સ્મિથ, રૉબિન (જ. 13 સપ્ટેમ્બર 1963, ડર્બન; સાઉથ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ-ખેલાડી. નાનપણથી જ તેઓ એક શક્તિશાળી બૅટધર નીવડે એવી આશા નજરે પડી હતી. હૅમ્પશાયર કાઉન્ટીની ટીમ માટે રમવા માટે તેઓ દક્ષિણ આફ્રિકાથી ઇંગ્લૅન્ડ આવ્યા.

તેઓ વિશ્વના એક સર્વોત્તમ બૅટ્સમૅન તરીકે પ્રસ્થાપિત થયા; 1987માં તેમણે ક્રિકેટ-પ્રવેશ કર્યો ત્યારથી તેઓ ઇંગ્લૅન્ડના એક નિયમિત ખેલાડી બની રહ્યા. બે વર્ષ પછી, ઑસ્ટ્રેલિયા સામે 61.44 રનની સરેરાશથી 553 રન નોંધાવ્યા. તેઓ ક્રિકેટના બૉલને કાતીલ તાકાતથી ફટકારે છે; સ્કવેરની દિશા તેમને વિશેષ ફાવે છે; કટિંગનો સ્ટ્રોક પણ તેમને મનગમતો છે. એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ જ્યારે 1993માં ઑસ્ટ્રેલિયા સામે ખેલાઈ ત્યારે આ જ આક્રમકતાથી તેમણે અણનમ 167 રન નોંધાવ્યા હતા.

રૉબિન સ્મિથ

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 40 ટેસ્ટ 1987–93; 49.32ની સરેરાશથી 2,954 રન; 8 સદી; સૌથી વધુ જુમલો 148 (અણનમ); 29 કૅચ.

(2) 38 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ; 42.20ની સરેરાશથી 2,068 રન; 4 સદી; સૌથી વધુ જુમલો 107 (અણનમ); 18 કૅચ.

(3) પ્રથમ કક્ષાની મૅચ 1980–93; 44.59ની સરેરાશથી 14,806 રન; 35 સદી; સૌથી વધુ જુમલો 209 (અણનમ); 57.58ની સરેરાશથી 12 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 211, 156 કૅચ.

મહેશ ચોકસી