક્ષિપ્તમાં વિપુલ માહિતી આપનાર આ ગ્રંથ, ભારત તથા અન્યત્ર આવકાર પામ્યો છે. તેમાં મુઘલ બાદશાહો અને તેમના સમયની વિગતો આધારભૂત છે; પરંતુ મરાઠાઓનો ઇતિહાસ અપૂર્ણ છે. લેખક અંગ્રેજ હોવાથી તેમણે અંગ્રેજ ગવર્નર જનરલોનાં કાર્યોને ઘણું મહત્વ આપ્યું છે; પરંતુ તે સમયના ભારતના સમાજસુધારકો, સમાજસેવકો, લોકનેતાઓ વગેરે વિશે અલ્પ માહિતી આપી છે.
વિન્સન્ટ સ્મિથે ભારતનો ઇતિહાસ, કલા, પુરાતત્વ તથા સિક્કાશાસ્ત્ર વિશે દેશનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં અભ્યાસપૂર્ણ લેખો પ્રગટ કર્યા હતા. તેમણે જર્નલ ઑવ્ રૉયલ એશિયાટિક સોસાયટી, જર્નલ ઑવ્ ઇન્ડિયન એન્ટિક્વેરી, જર્નલ ઑવ્ એશિયાટિક સોસાયટી ઑવ્ બંગાલ વગેરે સામયિકોમાં પણ લેખો લખ્યા હતા.
ડૉ. સ્મિથ 19મી સદીમાં બ્રિટનમાં થઈ ગયા હોવાથી ઇતિહાસ વિશેના તેમના વિચારો રાન્કે, મોમ્સેન, ગ્રોટ અને જે. બી. બરી જેવા પ્રસિદ્ધ પાશ્ચાત્ય પંડિતોના વિચારો જેવા હતા. સ્મિથ મુખ્યત્વે પ્રાચીન ભારતના ઇતિહાસકાર હોવાથી તેમણે પરંપરાઓ, સાહિત્યમાં સચવાયેલી ધાર્મિક અને બિનસાંપ્રદાયિક વાર્તાઓ, દંતકથાઓ વગેરેમાંથી સાચો ઇતિહાસ તારવી કાઢવાનો હતો. તેમાંના બનાવોને ઐતિહાસિક હકીકતો તરીકે સ્વીકારતા પહેલાં તેમણે પરીક્ષણ, વિશ્લેષણ, તુલના તથા સંબંધો જોડવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું. તેથી તેમનું ઇતિહાસલેખન એકંદરે વાસ્તવિક, યોગ્ય કક્ષાનું અને પ્રમાણભૂત થયું છે. 19મી સદીમાં ભારતીય ઇતિહાસકારોની રચનાઓ ઘણુંખરું કેટલીક ઘટનાઓ, રાજવંશો, જાતિઓ કે શાસકો પૂરતી મર્યાદિત હતી. આ હકીકત ધ્યાનમાં લેતાં
ડૉ. સ્મિથ પ્રાચીન ભારતનો સળંગ રાજકીય ઇતિહાસ, આધુનિક પદ્ધતિથી લખનાર સૌપ્રથમ ઇતિહાસકાર હતા. ભારતના ઇતિહાસને લગતી વિપુલ સાધનસામગ્રી વેરવિખેર પડી હતી. તેને વ્યવસ્થિત ગોઠવવાનું મહત્વનું કામ સૌપ્રથમ ડૉ. સ્મિથે કર્યું.
ડૉ. સ્મિથે 1910–’20 દરમિયાન ઑક્સફર્ડમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટમાં રહીને ઇતિહાસના ક્ષેત્રે અમૂલ્ય સેવાઓ આપી. તે બદલ 1918માં તેમને સુવર્ણચંદ્રક આપી સન્માનવામાં આવ્યા હતા. તેઓ લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીના સભ્ય અને અલ્લાહાબાદ યુનિવર્સિટીના ફેલો હતા. તેમની વિદ્વત્તાની કદર કરીને 1919માં તેમને સી.આઇ.ઈ.ના ઇલકાબથી નવાજવામાં આવ્યા હતા.
જયકુમાર ર. શુક્લ