સ્મિથ, ડબ્લ્યૂ. યુજિન [. 20 ડિસેમ્બર 1918, વિચિટા, કૅન્ટુકી, અમેરિકા (યુ.એસ.); . 15 ઑક્ટોબર 1978, ટક્સન, એરિઝોના, અમેરિકા (યુ.એસ.)] : લોકચેતનાને સ્પર્શી જાય તેવા ભાવવાહી ફોટોગ્રાફ સર્જવા માટે જાણીતા અમેરિકન ફોટોગ્રાફર. પંદર વરસની ઉંમરથી જ સ્થાનિક અખબારોમાં એક ફોટો-જર્નાલિસ્ટની હેસિયતથી તેમના ફોટોગ્રાફ છપાવા માંડ્યા હતા. કૉલેજમાં અભ્યાસ એક જ વરસ પૂરતો કરી તેને અધૂરો મૂકી એ ન્યૂયૉર્ક નગરમાં ચાલ્યા ગયા, જ્યાં વિશાળ ફેલાવો ધરાવતાં ઘણાં સામયિકોમાં તેમના ફોટોગ્રાફ છપાવા માંડ્યા હતા.

સ્મિથનો પ્રસિદ્ધ ફોટોગ્રાફ : ‘ધ વૉક ટુ પૅરેડાઇઝ ગાર્ડન’

1942માં પ્રસિદ્ધ ‘લાઇફ’ સામયિકમાં યુદ્ધ-પત્રકાર (war correspondent) તરીકે તેઓ જોડાયા. પરિણામે તરાવા, સાઇપાન, ગુઆમ અને આઇવો, જિમા જેવાં પૅસિફિક ક્ષેત્રનાં અગત્યનાં સમરાંગણોના અગત્યના ફોટોગ્રાફ ઝડપ્યા. 1945માં ઓકિના વા પરના હુમલાને ફોટોગ્રાફમાં ઝડપતી વેળાએ એ ગંભીર રીતે ઘવાયા. પરિણામે એ પછીનાં બે વરસમાં એમની પર 32 શસ્ત્રક્રિયાઓ કરવી પડી હતી.

સાજા થયા પછી 1947માં સ્મિથે તેમનો સૌથી વધુ પ્રસિદ્ધ ફોટોગ્રાફ ઝડપ્યો : ‘ધ વૉક ટુ પૅરેડાઇઝ ગાર્ડન’. ગીચ જંગલમાં કેડી પર ચાલતા જતાં બે નાનકડાં બાળકોની પૂઠેથી લીધેલ આ ફોટોગ્રાફ આબાલવૃદ્ધ, ભણેલા–અભણ, સ્ત્રી-પુરુષ, પાશ્ચાત્ય-પૌરસ્ત્ય પ્રકારના સર્વ ભેદભાવને વળોટીને માનવમાત્રને સ્પર્શી જાય તેવો છે. જાણીતા ફોટોગ્રાફર એડવર્ડ સ્ટાઇખેને (Steichen) 1955માં ન્યૂયૉર્ક નગરના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ માટે યોજેલા વિવિધ ફોટોગ્રાફરોની ફોટોગ્રાફ-કૃતિઓના પ્રદર્શન ‘ધ ફૅમિલી ઑવ્ મૅન’માં સ્મિથના આ ફોટોગ્રાફને સામેલ કર્યો હતો. એ પ્રદર્શન પછી દુનિયાનાં ઘણાં નગરોમાં (અમદાવાદ સહિત) યોજાયું હતું.

1947થી સ્મિથે ફરીથી ‘લાઇફ’ સામયિક માટે કામ શરૂ કર્યું. હવે તેમણે એક વિષયકેન્દ્રી ફોટોગ્રાફ-શ્રેણીઓ તૈયાર કરી, જેમાં ‘કન્ટ્રી ડૉક્ટર’ (1948), ‘સ્પૅનિશ વિલેજ’ (1951), ‘નર્સ મિડ્વાઇફ’ (1951) અને ‘મૅન ઑવ્ મર્સી’ (1954) ફોટોગ્રાફ-શ્રેણીઓનો સમાવેશ થાય છે. ‘સ્પૅનિશ વિલેજ’ શ્રેણીમાં ગ્રામજીવનના શ્રમનો મહિમા પ્રકટ થાય છે. ‘નર્સ મિડ્વાઇફ’ તથા ‘મૅન ઑવ્ મર્સી’ જેવી શ્રેણીઓમાં કરુણામૂર્તિ ડૉ. આલ્બર્ટ શ્વાઇટ્ઝરને બીમાર અને લાચાર દર્દીઓની માનવસેવાના કાર્યમાં ખૂંપેલા ઝડપવામાં આવ્યા છે.

1956માં પિટ્સબર્ગ નગરની ફોટોગ્રાફ-શ્રેણી ઝડપવાનું કામ સ્મિથે શરૂ કર્યું. ‘લાઇફ’ સામયિકમાં 1958 દરમિયાન આ ફોટોગ્રાફ-શ્રેણીના હપતા ‘ડ્રામા બિનિધ એ સિટી વિન્ડો’ શીર્ષક હેઠળ છપાયા.

સ્મિથે ઝડપેલી જાપાનની ફોટોગ્રાફ-શ્રેણી 1963માં ‘જાપાન-ચૅપ્ટર ઑવ્ ઇમેજ’ શીર્ષક હેઠળ પુસ્તક આકારે પ્રકાશિત થઈ છે. સ્મિથે જાપાનના એક ગામ મિનામાટાને ઝડપતી ફોટોગ્રાફ-શ્રેણી 1971માં શરૂ કરી. મિનામાટા ગામ નજીકની એક ફૅક્ટરીમાંથી નીકળતા કચરામાં રહેલા પારા(મર્ક્યુરી)ને કારણે ગ્રામજનોના શરીરમાં ઝેર વ્યાપેલ હતું. આ બીમાર ગ્રામજનો સાથે ત્રણ વરસ સુધી રહી સ્મિથે તેમના જીવનની મુશ્કેલીઓનું ફોટોગ્રાફ-શ્રેણી વડે દસ્તાવેજીકરણ કર્યું. 1975માં પ્રકાશિત થયેલી આ ફોટોગ્રાફ-શ્રેણી ‘મિનામાટા’ શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થઈ. ફૅક્ટરીના માલિકોએ જ્યારે સ્મિથનું કામ અટકાવવા અને તેમને મિનામાટામાંથી હાંકી કાઢવા પ્રયત્નો કરેલા ત્યારે સ્મિથ અડીખમ લડત આપીને નૈતિક મૂલ્યને વળગી રહેલા.

અમિતાભ મડિયા