સ્મિથ, ફ્રાન્સિસ સિડની (જ. 1900, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1949) : જાણીતા આંગ્લ પર્વતારોહક. એવરેસ્ટ પરનાં 3 આરોહણ-અભિયાન (1933, 1936, 1938) ટુકડીમાં તે જોડાયા હતા અને તેમણે સૌથી વધુ ઊંચાઈએ ચઢવાનો વિશ્વવિક્રમ હાંસલ કર્યો હતો.

ફ્રાન્સિસ સિડની સ્મિથ

 સ્વિસ-કાંચનજંઘા આરોહણ-અભિયાનના સભ્ય તરીકે 1931માં હિમાલયના કામેટ શિખર પર ચઢવામાં તે સર્વપ્રથમ આરોહક હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે ‘કમાન્ડો માઉન્ટન વૉરફૅર સ્કૂલ’ની આગેવાની સંભાળી. તેમણે પોતાની પર્વતારોહણ પ્રવૃત્તિઓ વિશે કેટલાંક પુસ્તકો લખ્યાં છે અને પર્વત-વિસ્તારોનાં અત્યંત સુંદર અને મોહક ચિત્રોથી તે સમૃદ્ધ અને આકર્ષક બનેલાં છે; આ પુસ્તકોમાં ‘કામેટ કૉન્કર્ડ’ (1932), ‘કૅમ્પ સિક્સ’ (1937) અને ‘ઓવર વેલ્સ હિલ્સ’ (1941) મુખ્ય છે.

મહેશ ચોકસી